તમે એકલા ટ્રાવેલ કરો છો ત્યારે આખી દુનિયા તમારી સાથે હોય છે

22 December, 2022 05:36 PM IST  |  Mumbai | Jigisha Jain

કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરવાનો ખચકાટ ધરાવતો હર્ષ હવે  ગમે ત્યાં જઈને મિત્ર બનાવી લઈ શકે  એવું ટ્રાન્સફૉર્મેશન થયું છે  એ માટે સોલો ટ્રાવેલિંગને જ આભારી માને છે. સોલો ટ્રાવેલિંગ ‌તેને પર્સનલ ગ્રોથ માટે ઘણું ફળ્યું છે

મેચુકા ગામના જે હોમ સ્ટેમાં હર્ષ રોકાયેલો એ પરિવાર સાથે. અને કર્ણાટકના હોન્વારમાં બૅકવૉટર રાઇડ લીધી છે કોઈ વાર?

એવું માને છે બોરીવલીમાં રહેતા ૨૬ વર્ષના હર્ષ વીરા, જે અઢળક જગ્યાઓએ સોલો ટ્રાવેલિંગ કરી ચૂક્યા છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરવાનો ખચકાટ ધરાવતો હર્ષ હવે  ગમે ત્યાં જઈને મિત્ર બનાવી લઈ શકે  એવું ટ્રાન્સફૉર્મેશન થયું છે  એ માટે સોલો ટ્રાવેલિંગને જ આભારી માને છે. સોલો ટ્રાવેલિંગ ‌તેને પર્સનલ ગ્રોથ માટે ઘણું ફળ્યું છે

લોકોને ફેમસ જગ્યાએ જવાનો મોહ હોય છે જ્યારે હર્ષને ઓછી જાણીતી અને અજાણી જગ્યાઓ એક્સપ્લોર કરવાનું ગમે છે. 

‘લોકો એકલા ટ્રાવેલ કરતાં ડરે છે. અજાણી જગ્યાએ એકલા તેમને જતાં ડર લાગે છે. કોઈ મુસીબત આવશે તો એકલા એનો સામનો કરવો પડશે એ વિચારીને તેઓ એકલા જવાનું ટાળે છે. પરંતુ જ્યારે તમે એકલા ટ્રાવેલ કરો છો ત્યારે તમારી સાથે આખી દુનિયા હોય છે. તમારા મિત્રો કે આપ્તજનો નથી હોતા, પરંતુ એની જગ્યા એ જગ્યાના લોકલ્સ લઈ લે છે. જો ખરેખર ટ્રાવેલ કરવું હોય, દુનિયા જોવી હોય અને કૂવાનાં દેડકાં બનવાનું છોડીને આખા વિશ્વને તમારું ફલક બનાવવું હોય તો સોલો જ ટ્રાવેલિંગ કરવું જોઈએ.’

આ મંતવ્ય છે અઢળક સોલો ટ્રિપ કરનારા બોરીવલીના રહેવાસી ૨૬ વર્ષના હર્ષ વીરાનું. હર્ષ લગભગ ૧૭ વર્ષનો હતો એટલે કે કૉલેજના પહેલા વર્ષમાં આવ્યો ત્યારે તેણે ફરવાનું શરૂ જ કર્યું અને એ શરૂઆત જ સોલો ટ્રિપથી થઈ હતી. ધરમશાલા, ડેલહાઉઝીથી લઈને અમ્રિતસર કવર કરતાં તેણે જીવનમાં પહેલી વાર સોલો ટ્રિપ કરી ત્યારે તેના ઘરના લોકો પણ ખૂબ ચિંતામાં હતા. પરંતુ એ એક ટ્રિપથી થયેલી શરૂઆત હર્ષને ઘણી આગળ લઈ ગઈ. હર્ષને ટ્રાવેલિંગમાં એટલી મજા પડી ગઈ કે છેલ્લાં ૮ વર્ષમાં તેણે ૧૨૦૦ દિવસથી પણ વધુ દિવસો ટ્રાવેલમાં પસાર કર્યા છે જેમાં કેરલા, હિમાચલ પ્રદેશ, મેઘાલય, ઉત્તરાખંડ, લદાખ, અરુણાચલ પ્રદેશ અને રાજસ્થાન બધે સોલો ટ્રિપ્સ કરી ચૂક્યો છે. આ સિવાયની મિત્રો સાથેની ગ્રુપ ટૂર્સ જુદી. એમાં ભારતમાં તે કાશ્મીર, સિક્કિમ, મધ્ય પ્રદેશ, કચ્છ, હમ્પી, ગોકર્ણ, પૉન્ડિચેરી અને ગોવા ગણી શકાય. ભારતની બહાર તે દુબઈ, થાઇલૅન્ડ, વિયેટનામ જઈ આવ્યો છે. પોતાનો ટ્રાવેલ અનુભવ બીજાને પણ કામ લાગે એ હેતુસર ‘ધ બકેટલિસ્ટર’ નામની ટ્રાવેલ કંપની શરૂ કરનાર હર્ષ ‘સ્ટૉપ ડ્રીમિંગ ઍન્ડ સ્ટાર્ટ લિવિંગ યૉર બકેટલિસ્ટ’ના સિદ્ધાંતમાં માને છે. 

દરેક જગ્યાએ મિત્રો બનાવ્યા 

હર્ષ જ્યાં-જ્યાં પણ ગયો છે એ બધી જ જગ્યાએ મોટા ભાગે તે હૉસ્ટેલ્સમાં રોકાયો છે. હૉસ્ટેલમાં તેના જેવડા જ યંગસ્ટર્સ મળી રહે અને મિત્રોની કમી ન ખલે. એ વાત સમજાવતાં હર્ષ કહે છે, ‘હું પહેલાં ઇન્ટ્રોવર્ટ હતો. કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે આપણે વાત કરી લઈએ કે એની સાથે સરળતાથી દોસ્તી થઈ જાય એવું તો હોતું નથી. વળી કોણ કેવું છે એ એકદમ સમજાઈ જ જાય એવું હોતું નથી. શરૂઆતમાં હું ગભરાતો પણ ધીમે-ધીમે લોકો મળતા ગયા અને હું ખૂલતો ગયો. જ્યાં-જ્યાં હું ગયો છું ત્યાં-ત્યાં મેં મિત્રો બનાવ્યા છે. લોકોને ખૂબ નજીકથી ઓળખતાં હું શીખ્યો છું. એક છોકરો, જે મિત્રો કેમ બનાવવા એ જાણતો નહોતો એ આજે દુનિયાના કોઈ પણ ખૂણે જશે તો તેના મિત્રો બની જ જશે એવી તેને પાક્કી ખાતરી છે. હું લોકોને જોઈને જ તેમના વિશે ઘણું સમજી જાઉં છું. આ આવડત મારામાં જન્મજાત નહોતી. ઘાટ-ઘાટનું પાણી પીને જાતે મેળવી છે. છેલ્લાં ૮ વર્ષમાં મારી એકદમ અંતર્મુખીથી બહિર્મુખી પ્રતિભા થઈ ગઈ છે. ટ્રાવેલ તમારામાં જે પર્સનલ ગ્રોથ લાવે એ ગ્રોથ આ છે.’ 

ઘણું-ઘણું શીખ્યો 

જે છોકરો એકલો કોઈ દિવસ ટ્રેનમાં નહોતો બેઠો તે ઘણુખરું ભારત એકલો ફરી આવે તો એ શું ન શીખી ગયો હોય! પોતે શું શીખ્યો એ વિશે વાત કરતાં હર્ષ કહે છે, ‘ખુદનું ધ્યાન રાખતાં, પોતાની જવાબદારી લેતાં, કપડા ધોતાં, કુકિંગ કરતાં, અજાણ્યા લોકો સાથે એક છત નીચે જીવતાં, ‘ચાલશે, ફાવશે અને દોડશે’ એ ઍટિટ્યુડ અપનાવતાં અને દરેક નવી વસ્તુને ખુલ્લા દિલથી ટ્રાય કરવાની ભાવના રાખતાં હું શીખ્યો છું. જ્યારે તમે સોલો ટ્રાવેલ કરો ત્યારે ઘણીબધી બાબતોમાં બાંધછોડ કરવાનું આવે. આમ જ રહેવું અને આમ જ ખાવું કે મને તો આમ જ ગમે જેવો સ્વભાવ જેનો હોય તેણે ખાસ ટ્રાવેલ કરવું જ જોઈએ. એનાથી તેમનામાં ધીમે-ધીમે વ્યાપકતા આવશે, દૃષ્ટિ વિશાળ બનશે. મારામાં આ બદલાવ મેં અનુભવ્યા છે.’ 

નવી જગ્યાઓ શોધવાનો મોહ 

દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલી પોસ્ટ-ઑફિસ છે સ્પીતિ વૅલીમાં આવેલા હિક્કિમ ગામમાં. ભાગ્યે જ ટ્રાવેલર્સને ખબર છે કે કેરલામાં વરકાલા નામનો બીચ છે જ્યાં સર્ફિંગ થાય છે. આવી માહિતીઓ લોકલ્સ જ તમને આપી શકે. 

હર્ષ જ્યાં પણ જાય ત્યાં નવી-નવી જગ્યાઓ શોધે અને નવા-નવા અનુભવો લે. મોટા ભાગે ટૂરિસ્ટ પ્લેસ છોડીને તે એવી જગ્યા શોધે જ્યાં ભાગ્યે જ લોકો પહોંચતા હોય છે. પોતાના અનુભવો જણાવતાં હર્ષ કહે છે, ‘લોકોને જાણીતી જગ્યાએ જવાનો મોહ હોય છે અને મને અજાણી જગ્યાઓ શોધવાનો. અઢળક લોકો મનાલી ગયા હશે, પણ એની પાસે આવેલા જીબ્બી કે બીરનું નામ પણ કોઈએ નહીં સાંભળ્યું હોય. આ જગ્યાઓ એટલી અદ્ભુત છે કે એની પાસે મનાલી તો કંઈ ન કહેવાય. અરુણાચલમાં હું મેચુકા નામના ગામમાં રોકાયો હતો જ્યાં નેટવર્ક નથી, ઇન્ટરનેટ નથી. ત્યાં હું લોકલ્સના ઘરે રોકાયો હતો. અહીં છોકરીઓ નહીં, છોકરાઓ દહેજ આપે છે. ચીનની બૉર્ડર પાસે આવેલા આ ગામમાં લોકો સૂર્ય અને ચંદ્રની પૂજા કરે છે. લૉકડાઉનમાં ગામની વચ્ચે એક સ્પીકર લગાવીને ટીચર માઇક પર બાળકોને ભણાવતા. મજાની વાત એ છે કે આ કોઈ ગરીબ ગામ નહોતું, લોકો પાસે પૈસો તો ઘણો હતો પણ આપણી દુનિયાથી એકદમ વિપરીત દુનિયા હતી તેમની. મેં તેમને ત્યાં રોટલી બનાવીને ખવડાવી હતી. તેમના જીવનની એ પહેલી રોટલી હતી. વિચારો, ભારતીય હોવા છતાં તેમણે કોઈ દિવસ રોટલી નહોતી ખાધી!’ 

થાઇલૅન્ડમાં નવી જગ્યાઓ 

થાઇલૅન્ડ, પટાયા, બૅન્ગકૉક એ આજકાલ એકદમ ફેવરિટ ઇન્ટરનૅશનલ ડેસ્ટિનેશનમાં ગણાય છે. આ જગ્યાઓએ પણ હર્ષે એવી જગ્યાઓ શોધી કાઢી છે જ્યાં વધુ ટૂરિસ્ટો જતા નથી, પરંતુ એ જગ્યાઓ એટલી સુંદર છે કે એ બિલકુલ છોડવા જેવી નથી. એના વિશે વાત કરતાં હર્ષ કહે છે, ‘ખાઉસોક નૅશનલ પાર્ક છે, જે અતિશય સુંદર જંગલ છે. એ ફુકેતથી ૩ કલાક દૂર થાય. સુરતથાની ઍરપોર્ટથી આખી ટૂર બુક કરી શકાય છે. ત્યાં ગુફાઓ છે અંદર જ્યાં અઢળક ચામાચીડિયાં જોવા મળે છે. ત્યાં રાત્રે પાણીમાં તરતી હટમાં રોકાવાની વ્યવસ્થા છે. બે પહાડ વચ્ચે એક નાનકડા સરોવર જેવું છે ત્યાં એના પર તરતી ઝૂંપડીઓમાં રાત્રે રોકાવાની ખૂબ મજા પડે એવું છે. આ સિવાય ત્યાં કાયાકિંગ કરી શકાય છે અને ટ્યુબમાં બેસીને તરતાં-તરતાં ફરી શકાય છે. આ અનુભવ છોડવા જેવો નથી. આ સિવાય ફીફી આઇલૅન્ડ ઘણા લોકો જાય છે, પણ ત્યાં રાત રોકાતા નથી; જે મારા મતે રોકાવું જ જોઈએ. આ સિવાય ત્યાં એક કોસમુઈ આઇલૅન્ડ છે જેની સુંદરતા અદ્ભુત છે. ત્યાં આખું પાણી એકદમ બ્લુ રંગનું છે. આ આઇલૅન્ડ પર ઘણા ફૉરેનર્સ રિટાયર થઈને અહીં સેટલ થવા માટે આવે છે.’ 

સોલો ટ્રાવેલ જ કેમ? 

લોકો આજકાલ પહેલાં કરતાં વધુ ટ્રાવેલ કરતા થયા છે, પરંતુ મોટા ભાગના લોકોને હરવું-ફરવું છે પણ પોતાનું રૂટીન છોડવું નથી. આ ફરિયાદ કરતાં હર્ષ કહે છે, ‘કાશ્મીર જઈને પણ બપોરે જમવામાં એમને રસપૂરી ખાવાં છે, કેરલા જઈને એમને સવારના નાસ્તામાં ઢોકળાં ખાવાં છે. આઇટિનરી પૂરી કરવાના ચક્કરમાં સવારે ૭ વાગ્યે ઊઠી જવું,. મેકૅનિકલ ઢબે કંઈ છૂટી ન જાય એ  માટે ટાઇમ-ટુ-ટાઇમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગવું એને હું ટ્રાવેલ નથી ગણતો; એમાં ખાલી જગ્યા બદલે છે, બાકી તમે બદલાતા નથી. તમારી પરિસ્થિતિ પણ બદલાતી નથી. બસ, બધું જોઈ લેવાનો આનંદ મળે છે. ટ્રાવેલ એટલે એક નિરાંત છે, એક બ્રેક છે, તમે જે જીવન જીવી રહ્યા છો એને સહજતાથી બદલવાનો એક મોકો. આ મોકાને તમે અપનાવો ત્યારે એ ટ્રાવેલ તમને ફળે. આવું થવાની શક્યતા સોલો ટ્રાવેલમાં અઢળક છે; કારણ કે જ્યારે તમે મિત્રો કે પરિવારજનો સાથે ફરવા જાઓ છો ત્યારે જગ્યા ભલે બદલાય, પણ લોકો બદલાતા નથી એટલે જે જોઈએ છે એ બ્રેક તમને મળતો નથી.’

columnists Jigisha Jain travel news assam karnataka kerala north india south india