ગુજરાતમાં ફાલી રહ્યું છે તીર્થ ટૂરિઝમ

15 May, 2022 01:20 PM IST  |  Mumbai | Shailesh Nayak

ચાલો, આજે જોઈએ ગુજરાતનાં ધાર્મિક સ્થળોની ટૂરિઝમ યાત્રા તરફની સફર ક્યાં પહોંચી છે...

અંબાજી ગબ્બર પર શરૂ કરાયેલો લેસર ઍન્ડ સાઉન્ડ શો

થોડા સમય પહેલાં અંબાજીને એશિયાના શ્રેષ્ઠ તીર્થ ટૂરિઝમનો અવૉર્ડ મળ્યો છે. આ કંઈ એમ જ નથી. ગુજરાત સરકારે આયોજનપૂર્વક અહીંનાં યાત્રાધામોને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરવા માટે કમર કસી છે. અંબાજી અને સોમનાથનાં મંદિરો પછી હવે પાવાગઢ, માતાનો મઢ, ખાટલા ભવાની, મહારુદ્રાણી જાગીર, કોટેશ્વર મહાદેવ, મહાપ્રભુજીની બેઠક, કંથારપુર જેવાં આસ્થાનાં સ્થળોને આધ્યાત્મિકતા ઉપરાંત પ્રવાસનનો નવો ઓપ આપવાના પ્રયાસ હાથ ધરાયા છે. ચાલો, આજે જોઈએ ગુજરાતનાં ધાર્મિક સ્થળોની ટૂરિઝમ યાત્રા તરફની સફર ક્યાં પહોંચી છે...

ભારતની પ્રાચીન ૫૧ શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ અંબાજીને હમણાં શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો અવૉર્ડ મળ્યો છે. આ કંઈ નાનીસૂની વાત નથી. ઇન ફૅક્ટ અત્યારે ગુજરાતમાં પૌરાણિક અને ઐતિહાસિક યાત્રાધામોને એની આધ્યાત્મિકતાને અખંડ રાખીને યાત્રાધામ ટૂરિઝમનો એક નવો કન્સેપ્ટ ડેવલપ થઈ રહ્યો છે. શ્રદ્ધા અને આસ્થાથી એમ કહેવાય છે કે ગુજરાતમાં જ્યાં માતાજીનાં બેસણાં છે, ભગવાને જ્યાં સ્વયં પગલાં પાડ્યાં છે એ સહિતનાં યાત્રાધામોને રિનોવેટ કરવાની સાથે આજના સમયને અનુરૂપ યાત્રીઓ અને સહેલાણીઓ માટે ત્યાં સુવિધા ઊભી કરવામાં આવી છે જેને કારણે શ્રેષ્ઠ યાત્રા ટૂરિઝમનો અવૉર્ડ એને મળ્યો છે. હા, શક્તિપીઠ અંબાજી રળિયામણું હતું, છે અને રહેશે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જોશો તો આ શક્તિપીઠ પહેલાં કરતાં વધુ રળિયામણી લાગે છે, યાત્રાધામ સોમનાથ વધુ સોહામણું બન્યું છે, તો મહાકાળી માતાજીનો પાવાગઢ હવે એક નવા લુક સાથે તૈયાર થઈ રહ્યો છે. ગુજરાતમાં ઘણાં બધાં મંદિરો હવે અંબાજીની જેમ ડેવલપ થઈ રહ્યાં છે અને ડેવલપ થવા જઈ રહ્યાં છે. આધુનિકતાના આ દોરમાં યાત્રાધામોમાં વડીલોની સાથે પરિવારના સભ્યો દર્શન કરવા જાય ત્યારે બાળકો કે યંગ જનરેશન કંટાળે નહીં એ માટે તેમ જ ફૅમિલીના દરેક સભ્યને પણ ધ્યાનમાં લઈને યાત્રાધામોનાં તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવે, ગાર્ડનિંગ હોય, મનોરંજનનાં સાધનો હોય, આસપાસ જોવાલાયક સ્થળો હોય એ બધી વસ્તુઓનું એક આખું પૅકેજ તૈયાર કરવાનું કામ અલગ-અલગ મંદિરોમાં થઈ રહ્યું છે. મંદિરના સત્તાવાળાઓ સાથે સ્થાનિક વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે આધ્યાત્મિકતાની અલખ જગાવતાં પૌરાણિક અને ઐતિહાસિક મંદિરોને એની ઓળખને ખલેલ પહોંચાડ્યા વિના નવો ઓપ આપવાની સાથે આ યાત્રાધામોનો ટૂરિઝમની દૃષ્ટિએ પણ વિકાસ થાય એ માટે આયોજન હાથ ધર્યાં છે.

મંદિરનું રીસ્ટોરેશન કરવા ઉપરાંત મંદિર પરિસરનું ડેવલપમેન્ટ, ઇતિહાસને આવરી લેતા લેસર ઍન્ડ સાઉન્ડ શો, વાવ–કુંડ-તળાવોનું બ્યુટિફિકેશન, ગાર્ડનિંગ, પ્લે એરિયા, યાત્રીઓ માટે મંદિર સુધી પહોંચવાના સુઘડ રસ્તા, પગથિયાં, રહેવા-જમવા સહિત આસ્થાનાં કેન્દ્રો સ્વચ્છ અને સુઘડ બની રહ્યાં છે, જ્યાં આધ્યાત્મિકતાની સાથે પરિવારના સભ્યો માટે આનંદપ્રમોદનું નજરાણું પણ બની રહે એ દિશામાં કામગીરી હાથ ધરાઈ છે.

આસ્થાનું કેન્દ્ર અંબાજી 
દેશ-વિદેશના માઈભક્તો હંમેશાં જ્યાં આવીને જગદ જનની મા અંબાના ચરણે નમન કરે છે એ શક્તિપીઠ અંબાજીને તાજેતરમાં અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો અવૉર્ડ એનાયત થયો છે એ વિશે વાત કરતાં અંબાજી મંદિરના વહીવટદાર આર. કે. પટેલ અને મીડિયા કો-ઑર્ડિનેટર આશિષ રાવલ કહે છે, ‘ટૂરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા, ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોનામાં આપેલી સેવા અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપવા બદલ અવૉર્ડ એનાયત થયો છે. અંબાજીમાં ટૂરિઝમના ક્રાઇટેરિયા સૅટિસ્ફાય થયા છે. પ્રસાદ-વ્યવસ્થા સારી હોય, દર્શન-વ્યવસ્થા સારી હોય, ૫૧ શક્તિપીઠ મહોત્સવ થયો એમાં અંદાજે દોઢ લાખ શ્રદ્ધાળુઓ આવ્યા તેમને માટેની પાર્કિંગ-વ્યવસ્થા, સ્થાનિકો માટે ધંધા-રોજગારની સુવિધા ઊભી થઈ અને આધ્યાત્મિકતાની સાથોસાથ ટૂરિઝમ ડેવલપ કર્યું એ માટે આ અવૉર્ડ મળ્યો છે.’
અંબાજીની નજીક આવેલા કોટેશ્વર મંદિરનું ડેવલપિંગ પણ હાથ ધરાયું છે. કોટેશ્વર મહાદેવનું મંદિર પૌરાણિક મંદિરોમાંનું એક છે અને એનું રિનોવેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

નવા લુક સાથે પાવાગઢનું મંદિર
ભાવિકોના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા શક્તિપીઠ પાવાગઢમાં હમણાં યાત્રીઓ માટે કંઈકેટલીય સુવિધાઓનું કામ ચાલી રહ્યું છે. મહાકાળી માતાજીનાં દર્શન કરવા જતા માઈભક્તોને સુવિધા મળી રહે એ માટેનાં કામ થઈ રહ્યાં છે ત્યારે ગુજરાતના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદી કહે છે, ‘અનેક પ્રકારનાં નવાં સ્ટ્રક્ચરને કારણે નવો લુક અને નવું પાવાગઢનું મંદિર જે આવનારા દિવસોમાં તમામ પ્રવાસીઓનું, દર્શનાર્થીઓનું અને યાત્રાળુઓનું એક વધુ સાધન, સગવડ, સવલત ધરાવતું કેન્દ્ર થશે.’

પાવાગઢમાં ડેવલપિંગનાં અનેકવિધ કાર્યો હાલમાં ચાલી રહ્યાં છે એની વાત કરતાં પાવાગઢ મંદિરના ટ્રસ્ટી વિનોદ વરિયા કહે છે, ‘હાલોલથી તમે માચી સુધી જાઓ તો પહેલાં સિંગલ ટ્રૅક માર્ગ હતો, પણ હવે હાલોલથી માચી સુધી ફોર લેન રોડ ફુટપાથ સાથે તૈયાર થયો છે, જેથી યાત્રીઓને જવા-આવવામાં સરળતા રહે. માચીથી મંદિર સુધી જવા માટે પહેલાં એક જ માર્ગ હતો અને એ સાંકડો હતો, જેથી જ્યારે યાત્રીઓની ભીડ હોય ત્યારે આવવા-જવામાં તકલીફ રહેતી હતી. જોકે હવે ૯ મીટર પહોળાઈ સાથે પગથિયાં બનાવ્યાં છે તેમ જ ગઢ ઉપર જવા માટે અને નીચે ઊતરવા માટે પગથિયાંની વચ્ચે રેલિંગ મૂકીને અલગ-અલગ પગથિયાં બનાવ્યાં છે જેથી યાત્રીઓને સરળતા રહે. માચીમાં પહેલાં કન્ઝેસ્ટિવ એરિયા હતો એ ખુલ્લો કરાયો છે અને અહીં પહેલી વાર ચોક બનાવવામાં આવી રહ્યો છે જેથી યાત્રીઓ બેસી શકે, સંઘવાળા આવે તો તેઓ ગરબે ઘૂમી શકે એવો ચોક અહીં બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મહાકાળી માતાજીના મંદિર પરિસરને વિશાળ બનાવાયો છે જેથી માઈભક્તો સરળતાથી માતાજીનાં દર્શન કરી શકે. આ પરિસરમાં મંદિરની ફરતે હવે મોટી સંખ્યામાં ભક્તો ઊભા રહી શકે એવો વિશાળ પરિસર તૈયાર થયો છે. અહીં યજ્ઞશાળા બનાવવામાં આવશે. દૂધિયા તળાવનું બ્યુટિફિકેશન ચાલી રહ્યું છે. ગાર્ડન-લુક આપીને યાત્રીઓ અહીં બેસી શકે એ રીતે પાથવે સાથેની સુવિધાનું કામ ચાલી રહ્યું છે.’ 

પૌરાણિક નારાયણ સરોવર અને ત્રિવિક્રમરાયજી મંદિર
કચ્છમાં આવેલા પૌરાણિક નારાયણ સરોવર અને ત્રિકમરાયજીના મંદિર સાથે કિલ્લાના રિનોવેશન અને રીસ્ટોરેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે જેની વાત કરતાં નારાયણ સરોવર જાગીરનાં ગાદીપતિ સોનલ લાલજી કહે છે, ‘આપણાં શાસ્ત્રો પ્રમાણ આપે છે કે ભારતનાં મુખ્ય ચાર સરોવરો જેમાં પંપા સરોવર, બિન્દુ સરોવર, માન સરોવર અને અહીંનું નારાયણ સરોવર. દક્ષપ્રજાપતિના માનસપુત્રોએ અહીં તપશ્ચર્યા કરી હતી અને વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા હતા. વિષ્ણુ ભગવાનના જમણા પગના અંગૂઠાથી અહીં પાણી પ્રગટ થયું અને સરોવરનું સર્જન થયું હતું. આ પૌરાણિક તીર્થસ્થાન છે. શ્રદ્ધાળુઓની આસ્થા હજી પણ સચવાઈ રહી છે. ચૈત્ર અને કારતક મહિનામાં સર્વ પિતૃ તર્પણ કરવા લોકો આવે છે અને તીર્થના કાંઠે મોક્ષની પ્રાપ્તિ કરાવી શકાય છે. આ સરોવરની ખૂબી એ છે કે ચારે તરફ દરિયો છે અને વચ્ચે મીઠા પાણીનું આ સરોવર છે, જે વરસાદથી ભરાય છે. નારાયણ સરોવર પાસે ત્રિવિક્રમરાયજીનું મુખ્ય મંદિર છે, જે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે, ચતુર્ભુજ સ્વરૂપે છે જે ભાવિકોમાં ત્રિવિક્રમરાયજી તરીકે ઓળખાય છે. ૧૭૯૦માં કચ્છનાં મહારાણીએ આ મંદિરનો પાયો નાખ્યો હતો. આ મંદિરનો જીર્ણોદ્ધાર તેમ જ નારાયણ સરોવરના ડેવલપિંગનું કામ સરકાર દ્વારા હાથ ધરાશે. અહીં નજીકમાં મહાપ્રભુજીની બેઠક છે એનું પણ કામ હાથમાં લીધું હતું અને એ પૂરું થવાના આરે છે. કિચન અને ડાઇનિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. તાજેતરમાં આને માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક પણ યોજાઈ હતી અને એમાં અમારા બધાના અભિપ્રાય લેવાયા હતા.’

જંગલમાં આવેલું મહારુદ્રાણી જાગીર મંદિર 
તમે કચ્છમાં ભુજથી ધોરડો તરફ જાઓ ત્યારે અંદાજે ૧૪ કિલોમીટર દૂર પૌરાણિક ઇતિહાસ ધરાવતી મહારુદ્રાણી જાગીર આવે છે. આ સ્થળ મન મોહી લે એવું છે. નીરવ શાંતિ વચ્ચે તમે જ્યારે આ શ્રદ્ધાના કેન્દ્રમાં પહોંચો ત્યારે મનને સુકૂનનો અહેસાસ થાય એવી આ જગ્યાએ આવેલા આ મંદિરને ડેવલપ કરવા માટે આયોજન ચાલી રહ્યું છે જેની વાત કરતાં મહારુદ્રાણી જાગીરના મહંત લાલગિરિબાપુ કહે છે, ‘આ પૌરાણિક અને ઐતિહાસિક જગ્યા છે જે જંગલમાં આવી છે. હજી આ જગ્યાનો એટલો વિકાસ થયો નથી, પણ યાત્રીઓ આવી રહ્યા છે. ૩૫૦ વર્ષ જૂના રુદ્રાણી માતાજીના આ મંદિરમાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી માથું ટેકવવા આવે છે. આ મંદિરના રિનોવેશન સહિત પ્રાથમિક ડેવલપમેન્ટનું કામ થશે. અહીં કલરકામ, ફ્લોરિંગ, મંદિર સુધીનો અપ્રોચ રોડ, ચિલ્ડ્રન પ્લે એરિયા, પાર્કિંગ, બ્યુટિફિકેશન સહિતનાં કામ થવાનાં છે. રાણીવારસની જગ્યાનું બ્યુટિફિકેશન પણ હાથ ધરાશે.’

માતાના મઢનું મેકઓવર
કચ્છમાં જ્યાં મા આશાપુરા હાજરાહજૂર છે એ આસ્થાના અને શ્રદ્ધાના ઐતિહાસિક સ્થાન સમા માતાના મઢનું ઓવરઑલ ડેવલપમેન્ટ કાર્ય હાથ ધરાયું છે. આશાપુરા માતાજીનું મંદિર, પાર્કિંગ, એક્સ્ટર્નલ એરિયા ડેવલપમેન્ટ, ડાઇંગ ફૅસિલિટી, રૂપરાય તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે; જેમાં પ્લે એરિયા, ગઝીબો, ડેક, તળાવની ફરતે પાથવે સહિતની સુવિધા, વૉટર મૅનેજમેન્ટ, ચાચરા કુંડનું રીડેવલપમેન્ટ, માતાના મઢ ગામની મુખ્ય સ્ટ્રીટનું બ્યુટિફિકેશન પણ હાથ ધરાયું છે. આ ઉપરાંત માતાના મઢ પાસે આવેલા ખાટલા ભવાની મંદિરનું પણ રીડેવલપમેન્ટ કરવામાં આવશે.

મિની કબીર વડ એટલે કંથારપુર વડ

ગુજરાતના પાટનગર ગાંધીનગરથી તમે દહેગામ તાલુકા તરફ જાઓ તો તમને રસ્તામાં ઘેઘૂર વડની ચારે તરફ વિશાળ જગ્યામાં ફેલાયેલી વડવાઈઓ દેખાશે. પહેલી નજરે તો એમ જ લાગે કે અહીં કેટલાં બધાં વડનાં વૃક્ષ હશે, પણ ના એવું જરાય નથી. ઍક્ચ્યુઅલી અહીં અડધા એકરથી વધુ જગ્યામાં એક જ મહાકાય વડની વડવાઈઓ ફેલાયેલી છે. આ જગ્યા એટલે કંથારપુર વડ. વિશાળ માત્રામાં ફેલાયેલી વડવાઈઓ અને એનો છાંયડો પ્રકૃતિ અને પર્યાવરણપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. કહેવાય છે કે કંથારપુર વડ ૫૦૦ વર્ષ જૂનો છે અને એને લોકો મિની કબીર વડ તરીકે પણ ઓળખે છે. આ વડ નીચે મહાકાળી માતાજીનું મંદિર છે જ્યાં ભાવિકો દર્શન કરવા આવે છે. કંથારપુર વડને જોવા માટે કંઈકેટલાય પ્રવાસીઓ આવે છે ત્યારે આ સ્થળને પ્રવાસન ધામ તરીકે વિકસાવાઈ રહ્યું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અહીં નયનરમ્ય લૅન્ડસ્કેપિંગ, ધ્યાન યોગ માટેની જગ્યા, એક્ઝિબિશન હૉલ, પાથવે, ગેધરરિંગ એરિયા સહિતની પ્રવાસનને લગતી સુવિધાઓ વિકસાવવાની કામગીરી શરૂ કરી છે.

columnists gujarat shailesh nayak