જો લોટાના મેં લોટે, વો શત્રુંજય કે આદિનાથ કો ભેટે

16 March, 2023 06:02 PM IST  |  Mumbai | Alpa Nirmal

ગઈ કાલે જ જૈનોના પ્રથમ તીર્થંકર આદેશ્વર ભગવાનના જન્મકલ્યાણક અને દીક્ષાકલ્યાણકનો દિવસ હતો. એ ટાણે આપણે જઈએ આબુ નજીક લોટાણા તીર્થમાં. ત્યાં શત્રુંજય ગિરિરાજના એક સમયના મુખ્ય મૂળનાયક આદિનાથ ભગવાન બિરાજમાન છે

લોટાણા આદિનાથ જૈન મંદિર

સરતાતેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં એક કુંડ છે જેનું પાણી દુકાળ કે કોઈ કુદરતી આપદામાં પણ ખૂટતું નથી. જે સ્થાનિક લોકોમાં ગંગાજળ તરીકે પ્રચલિત છે

ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું પાલિતાણા તીર્થ જૈનધર્મીઓ માટે સિદ્ધક્ષેત્ર છે. આ શાશ્વતગિરિ પર વિશ્વની પ્રથમ વ્યવસ્થાનો માર્ગ પ્રવર્તાવનાર જૈન ચોવીસીના પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન ૬૯,૮૫,૪૪,૦૦૦ કરોડ વખત પધાર્યા છે. આથી આ ભૂમિની રજેરજ પવિત્ર છે. અરે, વૃક્ષ, પાન, વનસ્પતિથી માંડીને અહીંની સમસ્ત સૃષ્ટિ પાવન છે. આ ધરા પરથી અનંતકાળથી અનંતા આત્માઓ મોક્ષે ગયા છે એટલે આ તીર્થનો મહિમા અદ્ભુત છે, અલૌકિક છે. લાખો વર્ષો પૂર્વે આદિનાથ ભગવાનના પુત્ર ભરત મહારાજાએ એ મહાન શત્રુંજય પર્વતની ટોચે રાયણ વૃક્ષની સમીપે ભવ્ય જિનાલય બનાવ્યું હતું અને આ સંપૂર્ણ ક્ષેત્રનો પ્રથમ ઉદ્ધાર કર્યો હતો. 

ત્યાર બાદ અનેક મલેચ્છો, પશુઓ, ભૂત, જોગિયા, ડાકણો વગેરેએ અહીં સ્થાન જમાવ્યું. કાળક્રમે આ દેરાસર તેમ જ ભગવાનની મૂર્તિ ખંડિત થઈ ગઈ. ત્યાર બાદ અહીં અનેક વખત દેવાલયો બનાવાયાં અને મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરાઈ. અત્યાર સુધી કુલ ૧૬ વખત અહીંની ભૂમિનો ઉદ્ધાર થયો. હાલમાં સિદ્ધગિરિ ઉપર જે મુખ્ય જિનાલય છે એ ૧૪મા ઉદ્ધારક બાહ્ડ મંત્રીએ બનાવડાવેલું છે જે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર પુસ્તક અનુસાર (પાના-નંબર ૩૩૭) પ્રાયે ૮૬૬ વર્ષ પ્રાચીન છે. અહીં જે મૂળનાયક તરીકે બિરાજમાન છે તે સોળમા ઉદ્ધારક વિદ્યામંડનસૂરિજી અને કર્માશાએ ભરાવેલી પ્રતિમા છે, જેને ટૂંક સમયમાં ૫૦૦ વર્ષ પૂરાં થશે.

જોકે આજે આપણે અહીંની યાત્રા નથી કરવાની. આપણે જવાનું છે એ મુકામે જ્યાં પાલિતાણાના ડુંગર પરના મુખ્ય દેરાસરના મૂળનાયક રહી ચૂકેલા પ્રભુનાં બેસણાં છે. અહીંના જિન મંદિરસ્થિત આદિનાથ પ્રભુની આ પ્રતિમા ૧૯૭૧ વર્ષ પૂર્વેની છે. એ શાશ્વતગિરિના ૧૩મા ઉદ્ધારક જાવડશાએ સિદ્ધાશિલાના શિખરે દેરાસર બનાવડાવીને પ્રતિષ્ઠિત કરી હતી. એ ગામ છે રાજસ્થાનના સિરોહી જિલ્લાનું લોટાણા. એ આબુ રોડથી ૪૯ કિલોમીટરે છે અને જૈનોના બીજા મુખ્ય તીર્થ નાંદિયાથી ફક્ત ૭ કિલોમીટરના અંતરે છે. 

જૈનોની શત્રુંજયપ્રીતિ અને દાદા આદેશ્વરની ભક્તિથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. દેશ-વિદેશમાં વસતો જૈન શ્રદ્ધાળુ જીવનમાં એક વખત તો અચૂક શત્રુંજયની યાત્રા કરે જ છે. એમાં પણ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનોની કુલ વસતિના ૪૦ ટકા લોકો તો દર વર્ષે સિદ્ધ પર્વતની સ્પર્શના કરવા, આદિનાથને ભેટવા સાડાત્રણ હજાર પગથિયાં ચડીને પણ જાય છે. એ દૃષ્ટિએ લોટાણા તીર્થ પણ જૈનામાં શ્રદ્ધેય હોવાનું જ અને અહીં પણ હજારોની સંખ્યામાં જાત્રાળુઓ આવતા હશે એમ જો તમે માનતા હો તો એ અસત્ય છે. મોટા ભાગના જૈનોને લોટાણા વિશે, એના મહત્ત્વ વિશે જાણ નથી. 

વેલ, એનું કારણ એ હોઈ શકે કે જૈન શાસ્ત્રો, ઇતિહાસ કે પ્રાચીન પુસ્તકોમાં અહીં પધારાવાયેલી પ્રતિમાજી વિશે ઉલ્લેખ નથી. આ પ્રતિમાજી ક્યારની છે એનું કોઈ પ્રમાણ પણ નથી. અહીં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે મોગલ શાસકોએ બહુ મોટા પ્રમાણમાં જૈન સાહિત્યનો નાશ કર્યો હતો. કહેવાય છે કે ૬ મહિના સુધી સતત તેમણે જૈન ધર્મગ્રંથો બાળીને તાપણાં કર્યાં હતાં. આથી બની શકે એમાં લોટાણા, એનો ઇતિહાસ, પ્રભુજીની વિગત વગેરે રાખ થઈ ગયાં હોય. જોકે ભગવાનને જોતાં જ તે જીવંત લાગે છે. તેઓ શ્વાસ લેતા હોય, તેમના દેહમાં જીવન ધબકતું હોય એવી અનુભૂતિ થાય છે. સમગ્ર વાતાવરણમાં તેમની હાજરી મહોરી રહી હોય એવો ભાસ થાય છે. લોટાણા તીર્થના ટ્રસ્ટી સુરેશ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘બસ, ભગવાનને નિહાળતાં થતી આ લાગણી જ એ વાતની સાબિતી છે કે આ કોઈ સામાન્ય પ્રાચીન પ્રતિમા નથી.’ 

આ ગામના ઇતિહાસની વાત કરતાં સુરેશભાઈ કહે છે, ‘અત્યારે લોટાણા તરીકે જાણીતું આ ગામ પહેલા લોટણપુર નામે પ્રસિદ્ધ હતું. પ્રાચીનકાળમાં અહીં ૧૪ જૈન દેરાસરો હતાં અને દસ હજાર કુટુંબોનો વસવાટ હતો. નગરનો પરિઘ છેક આબુ સુધી વિસ્તરેલો હતો. એકંદરે સમૃદ્ધ કહેવાય એવા આ ગામમાં વર્ષો પૂર્વે જૈનાચાર્ય કમલસૂરીશ્વરજી મ.સા. ચાતુર્માસ અર્થે પધાર્યા હતા. ચાતુર્માસ પૂરા થતાં જ્ઞાની ગુરુમહારાજે નગરજનોને ત્રણ દિવસની અંદર આ ગામ ખાલી કરીને બીજે રહેવા જવાનું કહ્યું, કારણ કે તેમને લબ્ધિ વડે અંદેશો આવ્યો હતો કે અહીં મોટો ભૂકંપ થવાનો છે. મોટા ભાગના લોકોએ ગુરુની આજ્ઞા માનીને ગામ છોડી દીધું, પરંતુ થોડા લોકો અહીં રહી ગયા. ભીષણ ધરતીકંપ થતાં આ લોકો મૃત્યુ પામ્યા અને સર્વે જિનાલયો સહિત આખું ગામ, રહેઠાણો, દુકાનો બધું નષ્ટ પામ્યું.’

ભિવંડીમાં રહેતાં સુરેશભાઈ આગળ ઉમેરે છે, ‘કાલાન્તરે જાવડશા શેઠ જેમણે શત્રુંજય તીર્થનો તેરમો ઉદ્ધાર કરાવ્યો હતો તેમને પ્રભુ સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે મને પાલિતાણામાં ગોઠતું નથી. સવારે ગિરિરાજ પર જઈને જોયું તો પ્રતિમાજી ત્યાં નહોતી. પ્રતિમાજી સ્વયં ત્રણ પગલાંમાં અહીં આવી ગઈ હતી. આમ પરમાત્મા ‘લોટ્યા’ એ ક્રિયાથી આ ગામનું નામ લોટનપુર પડ્યું જે અપભ્રંશ થઈ લોટાણા થઈ ગયું. એટલે જ અમારા રાજસ્થાની જૈનોમાં એક કહેવત છે, ‘જો લોટાના મેં લોટે વો શત્રુંજય કે આદિનાથ કો ભેટે. અર્થાત્ આ પ્રભુને જેમણે નમસ્કાર કર્યા, વંદન કર્યું તેમણે શત્રુંજયના આદિનાથનાં દર્શન કર્યાં.’

આ પણ વાંચો: રામ-લક્ષ્મણ કી પાઠશાલા - બક્સર

 જોકે આ પ્રદેશનો ઇતિહાસ કે બાકી બચેલા જૈન ગ્રંથોમાં ભગવાનની મૂર્તિ ક્યારે અહીં આવી? આ ગામ અને ઉદ્ધારક જાવડશાને શું કનેક્શન? અહીં ક્યારે અર્થક્વેક થયો? એની માહિતી મિસિંગ છે એટલે બધી કડીઓ બંધબેસતી નથી. ઉપરની આ કથા સાથે લોટાણા વિશે બીજી એક લોકકથા પણ પ્રચલિત છે. દેરાસરના પૂજારીના કહેવા મુજબ જાવડશા અને તેમનાં પત્નીએ શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો. દેરાસરની ધજા ચડાવતાં જ અતિ હર્ષિત થતાં તેમનું હૃદય બંધ પડી ગયું અને તેઓ મૃત્યુ પામ્યા. મૃત્યુ બાદ તેઓ ચોથા દેવલોકમાં દેવ બન્યા (જેનો ઉલ્લેખ જૈન આ. શ્રી. ધનેશ્વરસૂરીશ્વરજી મ.સા. રચિત ‘શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર’ પુસ્તકમાં પાના-નંબર ૩૨૮ પર છે). ઉદ્ધાર કરાવ્યા પછી ફરી શત્રુંજય પર્વત પર પશુ, પિશાચો, મલિન તત્ત્વોનો ઉપદ્રવ વધવા લાગ્યો તથા અન્ય રાજાઓનાં આક્રમણો, વિધર્મી બાવાઓ દ્વારા આશાતના થવા લાગી. આ જોઈને દેવરૂપે રહેલા જાવડશાને ખૂબ દુખ થયું અને તેઓ દૈવીય વિદ્યાના ઉપયોગે આ પ્રતિમાજીને લેવા શત્રુંજય આવ્યા. પ્રતિમાને લઈને દેવલોક તરફ જાવડશા પાછા ફરતા હતા ત્યારે એ મૂર્તિ આપોઆપ આ જગ્યાએ નીચે પડી ગઈ અને અહીંથી પાછી તેમની સાથે ન ગઈ. ત્યારથી આ ભગવાન અહીં છે. આજે પણ દરરોજ સાંજે મંદિરમાંથી વાજિંત્રોના અવાજ સંભળાય છે - જાણે દેવ-દેવી પ્રભુની ભક્તિ કરતાં હોય.

વળી અન્ય એક મત મુજબ આ ગામમાં જૈનોની વસતિ ઘટતાં ભગવાનની પૂજા વગેરે યોગ્ય રીતે ન થતી હોવાથી ગામના શ્રેષ્ઠીઓ આ પ્રતિમા પાલિતાણા મૂકી આવ્યા હતા. ભગવાનને ત્યાં ન ગમ્યું અને તેઓ પોતાની રીતે અહીં પાછા પધાર્યા. આથી આ ગામને લોટાણા નામ મળ્યું.

ખેર, સત્ય કથા જે હોય તે. અરવલ્લીની લીલી-સૂકી ટેકરીઓની ગોદીમાં વસેલું નાનકડું ગામ છે લોટાણા. જીરું, રાઈ, બાજરીના પાકથી સંગીત રચતાં ખેતરો, ગ્રેનાઇટ પથ્થરના ટચૂકડા ડુંગરા, ક્યાંક રણની રેતીના ઢેર તો ક્યાંક લીલાંછમ વૃક્ષોથી શોભતા આ ગામની થોડે બહાર પ્રભુજીનું જિનાલય આવેલું છે. રંગબેરંગી થાંભલાઓ ધરાવતું નાજુક દેરાસર ૬૩ વર્ષ પૂર્વે બનેલું છે. ફાગણ સુદ બારસે જ એની સાલગિરહ હતી. 

પાલિતાણામાં બિરાજતા આદેશ્વર ભગવાન રાજા જેવા શોભે છે તો અહીંના આદિનાથ શાંત, સ્થિર યોગી સમ નિર્લેપ છતાં પણ હૂંફાળો આવકારો આપતા કળાય છે. જિન મંદિરના ગર્ભગૃહમાં સ્થિર અને એકલા બેઠેલા આ પ્રભુની સાથે જેટલી વાતો કરવી હોય એટલી થાય, ગભારામાં તેમની નજીકમાં બેસીને પ્રભુના સામીપ્યને શ્વાસોમાં ભરવાની ઇચ્છા પણ પૂરી થાય અને તેમની ઊર્જા, તેમની આભા, તેમની કરુણાને જેટલી ઝીલવી હોય એટલી ઝીલી શકાય, કારણ કે અહીં આખા વરસમાં ત્રણસોથી ચારસો યાત્રાળુઓ પણ મુશ્કેલીથી આવે છે. ગભારાની બહારની બેઉ બાજુએ પાર્શ્વનાથ પ્રભુની ઊભી પ્રતિમા છે જે ૧,૧૦૦ વર્ષ પ્રાચીન છે એવું એના શિલાલેખ પરથી જણાય છે. અહીં રહેવા માટે મંદિરના પરિસરમાં ત્રણ-ચાર ઓરડીઓ છે. એમાં વધુ સગવડ નથી અને ભોજનશાળા પણ નથી. હવે ૫૦૦ ખોરડાંના રહી ગયેલા ગામ લોટાણામાં પણ રહેવા-જમવાની બીજી સુવિધા નથી એટલે જૈન યાત્રાળુઓ મોટા ભાગે નજીકના તીર્થ નાંદિયાજીમાં જ રહે છે.

એક સમયે રાયણનાં વૃક્ષોથી આચ્છાદિત આ ગામમાં અન્ય મંદિરો પણ છે. એમાંથી સરતાતેશ્વર મહાદેવ આજુબાજુના ટ્રાઇબલોનું તીર્થધામ છે. આ મંદિરના પરિસરમાં એક કુંડ છે જેનું પાણી દુકાળ કે કોઈ કુદરતી આપદામાં પણ ખૂટતું નથી. સ્થાનિક લોકોમાં ગંગાજળ તરીકે પ્રચલિત આ પાણી માટે કહેવાય છે એના સેવનથી કોઢ કે અન્ય ચર્મરોગ મટી જાય છે. આબુ રોડથી લોટાણા જવા પ્રાઇવેટ વાહનો ઉપરાંત રાજસ્થાન રાજ્યની બસસેવા મળી રહે છે તો જિલ્લા મથક સિરોહીથી પણ વેહિકલ્સ ઉપલબ્ધ થઈ જાય છે. એ માધ્યમથી ૨૯ કિલોમીટરનું આ 
અંતર પોણાથી એક કલાકમાં પૂરું કરી શકાય છે.

columnists travelogue travel news alpa nirmal life and style