યહાં બ્લુ હૈ પાની... પાની...

30 October, 2022 03:59 PM IST  |  Mumbai | Alpa Nirmal

તીર્થભૂમિ દ્વારકાના પડખે આવેલો શિવરાજપુર બીચ ગુજરાતનો એકમાત્ર બ્લુ ફ્લૅગ બીચનો બિરુદ પામેલો દરિયાકાંઠો છે. ગુજરાતી વર્ણમાળાનો અક્ષર ‘ધ’ જેવો આકાર ધરાવતી ગુજરાતની કોસ્ટલલાઇનમાં શિવરાજપુર તટનો જોટો જડે એમ નથી

શિવરાજપુર બીચ

ગુજરાત રાજ્ય પાસે આપણા દેશની સૌથી લાંબી દરિયાઈ પટ્ટી છે. દક્ષિણે ઘોલવડથી શરૂ થતી કોસ્ટલલાઇન છેક કચ્છના કોટેશ્વર પાસે વિરમે છે. અરબી સમુદ્રના આ કિનારાના પટ્ટામાં કુલ ૪૦ જેટલાં નાનાં-મોટાં પોર્ટ છે, તો સુષુપ્ત પાણીથી લઈ ઘૂઘવાતો દરિયાકાંઠો પણ અહીં છે. એ જ રીતે ખંભાત બંદર પાસે અખાતરૂપે પરિવર્તિત થતો મહાસાગર ક્યાંક-ક્યાંક મીઠાના અગરમાં સમાઈ જાય છે અને આ જ સમંદરના કોઈ કિનારે અઢળક ઍક્ટિવિટી છે તો કોઈ તટ એકલવાયો અને શાંત છે. વેલ, આવા વરાઇટીમય દરિયાની વિરાસત ધરાવતા ગુજરાતનો મૉલદીવ્ઝ તો શિવરાજપુર બીચ જ છે. હા, અહીં પહોંચતાં જ તમને મૉલદીવ્ઝમાં આવી પૂગ્યાની અનુભૂતિ થાય છે, કારણ કે અહીં છે મૉલદીવ્ઝ જેવું જ ‘બ્લુ હૈ પાની.’

ડેન્માર્ક સ્થિત ફાઉન્ડેશન ફૉર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન નામની સંસ્થાએ આજથી બરોબર બે વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૦ના ઑક્ટોબરમાં શિવરાજપુરને બ્લુ ફ્લૅગ બીચનું સર્ટિફિકેટ આપ્યું  ત્યારથી આ છુપાયેલો નગીનો લાઇમલાઇટમાં આવ્યો છે. બાકી અત્યાર સુધી તો વર્ષે લાખો જાત્રાળુઓ દ્વારકાધીશના ચરણે શીશ ઝુકાવવા જતા અને બેટ દ્વારકામાં આવેલા શ્રીકૃષ્ણના નિવાસસ્થાને પણ જતાં, છતાં આ બેઉની વચ્ચે આવેલા શિવરાજપુર વિશે આપણે અજાણ હતા. ખેર, હવે દ્વારકા જાઓ ત્યારે એક દિવસ શિવરાજપુરના નામે લખજો. અરે, ના, ના, સ્પેશ્યલી શિવરાજપુર પણ જવાય એટલો બડકમદાર છે આ બીચ.

દ્વારકાથી ફક્ત ૧૨ કિલોમીટરના અંતરે આવેલું શિવરાજપુર ગામ આમ તો ૧૯મી સદીમાં વડોદરાના મહારાવે વસાવ્યું હતું. જોકે થોડા ખારવાઓ અને માછીમારોનાં ઘર સિવાય અહીં બીજું કાંઈ નહોતું, પણ ગુજરાત સરકારે  આ બીચની મોહકતા જોઈને અહીં ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું. દ્વારકા-ઓખા હાઇવેથી સિંગલ પટ્ટીના રોડ પર પશ્ચિમી બાજુએ ૩થી ૪ કિલોમીટર જેટલું ડ્રાઇવ કરો એટલે બાકાયદા મોટી કમાન આવે જેમાં લખેલું હોય ‘વેલકમ ટુ શિવરાજપુર બીચ - રિલૅક્સ, રિફ્રેશ, રિજુવનેટ.’ મોટો સમથળ પાર્કિંગ લૉટ અને સ્વચ્છ ટૉઇલેટ ધરાવતા આ પરિસરમાંથી તમે આગળ જાઓ એટલે ટિકિટ કાઉન્ટર આવે અને ટિકિટ ખરીદીને તમે બીચ ટેરિટરીમાં આવો એટલે સરસમજાનો વૃક્ષોથી આચ્છાદિત પાથવે તમારું સ્વાગત કરે. હા, અહીં અંદર આવો એ પહેલાં ‘ડૂઝ ઍન્ડ ડોન્ટ’નું મોટું બોર્ડ વાંચી લેવું. અહીં જ્યાં-ત્યાં થૂંકવું કે ખાલી પડીકાં ફેંકી દેવાનું તો અલાઉડ નથી જ, પણ ઠેર-ઠેર ભીના અને સૂકા કચરા માટે અલાયદું ડસ્ટબિન છે, એમાં જ કચરો નાખવાનો. એ જ રીતે ઝાડ-પાન તોડવાં કે પ્રતિબંધિત લૉન પર ચાલવું, આળોટવું પણ મંજૂર નથી. અરે, ભાઈ અહીં બેસવા, આરામ કરવા માટેની આગળ ઘણી જગ્યા છે, શું કામ આ પ્રોહિબિટેડ જગ્યાએ તમારે ટાઇમ કાઢવો છે!! પાથવે પર આગળ વધતાં ડાબી બાજુ સેલ્ફી પૉઇન્ટ છે અને જમણી બાજુ મોટો બધો બ્લુ ઓશન. તમને થાય કે અહીં પહેલાં સેલ્ફી લઉં કે દરિયા તરફ દોટ મૂકું!!

સોનેરી ઝાંય ધરાવતી સફેદ રેતી, કુદરતે કોતરેલી કોરલો, શેવાળ જેવી દરિયાઈ વનસ્પતિ અને ઢેર સારાં છીપલાં, કોડીઓ, શંખલાં ધરાવતા આ તટ પરનું પાણી સરખામણીએ છીછરું છે. અહીં ભરતી સમયે પણ બહુ મોટાં મોજાં ઊછળતાં નથી, એટલે નાહવા માટે ફુલ સેફ્ટી. વળી આસમાની રંગનું પાણી અહીં આવનાર દરેકનું એવું ભાવભીનું સ્વાગત કરતું હોય કે જુમ્મા ટુ જુમ્મા નહાતો માનવી પણ અહીં પલળ્યા વગર રહી ન શકે. ગુજરાતના દરેક કિનારાની પોતાની આગવી ઇકો સિસ્ટમ છે. મૅન્ગ્રોવ્ઝથી લઈને પરવાળા, દરિયાઈ જીવોથી લઈને રેતી, કલર, ટેક્સ્ચર, કૅરૅક્ટર બધું જ ભિન્ન ભિન્ન. જુઓને, અહીંના કિનારે જે રીફ્સ છે એ કચ્છના કડિયા ધ્રોની મિની રેપ્લિકા છે જાણે. એવી કોતરો ગુજરાતના અન્ય કોઈ કિનારે જોવા મળતી નથી. હજારો વર્ષોથી ખારા પાણીની થપાટ ખાઈ-ખાઈને ખડકો પર એવાં પાસાં પડી ગયાં છે કે કૅમેરાના લેન્સને જરાય પોરો મળતો નથી.

હવે બીચના મુખ્ય આકર્ષણ પાણી વિશે વાત કરીએ. અહીંનું આકાશ અને પાણી હંમેશાં યુનિફૉર્મ ડ્રેસિંગ કરે છે. એક જ શેડના સ્કાય બ્લુ રંગના તાકામાંથી બનાવેલો પહેરવેશ જ પહેરે છે. હવે, કોણ કોની કૉપી કરે છે એ કહી ન શકાય. એ જ રીતે જળ અને આકાશ ક્યાં ભળે છે એય કળી ન શકાય એવી સમરસતા અહીં નભ અને નીરની છે. એક સમય દ્વારકા પાસે ગોમતી નદીના થતા સંગમ પાસે બહુ ગંદકી રહેતી. વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં પવિત્ર સ્નાન કરવા આવતા. પૂજાપો, ઉતારેલાં કપડાંનો ઢગ અહીં જોવા મળતો અને પાણી પણ કમ્પેરેટિવલી ગંદું રહેતું, પણ સરકારે અહીં બહુ મહેનત કરી અને પાણીનું અને ઘાટનું શુદ્ધીકરણ કર્યું છે. હવે એ અન્વયે હોય કે અત્યાર સુધી અછૂત રહ્યો હોય એ કારણ હોય,  શિવરાજપુરનું પાણી બ્લુ સેફાયર જેવું પારદર્શક છે (બ્લુ ફ્લૅગ બીચનું ક્રેડિટેશન મળવા પાછળ અન્ય ૨૯ કારણો સહિતનું આ એક અને બહુ મોટું કારણ).

અહીંના ખારા પાણીમાં છબછબિયાં કરવાની સાથે બીચ ઍક્ટિવિટી પણ કરી શકાય. બોટિંગ, બનાના બોટ રાઇડ, સ્નોર્ક્લિંગ, પૅરાસેઇલિંગ, સ્કૂબા ડાઇવિંગ જેવી જળક્રીડાઓ અહીં ચાલુ થઈ છે. જોકે આ બધી ઍક્ટિવિટી પ્રાઇવેટ ઑપરેટરો ચલાવે છે, એટલે એ હંમેશાં ચાલુ જ હોય એવું નક્કી નથી. દરિયો બહારવટે ચડ્યો હોય કે વાતાવરણ ખોરંભે ચડ્યું હોય તો સમજ્યા, આ ઍડ્વેન્ચર બંધ હોય, પણ અહીં ઑપરેટર પોતાની મરજી મુજબ દુકાન ખોલે ને બંધ કરે છે. બટ, વાત એ છે કે જો આ પ્રવૃત્તિ ચાલુ હોય તો ભૂલ્યા વગર કરવી જ, ગોવામાં પહેલાં કરી હોય તો પણ, કારણ કે અહીંની દરિયાઈ સૃષ્ટિ બહુ માયાવી અને સમૃદ્ધ છે, જે તમને અલગ દુનિયામાં લઈ જાય છે. અરે બૉસ, અહીં જ તો માધવની સોનાની દ્વારકાનગરી હતી જે તેમણે જ સાગરમાં સમાવી દીધી હતી.

દરિયાઈ રમતો કરવાની હિંમત નથી ને બીચ પર પણ કેટલું ચાલવું? એમ વિચારતા હો તો વેઇટ, અહીં બેસવા માટે ઠેર-ઠેર બામ્બુ-હટ્સ છે. ઘાસના રૂફથી સજ્જ આ કુટિયામાં બેસોને તો સમાધિ લાગી જાય એવું સુકૂન મળે છે. રીલ્સ અને સેલ્ફીના શોખીનો માટે અહીં ઑર એક સ્પૉટ છે, જેનું નામ છે કચ્છી ગઢ. કચ્છના રાજવી દેશલજીએ કચ્છથી આવતા-જતા ખલાસીઓ માટે અહીં દીવાદાંડી સાથે પથ્થરિયા નાના કિલ્લા જેવા આવાસ બંધાવ્યા હતા, જેમાં તેઓ રાશનપાણીની વ્યવસ્થા કરી શકે અને વહાણનું રિપેરિંગ પણ થઈ શકે. એ આવાસ તો હવે ખંડિત થઈ ગયા છે. એના અવશેષરૂપે એક કાળમીંઢ દીવાલ બચી છે, પણ દીવાદાંડી હજી ઉન્નત છે. ૨૦૦૧ના ભૂકંપ વખતે એ થોડી ક્ષતિગ્રસ્ત થઈ હતી, પરંતુ ફરી એનું સમારકામ થતાં અડીખમ ઊભી છે. આ આખા વિસ્તારમાં ૧૯૭૭માં ઇલેક્ટ્રિસિટી આવતાં પહેલી લાઇટ આ દીવાદાંડીએ લાગી હતી. હવે તો અહીં મોટી બોટ આવતી નથી, પરંતુ આ સ્પૉટ શિવરાજપુરનો હૉટ સ્પૉટ છે.

શિવરાજપુર બીચ નાના-મોટા કરચલાઓનો ગઢ છે. પાણીથી લઈ પરવાળા અને માટીમાં પણ તેઓ ફરતા હોય છે, સો બી કૅરફુલ, આમ તો એ તમને નુકસાન નથી પહોંચાડતા, એ જ રીતે તમારે પણ એને તકલીફ નથી આપવાની.

માઇન્ડ ઇટ

લાંબી દરિયાઈ પટ્ટી, ઐતિહાસિક સ્થાપત્યો, પ્રાચીન તીર્થસ્થળો જેવો વૈભવી વારસો હોવા છતાં આપણી બેદરકારીએ ગુજરાતનાં અનેક અદ્વિતીય સ્થળોની સુંદરતા જોખમાઈ ગઈ છે, જોખમાઈ રહી છે ત્યારે શિવરાજપુર જેવો અદ્ભુત કિનારો આપણને મળ્યો છે તો હવે સાચવીએ. જ્યાં-ત્યાં કચરો નાખવો કે કુદરતી વિશેષતાઓને નુકસાન પહોંચાડવામાં કોઈ બહાદુરી નથી એ સમજીએ. ગોમતી ઘાટમાં સ્નાન કરી જ્યાં-ત્યાં જૂનાં કપડાં નાખી દેવાય છે, એ કરવાથી પણ અહીં બચીએ.
સોલર પાવરથી ચાલતું આ આખું સંકુલ સિક્યૉરિટી કૅમેરાથી સજ્જ છે, એટલે ડોન્ટના લિસ્ટમાંથી એક પણ પ્રવૃત્તિ તમે કરશો એટલે તરત સુરક્ષા-કર્મચારી તમારી પાસે હાજર થઈ જશે અને દંડની પાવતી પકડાવી દેશે.

કેટલીક યુઝફુલ ટિપ્સ

હાલમાં શિવરાજપુરમાં રહેવાની કોઈ જગ્યા નથી એટલે રહેવાનું તો દેવભૂમિ દ્વારકામાં જ છે એ જ રીતે અહીં સંકુલની બહાર ભજિયાં કે ભુટ્ટા કે ચા-નાસ્તાની લારીઓ સિવાય ઝાઝું કાંઈ મળતું નથી એટલે બેટર દ્વારકાથી તમે લંચ કરીને જ નીકળજો.
દરિયામાં નાહ્યા પછી મીઠા પાણીનો શાવર લેવાની અને કપડાં ચેન્જ કરવાની સુવિધા અહીં છે, જે નૉમિનલ ચાર્જ આપીને મેળવી શકાય છે. 
શિવરાજપુર બીચ સવારે ૮થી સાંજે ૭ વાગ્યા દરમ્યાન ખુલ્લો રહે છે. દ્વારકાનો સૂર્યાસ્ત તો જાદુઈ છે જ, પણ અહીંનો સનસેટ પણ મેસ્મેરાઇઝિંગ.
શિવરાજપુરથી નજીકમાં જ દ્વારકાધીશનું મંદિર અને બેટ દ્વારકા છે અને સાથે નજીકમાં ગોપી તળાવ, ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર અને રુક્મિણી માતાનું મંદિર પણ છે જે શિવરાજપુરની વિઝિટનું વન મોર રિઝન બને છે. 
આખા સંકુલમાં વ્હીલચૅર અને બાબાગાડી જઈ શકે એવી કેડીઓ છે, પણ એ અહીં મળતી નથી. એ તમારે લઈ જવાની છે. ટૉઇલેટ અને પીવાના પાણીની ફ્રી સુવિધા છે.

columnists travelogue travel news dwarka alpa nirmal gujarat