નૈમિષારણ્ય ગણાશે કળિયુગનું સર્વતીર્થ

06 April, 2023 05:26 PM IST  |  Mumbai | Alpa Nirmal

અયોધ્યા સર્કિટ ટૂરિઝમની દૃષ્ટિએ ડેવલપ થઈ રહી છે ત્યારે રામ જન્મભૂમિથી ૨૧૯ કિલોમીટરના અંતરે આવેલું પ્રાચીન તીર્થ નૈમિષારણ્ય પણ નવા વાઘા સજી રહ્યું છે

નૈમિષારણ્ય ચક્ર તીર્થ

એક વખત મહર્ષિ શૌનકને દીર્ધકાલવ્યાપી જ્ઞાનસત્ર યોજવાની ઇચ્છા થઈ. તેમણે વિષ્ણુ ભગવાનની ખૂબ આરાધના કરી. વિષ્ણુજી પ્રગટ થયા. પ્રભુએ તપસ્વી શૌનકને તેમની કામના વિશે પૂછ્યું. ત્યારે ઋષિએ ભગવાનને પ્રશ્ન કર્યો કે પૃથ્વીલોકમાં એવું કયું સ્થળ છે જ્યાં તેઓ અસુરોના ઉપદ્રવ વગર કોઈ ધાર્મિક અનુષ્ઠાન કરી શકે? એ વખતે વિષ્ણુ ભગવાને તેમને એક ચક્ર આપ્યું અને કહ્યું કે ભૂલોકમાં આ ચક્ર ચલાવો અને જ્યાં એની પરિધિ પડે એ સ્થળ અસુરો -રાક્ષસોના કોપથી સુરક્ષિત રહેશે. મુનિ શૌનક ૮૮,૦૦૦ ઋષિઓ (અન્ય માન્યતા પ્રમાણે ૮૮,૦૦૦ સહસ્ત્ર એટલે ૮૮,૦૦૦ X ૧૦૦૦) સાથે પૃથ્વી ઉપર ફર્યા અને ગોમતી નદીના કિનારે એક વનમાં ચક્રની પરિધિ પડી અને એ સ્થળ બન્યું ચક્રતીર્થ. આ ચક્રતીર્થ એટલે આજનું નૈમિષારણ્ય .
નૈમિષ ને નીમસોર નામે પણ ઓળખાતું આ પ્રાચીન તીર્થ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી ૯૩ કિલોમીટર દૂર છે અને અયોધ્યાથી ૨૧૯ કિલોમીટર. સીતાપુરનગરમાં સ્થિત નૈમિષારણ્યનો ઉલ્લેખ પુરાણોમાં પણ થયો છે અને એ અનુસાર કહેવાય છે કે આ ચક્રતીર્થની જાત્રા વિના ચારધામની યાત્રા અપૂર્ણ છે.

પહેલી વખત જ જ્યાં સત્યનારાયણની કથા કરાઈ હતી એ તીર્થની ઉત્ત્પત્તિ અને કથા વિશે મતમતાંતર છે. ઉપર કહેલી મહર્ષિ શૌનકની કહાની સાથે અન્ય એક વાર્તા પ્રમાણે આ તીરથ બ્રહ્માજીએ રચેલું છે. મહાભારતના યુદ્ધ બાદ કળિયુગનો પ્રારંભ થતાં સાધુસંતો ચિતિંત હતા. તેમણે બ્રહ્માજીને પૂછ્યું કે પૃથ્વી પર એવું કયું સ્થાન છે જે કળિયુગના પ્રભાવથી મુક્ત રહેશે? ત્યારે સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીએ એક પવિત્ર ચક્ર પૃથ્વી તરફ ઘુમાવ્યું અને કહ્યું, જ્યાં આ ચક્ર થોભશે એ સ્થળને કળિયુગનો સ્પર્શ થશે નહીં. બ્રહ્માજીનું ચક્ર નૈમિષ વનમાં આવતાં રોકાઈ ગયું અને સાધુ-સંતોએ એ સ્થાનને પોતાની તપોભૂમિ બનાવી દીધી. એ સાથે એમ પણ કહેવાય છે કે બ્રહ્માજીએ આ સ્થાનને ધ્યાન, સાધના માટે ઉત્તમ ભૂમિ કહી હતી અને તેમણે પણ અહીં  ૨૩,૦૦૦ વર્ષ તપસ્યા કરી હતી. એ ઉપરાંત પ્રાચીન કાળમાં ૮૮ હજાર ઋષિ, મુનિ, દેવતાઓએ અહીં તપ કર્યું હતું.

આ ઉપરાં ઋષિ દધીચિ અને રામ ભગવાનને પણ નીમસોર સાથે કનેક્શન છે. કહે છે કે અહીં જ ઋષિ દધીચિએ લોકકલ્યાણના અર્થે જીવતેજીવ પોતાનાં અસ્થિઓ દાન કર્યાં હતાં. રામાયણમાં પણ નૈમિષનો ઉલ્લેખ છે. શ્રીરામે આ ધરતી પર અશ્વમેધ યજ્ઞ કર્યો હતો અને મહર્ષિ વાલ્મીકિ, તેમના પુત્રો લવ-કુશ સાથે પણ તેમનું મિલન આ જ જગ્યાએ થયું હતું અને હા,  પાંચ પાંડવોમાંના યુદ્ધિષ્ઠિર અને અર્જુન પણ અહીં આવ્યા હતા.

વેલ, કઈ સ્ટોરી સાચી કે બધી જ સ્ટોરી સાચી એ વિશે બહુ ઊંડા ન ઊતરોને તો એ હકીકત છે કે આજના કાળમાં પણ આ ભૂમિમાં પગ મૂકતાં જ દૈવી અનુભૂતિ થયા વગર રહેતી નથી. સમગ્ર વાતાવરણ અર્બન હોવાં છતાંય અહીંનાં વાઇબ્સ યાત્રાળુઓને સતયુગમાં લઈ જાય છે. આમ તો મંદિરોની આ નગરીમાં બ્રહ્મા, વિષ્ણુ, શંકરનાં દેવાલયો સાથે માતાજી તેમ જ હનુમાનજીનાં પ્રમુખ મંદિરો છે ને ઘણા આશ્રમો તેમ જ મઠો છે, પણ જો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્લેસની વાત કરીએ તો પ્રથમ પાયદાને આવે ચક્રતીર્થ. ચક્રતીર્થ સરોવર છે અને એ સરોવરનો મધ્ય ભાગ ચક્ર જેવો ગોળ છે. કહે છે કે આ જ, પર્ટિક્યુલર આ જ સ્પૉટ પર ચક્રની પરિધિ પડી અથવા ચક્ર રોકાયું હતું. આ સર્ક્યુલર જળાશયમાં ભૂતળમાંથી સતત પવિત્ર જળની સરવણી વહેતી રહે છે, જે કોઈ કુદરતી આપદા કે ભૂસ્તરીય હલનચલન હોવા છતાં બંધ થતી નથી. એક્ઝૅક્ટ્લી, આ સેન્ટ્રલ ભાગમાં તો સ્નાન કરાતું નથી પરંતુ એની આજુબાજુ જળકુંડમાં સ્નાન કરવું પણ પુણ્યદાયી મનાય છે. આખા સરોવરના મધ્ય ભાગને બાઉન્ડરી વડે સુરક્ષિત કરાયું છે, કારણ કે તળાવના કેન્દ્રનો વિસ્તાર બહુ જ ઊંડો છે. આખા જળાશયની આજુબાજુ પાકા ઘાટ અને વ્યવસ્થિત પગથિયાં બનાવાયાં છે જે અયોધ્યા સર્કિટને ડેવલપ કરવાનો એક ભાગ છે અને ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે દરરોજ સેંકડો યાત્રાળુઓ તેમ જ દર અમાસે તો હજારો જાત્રાળુઓ અહીં સ્નાન કરતા હોવા છતાં પાણી અને ઘાટ એકદમ ચોખ્ખાં રહે છે. આ પવિત્ર જળકુંડની આજુબાજુમાં વિક્રમાદિત્યકાલીન રામ-સીતા, ગણેશજી, સરસ્વતીમાતા, સૂર્ય ભગવાન, ચક્રનારાયણ ભગવાન તેમ જ અનેક દેવી-દેવતાનાં નાનાં-નાનાં મંદિરો છે. એ સાથે આ જ પરિસરમાં અન્ય ત્રણ કુંડ છે; જેમાં એકનું નામ ગોદાવરી કુંડ છે, જેને બ્રહ્માજીની ગોદ કહે છે, બીજો ચરણ કુંડ જે બ્રહ્માજીનાં ચરણ છે તેમ જ ત્રીજો ગૌકુંડ છે. ફાગણ મહિનાની સુદ એકમથી પૂનમ સુધી અહીં મેળો લાગે છે અને આ સમય દરમિયાન નૈમિષારણ્યના આજુબાજુના પાંચ કોષ સુધીની પરિક્રમા કરવાનું ખૂબ મહત્ત્વ છે. એ ઉપરાંત નવરાત્રિમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ભક્તો અહીં આવે છે.

હનુમાન ગઢી

આ પણ વાંચો :  આપણાં પાપ-પુણ્યના ચોપડા ચીતરનાર ચિત્રગુપ્ત દેવનું અલાયદું મંદિર છે તામિલનાડુમાં

પુરાણોમાં એક શ્લોક છે, ‘સતયુગે નૈમિષ્યારણે, ત્રેતાયાંચ પુષ્કરે, દ્વાપરે કુરુક્ષેત્ર, કળૌ ગંગા પ્રવર્તતે.’ અર્થાત્ સતયુગમાં નૈમિષારણ્યનો પ્રાર્દુભાવ થયો, ત્રેતાયુગમાં પુષ્કર, દ્વાપર યુગે કુરુક્ષેત્ર અને કળિયુગમાં ગંગાનું અવતરણ થયું. એક વર્ગ નૈમિષારણ્યને બ્રહ્માજીના મનરૂપી ચક્રથી નિર્મિત થયેલું તીર્થ માને છે. તેમની માન્યતા પ્રમાણે ધારદાર ચીજથી જ્યારે જમીન પર પ્રહાર થાય એને નૈમિ કહે છે અને અરણ્ય મતલબ જંગલ. હવે અરણ્ય તો અહીં પહેલેથી જ હતું, પણ જ્યારે બ્રહ્માજીનું મનરૂપી ચક્ર અહીંની ભૂમિ પર પડ્યું એટલે નામ પડ્યું નૈમિષારણ્ય. મનને ચક્ર સાથે સરખાવતાં એ ભક્તો માને છે કે મન એક જ સેકન્ડમાં હજારો કિલોમીટર દૂર પહોંચી શકે છે. એક પળે મન આ વાતમાં હોય તો બીજી પળે મન ક્યાંય જતું રહ્યું હોય. એટલે જ મનને એકાગ્ર કરવા, શાંત કરવા ઋષિમુનિઓ સાધના કરે છે. આ કથા અનુસાર જ્યારે દેવતા ગણે બ્રહ્માજીને મન સ્થિર રહે, સમાધિમાં રહે એ સારુ યોગ્ય સ્થાન બતાવવાનું કહ્યું ત્યારે બ્રહ્માજીએ એ દેવતાઓને પોતાનું મન સોંપી દીધું. દેવતાઓ એને લઈ આખી પૃથ્વી ઉપર ઠેર ઠેર ફર્યા અને આ સ્થળ જ્યાં શાતાદાયક જંગલ હતું, નીરવતા હતી, ગોમતી નદીનાં પાવન પાણી હતાં, અષ્ટકોણ હવન કુંડ હતો ત્યાં આવી મનરૂપી ચક્ર રોકાઈ ગયું અને આ અષ્ટકોણ વેદીમાં પ્રવેશી પૃથ્વીના તળમાં પ્રવેશી ગયું. બ્રહ્માજીનું મન હતું એટલે પાવરફુલ તો હતું જ. એ અવનિના પહેલા, બીજાથી લઈ છેક છઠ્ઠા તળે પહોંચી ગયું. આ જોઈ મહર્ષિઓ ગભરાઈ ગયા અને તેમણે બ્રહ્માજીને નિદેવન કર્યું કે હવે સાતમા તળે તો જળ છે. જો એ તળ તૂટી જશે તો-તો આખો વિસ્તાર જળબંબાકાર થઈ જશે. પછી દેવો, ઋષિઓ આ જગ્યાએ તપ-જપ કેવી રીતે કરશે? ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને ‘મા શક્તિ’ની ઉપાસના કરવાનું કહ્યું. અહીં સતીનું હૃદય તત્ત્વ પડ્યું હતું. એનું ધ્યાન કરતાં મા લલિતાનું પ્રાગટ્ય થયું. અલૌકિક તેજ ધરાવતાં લલિતાદેવી પ્રગટ થતાં ઋષિઓને આ કાર્ય કરવાનું કારણ પૂછ્યું. ઋષિમુનિઓએ હકીકત જણાવતાં મા લલિતાએ કહ્યું, ઠીક છે, હું બ્રહ્માજીનું તપ કરીશ અને એ તપના પરિણામે તેમનામાં સ્થંભનશક્તિ આવી અને મા લલિતાએ એ ચક્રને ધરતીના પેટાળમાં ઊંડા ઊતરતાં રોક્યું. ત્યાર બાદ એ પેટાળમાંથી ફક્ત ધારરૂપે પાણી નીકળ્યું અને અહીં સરોવર રચાયું. આથી આ તીર્થનું નામ પડ્યું ‘બ્રહ્મ મનોમય ચક્રતીર્થ’. આ વર્ગનું માનવું છે કે વિષ્ણુનું સુદર્શન ચક્ર, જે તેમની ટચલી આંગળી પર ફરે છે એ ફક્ત સંહાર કે વધ કરવા જ નીકળે છે, આથી આ ચક્ર તીર્થ બ્રહ્માના મનથી પ્રગટ્યું છે અને લલિતાદેવી તેનાં નિમિત્ત બન્યાં છે. એટલે જ સરોવર બાદ અહીં મહત્ત્વનું મનાય છે લલિતાદેવી મંદિર. અહીં આવનારા ભક્તો આ માના ચરણે પગે લાગીને જ જાય છે. એ જ રીતે સ્વયંભૂ મનુ સતરૂપા મંદિર પણ આસ્થાનું બહુ મોટું ધામ છે. તો વ્યાસ ગદ્દી, પંચ પ્રયાગ, શેષ મંદિર, ક્ષેમકાયા મંદિર, હનુમાનગઢી પણ પૌરાણિક મહત્ત્વ ધરાવે છે. વળી શિવાલા ભૈરવ, પાંચ પાંડવ, પંચ પુરાણ મંદિરોની પણ આગવી કથા છે.

લલિતાદેવી મંદિર

નૈમિષારણ્યમાં અનેક મંદિરો ઉપરાંત આશ્રમો અને મઠો છે. એમાંય નારદાનંદ સરસ્વતી આશ્રમ તો દર્શનીય. આજે પણ ત્યાં સેંકડોની સંખ્યામાં બાળકોને પુરાણો, વેદોના પાઠ ભણાવાય છે. 
તીર્થક્ષેત્ર ડેવલપ કરવાના ભાગરૂપે હવે અહીં દરેક બજેટની હોટેલ, ધર્મશાળાઓ, ગેસ્ટહાઉસ છે. એ જ રીતે શાકાહારી ભાણું પીરસતાં ઢાબા, રેસ્ટોરાં પણ છે. હા, ગુજરાતી ટેસ્ટનું ખાવાનું ન મળે પણ પંજાબી છાંટ ધરાવતી રોટી, દાલ, સબ્ઝીથી પેટ અને મન બેઉ ભરાય છે. નૈમિષારણ્ય જવા મુંબઈથી લખનઉની ડાયરેક્ટ ફ્લાઇટ, ટ્રેન છે જ અને અયોધ્યાની ટ્રેનો પણ છે. નિમસારના દરેક મુખ્ય મંદિર, સાઇટની વિઝિટ કરવા એક દિવસ તો જોઈએ જ  છે અને જો તમને અહીં રાતવાસો ન કરવો હોય તો લખનઉ બહુ લાંબે નથી.

પૉઇન્ટ બ્લૅન્ક 

આ દિવ્ય સ્થાને સીતાજી ધરતીમાં સમાઈ ગયાં હતાં. એ કહાની પણ ખૂબ પૉપ્યુલર છે. સ્થાનિક લોકો માને છે કે નૈમિષારણ્ય જે શહેરમાં છે એ શહેરનું નામ સીતાપુર એટલે પડ્યું કારણે કે વાલ્મીકિ રામાયણ અનુસાર સીતામાતાએ પોતાનું સતીત્વ સાબિત કરવા ધરતીમાતાને વિનંતી કરી અને સતીની વિનંતીનો સ્વીકાર કરી અહીંની ધરતીમાંથી એક સિંહાસન પ્રગટ થયું જેમાં સીતાજી બેસી પરત ધરતીમાં લુપ્ત થઈ ગયાં. જોકે ઉત્તર પ્રદેશમાં સીતામઢી નામે એક જગ્યા છે જ્યાં સીતા સમાહિત સ્થળ છે અને ત્યાં જ સીતામાતાએ અગ્નિપરીક્ષા આપી એવી વાયકા પણ પ્રચલિત છે. પણ જો સૌથી પ્રાચીન વાલ્મીકિ રામાયણને માનીએ તો નૈમિષારણ્ય પાસે જ જ્યાં પ્રથમ વખત લવ અને કુશનું પિતા સાથે મિલન થયું એ સ્થળે જ સીતાદેવી ભૂમિમાં સમાહિત થઈ ગયાં હતાં. એ સાથે જ ચક્ર સરોવરથી ૧૦ કિલોમીટર દૂર દધીચિ કુંડ છે. મહર્ષિ દધીચિએ ભરતાસુરનો નાશ કરવા જીવતેજીવ પોતાનાં અસ્થિ (હાડકાં)ઓનું દાન કર્યું અને મનુષ્યલોકને ભરતાસુરના ત્રાસથી બચાવ્યા. આમ અનેક ઋષિ, દેવ, ભગવાનનાં ચરણોથી પવિત્ર થયેલી આ ભૂમિ સર્વતીર્થ સમાન છે.

columnists travel news ayodhya ram mandir alpa nirmal