૧૨૪ પાર્થિવ દેહ સ્વજનોને સોંપાયા

18 June, 2025 08:48 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

વધુ બે સ્થાનિક લોકોનાં મૃત્યુ થયાં : દુર્ઘટનામાં કુલ ૩૦ મેડિકલ સ્ટુડન્ટ્સ ઇન્જર્ડ થયા હતા

અમદાવાદ મેડિકલ અસોસિએશન ખાતે ગઈ કાલે વિમાન-દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ડૉક્ટરો, મેડિકલ સ્ટુડન્ટ્સ તેમ જ અન્ય જીવ ગુમાવનારા આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી અને મૌન પાળ્યું હતું. તસવીર : જનક પટેલ

અમદાવાદમાં બનેલી વિમાન-દુર્ઘટનાની ગોઝારી ઘટનામાં જીવ ગુમાવનારા ૧૬૩ લોકોનાં DNA-સૅમ્પલ મૅચ થયાં છે અને એ પૈકી ૧૨૪ના પાર્થિવ દેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે. જે સ્થળે ઘટના બની ત્યાંના વધુ બે સ્થાનિક લોકોનાં હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન ગઈ કાલે મૃત્યુ થયાં છે.

સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ મીડિયાને કહ્યું હતું કે ‘દુર્ઘટના સમયે હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્મિટ કરાયેલા કુલ ૭૧ પેશન્ટ્સમાંથી બે પેશન્ટ્સનાં મૃત્યુ થયાં છે, જ્યારે બાકીના ૬૯માંથી ૪૨ પેશન્ટ્સને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક દરદીની સ્થિતિ ક્રિટિકલ છે. બાકીના દરદીઓ સારવાર હેઠળ છે. કુલ ૭૧ પેશન્ટ્સ પૈકી ૩૦ મેડિકલ સ્ટુડન્ટ્સને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી હાલ એક સ્ટુડન્ટ સારવાર હેઠળ છે.’ 

અત્યાર સુધીમાં અમદાવાદના ૪૧, વડોદરાના ૧૬, ખેડાના ૧૦, આણંદના ૯, ગાંધીનગરના ૬, ભરૂચના પાંચ, મહેસાણાના પાંચ, દીવના પાંચ, સુરતના ૪, ગીર સોમનાથના ૩, અરવલ્લીના બે, બોટાદના ૧, જૂનાગઢના ૧, અમરેલીના ૧, નડિયાદના ૧, પાટણના ૧, ભાવનગરના ૧, મહીસાગરના ૧, રાજકોટના ૧, મુંબઈના ૩, ઉદેપુરના બે, મહારાષ્ટ્રના બે, જોધપુરના ૧, લંડનના બે પાર્થિવ દેહોને સ્વજનોને સોંપવામાં આવ્યા છે.

ahmedabad plane crash ahmedabad plane crash news gujarat gujarat news