પારેખ પરિવારના ૪ પેઢીના ૯૩ સભ્યોનું સાસણ ગીર ખાતે બે દિવસનું સ્નેહમિલન

27 April, 2024 04:01 PM IST  |  Somnath | Rupali Shah

એમાં સૌથી મોટા વડીલ ૮૭ વર્ષના અને સૌથી નાનો સભ્ય ૧૬ મહિનાનો છે

પારેખ પરિવાર

આજના બિઝી વર્લ્ડ અને બિઝી શેડ્યુલમાં જુદા-જુદા શહેરમાં વસતા એક જ પરિવારના ૯૩ સભ્યો બે દિવસ સાથે વિતાવે એ ખરેખર આનંદ અને આશ્ચર્યની વાત છે. સ્વ. ચંપાબહેન અમીલાલ પારેખનાં ચાર દીકરા અને ચાર દીકરી મળીને આઠ ભાઈ-બહેનોના વિશાળ પરિવારના ૯૩ સભ્યોએ થોડા દિવસ પહેલાં સાસણ મુકામે ગીર વેરાવળમાં ગેટ ટુગેધર કર્યું હતું. આ સ્નેહમિલનમાં ૪ પેઢી ભેગી થઈ હતી. એમાં સૌથી મોટા વડીલ ૮૭ વર્ષના અને સૌથી નાનો સભ્ય ૧૬ મહિનાનો છે. આ આઠ ભાઈ-બહેનોમાં એક ભાઈ અને ત્રણ બહેન હયાત છે, જેમાંથી એક બહેન તબિયત સારી ન હોવાથી હાજર રહી શક્યાં નહોતાં. મુંબઈ, વડોદરા, નાગપુર, અમદાવાદ, જામનગર, રાજકોટ તેમ જ માંગરોળથી આવીને બધા ભેગા થયા હતા.

આ આયોજનને સારી રીતે પાર પાડવા માટે આઠ સભ્યોની કમિટી નિમાઈ હતી. માંગરોળના કિરણભાઈ અને તેમનાં પત્ની નીપાબહેને બે વખત સાસણ જઈને બધી તપાસ કર્યા બાદ સાસણનો એક રિસૉર્ટ બુક કર્યો હતો. રિસૉર્ટનો ધમાલ ડાન્સ પ્રોગ્રામ માણવા ઉપરાંત ક્રિકેટ, સ્વિમિંગ, કરાઓકે મ્યુઝિક, ગેમ્સ, ગરબા અને પરિવારનાં બાળકોનો વ્યક્તિગત પર્ફોર્મન્સ પણ રાખવામાં આવ્યો હતો. માંગરોળમાં પારેખ પરિવારની એકતા વખણાય છે. આવનારા વડીલોનું બહુમાન કરવામાં આવ્યું ત્યારે તેમની ભીની આંખ અને ચહેરા પર ફરકતી સંતોષની લાગણી જોઈને પારેખ પરિવારના દરેક સભ્યએ વધુ મજબૂતીથી એકમેકના પડખે રહેવાની આતુરતા બતાવી હતી. 

gujarati community news gujarat gujarat news