વિધાનસભામાં ગાંધીનગરમાં ચાલી રહેલાં આંદોલનોનો પડઘો પડ્યો

22 September, 2022 08:47 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ ‘કર્મચારીઓને ન્યાય આપો’નો સૂત્રોચ્ચાર કર્યો, કેટલાક વેલમાં ધસી જતાં તેમને સસ્પેન્ડ કરાયા

કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ ગુજરાત વિધાનસભાની બહાર દેખાવો કર્યા હતા

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલાં આંદોલનોનો પડઘો ગઈ કાલે શરૂ થયેલા વિધાનસભાગૃહમાં પડ્યો હતો. કૉન્ગ્રેસે કર્મચારીઓના મુદ્દે ચર્ચા કરવા સમય માગતાં એ નહીં સ્વીકારાતાં હોબાળો મચ્યો હતો અને કૉન્ગ્રેસના વિધાનસભ્યો વેલમાં ધસી જતાં કેટલાકને સસ્પેન્ડ કરાયા હતા. વિધાનસભા પરિસરમાં કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ ‘ન્યાય આપો ન્યાય આપો, કર્મચારીઓને ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.

ગઈ કાલે ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર શરૂ થયું હતું. કૉન્ગ્રેસના વિધાનસભ્યો કર્મચારીઓના આંદોલનના મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા માગતા હતા પરંતુ સમય નહીં ફાળવતાં  ગૃહમાં કૉન્ગ્રેસના વિધાનસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કૉન્ગ્રેસના કેટલાક વિધાનસભ્યોએ ગૃહમાં પ્લૅકાર્ડ સાથે દેખાવો કર્યા હતા અને વેલમાં ધસી આવતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અમિત ચાવડા, ગ્યાસુદ્દીન શેખ, સી. જે. ચાવડા, જિજ્ઞેશ મેવાણી, ગેનીબહેન ઠાકોર, પ્રતાપ દુધાત સહિત કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ વિધાનસભા પરિસરમાં કર્મચારીઓના મુદ્દે લખાણ લખેલા એપ્રન પહેરીને સૂત્રોચ્ચાર કર્યો હતો અને વિધાનસભાનાં પગથિયાં પર બેસીને દેખાવો કર્યા હતા.

કૉન્ગ્રેસના વિધાનસભ્ય અમિત ચાવડાએ આક્ષેપ કરતાં મીડિયાને કહ્યું હતું કે ‘પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાથી સરકાર ભાગે છે. બે દિવસનું ટૂંકું સત્ર બોલાવવામાં આવે છે. ગુજરાતના ૩૦ જેટલા વિભાગોનાં કર્મચારી સંગઠનો પોતાના હક-અધિકાર માટે રસ્તા પર ઊતરીને લડત લડી રહ્યાં છે. કર્મચારીઓના પ્રશ્નોની ચર્ચા કરવા કૉન્ગ્રેસે માગ કરી તો એના માટે સમય નથી. કર્મચારીઓની માગણીઓ પર એક કલાકની ચર્ચા થવી જોઈએ એવી માગણી કરતાં અમારા વિધાનસભ્યોને સસ્પેન્ડ કર્યા.’

ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ આક્ષેપ કરતાં મીડિયાને કહ્યું હતું કે કૉન્ગ્રેસ છેલ્લાં પાંચ વર્ષમાં એક પણ વખત કર્મચારીઓના પ્રશ્નોને લઈને સરકાર પાસે આવી નથી. આ ચૂંટણીનું વર્ષ છે એટલે કૉન્ગ્રેસને કર્મચારીઓ અને તેમના પ્રશ્નોને વાચા આપવા માટેનો ભાવ જાગ્યો છે. ચૂંટણીનું વર્ષ હોવાથી કૉન્ગ્રેસ કર્મચારીઓના પ્રશ્નોને રાજકીય સ્વરૂપ આપી રહી છે.

gujarat gujarat news Gujarat Congress congress