વરસાદની શક્યતા નહિંવત્, અમદાવાદમાં ગરમી ૩૯ ડિગ્રીને પાર

15 July, 2019 07:48 AM IST  |  અમદાવાદ

વરસાદની શક્યતા નહિંવત્, અમદાવાદમાં ગરમી ૩૯ ડિગ્રીને પાર

અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોમાસું ઍક્ટિવેટ થઈ ગયું છે. જોકે અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મોટા ભાગના વિસ્તારોમાં હજીયે મેઘરાજા મહેરબાન થયા નથી, જેના કારણે ચોમાસાની મોસમમાં પણ અમદાવાદીઓને ગરમીમાં શેકાવું પડ્યું હતું.

૩૯ ડિગ્રી તાપમાનને કારણે અસહ્ય ગરમીથી અમદાવાદીઓ અકળાઈ ઊઠ્યા હતા અને ત્રસ્ત થઈ ગયા હતા. ગાંધીનગરમાં પણ ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિવસ દરમિયાન શહેરી જનોએ આકરો તાપ અને કેટલીક વાર વાદળછાયું વાતાવરણને લીધે બફારો પણ અનુભવવો પડ્યો હતો.

હજી આગામી ૪થી ૫ દિવસ સુધી આ જ પ્રકારે ગરમી અને બફારો અનુભવવો પડે એવી હવામાન ખાતાની આગાહી છે. અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશનને પરિણામે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને દીવ, દમણ દાદરાનગર હવેલીમાં કેટલેક સ્થળે વરસાદનાં હળવાંથી ભારે ઝાપટાં વરસે એવી આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મોટા ભાગે હવામાન એકંદરે સૂકું, આકાશ અંશતઃ વાદળછાયું રહેવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ US Flood:અમેરિકામાં વરસાદે મચાવ્યો કહેર, વ્હાઈટ હાઉસમાં પણ ભરાયા પાણી

ચોમાસાની મોસમમાં જ અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરુણ દેવ રીઝ્યા નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં ૩૯ ડિગ્રી તાપમાન સાથે રહીશો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.

gujarat ahmedabad Gujarat Rains