અમદાવાદ: બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થતા 3નાં મોત, 9 ઘાયલ

13 August, 2019 07:29 AM IST  |  અમદાવાદ

અમદાવાદ: બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થતા 3નાં મોત, 9 ઘાયલ

ભારે વરસાદને પગલે અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી જમીનદોસ્ત થઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ આગળ આવી કાટમાળ નીચે દબાયેલા કારીગરોને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ઘટનામાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો જ્યારે છ જણ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. તસવીર : એ.એફ.પી.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓની હાલત ખરાબ થઈ ચૂકી છે, જ્યારે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલાં છે.

વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ખડે પગે છે. ત્યારે અમદાવાદના બોપલમાં એક પાણીની ટાંકી ધરાશાયી થવાના અહેવાલ મળ્યા હતા.

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલની બાજુ આવેલી એક પાણીની ટાંકી ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો છે. પાણીની ટાંકી તૂટી જવાથી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ અકસ્માતમાં હાલમાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે, જ્યારે પાંચ વ્યક્તિને બહાર કઢાઈ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આસપાસના રહીશોએ તંત્રને આ જર્જરીત ટાંકીની અવારનવાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યાં નહોતાં. દરમિયાન સોમવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ આ ટાંકી ધડકાભેર તૂટી ગઈ હતી. ટાંકી તૂટતાં નજીકના ભંગારના ગોડાઉનમાં કામ કરતા મજૂરો દટાયા હતા. હજી પણ કેટલાક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે.

આ અકસ્માતમાં ૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી રેસ્ક્યુ કરી અને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. પાણીની ટાંકીની નજીક એક ભંગારનું ગોડાઉન આવેલું હતું. આ ગોડાઉનમાં કેટલાક લોકો કામ કરી રહ્યા હતા ત્યારે ટાંકી ધડાકાભેર તૂટી પડી હતી. અકસ્માતમાં ગોડાઉનમાં કામ કરતા લોકો દટાયા હતા.

આ પાણીની ટાંકી બોપલના સંસ્કૃતિ ફ્લૅટ નજીક ધરાશાયી થઈ છે. આ ઘટના બાદ ૬ લોકોને બહાર કાઢી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડના કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે એક ટાંકી ધરાશાયી થઈ છે. પાણીની ટાંકી ધરાશાયી થઈ છે, પરંતુ જાનહાનિના સમાચાર નથી. આ ઘટના બાદ પોલીસ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી છે અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી છે.

મરનારામાં રવિ જાટવ, રામહરિ કુશવાહ અને વિક્રમ ભૌમિકનો સમાવેશ થાય છે. બોપલ ખાતે પાણીની ટાંકી તૂટી પડતાં સર્જાયેલી દુર્ઘટના સંદર્ભે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રશિયા ખાતેના પ્રવાસ દરમિયાન અમદાવાદના કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી હતી. દુર્ઘટના વિશે વિગતો મેળવી હતી અને અમદાવાદના કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા અને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે એ માટે સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો : ગુજરાત: એક દિવસના વિરામ પછી ફરી ત્રણ દિવસ વરસાદની આગાહી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહે બોપલ ખાતે પાણીની ટાંકી તૂટી પડતાં સર્જાયેલી દુર્ઘટના બાબતે અમદાવાદના કલેક્ટર તથા સ્થાનિક પદાધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરી દુર્ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી તથા ઈજાગ્રસ્તોને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તેમ જ તેમના પરિવારોને યોગ્ય સહાય મળે એ માટે સૂચનાઓ આપી હતી. બીજેપીના પદાધિકારીઓ અને કાર્યકરોને પણ આ દુઃખની ઘડીએ ઈજાગ્રસ્તોની સાથે રહી તેમને સાંત્વના આપી તમામ પ્રકારની મદદ પહોંચાડવા સૂચના આપી હતી.

gujarat ahmedabad Gujarat Rains