ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ અને ઍન્ડ્રૉઇડમાં કયાં નવાં ફીચર્સ આવી રહ્યા છે?

07 January, 2022 06:56 PM IST  |  Mumbai | Harsh Desai

આ જ ફીચર ઍન્ડ્રૉઇડ પણ એની વીએર ઓએસમાં લાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ ઓએસ જે પણ વૉચમાં ચાલતું હશે એનાથી ઍન્ડ્રૉઇડ ફોન, ટૅબ્લેટ અને ક્રોમબુકને અનલૉક કરી શકાશે.

ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ અને ઍન્ડ્રૉઇડમાં કયાં નવાં ફીચર્સ આવી રહ્યા છે?

ઍપલ દ્વારા ઘણાં ફીચર્સ કાઢવામાં આવ્યાં છે જે ગૂગલ ૨૦૨૨માં એના પર ફોકસ કરશે. કોરોના દરમ્યાન ઍપલ યુઝર્સને માસ્કને કારણે ફેસ લૉક દ્વારા આઇફોન અને આઇપૅડ કે મૅકબુક અનલૉક કરવામાં તકલીફ પડી રહી હતી. આથી ઍપલ દ્વારા એક ફીચર કાઢવામાં આવ્યું હતું કે યુઝરે આઇવૉચ પહેરી હોય તો તેઓ એનાથી આઇફોન, આઇપૅડ કે મૅકબુકને અનલૉક કરી શકે છે. આ જ ફીચર ઍન્ડ્રૉઇડ પણ એની વીએર ઓએસમાં લાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આ ઓએસ જે પણ વૉચમાં ચાલતું હશે એનાથી ઍન્ડ્રૉઇડ ફોન, ટૅબ્લેટ અને ક્રોમબુકને અનલૉક કરી શકાશે.
આ સાથે જ ગૂગલ હેડફોન સ્વિચ ફીચર પર પણ કામ કરી રહ્યું છે. ઍપલ ઍરપૉડ્સમાં એકસાથે બે ડિવાઇસનો યુઝ કરનાર યુઝર્સે વારંવાર ઍરપૉડ્સ કનેક્ટ કરવાની જરૂર નથી રહેતી. એટલે કે જો યુઝર્સ આઇપૅડ અથવા તો અન્ય આઇફોનમાં ફિલ્મ જોઈ રહ્યો હોય અથવા તો મ્યુઝિક સાંભળી રહ્યો હોય અને એ જ સમયે અન્ય આઇફોનમાં કોઈનો કૉલ આવે તો તે તરત જ એ જ ઍરપૉડ્સથી રિસીવ કરી શકે છે. આ સમયે અન્ય ડિવાઇસ પર ચાલી રહેલી ફિલ્મ અથવા તો મ્યુઝિક ઑટોમૅટિકલી પોઝ થઈ જશે. કૉલ પૂરો થતાં એ ફરીથી ચાલુ પણ થઈ જશે. જોકે આ માટે તમામ ડિવાઇસમાં એક જ અકાઉન્ટ ચાલુ હોવું જરૂરી છે. આ ફીચર હવે ઍન્ડ્રૉઇડમાં પણ આવી રહ્યું છે. ગૂગલ એની ઓએસ દ્વારા કેટલાક હેડફોન્સને આ રીતે કાર્ય કરવા માટે સપોર્ટ આપશે. જોકે હાલમાં ઘણા હેડફોન હાર્ડવેર દ્વારા એકસાથે બે ડિવાઇસને કનેક્ટ કરી શકે છે. જોકે આ ફીચર હવે એક જ અકાઉન્ટ પર ઉપયોગ થઈ રહેલી તમામ ડિવાઇસ માટે આવી રહ્યું છે.
ઍપલના ઍરડ્રૉપ ફીચરની જેમ ગૂગલ પણ ઇન્ટેલસ, એસર અને એચપી જેવી કંપનીઓ સાથે મળીને ડેટા શૅરિંગ ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી ડેટા ટ્રાન્સફર અને સિન્ક ખૂબ જ સરળતાથી કરી શકાશે.

ઍલ્ગોરિધમથી મળશે છુટકારો

ઇન્સ્ટાગ્રામ હવે ઍલ્ગોરિધમથી એના યુઝર્સને છુટકારો આપવા જઈ રહ્યું છે. અત્યારે યુઝર્સ જે પણ પોસ્ટ કે રીલ્સને લાઇક કરે છે એ મુજબનું ઍલ્ગોરિધમ તૈયાર થાય છે અને એવી જ પોસ્ટ યુઝર્સને દેખાડવામાં આવે છે. જોકે આ માટે ઇન્સ્ટાગ્રામની ખૂબ જ ટીકા થઈ છે. એટલે ૨૦૧૬માં જે પ્રકારનું ફીડ હતું એવું તેના યુઝર્સને આપવા જઈ રહ્યું છે. જોકે આ માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા એક ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરમાં ત્રણ ઑપ્શન આપવામાં આવશે જેમાં હોમ, ફેવરિટ અને ફૉલોઇંગ હશે. હોમ ફીડમાં અત્યારે જે રીતે ઍલ્ગોરિધમ પ્રમાણે ફીડ આવે છે એ મુજબ જ જોવા મળશે. ફેવરિટ ફીડમાં યુઝર્સ દ્વારા જે પણ વ્યક્તિને ફેવરિટમાં મૂકવામાં આવી હશે તેમની જ પોસ્ટને વૉલ પર દેખાડવામાં આવશે. ફૉલોઇંગમાં યુઝર્સ જે પણ વ્યક્તિને ફૉલો કરી રહી હશે એ જ પોસ્ટ દેખાડવામાં આવશે. આથી ઇન્સ્ટાગ્રામ દ્વારા નકામી પોસ્ટ યુઝર સમક્ષ માં નહીં આવે. જોકે આ ફીચરને કારણે ઍડ કંપનીને નુકસાન જશે, પરંતુ ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની ફેસબુક જેણે ઇમેજ સુધારવા માટે નામ બદલીને મેટા કર્યું છે એ સૌ પહેલાં પોતાની બ્રૅન્ડ બચાવવા પર ફોકસ કરી રહી છે.

નોટિફિકેશનમાં દેખાશે ડિસ્પ્લે પિક્ચર

વૉટ્સઍપ દ્વારા આઇફોન માટેના નવા અપડેટમાં નોટિફિકેશનને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં આવશે. અત્યાર સુધી જ્યારે પણ કોઈના વૉટ્સઍપ નોટિફિકેશન આવે છે ત્યારે એમાં જે-તે વ્યક્તિનું નામ આવે છે. તેમ જ પ્રિડવ્યુ ઑન હોય તો શું મેસેજ કર્યો છે એની એક લાઇન દેખાય છે. જોકે બહુ જલદી હવે આ નોટિફિકેશનમાં ફોટો પણ જોવા મળશે. અત્યાર સુધી ઍન્ડ્રૉઇડમાં જ્યારે પણ કોઈ વ્યક્તિનો મેસેજ આવે તો નોટિફિકેશનમાં જે-તે વ્યક્તિનો ડિસ્પ્લે ફોટો પણ આવે છે. આ ફીચર હવે ઍપલની આઇઓએસ ડિવાઇસમાં પણ આવી રહ્યું છે. આ ફીચર ફક્ત વ્યક્તિગત ચૅટ માટે જ નહીં, પરંતુ ગ્રુપ ચૅટ માટે પણ આવી રહ્યું છે. આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં ટેસ્ટિંગ માટે છે. જોકે બીટા યુઝર્સના પણ દરેક યુઝર્સ માટે એ ઉપલબ્ધ નથી, કારણ કે વૉટ્સઍપ સર્વર મુજબ આ ફીચરને ટેસ્ટ કરી રહ્યું છે.
સંકલનઃ હર્ષ દેસાઈ

technology news tech news columnists harsh desai