મોટાં બ્રેસ્ટવાળી સ્ત્રીને જોઉં તો તરત જ અનકમ્ફર્ટેબલ થઈ જાઉં છું

14 September, 2022 11:36 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

સુંદર મહિલાને જોઈને ઉત્તેજના આવી જાય એ એટલું જ નૅચરલ છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૪૭ વર્ષનો છું. ડિવૉર્સ થઈ ગયા હોવાથી એકલો જ છું. બાળકો પણ તેમની મમ્મી સાથે જ રહે છે. એકલા પડ્યા પછી મને જાતીય સમસ્યા થઈ ગઈ હોય એવું લાગે છે. કોઈ પણ સરસ કે બ્યુટિફુલ મહિલાને જોઉં છું તો મને ડિસકમ્ફર્ટ થઈ જાય છે. હમણાં થોડા સમયથી તો મોટાં બ્રેસ્ટવાળી મહિલાઓનાં બ્રેસ્ટ પણ દેખાય તો મારી પેનિસ થોડી તંગ થઈ જાય છે. એવા સમયે હું પ્રાઇવેટ પાર્ટ્સને ટચ કરવાનું પણ ટાળું છું જેથી આગળ કોઈ સમસ્યા ન થાય. જોકે એમ છતાં મારી પેનિસ થોડી તો ભીની થઈ જ જાય છે અને એમાંથી વીર્ય નીકળે છે. એ પછી જબરદસ્ત ઍન્ગ્ઝાયટી ફીલ થવા લાગે છે. એકાંતમાં હોઉં ત્યારે મને મૅસ્ટરબેશન કરવાની પણ ઇચ્છા નથી થતી. મારા ફૅમિલી ડૉક્ટરને આખી વાત નથી કરી, પણ ઍન્ગ્ઝાયટી રહે છે એ વાત કરી છે. શું ઍન્ટિ-ઍન્ગ્ઝાયટી દવાથી મારી સમસ્યા મટશે? વિરાર

સૌથી પહેલી વાત તો એ કે તમને કોઈ જાતીય સમસ્યા નથી થઈ. મનમાં એવું ભરાયું હોય તો એ કાઢી નાખો. સુંદર મહિલાને જોઈને ઉત્તેજના આવી જાય એ એટલું જ નૅચરલ છે જેટલું ભાવતી વાનગી સામે પડી હોય તો માણસના મોઢામાં પાણી આવી જાય અને ભૂખ ઊઘડી જાય. એમાં પણ જ્યારે વ્યક્તિ સેક્સ્યુઅલ પાર્ટનર વિનાની એકલી હોય ત્યારે સ્વાભાવિકપણે સેક્સની ઝંખના વધે. જોકે તમારી વાતને સહેજ સુધારવી પણ જરૂરી છે.

પેનિસ ભીની થાય ત્યારે વીર્ય નીકળી જતું હોવાની શક્યતા ખૂબ ઓછી છે. જ્યારે વીર્ય નીકળે ત્યારે એ ઝટકા સાથે નીકળે. તમને જે ભીનાશ વર્તાય છે એ કાઉપર્સ ગ્રંથિમાંથી નીકળતું ચીકણું દ્રવ્ય છે. જેમ મોંમાં લાળ વધુ પેદા થાય છે એમ ઉત્તેજના દરમ્યાન પેનિસમાંથી ચીકણું અને પારદર્શક દ્રવ્ય નીકળે છે. 

તમે જો એને વીર્ય માની લેતા હો અને મનમાં કોઈ ડર ઘૂસી ગયો હોય તો ઍન્ગ્ઝાયટી થઈ શકે છે. સામાન્ય રીતે ઍન્ટિ-ઍન્ગ્ઝાયટી માટેની દવા લેવાથી ચોક્કસપણે એ સમયે ફરક વર્તાઈ શકે છે. જોકે એમ છતાં એટલું જરૂર કહીશ કે કયા કારણસર અને કેમ આવું થાય છે એ સમજ્યા વિના કોઈ પણ પ્રકારની ગોળીઓ લાંબું કામ નહીં આપે. એટલે તમે પહેલાં તો એવું શું કામ થાય છે એ સમજવાની કોશિશ કરો.

columnists sex and relationships life and style health tips