15 February, 2026 03:49 PM IST | Mumbai | Shailesh Nayak
મંદિરમાં ચુડેલમાતાજીની જ્યોત.
ભૂત, ડાકણ, ચુડેલની વાતો અને વાર્તાઓ વર્ષોથી સાંભળવામાં અને સંભળાવવામાં આવી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગર પાટણની પાસે આવેલા કુણઘેર ગામે ચુડેલ માતા તરીકે પૂજાય છે. આ એવું ગામ છે જ્યાં પ્રેતાત્માની શ્રદ્ધાપૂવર્ક પૂજા-અર્ચના થાય છે. રોજ ચુડેલમાતાની પૂજા-અર્ચના અને આરતી થાય છે. અહીં જ્યોત સ્વરૂપે ચુડેલમાતાજી પૂજાય છે. ચુડેલમાતાનું મંદિર હોય એટલે સ્વાભાવિક રીતે એમ થાય કે કોઈ ભૂવા બેસતા હશે, પણ આ મંદિરમાં કોઈ ભૂવા નથી કે અહીં દોરાધાગા પણ થતા નથી. એમ છતાં શ્રદ્ધાળુઓ ચુડેલમાતાનાં દર્શન કરવા આવે છે અને શ્રદ્ધાપૂર્વક શીશ નમાવે છે.
કુણઘેર ગામની આથમણી દિશાએ ગામના છેડે જે સ્થળેથી પસાર થવામાં એક સમયે લોકોને ડર લાગતો હતો ત્યાં આજે વિશાળ મંદિર-પરિસર, ધર્મશાળા, અન્નક્ષેત્ર, પ્રાર્થનાહૉલ, પાર્ટી-પ્લૉટ, ગૌશાળા અને શિવધામ બન્યાં છે. શ્રદ્ધાળુઓ માતાજીની માનતા રાખે છે અને એ પૂરી થતાં ચુડેલમાતાના મંદિરે દર્શન કરવા આવે છે. શ્રદ્ધાળુઓ અહીં આવતા હોવાથી ફૂલહાર અને નાસ્તા સહિતની દુકાનો અને લારી-ગલ્લાથી ગામ તેમ જ અન્ય લોકોને રોજગાર મળી રહ્યો છે.
કુણઘેર ગામમાં આવેલું ચુડેલમાતાજીનું મંદિર.
લોકવાયકા અને મંદિર
સામાન્ય રીતે લોકો ચુડેલના નામથી ગભરાતા હોય છે, પરંતુ કુણઘેર ગામે લોકો ચુડેલમાતાને પૂજતા થયા છે ત્યારે ચુડેલમાતાનું મંદિર કેવી રીતે બન્યું અને એની પાછળની લોકવાયકા શું છે એ વિશે વાત કરતાં જય શ્રી ચુડેલમા મંદિર વિકાસ ટ્રસ્ટના પ્રમુખ બચુભાઈ નાયક ‘મિડ-ડે’ને કહે છે, ‘લોકવાયકા એવી છે કે ઘણાં વર્ષો પહેલાં લોકો ચાલીને જતા હતા. સાધનો નહોતાં. કોઈ જગ્યાએ રાત પડે તો ત્યાં આરામ કરતા. એટલે કોઈની હારે માતાજી ભેગા અહીં આવ્યાં. એટલે વર્ષો પહેલાં ચુડેલમાતાને અહીં બેસાડ્યાં હતાં. આ જગ્યાએ પહેલાં નાની દેરી હતી. એક સમયે અહીંથી નીકળતાં લોકોને ડર લાગતો હતો. અહીંથી લોકો આંખો મીચીને જતા રહેતા હતા. ગામમાં તો પહેલાં બે-ચાર ખેડૂતો ભેગા મળીને અહીંથી નીકળતા હતા. પચ્ચીસેક વર્ષ પહેલાંની વાત છે. હું નોકરી કરતો હતો ત્યારે એક દિવસ કુણઘેર ગામે આવ્યો હતો અને ફરતો-ફરતો આ દેરી પાસે આવીને બેસી ગયો. પગે લાગ્યો હતો. એ પછી માતાજીએ મને પ્રેરણા આપી અને મને થયું કે મારે અહીં કંઈક કરવું જોઈએ. મને એવી લાગણી થઈ કે અહીં મંદિર બનાવું. આવું નક્કી કરીને ચુડેલમાતાનું મંદિર બનાવવાનું શરૂ કર્યું. હું જ્યારે ચુડેલમાતાનું મંદિર બનાવતો હતો ત્યારે વસ્તી મારી વાતો કરતી હતી કે ચુડેલનું મંદિર હોતું હશે, ડાકણ છે, આમ છે, તેમ છે, ફલાણું છે. આ વિશે લોકો મને કહેતા હતા, પણ મેં મંદિર બનાવ્યું. મારી નોકરી પૂરી થવામાં ૩ વર્ષ બાકી હતાં ત્યારે મેં નોકરી મૂકી દીધી અને અહીં આવી ગયો. જ્યારે આવ્યો ત્યારે મને પણ બીક લાગતી હતી. એ સમયે એક માણસે મને કહ્યું હતું કે આ જગ્યાનું નામ થશે. એ પછી હું બેઠો અને સેવા કરતો હતો. પછી તો ધીરે-ધીરે ચુડેલમાતાના મંદિરની વાતો વધવા લાગી અને લોકો અહીં દર્શન કરવા આવતા થયા. આજે એ વાતને પચ્ચીસ વર્ષ જેટલો સમય થઈ ગયો. શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે. એમાં પણ રવિવારે મોટી સંખ્યામાં લોકો ઊમટે છે.’
માતાજીનાં દર્શન કરતા શ્રદ્ધાળુઓ અને માતાજીના મંદિરમાં કોઈ ભૂવા નથી એનું બોર્ડ.
જ્યોત સ્વરૂપે પૂજાય છે માતા
એક સમયે જે જગ્યાએ નાની દેરી હતી ત્યાં આજે વિશાળ મંદિર-પરિસર બન્યો છે. માતાજીના સ્થાનકે આવેલા લોકોનાં કામ થતાં હોવાથી અહીં ભાવિકો દાનધર્મ કરે છે. આ મુદ્દે વાત કરતાં બચુભાઈ નાયક કહે છે, ‘પહેલાં અહીં નાની દેરી હતી. આ દેરી પર મોટું મંદિર બનાવ્યું છે અને મંદિર સોના-ચાંદીથી મઢેલું છે. લોકો અહીં દર્શને આવતા હોવાથી દાન આપતા થયા અને એમાંથી આ મંદિર બન્યું છે. મંદિર માટે ટ્રસ્ટ પણ બનાવ્યું છે. આ મંદિરમાં ચુડેલમાતાજી જ્યોત સ્વરૂપે પૂજાય છે. ચુડેલમાતાજીની સવાર-સાંજ બે ટાઇમ આરતી થાય છે, સ્તુતિ ગવાય છે. માતાજીને થાળ ધરાવાય છે, સવારે ગાયનું દૂધ ધરાવાય છે. ત્યાર બાદ ભોજનાલય શરૂ થાય છે. મંદિરમાં કોઈ ભૂવા નથી કે અહીં દોરાધાગા પણ થતા નથી. માતાજીની જ્યોત છે એનાં દર્શન ભક્તજનો કરે છે. ચુડેલમાતાજીના મંદિરની ખ્યાતિ વધતાં અહીં ગામના જ નહીં; પાટણ, મહેસાણા, અમદાવાદથી લઈને કચ્છ, કાઠિયાવાડ, પુણે, મુંબઈ, નાગપુર, બૅન્ગલોર, ચેન્નઈ સહિત દેશભરમાંથી દર્શનાર્થીઓ ચુડેલમાતાજીનાં દર્શન કરવા આવે છે. માતાજી અહીં પરચા પૂરે છે. ચૂંદડીઓથી ટ્રૅક્ટર ભરાઈ જાય છે. નવરાત્રિમાં મંદિર-પરિસરમાં નવી ચૂંદડીઓથી સુશોભન કરીએ છીએ.’
ધર્મશાળા, ભોજનાલય, ગૌશાળા
એક નાની દેરીમાંથી ચુડેલમાતાજીના મંદિર-પરિસરનો વિકાસ થયો છે એ મુદ્દે વાત કરતાં જય શ્રી ચુડેલમા મંદિર વિકાસ ટ્રસ્ટના ઉપપ્રમુખ કાન્તિભાઈ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘ચુડેલમાતાજીના મંદિરમાં દાન આવતાં મંદિર મોટું બનાવ્યું છે. આ ઉપરાંત મંદિર પાસે હૉલ, પાર્ટી-પ્લૉટ, ધર્મશાળા, ભોજનાલય, ગૌશાળા બનાવ્યાં છે. શિવધામ પણ બનાવ્યું છે જ્યાં શંકર ભગવાનની ૫૧ ફુટની મૂર્તિ છે. ૧૨ જ્યોતિર્લિંગ અને ૯ દુર્ગાની મૂર્તિઓ મૂકી છે. આજે મંદિર હસ્તક અંદાજે ૨૦ વીઘાં જેટલી જમીન છે. મંદિરના હૉલ અને પાર્ટી-પ્લૉટમાં ગામના લોકો તેમ જ બહારગામથી આવીને લોકો પ્રસંગ કરે છે. સુરત, વડોદરાથી પણ લોકો લગ્નપ્રસંગ કરવા અહીં આવે છે. લગ્ન સહિતના નાના-મોટા પ્રસંગો અહીં થાય છે. અહીં ધર્મશાળામાં ઍર-કન્ડિશન્ડ સહિતની રૂમો છે એટલે કોઈને રાતવાસો કરવો હોય તો કરે છે. ભાડું માપમાં લેવામાં આવે છે. પહેલાં રાત પડે ત્યારે અહીં કોઈ આવતું નહોતું, લોકો ડરતા હતા. આજે ૨૪ કલાક માણસની અવરજવર છે. ચુડેલમાતાજીનું મંદિર બન્યા પછી લોકો અહીં દર્શન માટે આવતા હોવાથી આજે અમારું ગામ ચુડેલમાતાવાળું કુણઘેર ગામ તરીકે ઓળખાય છે.’
મંદિર દ્વારા થાય છે સદ્કાર્યો
શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થતાં લોકો ભાવપૂર્ણ રીતે ચુડેલમાતાજીના મંદિરમાં દાનપુણ્ય કરી રહ્યા છે. આ દાનથી મંદિરના ટ્રસ્ટ દ્વારા સદ્કાર્યો કરવામાં આવી રહ્યાં છે. આ મુદ્દે બચુભાઈ નાયક અને કાન્તિભાઈ પટેલ કહે છે, ‘અમારી ગૌશાળામાં ૬૦ જેટલી ગાય છે. આ ગાયોને ઘાસચારો ઉપરાંત અન્ય ખોળ તેમ જ ગામમાં પક્ષીઓ માટે ચણ ઉપરાંત કીડિયારું પણ પુરાય છે. ૧૨ મહિને ગામની છોકરીઓને ભેટ આપીએ છીએ. અભ્યાસ કરતી દીકરીઓનું સન્માન કરીને સ્કૂલબૅગ આપી હતી જેથી ગામમાં બીજી દીકરીઓને પણ અભ્યાસ માટે પ્રોત્સાહન મળે. કોરોના સમયે જરૂરિયાતમંદોને કિટ આપી હતી. ગામનાં ખંડેર જેવાં કેટલાંક મંદિરોને નવાં બનાવવામાં મદદરૂપ થયા છીએ. ગામ માટે લોકફાળો પણ આપીએ છીએ. ચુડેલમાતાજીનું મંદિર બનતાં ગામમાં લોકો આવતા હોવાથી રોજગાર પણ વધ્યો છે. અમારા મંદિરની આસપાસ વીસથી વધુ દુકાનો છે. આ ઉપરાંત લારીગલ્લાવાળા પણ હોય છે એટલે તેમને આવક થાય છે. આ આવકના પગલે ઘણાને ત્યાં લગ્નપ્રસંગ થયા છે અને મકાનો પણ બનાવ્યાં છે. અમે સદ્કાર્ય વિશે વિચારીએ ત્યારે પૈસા ક્યાંકથી ને ક્યાંથી આવી જાય છે. હવન કરવો હોય કે પછી ગામની દીકરીઓને જમાડવી હોય કે નિશાળમાં છોકરાઓની ફી ભરવા વિશે વિચારીએ તો મંદિરમાં પૈસા આવી જાય છે. ગમે તે હોય, ચુડેલમાતાજીની પ્રેરણા થતી હશે અને જે કંઈ કરવાનું વિચારીએ એ થાય છે.’