વેલકમ ટુ ધ ગ્રેટ લિવિંગ ચોલા ટેમ્પલ્સ

25 May, 2023 04:31 PM IST  |  Mumbai | Alpa Nirmal

તાંજોર કે તાંજાવુર તરીકે ઓળખાતા સાઉથ ઇન્ડિયાના ટાઉનમાં આવેલું બૃહદેશ્વર મંદિર ભારતીય સ્થાપત્યકળાનો અદ્વિતીય નમૂનો તો છે જ એ સાથે ઍન્શિયન્ટ ઇન્ડિયાની ટેક્નૉલૉજીનું અદ્ભુત ઉદાહરણ પણ છે

બૃહદેશ્વર મંદિર

વર્ષે દહાડે સાત મિલ્યનથી વધુ ઇન્ટરનૅશનલ ટૂરિસ્ટ અને નૉન-રેસિડેન્શિયલ ઇન્ડિયન્સ ભારતની મુલાકાતે આવે છે અને એમાં સૌથી વધુ મુલાકાતીઓ ઉત્તર પ્રદેશની વિઝિટ કરે છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમાંકે તામિલનાડુ જાય છે. માઇન્ડ ઇટ, ગોવા કે હિમાચલ પ્રદેશ નહીં, પણ દક્ષિણ ભારતના ટેમ્પલ સ્ટેટ તામિલનાડુ... તમને થશે કે એ તો તિરુપતિ બાલાજીનાં દર્શનાર્થે જતા હશે. પણ બૉસ, બાલાજીનાં બેસણાં આંધ્ર પ્રદેશમાં છે, તામિલ સ્ટેટમાં નહીં. તો પછી હિન્દુસ્તાનના આ ટેન્થ લાર્જેસ્ટ સ્ટેટમાં એવું તો શું છે કે ફૉરેનના પ્રવાસીઓ આટલી મોટી સંખ્યામાં ત્યાં પહોંચે છે?

વેલ, વેલ, વેલ, તામિલનાડુ મંદિરો, તહેવારો અને આર્ટ માટે વિશ્વમાં પ્રસિદ્ધ છે. અહીંનું રિચ કલ્ચર, કળા, સંગીત, નૃત્યની સાથે માર્વેલસ મંદિરો આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. ખેર, આપણે માટે તો મદ્રાસ (ઓલ્ડ ગુજરાતીઓના મોઢે આ જ નામ ચડેલું છે) એટલે અહીંનું સિલ્ક, આર્ટિફિશ્યલ સ્ટોન જ્વેલરી, ઇડલી અને મીનાક્ષી મંદિર કે મહાબલિપુરમ. ‘ચાલો, દેર આએ દુરસ્ત આએ.’ આજે તીર્થાટને જઈએ મેટ્રો સિટી ચેન્નઈથી ૩૫૦ કિલોમીટરના ડિસ્ટન્સે આવેલી પ્રાચીન ચોલા ડાયનેસ્ટીના તંજાવુર નગરમાં આવેલા બૃહદેશ્વર મંદિરમાં.

ઘણા કળાપ્રેમીઓએ તાંજોર પેઇન્ટિંગ્સ વિશે સાંભળ્યું પણ હશે અને આ આર્ટના માસ્ટપીસ જોયા પણ હશે. પણ જો માસ્ટરપીસની જ વાત કરીએ તો અહીંનું હજાર વર્ષ પ્રાચીન બૃહદેશ્વર મંદિર અસલ માસ્ટરપીસ છે. ધ ગ્રેટ લિવિંગ ચોલા ટેમ્પલ ૧૧ અને ૧૨મી સદી દરમિયાન ચોલા રાજવીઓએ બનાવેલાં ત્રણ મંદિરનો સમૂહ છે. એમાંથી સૌથી પહેલું મંદિર રાજા રાજા વન (પહેલા) દ્વારા બનાવડાવેલું બૃહદેશ્વર મંદિર ગ્રેટ નહીં, ગ્રેટેસ્ટ છે. આ મહાદેવાલય વિશે જાણવા પહેલાં એના નિર્માણકર્તા રાજા રાજા પ્રથમ વિશે થોડું જાણીએ. ઈસવી સન શરૂ થયાનાં ૩૦૦ વર્ષ પહેલાં કાવેરી નદીના આ સમૃદ્ધ પ્રદેશમાં ચોલા રાજવંશની ઉત્પત્તિ થઈ. પરાક્રમી અને પ્રજા ઉત્કર્ષપ્રેમી આ રાજવંશે અહીં હજારથી બારસો વર્ષ સુધી રાજ્ય કર્યું. એક તબક્કે તેમની સીમા છેક શ્રીલંકા સુધી પણ પહોંચી હતી. વિજયાલયા નામના ચોલ રાજાએ દક્ષિણ ભારતના  વિસ્તારોમાં અનેક મંદિરો, સ્થાપત્યો બનાવવાનું શરૂ કર્યું. ચારસો-સાડાચારસો વર્ષોના ગાળામાં આ રાજવીઓએ અનેક મેમરેબલ સ્થાન નિર્માણ કરાવ્યાં અને એ જ પરંપરાના રાજા રાજા ફર્સ્ટ અને તેમના પુત્ર રાજેન્દ્ર ફર્સ્ટે તો ચોલા એમ્પાયરને ચરમ શિખરે પહોંચાડ્યું. તેમણે પોતાના સામ્રાજ્યનો વ્યાપ વધારવા સાથે દ્રવિડિયન આર્ટના એવા-એવા ગ્લોરિયસ મૉન્યુમેન્ટનું નિર્માણ કરાવ્યું જે આજે દશ શતક બાદ પણ ભારતને ગરિમા બક્ષી રહ્યા છે.

 

રાજા રાજા વન પોતે પરમ શિવભક્ત સાથે પ્રજાનું હિત પણ તેમના હૈયે વસેલું એટલે કૈલાસ પતિના આશીર્વાદ સદૈવ તેમની અવામ પર વરસતા રહે એ સારું તેમણે બ્રહદ ઈશ્વર એટલે સૌથી મોટા ભગવાનને સર્મપિત બૃહદેશ્વર મંદિર બનાવડાવ્યું ઈ. સ. ૧૦૦૩થી ૧૦૧૦ના ગાળામાં બનેલું આ દેવાલય આજના ઇજનેરી અને આર્કિટેક્ચર વર્લ્ડના અભ્યાસુઓ માટે કોયડો છે, કારણ કે જમીનથી ૬૬ મીટર એટલે ઑલમોસ્ટ ૧૩ મજલા ઊંચું આ મંદિર કોઈ પાયા વગર ફક્ત જમીન પર ઊભું છે અને એથીય આશ્ચર્યની વાત તો એ છે કે ગ્રેનાઇટથી બનેલા આવડા વિરાટ સ્ટ્રક્ચરના બાંધકામમાં ક્યાંય સિમેન્ટ, કૉન્ક્રીટ કે સળિયાનો ઉપયોગ કરાયો નથી. ફક્ત ઇન્ટરલૉકિંગ વડે એક લાખ ૩૦ હજાર નાના-મોટા ગ્રેનાઇટના બ્લૉકને જોડીને આ ભવ્ય ટેમ્પલ બનાવાયું છે. એની અદ્ભુત વિશેષતાઓની વાત ચાલી જ રહી છે તો એ પણ જાણો કે મંદિરના શિખરની ટોચ ઉપર ૮૦ હજાર કિલોનો અંખડ પથ્થર પણ શાનથી શોભે છે. ઍન્ડ ટૉપ ઑફ ઑલ, સૂરજ બરાબર જોરમાં તપતો હોય, આખા મંદિરના દરેક પોર્શનનો પડછાયો જમીન પર પડતો હોય છતાંય આ મંદિરનાં શિખરોની છાયા કયાંય પડતી નથી. હેં? આવું કઈ રીતે બને એનો પ્રશ્ન જો મનમાં ઊઠ્યો હોય તો હેડ ટુ બૃહદેશ્વર મંદિર- તાંજોર.

ઇન્ડિયાનો રાઇસ બાઉલ ગણાતો તાંજાવુર ડિસ્ટ્રિક્ટ ભારતની મુખ્ય નદીઓમાંની એક કાવેરી નદીના બેઝિનમાં છે. મંદિર સરિતાની દક્ષિણ દિશાએ છે અને એ વિસ્તારમાં જ બૃહદેશ્વર સાથે મહાન રાજવી રાજા રાજા ફર્સ્ટના સુપુત્ર રાજા રાજેન્દ્ર વને બનાવડાવેલું ગાંગાઈકોટા મંદિર છે, એ પણ બડકમદાર છે તો દારાસુરમનનું ઐરાવતેશ્વરા મંદિર આ બેઉની સરખામણીએ નાનું હોવા છતાં શાનદાર છે. ફરી બૃહદેશ્વર મંદિરની વિશિષ્ટતા પર ફોકસ કરીએ તો રાજા રાજા પે રૂન્થાચન વાસ્તુવિદના માર્ગદર્શન હેઠળ બનેલા આ મંદિરમાં વપરાયેલા પથ્થરની પણ અનોખી અજાયબી છે, કારણ કે આ એરિયાના ૫૦-૬૦ કિલોમીટરના દાયરામાં ક્યાંય આવા ગ્રેનાઇટની ખાણો નથી. અરે, ખાણ તો છોડો આ વિસ્તારમાં કોઈ ટેકરીઓ પણ નથી. કહેવાય છે કે રાજાએ ૩૦૦૦ હાથીઓ ઉપર લાદી દૂર- દૂરથી આ પથ્થર મગાવ્યો હતો. મંદિરના કન્સ્ટ્રક્શનનું અન્ય અનન્ય ફીચર એ કે એ સમયે મૉડર્ન મશીનરી નહોતી, ગણતરી કે ડિઝાઇન કરી આપતી કોઈ ઍપ કે કમ્પ્યુટર પ્રોગ્રામ નહોતા ત્યારે ત્યાંના તેજસ્વી આર્કિટેક્ટે આખું મંદિર પઝલ ટેક્નિકથી ઊભું કર્યું. પઝલ ટેક્નિકમાં પથ્થરોને એ સાઇઝમાં અને એ રીતે કટ કરવામાં આવે છે જે એકબીજામાં ફિટ થઈ સૉલિડ થઈ જાય. સો-બસો શલાકા હોય તો વાત અલગ છે પણ આ તો એક લાખ ત્રીસ હજાર બ્લૉક્સ. એ દરેકનું સ્થાન, દરેકની સાઇઝ, એમાં પાડવામાં આવતા ખાંચા ભિન્ન. અને હા, શિખરની ટોચે બેઠેલા કુંભજ તરીકે ઓળખાતો ગુંબજ આકાર પથ્થર જેને આપણે કળશ કહીએ છીએ એ ૮૦ ટનના અખંડ સ્ટોનને વિમાન (દક્ષિણ ભારતમાં શિખરને વિમાન કહે છે) ઉપર ચડાવવો, સ્થિર રાખવો એનું પ્લાનિંગ, એક્ઝિક્યુશન કઈ રીતે કરાયું હશે. અગેઇન યાદ કરાવીએ કે એ કાળે કોઈ ક્રેન કે જેસીબી મશીનો નહોતાં. હા, તો એ કુંભજ મૂકવા માટે ૬ કિલોમીટર લાંબો રૅમ્પ બનાવાયો હતો અને હાથી અને મજૂરોની મદદથી આ વિશાળ પથ્થરને ૨૧૬ ફીટ ઊંચે પહોંચાડાયો હતો. આવી અનોખી ખાસિયતોને કારણે જ યુનેસ્કોએ આ મંદિરને વર્લ્ડ હેરિટેજ મૉન્યુમેન્ટની સૂચિમાં સ્થાન આપ્યું છે.

ચાલો હવે મેરુ ઑફ ધ સાઉથ કહેવાતા આ પેરુવુદાયુર કોવિલમાં પ્રવેશ કરીએ. ૪૪.૭ એકરમાં ફેલાયેલા આ મંદિરમાં પ્રવેશવા ત્રણ તોરણ સમી કમાન છે. મુખ્ય આઉટર કમાન મરાઠા શાસકોએ ૧૭મી સદીની આસપાસ બનાવી છે અને આખાય પરિસરને કિલ્લા જેવી દીવાલથી પ્રોટેક્ટ કરાવ્યો છે. પ્રવેશદ્વારની બેમિસાલ કારીગીરી વળી અંદરની બાજુએ ટ્રિમ થયેલી ઘાસની લૉન જોતાં જ કોઈ ભવ્યતમ મહાલયમાં પ્રવેશવાની ફીલિંગ આપે છે. સેકન્ડ તોરણ (ગોપુરમ) પસાર કરી આગળ વધીએ એટલે નંદી મંડપમ્ તમારું સ્વાગત કરે છે. ૧૬મી સદીમાં અહીં સ્થાપિત થયેલો ૬ મીટર લાંબો, બે મીટર ઊંચો અને અઢી મીટર પહોળો નંદી જોતાં જ એને ઝપ્પી આપવાનું મન થઈ જાય છે. ૨૫ હજાર કિલોના એક જ પથ્થરમાંથી બનેલો નંદી ઇન્ડિયાનો સેકન્ડ બિગેસ્ટ નંદી તો છે જ પણ એની વિરાટતા જોઈ એમ થાય છે કે આ તો સાક્ષત શંકર ભગવાનનો નંદી જ કૈલાસથી અહીં આવી સ્થાપિત થઈ ગયો છે. હવે, મુખ્ય મંદિરમાં પ્રવેશીએ એટલે સભા મંડપ અને આગળ ગર્ભગૃહ, ઇટ ઇઝ આઉટસ્ટૅન્ડિંગ. અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી એટલે એમ થાય કાંઈ પણ બોલ્યા વગર અહીંની પવિત્રતા, કલાકારીગીરી, દિવ્યતા, મોહકતાને આંખો વડે અંતરમાં ભરી લઈએ. સભા મંડપમાં ગણેશ, સરસ્વતી, ભૈરવ, દુર્ગા, લક્ષ્મી આદિની પ્રતિમાઓ છે તો ગર્ભગૃહની છત સુધી ઊંચું ભવ્યાતિભવ્ય શિવલિંગ દર્શનાર્થીઓને પોતાની આગોશમાં સમાવી લેવા તત્પર ભાસે છે. વળી અહીં શિવજીની નટરાજ સ્વરૂપની મૂર્તિ પણ છે. કહે છે શંકરનું આ સ્વરૂપ અહીં પ્રથમ વખત મૂર્તિમાં કંડારાયું છે. મંદિરમાં રહેલી તામ્રકલા, ડેકોરેટિવ સ્થાપત્યો, ભીંતચિત્રોથી પ્રભાવિત થઈ બહાર નીકળીએ એટલે એક આકાશને આંબતો સ્તંભ દેખાય, એ પણ બેજોડ અને મંદિરની બહાર મરાઠા શાસકોએ કરાવડાવેલા પરિક્રમા પથ પર બનાવાયેલી દેરીઓ એમાં સ્થાપિત ૧૦૮ શિવલિંગ દેરીઓની ભીંતો, સીલિંગ પર દોરેલાં પટ્ટચિત્રો, ઓહ આ જ તો તાંજોર આર્ટ છે. મંદિરની બહારની અને અંદરની દીવાલો તેમ જ સ્તંભો પર પથ્થરોમાં ભરતનાટ્યમ્ નૃત્યોના વિવિધ પોઝનાં સ્કલ્પ્ચર છે એ જ રીતે ચૌલ રાજાઓનાં અનન્ય કાર્યો, આ મંદિરની વિશિષ્ટ વાતો તામિલ ભાષામાં પથ્થરો પર આલેખિત થઈ છે. ચૌલ બાદ પાંડ્ય, વિજયનગર, મરાઠા શાસકોનું અહીં રાજ્ય સ્થાપાતાં તેમણે પણ આ મંદિરના સંકુલને વધુ શોભાયમાન બનાવવા મુખ્ય મંદિરની આજુબાજુમાં મંદિરો, ગોપુરમ, પ્રદક્ષિણા પથ, ભીંતચિત્રો જેવાં કારીગીરીના બ્યુટિફુલ નમૂનાઓ બનાવડાવ્યાં છે. ઇન ફૅક્ટ ઓરિજિનલી આ મંદિરને તેમના નિર્માણકર્તા રાજા રાજા પ્રથમ મંદિર નામે જ ઓળખાતું. એનું બૃહદેશ્વર ટેમ્પલ નામ મરાઠા રાજવીઓએ રાખ્યું છે.

તિરુચિરાપલ્લી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ મંદિરથી જસ્ટ ૪૬ કિલોમીટર દૂર છે. હવાઈમાર્ગેં જવા કોઇમ્બતુર, બૅન્ગલોર કે ચેન્નઈની ફ્લાઇટ લેવી અને ત્યાંથી બાય રોડ તાંજાવુર અથવા મુંબઈથી મદુરાઈ જતી ટ્રેનમાં તિરુચિરાપલ્લી પહોંચી ડ્રાઇવ ટુ તાંજોર. વિદેશી પર્યટકોનું આવગમન અહીં જોરદાર હોવાથી તાંજોર અને તિરુચિરાપલ્લી બેઉ ટાઉનમાં રહેવા, ખાવા-પીવા માટે અઢળક ઑપ્શન છે.

સવારે ૬થી બપોરે સાડાબાર અને સાંજે ચારથી રાત્રે સાડાઆઠ સુધી ખુલ્લાં રહેતાં આ મંદિરોને ધ ગ્રેટ લિવિંગ ચોલા ટેમ્પલ્સ એટલા માટે કહેવાય છે કે જ્યારથી આ મંદિરો અહીં નિર્માણ થયાં છે, દેવ સ્થાપિત થયા છે ત્યારથી એટલે સહસ્ત્ર વર્ષ પૂર્વે જે પદ્ધતિથી અહીં પૂજા, સેવા, અર્ચના થતી હતી; જે પ્રમાણે તહેવારો અને ખાસ પર્વો ઊજવાતાં હતાં એ જ રીતે એ જ મેથડ અને એ જ ભક્તિથી આજે પણ દરેક પૂજા પર્ફોર્મ થાય છે. 

અસ્સલ સ્વાદ

ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ડિશિસ ખાવા મુંબઈના કોઈ પણ છેડે રહેતો સ્વાદરસિયો મુંબઈગરો આ મોહનગરીના માટુંગા ઉપનગરે પહોંચી જાય છે. ડિયર ટેસ્ટબડીઝ, એવા જ ઓરિજિનલ ટેસ્ટની દક્ષિણ ભારતીય થાળી, ઢોસા, ઇડલી, વડાઈ, પાયસમ અહીં ઠેર-ઠેર મળે છે.

પૉઇન્ટ ટુ બી નોટેડ 

 રાજા રાજા પ્રથમના પુત્ર રાજેન્દ્ર ફર્સ્ટે બનાવેલું બૃહદેશ્વર મંદિર જે ગંગાઈકોટા ટેમ્પલ તરીકે જાણીતું છે એ અને દારાસુરમ જવાનું મિસ નહીં જ કરતા. આ બેઉ ટેમ્પલ્સ પણ મુખ્ય મંદિર જેવાં જ બેમિસાલ છે. બૃહદેશ્વર મંદિરની ઑફિસ પાસે ઇંગ્લિશ સ્પીકિંગ ગાઇડ મળે છે ઍન્ડ હોટેલ્સવાળાને પૂછતાં તેઓ પણ ગાઇડનું અરેન્જમેન્ટ કરી આપે છે. હાયર ધેમ. ગાઇડ વગર મંદિરમાં એમ ને એમ ફરશો તો ગંગાકિનારે રહીને પણ ફક્ત એક ટીપું ગંગાપાન કરી શકશો, જ્યારે હોશિયાર અને પ્રોફેશનલ ગાઇડ તમને આ સ્થાપત્યોની ગંગામાં તરબોળ કરી નાખશે.

columnists alpa nirmal travelogue travel news life and style