વાઇરલ મમ્મા

12 May, 2024 10:06 AM IST  |  Mumbai | Ruchita Shah

બદલાયેલા સમય સાથે મમ્મીઓ પણ બદલાઈ છે અને થૅન્ક્સ ટુ સોશ્યલ મીડિયા કે આજની મમ્મીઓ બીજી મમ્મીની મદદ કરવા માટે તત્પર છે. આ જ કારણ છે કે આજે સોશ્યલ મીડિયા પર ‘મૉમ-ઇન્ફ્લુઅન્સર્સ’નો દબદબો વધ્યો છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માતૃત્વ એ સ્ત્રીના જીવનની સૌથી ધન્ય ક્ષણ હોય છે અને માતૃત્વ એ તેના જીવનની પૂર્ણતા પામવાનું માધ્યમ છે. માતૃત્વ ન મળ્યું હોય તેવી સ્ત્રીઓનું જીવન હંમેશાં અધૂરું રહે છે અને સંતાનસુખ મળવું એ સ્ત્રીના જીવનનું ઉચ્ચતમ સુખ છે વગેરે વગેરે. આવી અઢળક વાતો દ્વારા આપણે ત્યાં સદીઓથી સ્ત્રીનું માતા-સ્વરૂપ ગ્લૉરિફાય થતું રહ્યું છે. એમાં કોઈ શંકાને સ્થાન હોઈ પણ ન શકે કે સ્ત્રી જ માતા બની શકે છે અને એ તેને મળેલા ઈશ્વરના આશીર્વાદ જ છે, પરંતુ માતૃત્વની સાથે નવી મમ્મીઓએ અનેક પડકારો અને સંઘર્ષનો પણ સામનો કરવો પડતો હોય છે. પછી પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશન હોય કે પછી ડિલિવરી પછી બદલાયેલા દેખાવનો બોજ હોય. પહેલાંના જમાનામાં સંયુક્ત પરિવારમાં બધું સચવાઈ જતું અથવા ક્યાંક સમસ્યા રહેતી તો પણ એ બહાર નહોતી આવતી. આજે પરિવારો નાના થયા અને સાથે આપણી સામે સેલ્ફ-એક્સપ્રેશનનાં માધ્યમો વધ્યાં છે ત્યારે આજની મમ્મીઓ પહેલાંની જેમ ચૂપચાપ સહન કરી લે અથવા તો દરેક અનુભવ જાતે કરીને એને પોતાના પૂરતા જ મર્યાદિત રાખે એવું રહ્યું નથી. એ જ કારણ છે કે આજે સોશ્યલ મીડિયા પર ઇન્ફ્લુઅન્સર મમ્મીઓનો પ્રભાવ વધ્યો છે. પોતાના અનુભવ હજારો અને લાખો મમ્મીઓ સુધી પહોંચાડનારી મૉમ-ઇન્ફ્લુઅન્સર પોતે જેમાંથી પસાર થઈ એમાંથી બીજી મમ્મીઓ પસાર ન થાય એવા પ્રયાસો કરી રહી છે તો સાથે તેમની સાથે જોડાયેલા હજારો ફૉલોઅર્સને કારણે આ મમ્મીઓ માટે ઘેર બેઠાં મધરહુડને મૉનેટાઇઝ કરવાના પર્યાયો પણ ઊભા થયા છે. બાળકની આસપાસ વીંટળાયેલી મમ્મીઓ પોતાના માટે પણ જીવે એવો સંદેશ આ મૉમ-ઇન્ફ્લુઅન્સર્સ આપે છે તો આજે પણ દીકરીના જન્મ માટે નાકની દંડી ચડાવતા સમાજના કહેવાતા લોકોનો રોષ વહોરીને પોતાની વાત કહેતાં તેઓ ખચકાતી નથી. આ મધર્સ ડે નિમિત્તે ‘મિડ-ડે’એ મુંબઈની આવી જ ત્રણ જાણીતી અને જોશીલી મમ્મીઓ સાથે વાત કરી અને જાણી સોશ્યલ મીડિયાની તેમની યાત્રા કેવી રીતે શરૂ થઈ ત્યારથી લઈને સમાજે તેમનાં માતા તરીકેના પારદર્શી અનુભવોનો પડઘો કેવી રીતે આપ્યો એની રોચક વાતો.

બીજી દીકરીના જન્મ પછી સમજાયું કે આજે પણ દીકરીને પસંદ નહીં કરનારો વર્ગ છે: રુબી શાહ 

ઇન્સ્ટાગ્રામ પર મમ્મીઓ માટે લિપસ્ટિક અને બાળકો માટે ક્રેયૉન્સ છે. માતા બન્યા પછી જાતને ન ભૂલવાના સંદેશ સાથે બાળકને ગમ્મતમાં શીખવવાની અનેક ટ્રિક્સ શીખવવાનો મેસેજ તમને સાઉથ મુંબઈમાં રહેતી રુબી શાહના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર મળી જશે. લગભગ પચાસ હજાર ફૉલોઅર ધરાવતી આ મૉમ-ઇન્ફ્લુઅન્સરે માતા તરીકે જીવનમાં પુષ્કળ ઉતાર-ચડાવ જોયા છે. પછી એ બાળકના જન્મ પછી આવેલા પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશનની વાત હોય કે પછી મિસકૅરેજ પછીની દયનીય માનસિક અવસ્થામાંથી બહાર નીકળવાની વાત હોય. પોતાના જીવનના દરેક ઘટનાક્રમને વાસ્તવિક રીતે રુબીએ પોતાના ફૉલોઅર્સ સામે મૂક્યા છે અને એમાંથી બહાર આવવાના રસ્તાઓ પણ દર્શાવીને લોકોને રાહ દેખાડવાનું કામ કર્યું છે. સાડાસાત વર્ષની દીકરી ઇનાયા અને ચાર મહિનાની દીકરી અરિકાની મમ્મી રુબી શાહ પોતાની મૉમ-ઇન્ફ્લુઅન્સર તરીકેની જર્ની શરૂ કેવી રીતે થઈ એની વાત કરતાં કહે છે, ‘સૌથી પહેલી ક્રેડિટ લૉકડાઉનને આપીશ. આમ ઇન્સ્ટાગ્રામ પર હતી, પરંતુ મા-દીકરી સાથે મળીને કઈ રીતે ક્વૉલિટી-ટાઇમ સ્પેન્ડ કરી શકે અને તમે તમારા બાળકને ઍક્ટિવિટીના ફૉર્મમાં બાળકને કામમાં કેવી રીતે ઇન્વૉલ્વ રાખી શકો એવી બધી કન્ટેન્ટ શૅર કરવાનું લૉકડાઉનમાં શરૂ કર્યું. મારા હસબન્ડનું જ સજેશન હતું આ કે તું આટલી સરસ રીતે બાળકોને ક્રીએટિવલી ઍક્ટિવ રાખે છે તો એ વાતો લોકો સાથે શૅર કરને. ઘણી મમ્મીઓને એમાંથી ટિપ્સ મળશે.’

લૉકડાઉનમાં જ્યારે કોઈ જ જાતની મદદ નહોતી મળી રહી અને ઘરનાં બધાં જ કામ જાતે કરવાનાં હતાં ત્યારે દીકરીનું માઇન્ડ પણ ઍક્ટિવ રહે એવા કેટલાક ક્રીએટિવ રસ્તાઓ રુબીએ અપનાવ્યા હતા. જેમ કે પોતે રોટલી બનાવતી હોય ત્યારે લોટનો એક લૂઓ દીકરીને આપીને તેને અલગથી પોતાની રીતે કંઈક બનાવવા માટેની મોકળાશ આપવી. પોતે કપડાં ઘડી કરતી હોય ત્યારે સરખા કલરનાં કપડાં એકસાથે રાખવાનો ટાસ્ક આપવો, બહુ બધું ચિલ્લર ભેગું થયું હોય તો એને છૂટું પાડવાનું કામ દીકરીને સોંપવું. રુબી કહે છે, ‘આના બે ફાયદા થયા. ઇનાયાનો ટાઇમપાસ થઈ જતો અને મારું કામ પણ થોડુંક હળવું થઈ જતું. આ ઍક્ટિવિટીના નાના-નાના વિડિયો હું સોશ્યલ મીડિયા પર મૂકવા માંડી અને લોકોનો જબરો રિસ્પૉન્સ આવવાનો શરૂ થયો. ફૉલોઅર્સ વધ્યા. મોટી-મોટી બ્રૅન્ડ્સ સાથે કોલૅબરેશન શરૂ થયું અને મૉમ-ઇન્ફ્લુઅન્સર તરીકેની યાત્રા રીતસર શરૂ થઈ.’

જોકે વચ્ચે એક વર્ષ રુબી સંપૂર્ણ રીતે સોશ્યલ મીડિયા પરથી ગાયબ હતી. બીજી વારની પ્રેગ્નન્સીમાં અઢળક કૉમ્પ્લિકેશન્સ વચ્ચે મિસકૅરેજ થયું. પછી ફરી એક વાર સેમ ઘટના ડિસેમ્બર ૨૦૨૨માં બની. રુબી કહે છે, ‘મારા જીવનનો એ કલ્પી ન શકાય એવો ડિપ્રેશનનો ગાળો હતો. મારી મોટી દીકરી તરફ પણ મારું કોઈ ધ્યાન નહોતું. બીજું બાળક મેં ખોઈ દીધું એ વાત ડાઇજેસ્ટ નહોતી કરી શકી અને હું જીવતી લાશ જેવી બની ગઈ હતી. લગભગ બે મહિના આ જ રીતે પસાર કર્યા હતા. હું ઇનાયા સામે જોઈ નહોતી શકતી. જોકે એ ગાળામાં ઇનાયાનું જ એક વાક્ય મને એમાંથી બહાર લઈને આવ્યું. મારી દીકરીને મનમાં ધ્રાસકો પડી ગયો હતો કે હંમેશાં હસતી-રમતી અને મસ્તી કરતી મારી મમ્મી કેમ એટલી ગુમસુમ થઈ ગઈ છે. તેણે એક વાર મને કહ્યું કે મમ્મા, હું ભગવાનને રોજ પ્રે કરું છું કે તમને પાછાં હૅપી કરી દે, દાદુની જેમ તમે મરીને સ્ટાર નહીં બની જતાં, પ્લીઝ. બસ દીકરીના આ શબ્દો સામે હું પડી ભાંગી. જે બાળક જતું રહ્યું એના દુ:ખમાં જે બાળક મારી પાસે છે તેને અવગણીને અન્યાય કરી બેસી. આ મારા જીવનનો એક માતા તરીકેનો ટર્નિંગ પૉઇન્ટ હતો. મેં મારા જીવનની, પ્રેગ્નન્સીના દિવસોની, એ દરમ્યાન આવતી તકલીફોની અને એમાં મેં કરેલા ઉપાયોની વાતો લોકો સાથે શૅર કરી. સામાન્ય રીતે સોશ્યલ મીડિયામાં લોકો માત્ર હૅપી મોમેન્ટ શૅર કરતા હોય છે, જ્યારે મેં વાસ્તવિકતાઓ શૅર કરી જેને લોકો દ્વારા અદ્ભુત પ્રતિસાદ મળ્યો. સાથે બીજી એક વાત હું વારંવાર આજની મમ્મીઓને કહેતી રહી છું કે તમે તમારા પોતાના જીવનને પણ એન્જૉય કરો. તમે તમારા પાર્ટનર સાથે મૂવી જોવા બહાર જાઓ, બાળકને ઘરે રાખીને ફ્રેન્ડ્સ સાથે આઉટિંગ પ્લાન કરો. તમે મમ્મી બની ગયાં એટલે તમારી પર્સનલ લાઇફ પૂરી નથી થઈ જતી, આ વાત પણ હું મહિલાઓને કહેતી રહી છું. તમે અંદરથી હૅપી હશો, ખુશ હશો અને સંતુષ્ટ હશો તો જ હૅપી પેરન્ટિંગ પણ સંભવ બનશે.’

૨૦૨૩ની ૨૨ ડિસેમ્બરે રુબીએ પોતાની બીજી દીકરીને જન્મ આપ્યો. તે કહે છે, ‘બીજા બાળકનું જીવનમાં આવવું એ ખરેખર મારા માટે સાતમા આસમાન પર હોવાની અનુભૂતિ હતી, કારણ કે બહુ જ સંઘર્ષ અને અનેક યાતનાઓ પછી મને બીજું બાળક નસીબ થયું હતું. મારા હસબન્ડ અને મારી દીકરીને બીજું બાળક બેબી ગર્લ આવે એ જ જોઈતું હતું. ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી લીધી. જ્યારે ડૉક્ટરે મારા હસબન્ડને લેબર-રૂમમાંથી બહાર જઈને કહ્યું કે ઇટ્સ અ બેબીગર્લ ત્યારે તેમણે ખુશીને કારણે આખી હૉસ્પિટલ માથા પર લઈ લીધી હતી. જોકે કેટલાક પરિચિતોને પણ બીજા સંતાનમાં ફરી દીકરીનો જન્મ થયો એ ન માફક આવ્યું તો સોશ્યલ મીડિયા પર તો એનાથીયે વધુ વોકલ થઈને બીજી દીકરી જ આવી છે એમાં આવો ઊહાપોહ કરવાની શું જરૂર છે એવું કહ્યું. મારી દૃ​ષ્ટિએ દીકરો હોય કે દીકરી એનાથી આજના સમયમાં કોઈ ફરક નથી પડતો અને મારી બન્ને દીકરીઓ માટે ગર્વ છે એ વાતો મેં સ્પષ્ટતા સાથે સોશ્યલ મીડિયા પર મૂકી અને ઘણી મમ્મીઓના મને મેસેજ આવ્યા. જેમને સંતાનમાં બે દીકરી હોય તેઓ અંદરખાને અફસોસ કરતી હતી, પરિવારના પ્રેશરને કારણે લાચાર હતી. તેવી મમ્મીઓને મારી સ્ટોરીમાંથી પ્રેરણા મળી હતી. તેઓ પોતાની બન્ને દીકરીને હવે પહેલાં કરતાં વધુ પ્રેમ કરશે અને દુનિયાની પરવા નહીં કરે એવું જ્યારે એક મમ્મીએ મને મેસેજમાં લખ્યું ત્યારે મને સંતોષ થઈ ગયો કે હાશ, સોશ્યલ મીડિયા પર સક્રિય હોવાનું આ સર્વશ્રેષ્ઠ ફળ મને મળ્યું છે.’

IT એન્જિનિયર તરીકે નહીં પણ એક દીકરીની મમ્મી તરીકે મારી ઓળખ ઊભી થઈ છે આજે: ફિલોની છેડા

બત્રીસ હજારથી વધુ ફૉલોઅર્સ ધરાવતી ઘાટકોપરમાં રહેતી IT એન્જિનિયર ફિલોની છેડાની દીકરીનું અસલી નામ નિષ્કા છે, પરંતુ મોટા ભાગના લોકો તેને પ્રિન્સીની મમ્મી તરીકે જ ઓળખે છે અને એ વાતનો તેને ગર્વ પણ છે. જીવનમાં અનેક ઉતારચડાવ જોયા પછી પણ પોતાની ઑથેન્ટિસિટીને બરકરાર રાખી શકનારી આ મધરની ખાસિયત પણ એ જ છે કે તે જેવી છે એવી જ દેખાવાનું પ્રિફર કરે છે. કોવિડમાં જ્યારે બધાનાં જ કામ બંધ હતાં ત્યારે ફિલોનીનું કામ શરૂ થયું. તે કહે છે, ‘આજના સમયની કોઈ પણ મમ્મી માટે બાળકના જન્મ પછીનો પહેલા એક વર્ષનો સમય તો સર્વાધિક પડકારજનક હોય છે. ઘણી એવી વાતો હોય છે જેની મમ્મીઓને નથી ખબર પડતી. માનસિક અને શારીરિક થાક વચ્ચે બાળકનું ધ્યાન રાખવાનું, એમાં તે બીમાર પડી જાય તો તેની ચિંતા રહે, એ બધામાં કોઈ ગાઇડ કરનારું ન હોય. ગૂગલ પર જાઓ તો એ તો તમને રીતસર ગભરાઈ જાઓ એવી માહિતી આપે. મારા પોતાના આ અનુભવોને કારણે હું કોઈક એવું માધ્યમ શોધતી હતી જ્યાં ભરોસાલાયક માહિતી મળે. પરિવારની અન્ય મમ્મીઓ પાસેથી મળેલી માહિતી પણ અપૂરતી લાગે એટલે કેટલીક બાબતોમાં મેં મારી મધરલી ઇન્સ્ટિન્ક્ટ વાપરી અને અમુક વસ્તુઓ ટ્રાયલ ઍન્ડ એરરથી શીખી. એ સમયે મારા હસબન્ડે મોટિવેટ કરી અને મેં ઇન્સ્ટાગ્રામ પર મારી પોતાની જર્ની શૅર કરવાનું શરૂ કર્યું. લોકોને ગમવા માંડ્યું. લોકો દ્વારા પોતાના જીવનના પ્રશ્નો પુછાવા માંડ્યા તો એના જવાબમાં કન્ટેન્ટ બનાવતી. કન્ટેન્ટ-ક્રીએટર તરીકે હું ક્યારે સિરિયસ થઈને આગળ વધતી ગઈ એની મને પણ ખબર નથી. મારે તો મારા જેવી ન્યુ મૉમના રાહબર બનવું હતું અને એના પ્રયાસોમાં મેં ક્યારેક જેનાં સપનાંઓ જોયાં હતાં એ બની ગઈ. મને આજે પણ લાગે છે કે એક IT એન્જિનિયર તરીકે જો હું કારકિર્દીમાં આગળ વધી હોત તો મને કોઈ ઓળખતું ન હોત, પણ આજે પ્રિન્સીની મમ્મી તરીકે સેંકડો લોકો મને ઓળખે છે અને ક્યારેક બહારગામ ગયા હોઈએ ત્યારે લોકો ઊભા રહીને મારી સાથે સેલ્ફી પડાવે છે. સોથી વધુ બ્રૅન્ડ્સ સાથે હું કોલૅબરેટ કરી ચૂકી છું અને મારી પ્રવૃત્તિને કારણે મારી આવક પણ ઊભી થઈ છે.’

સોશ્યલ મીડિયાના એક્સપોઝરને કારણે સાઇબર સિક્યૉરિટીના ઊભા થઈ રહેલા પ્રશ્નો ફિલોનીને પણ ડરાવે છે એટલે કન્ટેન્ટ-શૅરિંગમાં કેટલીક સાવધાની તેણે રાખી છે. તે કહે છે, ‘મારી પાંચ વર્ષની દીકરી છે અને તેના ભવિષ્યની ચિંતા છે એટલે હું ક્યારેક તેના સ્કૂલના યુનિફૉર્મના ફોટો, સ્કૂલનું નામ રિવીલ ન થાય એનું ધ્યાન રાખું છું. કોઈ પણ કન્ટેન્ટ દસેક દિવસ જૂની થયા પછી મૂકું છું એટલે કરન્ટ ડેટા લોકો પાસે ન જાય. સતત મારું ફોકસ પેરન્ટ્સને એજ્યુકેટ કરવાનું હોય છે, જેમાં બાળકની હાંસી ન ઊડે એની વિશેષ કાળજી રાખું છું. મને ખબર છે કે હું નાની હતી ત્યારનું પેરન્ટિંગ જુદું હતું. ત્યારે બાળકો પર મા-બાપ સહજ રીતે ગુસ્સે થઈ જતાં કે હાથ પણ ઉપાડતાં. આજના પેરન્ટિંગમાં એ સંભવ નથી. આજનાં બાળકો સુપર સ્માર્ટ છે. મારી દીકરી મારા સિવાય આખા ઘરમાં કોઈનાથી હૅન્ડલ નથી થતી. તે અતિશય જિદ્દી છે અને છતાં તેના પર ઊંચા અવાજે વાત કર્યા વિના કે તેને કોઈ પણ ન ગમતો શબ્દ બોલ્યા વિના તેને સાચા રસ્તે રાખવી એ એક કળા છે જેને હું સોશ્યલ મીડિયા પર બીજી મમ્મીઓના ગાઇડન્સ માટે દાખલા સહિત મૂકતી હોઉં છું. જેમ કે મારી દીકરીએ ઘરમાં કે ઘરની બહાર એક શબ્દ સાંભળ્યો હશે જે પછી તેની જબાન પર પણ ચડી ગયો હતો. આજની પેઢી ‘F’ પરથી આવતો એ બૅડ વર્ડ બહુ જ રૂટીનમાં વાપરતી થઈ છે. કંઈક ધાર્યું ન થાય અથવા કંઈક અણધારી પરિસ્થિતિ આવે ત્યારે ઇમોશનલ રીઍક્શન સાથે ‘ઓહ F**K’ કહી દેવામાં એક ક્ષણની પણ વાર નથી લગાવતી. જોકે તમારી પાંચ વર્ષની દીકરી આવું બોલે ત્યારે દંગ જ રહી જવાય. પહેલાં મેં દીકરીને આવું ન બોલાય અને આ બૅડ વર્ડ છે એવું સમજાવવાની કોશિશ કરી, પણ આ સાઇકોલૉજિકલ નિયમ છે કે બાળકને તમે જેના માટે ના પાડો એ કરવા માટે તે વધુ ટ્રિગર થતું હોય છે એટલે મેં બીજો રસ્તો અપનાવ્યો. અમુક એવી સિચુએશનમાં જ્યાં ‘F’ વર્ડથી ઇમોશનલ રિસ્પૉન્સ અપાય એવું તે ધારતી હોય ત્યાં મેં ‘ઓહ ગૉડ’, ‘માય ગુડનેસ’, ‘ઓહ તેરી’ જેવા શબ્દો વાપરવાનું શરૂ કર્યું અને એકાદ અઠવાડિયામાં મારી દીકરીએ સહજ રીતે એ શબ્દો અપનાવી લીધા અને પેલો શબ્દ તેની ડિક્શનરીમાંથી નીકળી ગયો. આ પૉઝિટિવ પેરન્ટિંગનો દાખલો હતો અને આ વાત મેં રીલ દ્વારા લોકો સામે મૂકી અને એને અદ્ભુત પ્રતિસાદ મળ્યો. એવી જ રીતે આજની દીકરીના પિરિયડ્સ સમયથી વહેલા ન આવે એ માટે તેની લાઇફ-સ્ટાઇલમાં શું બદલાવ લાવવા એ ટૉપિક પર બનાવેલી રીલને પણ લાખોમાં વ્યુઝ મળ્યા. મૉમ-ઇન્ફ્લુઅન્સર બન્યા પછી હું પોતે પણ એક વધુ બહેતર અને ટ્રેઇન્ડ મધર બની છું એવું બહુ જ સહજતાથી સ્વીકારીશ.’

બાળક જન્મે ત્યારે એક સ્ત્રીમાં પણ માતા જન્મતી જ હોય છે અને એટલે તેણે ઘણું શીખવાનું હોય છે: હિમાની દાવડા

નવી મુંબઈમાં રહેતી હિમાની દાવડા માને છે કે મમ્મી તરીકે તમારે સતત શીખતા રહેવાનું છે અને સતત નવા અનુભવો વચ્ચે બહેતર બનતા જવાનું છે. જોકે શીખવાની આ યાત્રામાં કોઈકને સાચું ગાઇડન્સ મળે એ જરૂરી છે એ આશયથી જ ‘મમ્મા લર્ન્સ’ નામના ઇન્સ્ટા હૅન્ડલ પરથી તેણે પોતાના મધરહુડની જર્નીને લોકો સાથે શૅર કરવાનું શરૂ કર્યું. લગભગ પચાસ હજાર ફૉલોઅર્સ ધરાવતાં હિમાની પોતે ઍડ્વોકેટ અને કંપની સેક્રેટરીની ડિગ્રી ધરાવે છે. કોવિડમાં લૉકડાઉનમાં ઘરેથી કામ કરવાનું હતું અને સાથે નાના બાળકના ઉછેરને જોવાનું હતું એમાં મમ્મા લર્ન્સની જર્ની શરૂ થઈ. સાડાસાતસોથી વધુ મમ્મીઓની કમ્યુનિટી નવી મુંબઈ દીવાઝ શરૂ કરનારાં અને સેન્ટ્રલ મુંબઈ દીવાઝ અને વેસ્ટર્ન મુંબઈ દીવાઝ સાથે પણ ઍક્ટિવલી જોડાયેલાં હિમાની પાંચ વર્ષના માહિર અને બે વર્ષના યોહાનની મમ્મી છે. બે દીકરાના ઉછેર સાથે ફુલટાઇમ કન્ટેન્ટ-ક્રીએટર તરીકે હવે પ્રોફેશનલ કારકિર્દી આગળ વધારી રહેલી હિમાની કહે છે, ‘મમ્મી તરીકે શરૂ થયેલી જર્ની આ સ્ટેજ સુધી પહોંચશે એની કલ્પના નહોતી. ભલે જુદી પ્રોફેશનલ ડિગ્રી હોય અને આજે પણ એમાં તક દેખાઈ રહી હોવા છતાં કન્ટેન્ટ-ક્રીએટર મમ્મી બનીને જે કામ કરી રહી છું એ બીજા એક પણ પ્રોફેશનમાં ન થઈ શક્યું હોત એ સમજાય છે. ઘણી મમ્મીઓ તમને સાચી ઇન્ફર્મેશનનો સોર્સ ગણીને તમારા પર આંધળો વિશ્વાસ મૂકતી હોય ત્યારે તમારી જવાબદારી વધી જાય છે.

મેં જ્યારે ઇન્સ્ટાગ્રામ પર ‘મમ્મા લર્ન્સ’ શરૂ કર્યું ત્યારે હું માત્ર મારા દીકરા સાથે DIY એટલે કે ડૂ ઇટ યૉરસેલ્ફ એટલે કે જાતે કરી શકાતી પ્રવૃત્તિઓની પોસ્ટ મૂકતી. કોવિડ સમયની જ વાત છે. ત્યારે રીલ્સ પણ નહોતી બનાવતી અને છતાં લોકોનો અદ્ભુત રિસ્પૉન્સ મળી રહ્યો હતો. એ પછી એમાં વધુ ને વધુ ઇમ્પ્રૂવમેન્ટ લાવતી ગઈ. લોકોને ઉપયોગી થાય એવી ડબલ ચેક કરેલી ઑથેન્ટિક માહિતી શૅર કરતી. લોકોને મફતમાં માહિતી મળતી, પણ એને સાચી અને સારી રીતે ભેગી કરવા માટે મારે રીતસર ખૂબ મહેનત કરવી પડતી હોય છે, પણ મને એ પછીયે એમાં પુષ્કળ મજા આવે છે. કન્ટેન્ટ-ક્રીએટર હોવું એ પણ કંઈ મમરા ચાવવા જેવી સરળ બાબત નથી. છેલ્લાં પાંચ વર્ષથી ઇન્સ્ટાગ્રામ પર છું અને સતત હું પણ માતા તરીકે ઇન્વૉલ્વ થઈ છું. ઘણી વાર એવું બને કે મારે જરૂરથી વધુ સમય ફોન પર રહેવું પડે ત્યારે મારા પરિવારવાળા અને દીકરાઓ પણ ફરિયાદ કરતા હોય છે, પરંતુ ત્યારે એક જ વાત હું દીકરાને સમજાવું છું કે જેમ તમારા પપ્પા ડેન્ટિસ્ટ છે અને દરરોજ ક્લિનિક જઈને કામ કરે છે એમ કન્ટેન્ટ-ક્રીએશન એ પણ એક સિરિયસ કામ છે, બસ ફરક એટલો છે કે એ મોટે ભાગે ઘરેથી અને ફોન પર થઈ જનારું કામ છે.’

તમે ભલે ઇન્સ્ટાગ્રામ પર સારી વાત અને લોકોને ઉપયોગી વાતો મૂકતા હો, પણ બધા લોકો તમારા કદરદાન જ હોય એ જરૂરી નથી. હિમાની કહે છે, ‘હા, ઘણી વાર એવું બને કે તમારી કોઈ એક રીલમાં પચાસ લોકો વખાણ કરનારા હોય તો પાંચ લોકો એની ટીકા કરનારા પણ હોય, પણ એવું તો દરેક જગ્યાએ બને. મેં મારા અકાઉન્ટનો કોર આઇડિયા છોડ્યો નથી. હું માતા છું અને મારે મમ્મીઓને કંઈક ઉપયોગી માહિતી આપતા રહેવાનું છે એનાથી હું વિમુખ નથી થતી. મારાં સંતાનોના ફોટો કે કોઈ ફાલતુ લિપસિન્ક્ડ રીલ્સ હું નથી નાખતી. મારા માટે મારા ફૉલોઅર્સ એ જ મારા કસ્ટમર છે અને તેમનો રસ જળવાઈ રહે એ માટે મારે નિયમિત પણ રહેવું પડે છે જેને કારણે બાળકોને પૂરતો સમય નહીં આપી શકવાનું ગિલ્ટ પણ ક્યારેક નડે છે, પરંતુ એ સ્વાભાવિક છે. આને બદલે હું કોઈ કંપનીમાં કામ કરતી હોત તો પણ આ જ રીતે મારા કામને મારે સમય ફાળવવો પડતો હોત.’

નાના બાળકને બહુ જ કફ રહેતો હોય એની માહિતી પૂરી પાડતી હિમાનીએ બનાવેલી રીલને લાખો વ્યુઝ મળ્યા હતા. એ જ રીતે બાળકોને પગ દુખવાની સમસ્યા હોય ત્યારે શું કરવું એ રીલ પણ ખૂબ વાઇરલ થઈ હતી. હિમાની કહે છે, ‘હું આટલી કબૂલાત પણ તમારી સામે એટલે કરી શકું છું કારણ કે મારે માતા તરીકેના બિનવાસ્તવિક કે રોઝી પિક્ચરને લોકો સામે નથી મૂકવું. કોઈ પણ મમ્મી ક્યારેય પર્ફેક્ટ ન હોય. એ ઇમ્પર્ફેક્શનને સ્વીકારવાનું અને મૉમ્ઝ-ગિલ્ટમાં રાચવાને બદલે સેલ્ફકૅર સાથે પોતાનાથી શક્ય હોય એટલું સંતુલન લાવવાના પ્રયાસો મમ્મીઓએ કરવા જોઈએ. મધરહુડમાં ફૅમિલીનો બહુ જ મોટો સપોર્ટ હોય છે. મારા કેસમાં તો મધરહુડ સાથે મારી મૉમ-ઇન્ફ્લુઅન્સર બનવાની સફરમાં પણ મારા હસબન્ડથી લઈને સસરા, મમ્મી, બહેન અને મારાં બચ્ચાંઓનો અકલ્પનીય સપોર્ટ રહ્યો છે.’

ruchita shah gujaratis of mumbai mothers day columnists life and style