ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરવા કઈ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવો?

22 November, 2021 05:06 PM IST  |  Mumbai | Harsh Desai

નવા યુઝર માટે કૉઇનસ્વિચ કુબેર એક સારી ઍપ એક સારો અનુભવ આપી શકે છે. આ ઍપ્લિકેશન ફક્ત સ્પૉટમાં એટલે કે ક્રિપ્ટોને ખરીદીને મૂકી રાખવાની સુવિધા આપે છે.

ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરવા કઈ ઍપ્લિકેશનનો ઉપયોગ કરવો?

જ્યારે પણ કોઈ નવી વસ્તુ આવે છે ત્યારે એવું કહેવામાં આવે કે યુવાનો ખોટા રસ્તે જશે. ક્રિપ્ટોકરન્સી માટે નરેન્દ્ર મોદીએ પણ આવું જ સ્ટેટમેન્ટ આપ્યું છે. ક્રિપ્ટોકરન્સી ખરીદવા માટે માર્કેટમાં અસંખ્ય ઍપ્લિકેશન ઉપલબ્ધ છે, પરંતુ એ સેફ છે કે નહીં એ ધ્યાનમાં રાખવામાં ન આવે તો યુઝર્સ સાથે છેતરપિંડી થવાનો પણ ભય રહે છે. થોડા સમય પહેલાં જ ઍન્ડ્રૉઇડમાં એક ટ્રસ્ટ વૉલેટ ઍપ્લિકેશનની ડમી ઍપ બનાવીને યુઝરને ઠગી લેવામાં આવ્યો હતો. આથી કેઈ ઍપ્લિકેશન બાકી કરતાં વધુ સિક્યૉર છે એ વિશે એક નજર જોઈએ :
કૉઇનસ્વિચ કુબેર | આ એક ઇન્ડિયન કંપની છે. આ ઍપ્લિકેશનની મદદથી યુઝર્સ ઇન્ડિયન કરન્સીમાં ક્રિપ્ટો ખરીદી શકે છે. આ ઍપમાં ૧૦૦થી વધુ ક્રિપ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૈસા ક્રેડિટ અને ડેબિટ કરતી વખતે આ ઍપ્લિકેશનમાં કોઈ ચાર્જ નથી લાગતો. જોકે ક્રિપ્ટો ખરીદતી વખતે યુઝર્સ જે પ્રાઇસના ક્રિપ્ટો ખરીદે છે એના પર એક અથવા તો બે પર્સન્ટ ફી લે છે. આ સાથે જ તેમની એક્સચેન્જમાં ક્રિપ્ટોની પ્રાઇસ બાકી એક્સચેન્જ કરતાં થોડી અલગ છે. નવા યુઝર માટે કૉઇનસ્વિચ કુબેર એક સારી ઍપ એક સારો અનુભવ આપી શકે છે. આ ઍપ્લિકેશન ફક્ત સ્પૉટમાં એટલે કે ક્રિપ્ટોને ખરીદીને મૂકી રાખવાની સુવિધા આપે છે.
કૉઇન ડીસીએક્સ | કૉઇનસ્વિચ કુબેરની જેમ આ પણ એક ઇન્ડિયન એપ છે. આ એક્સચેન્જ પર ૨૦૦થી વધુ ક્રિપ્ટોકરન્સીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઍપ્લિકેશન પર ડિપોઝિટ માટે કોઈ ચાર્જ નથી લાગતો, પરંતુ પૈસા વિડ્રોવલ કરવા માટે નૉમિનલ ચાર્જ લાગે છે. કૉઇન ડીસીએક્સમાં ફ્યુચર, માર્જિન અને સ્ટેકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્યુચરમાં યુઝર જોઈએ એટલી વાર ક્રિપ્ટોનું ટ્રેડિંગ કરી શકે છે. ખરીદી કરીને માર્કેટ તરત ઉપર જતાં વેચી દેનારા માટે ફ્યુચર ઑપ્શન છે. ફ્યુચરમાં પ્રૉફિટ જેટલો દેખાય છે એટલું જ નુકસાન પણ છે. દુનિયાભરના અન્ય એક્સચેન્જની સરખામણીમાં ડીસીએક્સના એટલા યુઝર્સ નથી એમ છતાં જ્યારે પણ માર્કેટ અપ-ડાઉન થાય છે ત્યારે યુઝર્સને પૈસા ડિપોઝિટ કરવામાં તકલીફ પડે છે એવી ફરિયાદ ઘણી વાર આવે છે.
વઝીરએક્સ | વઝીરએક્સ પણ ઇન્ડિયન કંપની છે જેની ઑફિસ મુંબઈમાં છે. ૨૦૧૯માં આ ઍપ્લિકેશનને દુનિયાના સૌથી મોટી ક્રિપ્ટો એક્સચેન્જ બાયનાન્સ દ્વારા ખરીદી લેવામાં આવી હતી. વઝીરએક્સ પર ડીસીએક્સ અને કૉઇનસ્વિચ કુબેર કરતાં વધુ ક્રિપ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૈસા ડિપોઝિટ કરવાથી લઈને ઉપાડવા માટે એમાં ફી લાગે છે, પરંતુ એ ફિક્સ છે. અન્ય ઍપની જેમ બદલાતી નથી રહેતી. આ એક્સચેન્જમાં ફક્ત સ્પૉટમાં ખરીદી થઈ શકે છે. વઝીરએક્સ બાકી તમામ કરતાં સેફ અને સિક્યૉર છે, કારણ કે એ હવે બાયનાન્સની માલિકી હેઠળ છે. આ ઍપ્લિકેશન ફકત નવા યુઝર્સ માટે છે જે પહેલી વાર ક્રિપ્ટોમાં એન્ટર કરી રહ્યા હોય અને એથી જ એમાં એકદમ બેઝિક ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બાયનાન્સ | આ એક પ્રો લેવલના યુઝર્સ માટેની ઍપ્લિકેશન છે. આ ઍપ્લિકેશનમાં દુનિયાના મોટા ભાગના ક્રિપ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઍપમાં ફ્યુચર, સ્પૉટ, માર્જિન, પી2પી, ફન્ડિંગ જેવાં ઘણાં ફીચર્સ છે. આ ઍપ્લિકેશનમાં વઝીરએક્સમાં ઇન્ડિયન રૂપિયામાં પૈસા ડિપોઝિટ કરી બાયનાન્સમાં લઈ શકાય છે. એમ ન કરવું હોય તો પી2પી દ્વારા ડાયરેક્ટ પૈસા પણ ઍડ કરી શકાય છે. જોકે આ ઍપ્લિકેશન પર યુએસડીટી પર ટ્રાન્ઝૅક્શન થાય છે. યુએસડીટીની કિંમત બદલાતી રહે છે. એક યુએસડીટી એટલે કે ૮૦.૫૦ રૂપિયા (લખાઈ રહ્યું છે ત્યારની પ્રાઇસ) છે. બાયનાન્સ પર ફ્યુચરમાં ટ્રેડિંગ કરતી વખતે ૨૪ કલાકમાં ત્રણ વાર ફી લાગે છે. આ ફી દર આઠ કલાકે લાગે છે. દરેક ટ્રેડની ઓપન અને ક્લોઝમાં પણ ફી ચૂકવવાની રહે છે. જોકે બીજી તરફ યુઝર્સને બૅન્કમાં સેવિંગ આપવામાં આવે છે એ રીતે અહીં પણ ચોક્કસ પર્સન્ટેજ મળે છે. સ્ટેક અને સેવિંગ દરમ્યાન દરેક ક્રિપ્ટો પર યુઝર્સને વ્યાજ મળે છે. આ વ્યાજ જે-તે ક્રિપ્ટોમાં અથવા તો યુએસડીટી હોય તો એના પર પણ મળે છે. ઘણા યુઝર્સ ફક્ત યુએસડીટીમાં પણ ટ્રેડિંગ કરે છે. ઉદાહરણ તરીકે યુએસડીટીની પ્રાઇસ ૭૦ હોય ત્યારે ખરીદે છે અને ૮૦ થાય ત્યારે વેચી દે છે. આ સાથે જ બાયનાન્સમાં એક એવો ઑપ્શન પણ છે જેમાં માર્કેટ ઉપર જાય તો પણ નફો કરી શકાય અને નીચે જાય ત્યારે પણ પ્રૉફિટ મેળવી શકાય. ફ્યુચર ટ્રેડિગમાં માર્કેટ નીચે જતાં ક્રિપ્ટોને શૉર્ટ કરી શકાય છે. ઉદાહરણ તરીકે બિટકૉઇનની કિંમત ૬૦,૦૦૦ યુએસડીટી હોય તો ત્યારે એને વેચી દેવાનો હોય છે અને જ્યારે એની કિંમત ૫૮,૦૦૦ યુએસડીટી થાય ત્યારે ખરીદવાનો હોય છે. આથી લૉન્ગ અને શૉર્ટ બન્ને દ્વારા પ્રૉફિટ મેળવી શકાય છે.

જે-તે દેશની કરન્સી પર જે-તે દેશનો કન્ટ્રોલ હોય છે, પરંતુ ક્રિપ્ટો પર કોઈનો કન્ટ્રોલ નથી.

technology news tech news columnists harsh desai