૧૧ કલાક, ૪૨ મિનિટ, ૯૦ કિલોમીટર

03 October, 2022 04:11 PM IST  |  Mumbai | Varsha Chitaliya

વિદેશની ધરતી પર તિરંગો લહેરાવી આવેલા બોરીવલીના વિનોદ જૈન એવા જૂજ મુંબઈકરમાંના એક છે જેમણે સાઉથ આફ્રિકામાં યોજાતી વિશ્વની સૌથી લાંબી અલ્ટ્રા-મૅરથૉન આટલા સમયમાં ફિનિશ કરી બતાવી છે

વિનોદ જૈન

અલ્ટિમેટ હ્યુમન રેસ ટૅગલાઇન ધરાવતી આ દોડમાં ભારતના ૨૦૦ દોડવીરો સહિત વિશ્વના ૭૦ દેશોમાંથી કુલ ૧૫ હજાર દોડવીરોએ ભાગ લીધો હતો

૧૦ કિલોમીટર મૅરેથૉન ૧૫ વખત, ૨૦ હાફ મૅરેથૉન, ૭ ફુલ મૅરેથૉન અને ૪ અલ્ટ્રા- મૅરેથૉનમાં દોડી ચૂકેલા બોરીવલીના વિનોદ જૈન ગયા મહિને સાઉથ આફ્રિકાની ૯૦ કિલોમીટર લાંબી અલ્ટ્રા-મૅરેથૉન દોડી આવ્યા. મજાની વાત એ કે હજી તેમણે ૨૦૧૫થી જ દોડવાનું સ્ટાર્ટ કર્યું છે અને એમાંય બે વર્ષ કોવિડનાં ઇવેન્ટ વગરનાં ગયા હતાં. આ સમયગાળામાં તેમણે ૧૦૦, ૧૫૦ અને ૨૦૦ કિલોમીટર સાઇક્લિંગ પણ કરી છે. સહ્યાદ્રિ રેન્જના લગભગ તમામ ટ્રૅક્સ, મરખા વૅલી ટ્રૅક તેમ જ માઉન્ટ એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી ટ્રૅકિંગ કરવાનો અનુભવ છે. કોઈ પણ ઇવેન્ટ ફિનિશ કર્યા વિના પાછા ન ફરવું એવો તેમનો વણલખ્યો નિયમ બનાવી ચૂકેલા વિનોદભાઈ સાથે આજે મુલાકાત કરીએ.

ઇવેન્ટ શું હતી?

સાઉથ આફ્રિકાની કૉમરેડ્સ અલ્ટ્રા-મૅરથૉન વિશ્વની સૌથી લાંબી અને સૌથી જૂની રેસ છે. ઑટોમોબાઇલનો બિઝનેસ ધરાવતા ૫૧ વર્ષના વિનોદભાઈ માહિતી આપતાં કહે છે, ‘ઇવેન્ટની ટૅગલાઇન અલ્ટિમેટ હ્યુમન રેસ અમસ્તી નથી રાખી. એને દુનિયાની શ્રેષ્ઠતમ અને કઠિન મૅરથૉન માનવામાં આવે છે. ૪૨ કિલોમીટરની ફુલ મૅરથૉન ૪ કલાક અને ૫૦ મિનિટમાં પૂરી કરીને બતાવો ત્યારે તમે આ રેસ માટે ક્વૉલિફાય થાઓ છો. સાઉથ આફ્રિકાના સેન્ટ પીટરમેરિટ્ઝબર્ગથી દોડ શરૂ થઈ ડરબનમાં પૂરી થાય છે. દોડમાં ભાગ લીધા બાદ છ પડાવ પાર કરવા પડે છે. આખો રસ્તો પહાડોની વચ્ચેથી પસાર થાય છે. પહાડ ચડવા-ઊતરવામાં તમારી શારીરિક ક્ષમતાની કસોટી થાય છે. એક પહાડ ચડીને ઊતરો ત્યાં સામે બીજો પહાડ આવી જાય એમાં તમારી માનસિક કસોટી પણ થાય. ૯૦ કિલોમીટરની દોડ ૧૨ કલાકમાં પૂરી કરવી પડે. સવારે ૫.૩૦ વાગ્યે દોડ શરૂ થાય ત્યારે તાપમાન ૬થી ૮ ડિગ્રી હોય છે. બપોરે તાપમાનનો પારો ૨૦ ડિગ્રી સુધી પહોંચી જાય. આ દોડમાં ભારતના ૨૦૦ દોડવીરો સહિત વિશ્વના ૭૦ દેશોમાંથી કુલ ૧૫ હજાર દોડવીરોએ ભાગ લીધો હતો. મારી જાણકારી મુજબ મુંબઈમાંથી માત્ર બે રનરે પાર્ટિસિપેટ કર્યું હતું, જેમાંથી એક હું હતો.’

ચિયર અપ

ઉપરોક્ત મૅરેથૉનમાં દોડવાનું સપનું સાકાર કરવા છ મહિનાથી પૂર્વતૈયારી ચાલતી હતી એમ જણાવતાં તેઓ કહે છે, ‘૯૦ કિલોમીટર દોડવા માટે સ્ટેમિના જોઈએ. અઠવાડિયામાં ચાર દિવસ નૅશનલ પાર્કમાં ગાંધી ટેકરી અને કાન્હેરી કેવ્સ સુધી દોડવાની પ્રૅક્ટિસ કરી. બાકીના બે દિવસ એક્સરસાઇઝ કરતો. ક્વૉલિફાય થયો એ દિવસે ખુશીનો પાર ન રહ્યો. મુંબઈમાં આપણને ઠંડી સહન કરવાની ટેવ ન હોય તેથી ચાર-ચાર જૅકેટ પહેરીને દોડવાનું સ્ટાર્ટ કર્યું. જેમ-જેમ તાપમાનનો પારો ઊંચે ગયો અને દોડવાના કારણે શરીરમાં ગરમાટો આવ્યો એમ જૅકેટ ઉતારતો ગયો. આખો રૂટ જંગલ અને પહાડોમાંથી પસાર થતો હોવાથી પ્રાકૃતિક સૌંદર્યનો નજારો જોવા મળ્યો. દોડવીરોનો ઉત્સાહ વધારવા રસ્તાની બન્ને બાજુ હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. આફ્રિકન પ્રજા આ ઇવેન્ટને તહેવારની જેમ સેલિબ્રેટ કરે છે. ભારતીય દોડવીરોને જોઈને તેઓ ભારત માતા કી જય અને ગણપતિબાપ્પા મોરિયા બોલતા હતા. ઘણા મંજીરા વગાડીને તો કેટલાક શંખનાદ કરીને અમારો જુસ્સો વધારતા હતા. આપણા દેશ માટેનો પ્રેમ અને આવું સ્વાગત જોઈને ગદ્ગદ થઈ ગયો. આ રેસ મેં ૧૮ મિનિટ વહેલી એટલે કે ૧૧ કલાક ૪૨ મિનિટમાં પૂરી કરી હતી.’

ટર્નિંગ પૉઇન્ટ

દોડવાની શરૂઆત કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં વિનોદભાઈ કહે છે, ‘ફિટનેસ પ્રત્યે હંમેશાંથી સજાગ હતો. વર્ષોથી મૉર્નિંગ વૉકની ટેવ હતી. ૨૦૦૭માં મુંબઈમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મૅરથૉન (હવે તાતા) સ્ટાર્ટ થઈ ત્યારે વિચાર આવ્યો કે દોડવું જોઈએ. એ વખતે ૧૦ કિલોમીટર દોડ્યો હતો. મૅરથૉનનો માહોલ જોઈ રનિંગમાં ઇન્ટરેસ્ટ પડ્યો. એ વખતે લાઇનમાં ઊભા રહી ઑફલાઇન ફૉર્મ ભરવા પડતાં. એમાં ચાન્સ ન મળતાં ગૅપ થઈ ગયો. જોકે, પ્રૅક્ટિસ વગર પોસિબલ નથી એ પણ સમજાયું. ૨૦૧૫માં રનર્સના ગ્રુપ સાથે જોડાયા બાદ લાઇફ ચેન્જ થઈ ગઈ. પ્રૉપર પ્રૅક્ટિસ સાથે વસઈ-વિરાર હાફ મૅરથૉનમાં ભાગ લીધો. ત્યાર બાદ પોતાની જાતને મૅરથૉન-રનર તરીકે પ્રસ્થાપિત કરવા કમર કસી. સ્ટેમિના અને સ્ટ્રેન્ગ્થ વધતાં ગયાં એમ જુદી-જુદી ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવા લાગ્યો. એનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો. તાતા મુંબઈ મૅરથૉન ઉપરાંત વસઈ-વિરાર, થાણા, સાતારા, લદાખ વગેરે જગ્યાએ દોડી આવ્યો છું. મારો ટાર્ગેટ મેડલ નહીં, ફિનિશ લાઇન હોય છે. રનિંગ ઉપરાંત સાઇક્લિંગ અને ટ્રૅકિંગમાં પણ રસ છે. ૨૦૧૭થી ૧૦૦, ૧૫૦, ૨૦૦ કિલોમીટરની સાઇક્લિંગ ઇવેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે. કલસુબાઈ સહિત મહારાષ્ટ્રના સહ્યાદ્રિ રેન્જના મોટા ભાગના ટ્રૅક્સ કર્યા છે. ટ્રૅકિંગનાં ટેક્નિકલ પાસાંને સમજવા ઉત્તરકાશી જઈને કોર્સ કર્યો. માઉન્ટ એવરેસ્ટના બેઝ કૅમ્પ સુધી ટ્રૅકિંગ કરી શક્યો એ પણ સ્વપ્નથી કમ નથી.’

 દોડવીરોનો ઉત્સાહ વધારવા રસ્તાની બન્ને બાજુ હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા. ભારતીય દોડવીરોને જોઈને આફ્રિકાના લોકો ભારત માતા કી જય અને ગણપતિબાપ્પા મોરયા બોલતા હતા. ઘણા મંજીરા વગાડીને તો કેટલાક શંખનાદ કરીને અમારો જુસ્સો વધારતા હતા. : વિનોદ જૈન

મિશન લેહ-લદાખ

વિશ્વની સૌથી લાંબી અલ્ટ્રા-મૅરથૉન પૂરી કરવાનું સ્વપ્ન સાકાર કર્યા બાદ હવે વિનોદભાઈએ દુનિયાની સૌથી ઊંચાઈએ યોજાતી લેહ-લદાખ અલ્ટ્રા-મૅરથૉનમાં ૭૨ કિલોમીટર દોડવાનું લક્ષ્ય રાખ્યું છે અને એ માટેની પૂર્વતૈયારીઓ શરૂ કરી દીધી છે. 

columnists travel news travelogue south africa Varsha Chitaliya