ૐ શાંતિ શાંતિ શાંતિ

03 May, 2026 12:53 PM IST  |  Mumbai | Alpa Nirmal

સાંપ્રત સમયમાં સમસ્ત જગતને બાહ્ય શાંતિ સાથે ઇનર પીસની અત્યંત જરૂર છે. વળી ગૌતમ બુદ્ધનો જન્મદિવસ શુક્રવારે જ ઊજવાયો છે ત્યારે આપણે જઈએ રાજગીરના શાંતિ સ્તૂપે

‍રાજગીર પર્વતમાળા પર આવેલું બૌદ્ધ મંદિર.

હ્યુમન લાઇફ માટે રોટી, કપડાં અને મકાન પછી મહત્ત્વની જરૂરિયાત છે શાંતિ. જીવનને સાર્થક બનાવવા મનની શાંતિ અત્યંત જરૂરી છે અને શાંતિ એટલે મનની સ્થિરતા, સંતુલન અને આંતરિક ખુશી. આ અવસ્થા મનુષ્યને દરેક પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની અને સંતોષી જીવન જીવવાની શક્તિ આપે છે.

દરેક ભૂમિની આગવી ઑરા હોય છે. ક્યાંક પ્રવેશ કરીએ તો સકારાત્મક સ્પંદનો થાય તો કોઈ જગ્યાનાં વાઇબ્સ ઊર્જાવાન પ્રતીત થાય. અમુક જગ્યામાં પગ મૂકતાં જ ઉદ્વેગ અને ઉચાટની લાગણી થાય તો કોઈક સ્થાપત્ય એવું દૈવ્ય હોય કે એના હોવામાત્રથી એનું સરાઉન્ડિંગ પણ ચેતનવંતું થઈ જાય. બિહાર રાજ્યનું રાજગીર શહેર એનું ઉત્તમ ઉદાહરણ છે. આખા નગરની આભા એવી પવિત્ર છે કે નાનકડા ટાઉનમાં પહોંચતાં જ શાંતિની અનુભૂતિ થાય છે. એક સમયની આ વિદ્યાનગરીમાં હિન્દુ, જૈન, બૌદ્ધ સંપ્રદાયનાં તીર્થો છે જેની મુલાકાતથી આંતરિક શાંતિની અનુભૂતિ થાય છે. એમાંય અહીંના બૌદ્ધ પગોડાનું નામ જ પીસ પગોડા છે જ્યાંની હવામાં ભારોભાર પ્રસન્નતા અને પીસ છે.

રાજગીર જતાં પહેલાં આપણે ભગવાન બુદ્ધની શાંતિ વિશેની એક નાનકડી કથા જાણીએ.

એક વખત એક યુવકે તથાગત પાસે આવીને કહ્યું, ‘મારા જીવનમાં બહુ અશાંતિ છે. કૃપા કરીને મને એવો રસ્તો બતાવો જેથી હું આ અશાંતિથી મુક્ત થઈ શકું.’

ગૌતમ બુદ્ધ તે યુવાનને અશાંતિનું કારણ પૂછે છે ત્યારે યુવાન કહે છે, ‘મને દુનિયાભરના વિચારો આવે છે. જે-તે દેશ-દુનિયાની ચિંતા સતાવે છે. એ કારણે મારું મન બહુ અશાંત રહે છે.’

ત્યારે બુદ્ધ તેને એક પ્રયોગ કરાવે છે. તેઓ યુવાનને સૂર્યના તાપમાં ઊભો રાખી દે છે. થોડી વારમાં યુવાન ગરમીથી અકળાવા લાગે છે ત્યારે બુદ્ધ તે યુવાનને કહે છે, ‘તડકામાં ઊભા રહેવાથી તને ગરમી લાગી એમાં દોષ કોનો? તારો કે સૂર્યનો?’

યુવાનને બુદ્ધનો સવાલ નથી સમજાતો. ત્યારે ગૌતમ બુદ્ધ સમજાવે છે, ‘તપવું સૂર્યનું કામ છે અને તાપનું કામ છે ગરમી કરવાનું. એથી દોષ તારો છે, કારણ કે તું તડકામાં ઊભો રહ્યો. તને શીતળતા જોઈતી હોય તો તારે છાંયડામાં ઊભા રહેવું હતું.’

બુદ્ધ તે યુવાનને આગળ કહે છે, ‘આ જ રીતે મનનું કામ છે જાત-જાતના વિચાર કરવાનું, ચિંતા કરવાનું. તારે નિર્ણય લેવાનો છે કે એ વિચારોથી થતી અશાંતિ વહોરવી કે વિચારોને વજૂદ ન આપવું.’


બૌદ્ધ મંદિરના ગુંબજની ફરતે ગોખલાઓમાં તથાગતની વિવિધ મુદ્રામાં બિરાજમાન મૂર્તિઓ ગોઠવેલી છે.

ભગવાન આગળ કહે છે, ‘પણ એમ સહજતાથી વિચારોને રોકી શકાતા નથી. એ માટે શરૂઆતમાં એવા સ્થળે જવું જ્યાંનું વાતાવરણ શાંત હોય. ત્યાં જઈ આંખો બંધ કરીને મનના વિચારોથી પણ ઊંડે રહેલા સૂરને સાંભળવાનો મહાવરો કેળવ. ધીરે-ધીરે ભીતરના સૂર સંભળાવા લાગશે અને મન શાંત થવા લાગશે. આવી પ્રૅક્ટિસ પછી મન એવું કેળવાઈ જશે કે તને ક્યાંય જવાની જરૂર નહીં રહે. તું જ્યાં ઇચ્છીશ, ભરચક શોરબકોર વચ્ચે પણ મનના વિચારો અંકુશ કરી શકીશ અને શાંતિનો અનુભવ કરીશ.’

આ શૉર્ટ સ્ટોરીના માધ્યમથી એટલું સમજાય છે કે મનની શાંતિ મેળવવાનું પહેલું પગલું શાંત અને શુભ સ્થળે જવું છે. એ જગ્યાઓના નિયમો પાળીને એની લયમાં રહીએ તો શાંતિ આપોઆપ આપણા અંતર તરફ આવવા ડગ માંડે છે. એ અન્વયે આજે જઈએ રાજગીરના વિશ્વશાંતિ સ્તૂપે.

અહીં સ્થાનિક પરિવહનરૂપે આજે પણ ટાંગા ચાલે છે. બે ઘોડાની સાથે ઊંચા ટ્રોલરને જોડીને બનતા આ ટાંગાની સવારી મોજ કરાવી દે છે.

બિહાર રાજ્યના ઐતિહાસિક રાજગ્રહી નગરમાં ૧૯૬૯માં જપાની બૌદ્ધ ભિક્ષુ નિચાદાત્સુ ફુજીએ મહાત્મા ગાંદીનાં અહિંસક સૂત્રોથી પ્રેરિત થઈને વિશ્વશાંતિ સ્તૂપની સ્થાપના કરી. જપાનના ફુજી પ્રાંતના એક ખેડૂતના ઘરે જન્મેલા આસો કાલ્ડેરાએ ૧૯ વર્ષની વયે બૌદ્ધિક પરંપરામાં ભિક્ષુ દીક્ષા લીધી. એ પછી નિચાદાત્સુ ફુજીનું નૂતન નામ ધારણ કરીને આ ભિખ્ખુએ મંચુરિયામાં ધર્મનો પ્રચાર શરૂ કર્યો, પરંતુ ૧૯૨૩માં આવેલા ભીષણ ‘કાંટો ભૂકંપ’ને કારણે નિચિદાત્સુ પાછા પોતાના દેશમાં ફર્યા અને પીડિતોની સેવા કરી. એ પછી તેઓ ૧૯૩૧માં કલકત્તા આવ્યા અને ભારતનાં વિવિધ સ્થળોએ ફર્યા. ૧૯૩૩માં વર્ધામાં બાપુના આશ્રમમાં તેઓ મહાત્મા ગાંધીને મળ્યા, તેમની સાથે રહ્યા અને ગાંધીના અહિંસક આંદોલનથી પ્રભાવિત થયા. એ પછી શરૂ થયું દ્વિતીય વિશ્વયુદ્ધ. તેમણે પાછા જપાન થઈને પૅસિફિક વૉર સમક્ષ શાંતિવાદનું સર્મથન કર્યું જેનો ખૂબ વિરોધ થયો. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતિમ ચરણરૂપે અમેરિકાએ જપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બૉમ્બ ઝીંક્યા જેમાં દોઢ લાખથી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા. એ પછી ફુજીએ એ બેઉ શહેરોમાં શાંતિના પ્રતીકરૂપે પીસ પગોડાની સ્થાપના કરી અને તેઓ પાછા ભારત આવ્યા. ૧૯૬૫માં તેમણે રાજગીરમાં વિશ્વશાંતિ પગોડાની નીવ નાખી. એ સાથે એક મંદિર પણ બનાવ્યું અને આજે આ સ્થાપત્ય રાજગીરની શાન-ઓ-શૌકત બની ગયું છે. ભારતના પૂર્વીય રાજ્ય બિહારના મધ્યમાં રાજગીરમાં રાજગીર હિલ્સની પર્વતમાળા ૬૫૦થી ૧૨૭૩ ફુટ સુધીની ઊંચાઈ ધરાવે છે. આ ૬૫ કિલોમીટરની પૅરૅલલ હારમાળમાં નાની-મોટી હાઇટના અનેક પર્વતો છે જેમાં રત્નગિરિ, વિપુલચલ, વૈભારગિરિ, સોંગારી અને ઉદયગિરિ મુખ્ય ડુંગરો છે. આ પર્વતમાળામાં મહાભારત, ભગવાન મહાવીર, ગૌતમ બુદ્ધ, મૌર્ય અને ગુપ્તકાળ સંબંધિત અનેક હિસ્ટોરિકલ સ્થાન આવેલાં છે જેમાં પ્રભુ મહાવીર અને બુદ્ધ આ સ્થળોએ અનેક વખત આવ્યાના અને રહ્યાના પુરાવા છે.


સપ્તપર્ણી ગુફા

આવા પવિત્ર રાજગીર હિલ્સની ૫૦૦ મીટર ઊંચી રત્નગિરિ પહાડી પર ૧૨૦ ફુટ ઊંચો અને ૧૦૩ ફુટ વ્યાસ ધરાવતો પગોડા છે. જૅપનીઝ સ્ટાઇલના સફેદ ગેટમાંથી પ્રવેશતાં મંદિરની બહાર રાખેલા બે સિંહનાં સ્ટૅચ્યુ તમારું સ્વાગત કરે છે. આખા પરિસરમાં ઘણા સ્તંભો છે, ડેકોરેટિવ ધાર્મિક આર્ટિફેક્ટ્સ છે તથા ઢગલાબંધ વૃક્ષો છે. પગોડા બહારથી ૪ ભાગમાં ડિવાઇડેડ છે : મંદિરની બહારનો સર્ક્યુલર પ્રદક્ષિણા પથ, મુખ્ય મંદિરનો ગોળ રંગમંડપ, એનર્જીને સંગ્રહિત કરતો વર્તુળાકાર ગુંબજ અને એના પર સ્પાઇરલ શિખર તથા ટોચ પર સ્થાપિત બૌદ્ધ ધર્મનું પ્રતીક. મંદિરમાં પ્રવેશતાં જ મોટા ઢોલ પર પડતી તાલબદ્ધ થાપ સાથે મન-મસ્તક સમગ્ર સંસારની પળોજળ ભૂલી જાય છે અને મંદિરમાં રખાયેલી પ્રતિમા જોતાં તન-મનમાં ટાઢક પ્રસરી જાય છે. કહે છે કે આ પ્રતિમા તથાગત શાક્યમુનિની છે જે બોધિસત્ત્વને વિશ્વભરમાં ફેલાવવા રાજગીરના આ પર્વત પર પ્રગટ થયા હતા. મંદિરની બહારની સાઇડ ઘુમ્મટ પર ચારેય દિશામાં તથાગતની ભિન્ન-ભિન્ન મુદ્રાની સુવર્ણરંગી મૂર્તિઓ છે. શુભ્રરંગી આ પગોડામાં તેમ જ આજુબાજુનાં અનેક એકાંત સ્થાનોમાં બૌદ્ધ ભિક્ષુઓ, ધર્મજનો સાધના કરતા અથવા ધ્યાનમાં મગ્ન દેખાઈ જાય છે. ચોમાસામાં તો આખીયે પહાડી લીલીછમ થઈ જાય છે ને શિયાળામાં યાયાવર પક્ષીઓ અહીંના હંગામી સ્થાનિકો બની રહે છે.

બૌદ્ધ ધર્મનાં સૂત્રો, નિયમો, સ્ક્રિપ્ટ આ શહેરમાં જ લખાયાં હોવાનું કહેવાય છે.


શાંતિ સ્તૂપ પરથી દેખાતો કુદરતી નઝારો. 

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

રામાયણ ગ્રંથમાં વસુમતિ નામે ઓળખાતા આ શહેરની સ્થાપના બ્રહ્માના ચતુર્થ પુત્ર વસુએ કરી હોવાનું કહેવાય છે તો મહાભારતમાં બૃહદ્રથને નગરની સ્થાપનાનું શ્રેય અપાયું છે. એ કાળમાં ગિરિવ્રજ નામે ઓળખાતા આ નગરના રાજા જરાસંધની બેઠક પણ અહીં છે, અખાડો પણ  છે અને ભીમ અને જરાસંધ વચ્ચે થયેલી કુશ્તીનું બેટલફીલ્ડ પણ અહીં છે. અહીંના રત્નગિરિ તથા વૈભારગિરિની પહાડીઓ પર ગાઇડ મળે છે જે આ બધાં સ્થળો દેખાડે છે. વૈભારગિરિ જે પાંચમા પહાડ તરીકે વધુ જાણીતું છે ત્યાં તળેટીમાં જ ગરમ પાણીના કુંડ છે. ૭ અલગ-અલગ ધારાઓમાંથી પડતી આ ઉષ્ણ જળધારાને સપ્તઋષિઓનાં નામ અપાયાં છે. આ જ પહાડી પર જૈન ધર્મના ધન્ના અણગાર, શાલિભદ્ર, ગૌતમસ્વામીની દેરી છે.

બુદ્ધના સમયમાં અહીંના સમ્રાટ બિંબિસારે બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર કર્યો હતો. એ સમયે જીવકર્મવન મઠમાં ભગવાન બુદ્ધ રહેતા. એમ પણ કહેવાય છે કે જ્યારે બુદ્ધના પિતરાઈ ભાઈ દેવદત્તે તેજોદ્વેષથી બુદ્ધને ઘાયલ કર્યા હતા ત્યારે બિંબિસાર સમ્રાટે તેમને વેણુવન વિહારમાં રહેવાનું આપ્યું હતું અને ત્યાં તેમની ચિકિત્સા કરવામાં આવી હતી. એક પહાડી પર સપ્તપર્ણી ગુફા આવેલી છે જ્યાં બુદ્ધના નિર્વાણ બાદ તેમના શિષ્ય મહાકસ્સપાએ પ્રથમ બૌદ્ધ પરિષદ આયોજિત કરી હતી. ફારઈસ્ટના અનેક દેશોમાં ફેલાયેલા બૌદ્ધ ધર્મમાં સ્થળ-કાળ પ્રમાણે પૂજાપદ્ધતિમાં ખૂબ ફરક છે, છતાં બધા અનુયાયીઓ માટે રાજગીર પવિત્રતમ જાત્રાસ્થળ છે. એ અન્વયે અહીં શ્રીલંકા, જપાન, ચીન આદિ દેશોના પોતાના મઠો છે. પાંચમીથી નવમી સદી દરમ્યાન આ શહેર ગુપ્ત અને પાલ રાજવીઓના અન્ડરમાં રહ્યું હતું અને અર્વાચીન ઇતિહાસમાં આઝાદી બાદ બિહાર રાજ્યના ગઠન થયા પૂર્વે રાજગીર મગધ દેશનું મહત્ત્વનું નગર હતું.

પગોડા સુધી પહોંચવા માટે બિહાર સરકારે મંદિર શરૂ થવા સાથે જ ચૅરલિફ્ટ રોપ-વે શરૂ કર્યો હતો. એ પછી એઇટ-સીટર કૅબિન રોપ-વે પણ શરૂ થયો છે. આજે બેઉ ઉડન ખટોલા વહેલી સવારથી સાંજ સુધી સેંકડો યાત્રિકોને નીચેથી ઉપર, ઉપરથી નીચે લઈ આવે છે. એ સાથે અહીં દાદરાની પણ સરસ વ્યવસ્થા છે. અનેક યાત્રાળુઓ સીડીઓ મારફત જાત્રા કરે છે કારણ કે આ રસ્તા પર અનેક ગુફાઓ અને સ્થાનો છે જ્યાં સ્વયં બુદ્ધ રોકાયા હતા, આરામ  કર્યો હતો, ધ્યાન કર્યું હતું. એમાંય ગિધ્રકૂટ નામના સ્થળની મહત્તા તો ઘણી છે. કહેવાય છે કે લુંબિનીના રાજકુમાર સિદ્ધાર્થે ગૌતમ બુદ્ધ બનીને બોધિસત્ત્વના પરિપાકરૂપે હૃદયસૂત્ર, સમાધિસૂત્ર, કમલસૂત્ર, પ્રજ્ઞાપારમિતા સૂત્રની રચના કરી છે. આ જ પહાડી પર સુંદર જૈન મંદિર પણ આવેલું છે. એ સાથે જ આ પહાડથી કનેક્ટેડ પહાડ પર પણ જૈન દેરાસર છે. ‘રાજાઓનું ગૃહ’ જેવું સુંદર નામ ધરાવતી આ નગરી જૈન ધર્મના વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીની કલ્યાણક ભૂમિ છે. આ ભૂમિ પર જિન પ્રભુના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન કલ્યાણક થયાં છે.

અડધી સદી પૂર્વેથી રાજગીર બિહારના મુખ્ય પર્યટક-સ્થળનો દરજ્જો ભોગવે છે. જૈન તથા બૌદ્ધ ધર્મનું અતિ પવિત્ર સ્થળ હોવાથી દેશ-વિદેશના ભાવિકો અહીં યાત્રા અર્થે આવે છે. જોકે અતિશય ગરીબી, ગુંડાગીરી, અસ્થિર રાજસત્તાને કારણે વીસમી સદી દરમ્યાન અહીં વિકાસ કે સગવડનું નામોનિશાન નહોતું, પરંતુ છેલ્લા દાયકાથી રાજગીરને સરકારે વિવિધ સહૂલિયતો, પર્યટન-સ્થળોની ભેટ આપી છે. ૪ વર્ષ પૂર્વે અહીં જંગલ સફારી શરૂ થઈ છે. અડધા દિવસની આ પિકનિકમાં બિહારના અરણ્ય અને પ્રાણીઓનો પરિચય થાય છે. બે વર્ષ પહેલાં શરૂ થયેલા ગ્લાસ બ્રિજે તો સ્થાનિકોનાં તથા આજુબાજુના સહેલાણીઓનાં તેમ જ દૂર-દૂરથી આવતા મુલાકાતીઓનાં પણ મન મોહી લીધાં છે. આ ઉપરાંત રાજગીરમાં સોનભંડાર, ધોરા કટોર ઝીલ પણ ઇન્ટરેસ્ટિંગ પ્લેસ છે.


રાજગીર પર્વતમાળા પહોંચવા માટે ચૅરલિફ્ટ અને કૅબિન ઉડનખટોલા બન્ને ઉપલબ્ધ છે.

જૈન તીર્થંકર મહાવીરસ્વામીએ આ નગરમાં ૧૪ ચાતુર્માસ કર્યાનું પ્રમાણ જૈન ગ્રંથ કલ્પસૂત્રમાં આવે છે.

કેવી રીતે જવાય?

રાજગીર  જવા ‘મુંબઈ સે પટના’ પહોંચવું પડે જે રેલ અથવા હવાઈમાર્ગે તય કરી શકાય. એમ તો રાજગીર પાસે રેલવે-સ્ટેશન છે, પણ ‘એક્સપ્રેસ ટ્રેન ઐસે છોટે-છોટે સ્ટેશનો પર રુકતી નહીં હૈ.’ હા, પટનાથી આવતી ટ્રેનમાં રાજગીર આવી શકાય. રાજ્યના પાટનગરથી રાજગીર ૧૦૩ કિલોમીટર છે અને વિષ્ણુનગરી ગયાથી ૬૦ કિલોમીટર છે. ઍન્ડ યસ, ગયામાં ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ છે.
શહેરમાં રહેવાની સુવિધા પ્રમાણમાં સીમિત અને સામાન્ય છે. મોટા ભાગે એ રેલવે-સ્ટેશનની આજુબાજુમાં છે. રેસ્ટોરાં પણ એ જ વિસ્તારમાં છે. અહીં વિશાળ જૈન ધર્મશાળાઓ છે તથા વિરાયતન નામની સંસ્થામાં રહેવા-જમવાની ઉત્તમ સગવડ છે. વિદેશથી આવતા બૌદ્ધ યાત્રાળુઓ માટે મઠોની વ્યવસ્થા છે જ્યાં બૌદ્ધધર્મી સિવાય અન્ય યાત્રાળુઓને ઉતારો મળતો નથી. પર્વતોની આજુબાજુ અનેક લારીખૂમચા છે જ્યાં બિહારી લિટ્ટી ચોખાથી લઈને બમ્બૈયા પાંઉભાજી અને કલકત્તાના પુચકા મળી જાય છે. મુખ્ય બજારથી આ પર્વતો ૩ કિલોમીટર દૂર છે. આથી સાંજ પડતાં અહીં સન્નાટો છવાઈ જાય છે. જોકે પૂર્વીય રાજ્યમાં ઘડિયાળ ભલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ પ્રમાણે ચાલે, સૂરજદાદા વહેલા-વહેલા જાગીને વહેલા-વહેલા અસ્ત થઈ જાય છે.

buddhism bihar alpa nirmal travel travel news travelogue columnists gujarati mid day lifestyle news life and style