14 March, 2025 07:03 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં આવેલા દાંડીબ્રિજની સાફસફાઈ કરીને એને ધોઈને ચોખ્ખો કરવામાં આવ્યો હતો. (તસવીર: જનક પટેલ)
ગાંધીબાપુની વિશ્વપ્રસિદ્ધ દાંડીયાત્રાને ગઈ કાલે ૯૫ વર્ષ પૂરાં થયાં હતાં ત્યારે ગાંધીજી જે બ્રિજ પરથી દાંડીકૂચ કરીને આગળ વધ્યા હતા એ અમદાવાદ સ્થિત દાંડીબ્રિજને ગઈ કાલે દાંડીકૂચ દિને સાફસફાઈ કરીને આખા પુલને ધોઈને ચોખ્ખોચણક કરી દેવામાં આવ્યો હતો.
અંગ્રેજ સલ્તનત સામે વિરોધનો બૂંગિયો ફૂંકીને સત્યાગ્રહની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવા ૧૯૩૦ની ૧૨ માર્ચે અમદાવાદમાં આવેલા જગવિખ્યાત સાબરમતી આશ્રમથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દેશને સ્વરાજ અપાવવા માટે દાંડીકૂચ શરૂ કરી હતી. ગાંધીજી સાથે જોડાયેલા ૭૮ સ્વયંસેવકોએ અમદાવાદથી ચાલતાં-ચાલતાં દાંડી સુધી જઈને દાંડીના દરિયાકિનારે મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો અને દેશભરમાં સત્યાગ્રહ થયો હતો. આ દાંડીકૂચે અંગ્રેજ સલ્તનતના પાયામાં લૂણો નાખીને પાયા હચમચાવી મૂક્યા હતા. આખરે દેશ આઝાદ થયો અને સ્વરાજની સ્થાપના થઈ હતી.
સાબરમતી આશ્રમ ખાતે ગઈ કાલે ગુજરાત વિદ્યાપીઠ અને કેટલાંક યુવા સંગઠનો સાથે સાબરમતી આશ્રમ દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યાં હતાં અને સાબરમતીથી દાંડી સુધીની સાઇકલયાત્રા શરૂ કરવામાં આવી હતી.