જય તુલસી માતા... હરિ કે શીશ વિરાજત... જય તુલસી માતા...

30 November, 2023 09:15 AM IST  |  Mumbai | Alpa Nirmal

સનાતન ધર્મના દરેક મંદિરમાં તુલસીનો ક્યારો અચૂક હોય છે, પરંતુ તમે તુલસી માતાનું અલાયદું મંદિર ક્યાંય જોયું? યસ, વૃંદા માતાનું મંદિર મોજૂદ છે, મુકામ પોસ્ટ : જલંધર

વૃંદા માતાનું મંદિર

આપણા માટે પાંચ નદીઓથી સમૃદ્ધ પંજાબનું સાઇટ-સીઇંગ ફક્ત ચંડીગઢ અને અમ્રિતસર પૂરતું જ છે. વાઘા બૉર્ડર, જલિયાંવાલા બાગની વિઝિટ કરીએ, રૉક ગાર્ડન, રોઝ ગાર્ડનની મુલાકાત લઈએ, સુખના લેકમાં બોટિંગ કરીએ એટલે પંજાબનું ફરવાનું પૂર્ણ. તો ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કરીએ અને મનસા દેવીના ચરણસ્પર્શ કરીએ એટલે તીર્થાટન પણ ઓવર.

બટ બૉસ! હકીકતે પંજાબ યશ ચોપડાની ફિલ્મોમાં બતાવાય છે એના કરતાં વિશેષ સુંદર છે. અહીં હર્યાંભર્યાં ખેતરો અને હૃષ્ટપુષ્ટ નદીઓ તો છે જ એ સાથે સરસોં દા સાગ ઔર મક્કે દી રોટી માટે ફેમસ રાજ્યમાં તીર્થાટન અર્થે પણ કેટલાંક પૌરાણિક અને યુનિક મંદિરો છે. જલંધરમાં આવેલા વૃંદા મંદિરની જ વાત કરોને. અહીં પવિત્ર ગણાતા તુલસીના છોડનો માતા સ્વરૂપનો મઢ છે, જે કદાચ વિશ્વભરમાં એકમાત્ર છે.

ગયા ગુરુવારે જ તુલસીજીના વિષ્ણુ ભગવાન સાથે વિવાહ થયા છે. એ અવસરે આ અઠવાડિયે આપણે ઊપડીએ સ્પોર્ટ્સ ટાઉન જલંધરના વૃંદાદેવી મંદિરે...

તુલસી વૃંદામાતાનું નેક્સ્ટ સ્વરૂપ છે અને એની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ વાતથી મોટા ભાગના વાચકો અવગત હશે જ. છતાંય આ હરિપ્રિયાના જન્મની વાત અહીં ફરીથી કરીએ, કારણ કે આ ભૂમિ તુલસીનું જન્મસ્થળ છે. તો ઊપડીએ પૌરાણિક કાળમાં... જ્યારે ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જીવંત અને હાજરાહજૂર હતા.

ભગવાન ઇન્દ્ર આમ તો સર્વે દેવતાઓના રાજા અને મહાશક્તિશાળી. તેમને એક વખત વિચાર આવ્યો કે હું આટલો મહત્ત્વનો હોવા છતાંય મનુષ્યો કે દેવો મને ભગવાન તરીકે નથી પૂજતા. બ્રહ્મા, વિષ્ણુ, શંકરની જે રીતે આરાધના, ઉપાસના કરે છે એ રીતે મારી પૂજા નથી કરતા. તેમને થયું કે ચાલો બ્રહ્મા તો સૃષ્ટિના સર્જનહાર છે એટલે તેમની પૂજા થાય એ સ્વાભાવિક છે. એ જ રીતે સૃષ્ટિના સંરક્ષક હોવાથી વિષ્ણુની અર્ચના કરાય એ પણ વિદિત છે. પણ ત્રિનેત્રધારી શિવ તો વિનાશના દેવ છે. તોય કેમ તેમની આટલી બોલબાલા? આવું વિચારી ઇન્દ્રે નક્કી કર્યું કે હું કૈલાસવાસી સાથે યુદ્ધ લડીશ અને દુનિયાની સામે સાબિત કરી દઈશ કે હું પાર્વતી પતિથી બહેતર છું, શક્તિમાન છું. ઇન્દ્ર મહારાજા તો એ તોરમાં પહોંચ્યા કૈલાસ. આ બાજુ નટરાજને પોતાની ધ્યાનની શક્તિથી ખ્યાલ તો આવી ગયો હતો કે ઇન્દ્ર શા કારણે મળવા આવી રહ્યા છે. તેથી તેમણે પોતાને એક સામાન્ય દરવાનના રૂપમાં તબદિલ કરી નાખ્યા. ઇન્દ્રે ત્યાં પહોંચી દ્વારપાળને કહ્યું કે મને શંકરને મળવું છે અને સાબિત કરી દેવું છે કે હું વધુ તાકાતવર છું. એ સાંભળી એ ચોકીદારે ઇન્દ્ર મહારાજને કહ્યું કે, ‘તમે શિવ સાથે લડવા આવ્યા છો પણ તેમની રક્ષાની જવાબદારી મારી છે તો પહેલાં મારી સાથે યુદ્ધ કરો અને જીતી જાઓ તો શિવજીને મળી લેજો.’

દ્વારપાળની આવી ખુલ્લી ચૅલેન્જ સાંભળી ઇન્દ્રે તેની સાથે યુદ્ધ આદર્યું. એક પ્રહાર ઇન્દ્ર મહારાજ કરે, વળતો પ્રહાર દરવાનનો આવે. થોડા સમય પછી ઇન્દ્ર દેવને લાગ્યું કે દરવાન વધુને વધુ બળવાન થઈ રહ્યો છે સાથે તેનો ક્રોધ પણ વધી રહ્યો છે. એક સમયે ચોકીદારે ઇન્દ્રને એવો ધક્કો માર્યો કે તેઓ પડી ગયા. ત્યારે ઐરાવતના સ્વામીને એહસાસ થયો કે આ કોઈ સાધારણ રખેવાળ નથી, આ તો ખુદ મહાદેવ છે. તેમણે ઊઠીને શિવજીની માફી માગી. ચંદ્રશેખરે આંખો બંધ કરી પોતાના ક્રોધને શાંત તો કર્યો પણ એ જ વખતે ગંગાધારીના ત્રીજા નેત્રમાંથી એક તેજપુંજ નીકળ્યો અને ઝડપથી સમુદ્રમાં સમાઈ એક શિશુના સ્વરૂપમાં બદલાઈ ગયો. જોર-જોરથી ઊછળતી સમુદ્રની લહેરો વચ્ચે એ એનાથીયે વધુ જોરાવર અવાજે રુદન કરવા લાગ્યો. તેનો વિલાપ સૃષ્ટિના દેવ બ્રહ્માજીએ સાંભળ્યો અને તેમણે બાળકને ત્યાંથી ઊંચકી લીધો.

બાળકને ઊંચકતાં તેણે બ્રહ્માજીના દાઢીના વાળ ખેંચ્યા. નાનકડા બાળકનું બળ એટલું વિરાટ હતું કે બ્રહ્માજીની આંખમાં પાણી આવી ગયાં અને તેમણે બાળકને જલંધર નામ આપ્યું. જલંધર - આંખમાં જળ લાવી દેનારું. જોકે અન્ય મત પ્રમાણે સાગરના જળમાંથી પ્રગટ થયો એટલે તેનું નામ જળ + અંદર = જલંધર પડ્યું.

જેમ જલંધર મોટો થતો ગયો તેની તાકાત વધતી ગઈ. એમાં અસુરોના ગુરુ શુક્રાચાર્યે જલંધરને કેળવણી આપી આથી તે તાકાતવરની સાથે ઘમંડી પણ થઈ ગયો. દેવતાઓને એમ હતું કે બ્રહ્માજી તેને લાવ્યા છે આથી તે દેવોને સાથ આપશે પરંતુ અસુર ગુરુના માર્ગદર્શનને કારણે જલંધર રાક્ષસ ગણનો રાજા બનવા ચાહતો હતો. લગ્નયોગ્ય થતાં કાલનેમિ નામક અસુર, ‘જે રિશ્તે મેં રાવણ કે ચાચા લગતે થે’ની પુત્રી વૃંદા સાથે લગ્ન કર્યાં. અત્યંત બુદ્ધિમાન અને સુંદર વૃંદા રાક્ષસની પુત્રી ખરી પણ વિષ્ણુ ભગવાનની પરમ ભક્ત. જલંધરની શક્તિથી અંજાઈ વૃંદાએ તેની સાથે લગ્ન કર્યાં અને એ બાદ દેવી સમાન વૃંદાની યોગ શક્તિ અને પતિ ધર્મ ભળતાં જલંધરની શક્તિ વધી ગઈ અને તે મહાબલી થઈ ગયો. સર્વશક્તિમાન બનતાં તેણે ત્રણેય લોકના નાથ બનવાનું નક્કી કર્યું અને દેવલોકમાં આક્રમણ કરી ઇન્દ્રને પરાસ્ત કર્યા. ત્યાર બાદ તે વૈકુંઠમાં હુમલો કરવા આગળ વધી રહ્યો હતો ત્યારે લક્ષ્મીજી પ્રગટ થયાં અને શ્રીદેવીએ જલંધરને સમજાવ્યો કે આપણે બેઉ સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં છીએ એટલે આપણે ભાઈ-બહેન કહેવાઈએ. આ સાંભળી તે ત્યાંથી પરત જતો રહ્યો.

થોડા સમય બાદ જલંધર પોતાનો દરબાર ભરી બેઠો હતો ત્યારે નારદમુનિ ત્યાં પધાર્યા અને જલંધરનાં ભરપેટ વખાણ કરી નારદમુનિએ સ્વભાવગત મમરો મુક્યો કે જલંધર અહીં તારી પાસે આટલું બધું છે. છતાંય સુંદરતમ કૈલાસના સ્વામી બીજા કોઈ છે. રૂપ-રૂપનો અંબાર સમી પાર્વતી અઘોરી બાવાની ધર્મપત્ની છે. તારો બધો વૈભવ એ ખૂબસૂરત ધરતી અને પાર્વતીની દિવ્યતા સામે વામણી છે. જલંધર નારદની આવી વાતોમાં આવી ગયો અને કૈલાસ પર ચઢાઈ કરવા પહોંચી ગયો. તે મહાબલી હતો જ વળી તેની સાથે પત્ની વૃદાંની ઊર્જા હતી એટલે પોતાના જનક એવા શંકરને તે કાંટેં કી ટક્કર આપી રહ્યો હતો. શિવગણ તેમ જ આશુતોષ અને જલંધર વચ્ચે લાંબો સમય ઘર્ષણ ચાલ્યું.

બીજી બાજુ જ્ઞાની વિષ્ણુજી તો જાણતા જ હતા કે બળમાં જલંધરને કાબૂ કરવો કઠિન છે, કારણ કે સ્વશક્તિ સાથે વૃંદાનું સાતત્ય તેની સાથે છે. એટલે તેમણે એક યુક્તિ કરી. એક દિવસ જલંધરનો માયાવી વેશ ધારણ કરી તેઓ વૃંદા પાસે પહોંચી ગયા. વૃંદાને થયું યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે અને મારા પતિ પરત આવી ગયા છે. તે વિષ્ણુના માયાવી રૂપ સાથે પત્નીની જેમ રહેવા લાગી અને તેનું પતિવ્રતા વ્રત તૂટી ગયું. થોડા સમય બાદ વૃંદાને આભાસ થઈ ગયો કે પોતે જેને પતિ માની રહી છે તે વિષ્ણુ છે. ત્યારે રોષમાં વૃંદાએ વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો અને પોતે આત્મદાહ કરી સતી બની ગઈ. અને એ રાખ ઉપર એક છોડ ઊગ્યો એ પવિત્ર તુલસીનો છોડ. આમ તુલસી દેવી વૃંદાનું સ્વરૂપ છે, જેને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીથી પણ અધિક પ્રિય માને છે.

સો, તીર્થાટન પ્રેમીઓ, પંજાબનું જલંધર એ સ્થળ છે જ્યાં એક સમયે જલંધર રાજાનું રમણીય રાજ્ય હતું અને આ એ જ ભૂમિ છે જ્યાં તુલસીનો જન્મ થયો છે. કાલાંતરે પણ તુલસી એટલાં જ પાવન છે અને વૃંદાદેવી મંદિર પણ એટલું જ પ્રચલિત અને પૂજનીય છે. કહેવાય છે કે એક સમયે આ શહેરની આજુબાજુ ૧૨ તળાવો હતાં અને નાવમાં બેસીને એ સિટીમાં જવાતું. એ જ  રીતે અહીં આ મંદિરના પરિસરમાં એક પ્રાચીન ગુફા હતી જે છેક હરિદ્વાર સુધી જતી હતી. આજે અહીં બારે મહિના દર્શનાર્થીઓ પધારે છે અને માન્યતા છે કે અહીં સળંગ ૪૦ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી દરેક મનોકામના સિદ્ધ થાય છે. તુલસી વિવાહના અવસરે અહીં રંગારંગ મહોત્સવ ઊજવાય છે જેમાં સ્થાનિકો સહિત આજુબાજુનાં ગામો, શહેરોથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ભાગ લે છે. એ જ રીતે પંજાબી અને ઉત્તર ભારતીયોમાં પ્રચલિત તહેવાર કરવા ચોથના દિવસે અનેક સ્ત્રીઓ અહીં સદા સુહાગન રહેવા સાથે પતિની લાંબી આવરદા માટે પણ દુઆ કરવા આવે છે.

જલંધર રેલ્વે સ્ટેશનનથી લગભગ બે કિલોમીટરના અંતરે શહેરના કિશનકોટ ચંદમાં આવેલા આ મંદિરનું બાંધકામ અર્વાચીન છે પરંતુ એ પંજાબી પિંડનું સૌથી પ્રાચીન મંદિર છે. મંદિરમાં રહેવા-જમવાની સગવડ નથી પરંતુ આખાય શહેરમાં ઢગલો એક હોટેલ્સ અને રેસ્ટોરાં છે. એ સાથે મુંબઈથી અમૃતસર ડાયરેક્ટ હવાઈ સેવા છે જે બે કલાકમાં ગોલ્ડન ટાઉન અંબરસર પહોંચાડી દે છે અને ત્યાંથી જલંધરનું ડિસ્ટન્સ છે ઓન્લી ૮૩ કિલોમીટર. એ જ રીતે કૅપિટલ ટાઉન ચંડીગઢથી પણ જલંધર ૧૫૦ કિલોમીટર છે. ત્યાંથી પણ અનેક પરિવહન સેવા ઉપલબ્ધ છે. બાકી ભારતનાં વિવિધ રાજ્યોની માટીની મહેક લેતાં-લેતાં, વિશિષ્ટતાઓ, ખાણી-પીણી માણતાં-માણતાં જલંધર જવું હોય તો મુંબઈથી ૩ ડાયરેક્ટ ટ્રેનો છે જે ૨૮થી ૩૮ કલાક લે છે પણ આપણા દેશની અસલી ઓળખ કરાવે છે.

સતીની ૫૧ સિદ્ધ શક્તિપીઠોમાં પંજાબની એકમાત્ર સિદ્ધ પીઠ અહીંના મા ત્રિપુરામાલિની ધામમાં છે જ્યાં શ્રી દેવી તાલાબ મંદિરમાં સતીનું ડાબું સ્તન પડ્યું હતું. આ વિરાટ મંદિરમાં દર શુક્રવારે ભજન સંધ્યાનું આયોજન થાય છે અને અહીં ખીરનો ભોગ ધરાવાય છે.

પૉઇન્ટ ટુ બી નોટેડ

travel travelogue travel news culture news life and style columnists alpa nirmal