ગુજરાતથી રૂઠ્યા મેઘરાજા!, ગયા વર્ષ કરતા 10 % જેટલા વરસાદની ઘટ

18 July, 2019 12:48 PM IST  |  અમદાવાદ | ફાલ્ગુની લાખાણી

ગુજરાતથી રૂઠ્યા મેઘરાજા!, ગયા વર્ષ કરતા 10 % જેટલા વરસાદની ઘટ

ગુજરાતથી રૂઠ્યા મેઘરાજા!

ગુજરાતમાં વરસાદની અછતે ચિંતામાં વધારો કર્યો છે. એક તો ચોમાસું મોડું શરૂ થયું. શરૂઆતમાં વાયુ વાવાઝોડાના કારણે વરસાદ આવ્યો પરંતુ તે બાદ જાણે મેઘરાજા દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારને ભૂલી જ ગયા છે. 15 જુલાઈ સુધીમાં રાજ્યમાં માત્ર 23.98 % જ વરસાદ પડ્યો છે. જે ગયા વર્ષ કરતા લગભગ 9 % જેટલો ઓછો છે. આ આંકડાઓ ખરેખર ચિંતાજનક છે.

કચ્છ
કચ્છ ગુજરાતનો એવો વિસ્તાર છે જ્યાં વરસાદ ઓછો પડે છે. આસપાસ રણ હોવાના કારણે ત્યાં વરસાદ નથી પડતો. પાણીની અહીં હંમેશા તંગી રહે છે. એમાં પણ આ વખતે સ્થિતિ વધારે ખરાબ છે. 15 જુલાઈ 2019 સુધીમાં કચ્છમાં 25મિમી એટલે કે 1 ઈંચ જેટલો જ વરસાદ પડ્યો છે. જ્યારે વર્ષ 2018માં 15 જુલાઈ સુધીમાં 1.30 % વરસાદ પડ્યો હતો. વાયુ વાવાઝોડાના કારણે આ વરસાદ પડ્યો હતો.

ઉત્તર ગુજરાત
ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરનો સમાવેશ થાય છે. જ્યાં જૂન 2019માં વાયુ વાવાઝોડાના કારણે વરસાદ પડ્યો હતો. 15 જુલાઈ સુધીમાં 18.32 % વરસાદ પડ્યો છે. જ્યારે 2018 જુલાઈ 15 સુધીમાં 14.54% વરસાદ પડ્યો હતો.

મધ્ય ગુજરાત
અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર, દાહોદની વરસાદની સ્થિતિ હવે જોઈએ. તો અહીં 15 જુલાઈ 2018 સુધીમાં સરેરાશ સવા આઠ ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. જે 25 % જેટલો હતો. જ્યારે 15 જુલાઈ 2019માં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જે 23 % જેટલો છે.

સૌરાષ્ટ્ર
આ વખતે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ઘણો ઓછો વરસાદ પડ્યો છે. અહીં સરેરાશ વરસાદની વાત કરીએ તો 15 જુલાઈ 2019 સુધીમાં 5 ઈંચ એટલે કે 19.30% જેટલો વરસાદ પડ્યો છે. જો આ જ સમયની વર્ષ 2018ની વાત કરીએ તો 8 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. જે 31 % જેટલો હતો.

દક્ષિણ ગુજરાત
મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં મહેરબાન થયો છે. સતત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જુલાઈ 15, 2018 સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 27 ઈંચ વરસાદ પડ્યો હતો. જે 48.14% જેટલો હતો. જ્યારે 2019ની 15 જુલાઈ સુધીમાં 17.20  ઈંચ વરસાદ પડ્યો છે. જે 30.80% જેટલો છે.

આ પણ વાંચોઃ Assam Flood: પૂરને કારણે જીવન-મરણનો જંગ લડી રહ્યા છે લોકો, 43 લાખ લોકોને અસર

રાજ્યના સરેરાશ વરસાદના આંકડાઓ જોઈએ તો 15 જુલાઈ 2018 સુધીમાં 32.32 % વરસાદ પડી ચુક્યો હતો. જે સરેરાશ 10.55 ઈંચ જેટલો હતો. જ્યારે આ વર્ષે 24% જેટલો વરસાદ જ પડ્યો છે.

ahmedabad kutch surat rajkot Gujarat Rains gujarat