ભારતના કોઈ પણ શહેરમાં ઓછામાં ઓછી એક વ્યક્તિને હું ઓળખું જ છું

19 January, 2023 06:24 PM IST  |  Mumbai | Jigisha Jain

મિતાલીનું કહેવું છે કે એકલા ફરવા જવાની મજા જ જુદી છે. એમાં તમે તમારી મરજી મુજબ તમને જે પ્રમાણે એક્સપ્લોર કરવું હોય એ કરી શકો છો.

મિતાલી સોની

એવું કહેવું છે ઘાટકોપરમાં રહેતી ૩૩ વર્ષની સોલો ટ્રાવેલર મિતાલી સોનીનું. એકલપંડે નવી-નવી જગ્યાઓ ખૂંદનારી મિતાલી ઉત્તરાખંડની વૅલી ઑફ ફ્લાવર્સની ટ્રિપને બેસ્ટ માને છે. તેનું કહેવું છે કે  હિમાલયને ફૂલોની રંગબેરંગી ચાદર ઓઢીને સૂતો જોવાનો લહાવો સૌએ ઝડપી લેવાે જોઈએ
 
મિતાલીનું કહેવું છે કે એકલા ફરવા જવાની મજા જ જુદી છે. એમાં તમે તમારી મરજી મુજબ તમને જે પ્રમાણે એક્સપ્લોર કરવું હોય એ કરી શકો છો.

‘હું ફક્ત ૨૦ વર્ષની હતી જ્યારે ડિક્સલ વૉટરફૉલ પર વૉટરફૉલ રેપલિંગ કરવા ગઈ હતી. આ ઍડ્વેન્ચર સાંભળવામાં જેટલું જોરદાર લાગે છે એટલું જ અઘરું હોય છે. ત્યાં હું મરતાં-મરતાં બચી છું. નાનપણથી મને ઊંચાઈ અને પાણીનો ડર હતો જ અને એ દિવસથી મારી અંદર એ ડર સ્ટ્રૉન્ગ થયો હતો. પરંતુ એમ ડરીને જિવાતું નથી. એ ડરને દૂર કરવો મારા માટે ટાસ્ક બની ગયો. મારા સતત અવિરત પ્રયાસથી ઊંચાઈનો ડર તો મારી અંદરથી કાઢી શકી છું પરંતુ પાણીનો ડર હજી પણ થોડો રહી ગયો છે. એક વસ્તુની મને ખબર છે કે મારે ક્યાંય રોકાવું નથી, આગળ વધવું છે. કોઈ પણ જાતનો ડર મને ટ્રાવેલથી કે ઍડ્વેન્ચરથી દૂર નહીં રાખી શકે.’

આ શબ્દો છે ૩૩ વર્ષની ફાઇનૅન્શિયલ પ્લાનર મિતાલી સોનીના. મિતાલી પોતાની જાતને એક એક્સપલોરર ગણાવે છે, કારણ કે તેને નવી-નવી જગ્યાઓને એક્સપ્લોર કરવું ગમે છે. આ હાદસાનાં ૩ વર્ષ સુધી મિતાલી કશે જ ગઈ નહીં પરંતુ પોતાના ડરથી લડીને તે એકલી કલસુબાઈ ટ્રેક કરવા ગઈ અને એ ટ્રેક પછી તેના જીવનમાં પર્વતો ઘર કરી ગયા. ભૈરવગઢ, રતનગઢ, વિસાપુર, કલાવંતી દુર્ગ, નાનેઘાટ, કોરીગઢ, અંધારબન જંગલ ટ્રેક, સંધાન વૅલી, ડ્યુક્સ નોઝ, દેવકુંડ વૉટરફૉલ, બેકરે વૉટરફૉલ જેવી જગ્યાઓએ ચોમાસામાં ટ્રેક પર જવાનું રૂટીન તેણે છેલ્લાં ૧૦-૧૨ વર્ષથી એકદમ જાળવી રાખ્યું છે. સહ્યાદ્રિના પર્વતો સાથે મિત્રતા કૉલેજમાં હતી ત્યારથી જ શરૂ થઈ. પોતાનો અનુભવ વર્ણવતાં મિતાલી કહે છે, ‘સહ્યાદ્રિનો દરેક ટ્રેક તમને એક જુદું લર્નિંગ આપી જાય છે. ભલે તમે પહાડ ચડતા ન હો, પણ શરૂઆત જો સહ્યાદ્રિથી કરો તો અનુભવનું ભાથું ઘણું વિશાળ મળે. ફક્ત સહ્યાદ્રિ પણ પૂરેપૂરો ખૂંદવો હોય તો અઘરો છે. કોશિશ તો એ જ છે કે એને પૂરો કવર કરી શકું. ચોમાસાના ચારે મહિના એક પણ વીક-એન્ડ ખાલી ન જવા દેવાની કોશિશ રહે છે મારી, કારણ કે આ એ સમય છે જયારે સહ્યાદ્રિ ખૂબ સુંદર લાગે છે એની સાથે-સાથે અમુક જગ્યાએ એ ખૂબ કઠિન ટ્રેકિંગ પણ બની જતું હોય છે.’ 

સોલોની મજા 

ગોવા અને કર્ણાટકના કુર્ગની યાત્રા દરમિયાન તેણે ત્યાંની અનૂઠી જગ્યાઓ શોધી અને પોતાની ટ્રિપને યુનિક બનાવી હતી. સહ્યાદ્રિ સિવાય ધરમશાળામાં આવેલા મૅક્લોડગંજનો ટ્રીયુન્ડ ટ્રેક અને ઉત્તરાખંડનો વૅલી ઑફ ફ્લાવર્સ ટ્રેક પણ તેણે કર્યો છે જેમાં ઉત્તરાખંડની તેની ટ્રિપ એક સોલો ટ્રિપ હતી. યુથ હૉસ્ટેલ અસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા આ ટ્રિપ પ્લાન કરવામાં આવી હતી જેમાં મિતાલીએ સોલો ટ્રાવેલ કરવાનો નિર્ણય લીધો હતો. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘એવું નથી કે મને મિત્રો સાથે ફરવું નથી ગમતું, પણ એકલા ફરવા જવાની મજા જ જુદી છે. એમાં તમે તમારી મરજી પ્રમાણે રહી શકો છો. તમને જે પ્રમાણે એક્સપ્લોર કરવું હોય એ મુજબ કરી શકો છો. શરૂઆતમાં ઘરેથી પણ એકલા ફરવા નહોતા જવા દેતા, પણ પછી ધીમે-ધીમે તેમને વિશ્વાસ આવ્યો કે હું મારું ધ્યાન રાખી શકું એમ છું એટલે હવે ચિંતા ઓછી કરે છે.’ 

કૉલિંગ 

ઉત્તરાખંડની ટ્રિપ વિશે વાત કરતાં મિતાલી કહે છે, ‘મેં નક્કી કર્યું હતું કે હું પહેલાં દિલ્હી જઈશ. ત્યાંથી રોડ જર્ની કરીને પછી દેહરાદૂન પહોંચવાનું હતું. પરંતુ હું દિલ્હી હતી ત્યારે મારા ટૂર-ઑપરેટરે જણાવ્યું કે હું જે બૅચમાં જવાની હતી એ કૅન્સલ થયો છે. એના આગલા બૅચમાં એ લોકો મને સમાવી શકશે પરંતુ એ માટે તાત્કાલિક દેહરાદૂન પહોંચવું જરૂરી હતું. ટૅક્સી દ્વારા હવે નહીં જવાય. દેહરાદૂનની છેલ્લી ફ્લાઇટ મને મળી. હું ભાગી. ૪૫ મિનિટની અંદર જ આ બધું થયું. માંડ હું ફ્લાઇટ પકડી શકી. પરંતુ એ ફ્લાઇટ પકડ્યા પછી મને ખબર હતી કે મારે આ ટ્રેક કરવાનો જ છે. એ સંકેત મને મળી ચૂક્યો હતો, કારણ કે લૉજિકલી એ શક્ય જ નહોતું કે હું ત્યાં પહોંચી શકું. ટ્રેકર્સ એવું માનતા હોય છે કે પહાડ બોલાવે ત્યારે જ તમે ત્યાં જઈ શકો છો. કદાચ આ કૉલિંગ જ હતું, જેને કારણે ભાગતાં-ભાગતાં પણ હું ત્યાં પહોંચી ગઈ.’ 

દેહરાદૂનથી નીકળીને મિતાલી ટ્રૂપ સાથે હૃષીકેશ પહોંચી. ત્યાંથી બીજા દિવસે વહેલી સવારે તેઓ ઔલી જવા નીકળી ગયા હતા. હૃષીકેશથી ઔલી ૯ કલાકનો રસ્તો છે. જોશીમઠ પાસે તેઓ એક હૉસ્ટેલમાં રોકાયા, જેના વિશે વાત કરતાં મિતાલી કહે છે, ‘બધી જગ્યાએ ભાગમભાગ જ હતી. અમે હૉસ્ટેલમાં ૧૦ મિનિટ પણ રોકાય શકીએ એમ નહોતા, કારણ કે ઔલીની કેબલ કાર બંધ થઈ જાત. છેલ્લી કેબલ કારમાં અમે દોડતાં-દોડતાં પહોંચ્યાં. ઔલી સ્કીઇંગ માટે જાણીતી જગ્યા છે જે ૨૮૦૦ મીટરની ઊંચાઈ પર આવેલું છે. ત્યાંથી નંદાદેવી, જે ભારતની બીજા નંબરની ઊંચી ચોટી છે એને જોઈ શકાય છે. એની આજુબાજુ આવેલી પર્વતમાળાને જુદા-જુદા ઍન્ગલથી જોઈએ તો જુદી-જુદી પ્રતિકૃતિઓ લાગે. એમાં એક ઍન્ગલથી સૂતેલી સ્ત્રીની પ્રતિકૃતિ મને ખૂબ ગમી ગયેલી.’

આ પણ વાંચો : માસ્ટરશેફમાં છવાઈ ગયાં આપણાં ગુજ્જુબેન

પ્રકૃતિ 

ઔલીથી વૅલી ઑફ ફ્લાવર્સનું ચડાણ શરૂ થાય છે એની વાત કરતાં મિતાલી કહે છે, ‘આ જગ્યાએ જુલાઈથી ઑક્ટોબર મહિના સુધીમાં જ જવાતું હોય છે. બાકીના મહિનાઓમાં હિમાલય બરફથી ઢંકાયેલો હોય અને આ મહિનાઓ દરમિયાન એ આખો ફૂલોથી ઢંકાયેલો કે લીલી ચાદર ઓઢીને સૂતેલો દેખાય. આ એક યુનેસ્કો હેરિટેજ સાઇટ પણ છે. આ જગ્યાએથી એક પથ્થર પણ તમે ઊંચકીને ન લઈ જઈ શકો. એક પાંદડું કે ફૂલ પણ નહીં. આ જગ્યાએ જે પણ છે એ આ જગ્યાની જ માલિકીનું છે. તમે સાથે લઈ જઈ શકો બસ, એ સ્થળની યાદો અને કેટલાક ફોટોગ્રાફ્સ. એ વિશે વાત કરતાં મિતાલી કહે છે, ‘આ જગ્યાની સુંદરતા વિશે જેટલું કહો એટલું ઓછું. આ વૅલી કુદરતી રીતે એવી બની છે જાણે સુંદર મજાનો બગીચો તૈયાર કર્યો હોય. એકસરખાં ફૂલો એકસાથે તેમણે ઉગાડ્યાં નથી, પરંતુ કુદરતી રીતે જ પટ આખા એવા જ ઊગી નીકળ્યા છે. ત્યાં મેં ઘણાં જુદા પ્રકારનાં મશરૂમ અને ખૂબ જ સુંદર ફૂલો જોયાં. આ જગ્યાએ અમે બ્રહ્મ કમળ જોયું, જે હિમાલય સિવાય ભાગ્યે જ બીજે ક્યાંય મળે. સાચું કહું તો આ જગ્યા ખૂબ જ પવિત્ર છે. એને જરા જેટલું પણ આપણાથી નુકસાન ન થાય એવું ધ્યાન આપણે ખુદ જ રાખીએ એવી ભાવના ત્યાં જઈને બધાના મનમાં આવી જ જાય છે.’ 

પ્રૉબ્લેમ 

વૅલી ઑફ ફ્લાવર્સનો ટ્રેક સરળ નથી. એ વિશે વાત કરતાં મિતાલી કહે છે, ‘આ ટ્રેકની ઊંચાઈ ખૂબ છે અને ત્યાં શ્વાસ લેવો થોડો મુશ્કેલ બને છે, જેમાં એકાદ કિલોમીટરનો પટ્ટો એવો હતો જેમાં અમે બધા જ મુશ્કેલીમાં મુકાયાં. બધાનું માથું ભારે, ચક્કર આવે, ચાલી ન શકાય, ઊલટી જેવું લાગે. અમને થયું કે આગળ જ નહીં વધી શકાય. માંડ-માંડ એકબીજાની હેલ્પ કરીને આગળ ગયાં. અમે ત્યાંના ફૉરેસ્ટ ઑફિસરને પૂછ્યું કે આવું કેમ થયું અમને. એમણે જણાવ્યું કે અહીં કુદરતી રીતે ગાંજાના છોડ ઊગી નીકળ્યા છે. એ પટ આખો એને કારણે મુશ્કેલ બન્યો હતો. જોકે આ વાત કેટલી સાચી છે એ કહી શકાય નહીં. ઊંચાઈને કારણે પણ આ તકલીફ થઈ હોય કદાચ. એના પછી અમે હેમકુંડ સાહિબ ગુરદ્વારા ગયાં. હેમકુંડ સાહિબ ગુરદ્વારા પર અમને જે નોસિયા થતું હતું એની દવા મળી, જેને કારણે અમે ઠીક થયાં.’ 

સોલો ટ્રાવેલના ફાયદા 

હેમકુંડ સાહિબ ગુરદ્વારા સાત પહાડીઓ વચ્ચે આવેલું છે અને ખૂબ જ સુંદર અને પવિત્ર જગ્યાઓમાંનું એક છે. ઘાંગરિયા પણ ત્યાંનું જ એક અતિ રમણીય સ્થળ છે. મિતાલી આ ટ્રેક પતાવીને પાછા વળતાં બદરીનાથનાં દર્શન કરીને હૃષીકેશ પણ ફરી. સોલો ટ્રાવેલિંગનો સૌથી મોટો ફાયદો જણાવતાં મિતાલી કહે છે, ‘આપણે જાણીતા લોકો સાથે જઈએ તો વધુ લોકોને મળવાનો અને જાણવાનો મોકો ન મળે. હું સોલો ટ્રાવેલ કરું છું એને કારણે ભારતના કોઈપણ શહેરનું નામ લો ત્યાં ઓછામાં ઓછી એક વ્યક્તિને તો હું ઓળખું જ છું. આ રીતે તમે અઢળક નવા લોકોને મળી શકો અને નવી જગ્યાઓને જ નહીં, લાઇફને પૂરી રીતે એક્સપ્લોર કરી શકો.’ 

columnists Jigisha Jain travelogue travel news