33માંથી 29 બેઠક પર ભગવો લહેરાયો, અમદાવાદની બે બેઠકો કૉન્ગ્રેસને ફાળે

01 January, 2020 09:51 AM IST  |  Gandhinagar

33માંથી 29 બેઠક પર ભગવો લહેરાયો, અમદાવાદની બે બેઠકો કૉન્ગ્રેસને ફાળે

બીજેપી

આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પેટાચૂંટણી યોજાઈ હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ૩૩માંથી ૨૯ બેઠક પર સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ચૂંટણીમાં ભવ્ય વિજય થતાં મુખ્ય પ્રધાન રૂપાણીએ ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ પેટાચૂંટણીના પરિણામ અંગે બે ટ્વીટ કર્યાં હતાં. પ્રથમ ટ્વીટમાં તેમણે લખ્યું, ‘ગુજરાતના અલગ-અલગ વિસ્તારોની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં ૩૩માંથી ૨૯ સીટ પર બીજેપીના ઉમેદવારોને જિતાડવા બદલ જનતાનો અને તમામ કાર્યકર્તાઓનો ખૂબ-ખૂબ આભાર. આ ચૂંટણીનો ભવ્ય વિજય આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની એક ઝલક છે.’

અમદાવાદ જિલ્લા પંચાયતની બે અને વિરમગામ તાલુકા પંચાયતની ૧ બેઠકોનાં પરિણામ સામે આવ્યાં છે જેમાં અમદાવાદ જિલ્લા પંચાયતની બે બેઠકોની પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસનો ભવ્ય વિજય થયો છે જ્યારે વિરમગામ તાલુકા પંચાયતની એક બેઠક પર બીજેપીનો વિજય થયો છે.

રાજકોટ તાલુકા પંચાયતની કુવાડવા બેઠકની પેટાચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર સરોજબેન પીપળિયાનો વિજય થયો છે. તેઓ ૯૨ મતે વિજયી થયાં છે. આ બેઠક પર સંદીપભાઈ ઢોલરિયાનું બીમારીના કારણે અવસાન થતાં પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં બીજેપીએ આ સીટ જાળવી રાખી હતી. તો આ તરફ ખેરગામ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં બીજેપીનો ભગવો લહેરાયો છે. ખેરગામ-૭ બેઠક પર બીજેપીનો ભવ્ય વિજય થયો છે. કૉન્ગ્રેસ પાસેથી બીજેપીએ આ બેઠક આંચકી લીધી છે. બીજેપીના ઉમેદવાર વિજય રાઠોડનો ૧૧૯ મતે વિજય થયો છે.

વિરમગામ તાલુકા પંચાયતની ખાલી પડેલી ઓગણ બેઠકની પેટાચૂંટણીમાં બીજેપીનો વિજય થયો છે. બીજેપીના વિષ્ણુભાઈ જાદવ ૧ હજાર ૩૮૪ મતે વિજયી બન્યા છે.

મેઘરજ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં બીજેપીનો વિજય થયો છે. બાઠીવાડા તાલુકા પંચાયતની બેઠક પર બીજેપીના ઉમેદવાર શાંતાબહેન સિસોદિયા બે હજાર ૧૭૦ મતે વિજયી બન્યાં.

વિસનગર તાલુકા પંચાયતની કાંસા બેઠકની પેટાચૂંટણીમાં બીજેપીના ઉમેદવારની જીત થઈ છે. બીજેપીએ કૉન્ગ્રેસ પાસેથી કાંસા બેઠક આંચકી છે.
વીરપુરમાં તાલુકામાં પંચાયતની ચૂંટણીમાં લીબરવાડા બેઠક પર ભગવો લહેરાયો છે. બીજેપી ઉમેદવાર વાલમસિંહ મોતીસિંહ પરમારે ૬૭૬ મતે જીત મેળવી છે.

વર્ષોથી કૉન્ગ્રેસ શાસિત વાંસદા તાલુકા પંચાયતમાં વર્ષો બાદ બીજેપીની જીત થઈ છે. કૉન્ગ્રેસ પાસેથી તાલુકા પંચાયતની સીટ આંચકી બીજેપીએ ભવ્ય જીત હાંસલ કરી છે. બીજેપીના ઉમેદવાર ૯૪૭ મતે જીત્યા છે. સુરત જિલ્લાની મહુવા તાલુકા પંચાયતની ખરવન અને કોષ બે બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ખરવણ બેઠક પર બીજેપીએ ૨૬૮ મતે જીત મેળવી છે તો કોષ બેઠક પર બીજેપીના બાગી અને અપક્ષ ઉમેદવાર બાલુ પટેલનો ૭૧ મતે વિજય થયો છે. તાલુકા પંચાયતમાં ૨૦ બેઠક પેકી ૧૦ કૉન્ગ્રેસ અને ૯ બીજેપી અને એક અપક્ષે કબજે કરી છે. અપક્ષ ઉમેદવારનું કૉન્ગ્રેસને સમર્થન મળતાં કૉન્ગ્રેસ તાલુકા પંચાયત પર દબદબો જાળવી રાખશે.

gujarat gandhinagar ahmedabad bharatiya janata party Gujarat Congress congress