ઍન્ડ્રૉઇડમાં નવાં ફીચર્સ શું હશે?

18 June, 2021 02:45 PM IST  |  Mumbai | Harsh Desai

વૉઇસ અસિસ્ટન્ટની મદદથી વધુ ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે : ધરતીકંપ આવવા પહેલાં અલર્ટ કરવામાં આવશે : ઇમોજી સજેશન્સ જેવાં વિવિધ ફીચર્સ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

ગૂગલ દ્વારા હાલમાં જ ઍન્ડ્રૉઇડ માટે નવાં છ ફીચરની જાહેરાત કરવામાં આવી છે. આમાંનાં કેટલાંક ફીચર ગૂગલના પિક્સેલ માટે એક્સક્લુઝિવ હતાં. જોકે હવે એ દરેક ઍન્ડ્રૉઇડ ફોનમાં જોવા મળશે. આ ફીચર્સને બીટા ઑપરેટિંગ સિસ્ટમમાં આપવામાં આવ્યાં છે. બીટા ઓએસ યુઝ કરનાર યુઝર્સ એનો ઉપયોગ કરી શકે છે, પરંતુ દરેક યુઝર્સ માટે આ તમામ ફીચર્સ આ વર્ષમાં આવી જશે. આ ફીચર્સમાં ધરતીકંપ અલર્ટ, મેસેજને સ્ટાર કરવા અને વૉઇસ અસિસ્ટન્ટ દ્વારા ઍપ્લિકેશનને ઓપન કરવી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મેસેજિસમાં ‘સ્ટાર’ ઑપ્શન

વૉટ્સઍપમાં જે રીતે ઇમ્પોર્ટન્ટ મેસેજને સ્ટાર કરીને સેવ કરી શકાય છે એ જ રીતે હવે ઍન્ડ્રૉઇડમાં પણ ટેક્સ્ટ-મેસેજને સ્ટાર કરીને સેવ કરી શકાશે. આ સ્ટાર કરેલા મેસેજને ગમે ત્યારે જરૂર પડ્યે સરળતાથી શોધી શકાય એ માટે આ ફીચર આપવામાં આવ્યું છે. આ માટે સ્ટાર કૅટેગરી આપવામાં આવશે, જેમાં આ તમામ મેસેજિસને જોઈ શકાશે. આ સાથે જ આ મેસેજને પણ એન્ડ-ટુ-એન્ડ ઇક્રિપ્શન સાથે આપવામાં આવશે, જેથી મોકલનાર અને મેળવનાર સિવાય કોઈ અન્ય વ્યક્તિ એને જોઈ ન શકે.

ધરતીકંપ અલર્ટ સિસ્ટમ

ઍન્ડ્રૉઇડ ફોનમાં હવે ધરતીકંપ આવવાનો હશે એ પહેલાં યુઝર્સને અલર્ટ કરવામાં આવશે. આ માટે મોબાઇલમાં આવેલાં સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવશે. ધરતીકંપની સંભાવના જે એરિયામાં હશે એ જ એરિયાના લોકોને આ અલર્ટ આપવામાં આવશે. અત્યારે આ ફીચર ન્યુ ઝીલૅન્ડ અને ગ્રીસમાં છે. તુર્કી, ફિલિપિન્સ, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં એને લૉન્ચ કરવામાં આવશે. દુનિયામાં જે-જે જગ્યાએ વધુ ધરતીકંપ આવે છે એ જગ્યાએ આ ફીચરને પહેલાં લૉન્ચ કરવામાં આવશે. આ વર્ષના અંત સુધીમાં મોટા ભાગના દેશોમાં એ ફીચરને લૉન્ચ કરી દેવામાં આવશે.

ગૂગલ અસિસ્ટન્ટ ઍપ્લિકેશન

ગૂગલે એના વૉઇસ અસિસ્ટન્ટની કાર્યક્ષમતામાં વધારો કર્યો છે. આ અસિસ્ટન્ટ હવે પહેલાં કરતાં વધુ કામ કરી શકશે તેમ જ પહેલાં કરતાં વધુ ઍપ્લિકેશનને વૉઇસ કમાન્ડ દ્વારા ઓપન પણ કરી શકાશે. હવે યુઝર્સ તેમના બિલને આ વૉઇસ અસિસ્ટન્ટની મદદથી પણ ભરી શકે છે. આ કમાન્ડ આપતાંની સાથે જે-તે ઍપ્લિકેશન ઓપન થઈ જશે અને યુઝર્સ ત્યાં ડાયરેક્ટ બિલ ભરી શકશે. આ સાથે જ એમાં વધુ ને વધુ કમાન્ડનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આથી એ પણ ઍપલના સિરીની કમ્પૅરિઝનમાં આવી જશે.

વૉઇસ ઍક્સેસ ગેઝ ડિટેક્શન

વૉઇસ ઍક્સેસ ગેઝ ડિટેક્શન એટલે કે યુઝર્સ જ્યારે સ્ક્રીનની સામે જોતો હશે ત્યારે જ વૉઇસ ઍક્સેસ કરી શકશે. આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં છે અને વર્ષના અંત સુધીમાં એને લૉન્ચ કરવામાં આવશે. ગેઝ ડિટેક્શન એક રીતે જોવા જઈએ તો સ્ક્રીન અટેન્શન જેવું જ ફીચર છે. વૉઇસ ઍક્સેસ ગેઝ ડિટેક્શનમાં યુઝર્સ તેમના પાસવર્ડને પણ બોલીને જે-તે ફીલ્ડમાં ઍડ કરી શકશે. આ માટે જે કૅપિટલ વર્ડ હોય એને કૅપિટલમાં બોલવાનો રહેશે. ઉદાહરણ તરીકે H@1$h પાસવર્ડ હોય તો કૅપિટલ એચ, ઍટ, વન, ડૉલર સિમ્બૉલ અને સ્મૉલ એચ એમ બોલવાનું રહેશે જેથી એ પાસવર્ડ ઇનપુટ થઈ જશે.

ઑટો મેસેજિંગ સપોર્ટ

યુઝર્સ હવે તેમના મોબાઇલ દ્વારા ઍન્ડ્રૉઇડ ઑટોની લૉન્ચ સ્ક્રીનને પર્સનલાઇઝ કરી શકે છે. આ સાથે જ તેઓ મૅન્યુઅલી ડાર્ક મોડને પણ પસંદ કરી શકશે. કોઈ પણ કન્ટેન્ટને શોધવું હવે વધુ સરળ બન્યું છે. આ માટે સ્ક્રોલ બારમાં A to Z બટન આપવામાં આવ્યાં છે. ઉદાહરણ તરીકે મ્યુઝિકમાં કોઈ સૉન્ગ શોધવા માટે આલ્ફાબેટની મદદથી એ સરળતાથી શોધી શકાશે. ઍન્ડ્રૉઇડ ઑટોમાં હવે EV ચાર્જિંગ, પાર્કિંગ અને નેવિગેશન ઍપ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર્સ હવે લૉન્ચર સ્ક્રીનમાંથી કોઈ પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ્લિકેશનને પસંદ કરી શકે છે. આ સાથે જ ગૂગલ અસિસ્ટન્ટની મદદથી મેસેજને વાંચી અને સેન્ડ કરી શકે છે.

ઇમોજી સજેશન્સ

ગૂગલ બોર્ડ એટલે કે ઍન્ડ્રૉઇડના કીબોર્ડમાં ઇમોજી સજેશન્સ ફીચરનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ ફીચરની મદદથી યુઝર્સ બે જુદાં-જુદાં ઇમોજીને મર્જ કરીને એક સ્ટિકર બનાવી શકે છે. આ સાથે જ તે યુઝર્સ દ્વારા જે મેસેજ લખવામાં આવ્યો હશે એના આધારે ગૂગલ બોર્ડ ઑટોમૅટિક ઇમોજી સજેસ્ટ કરશે. આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે અને એને જલદી જ રિલીઝ કરવામાં આવશે. ઍન્ડ્રૉઇડ સિક્સ પછીની દરેક ઑપરેટિંગ સિસ્ટમમાં આ ફીચરનો સમાવેશ કરવામાં આવશે. આ ફીચર હાલમાં અંગ્રેજી, સ્પૅનિશ અને પોર્ટુગીઝ ભાષામાં જ ઉપલબ્ધ છે.

columnists tech news harsh desai