આઇફોનને જાતે રિપેર કરી શકશે યુઝર્સ

19 November, 2021 04:32 PM IST  |  Mumbai | Harsh Desai

‘રાઇટ ટુ રિપેર’ મૂવમેન્ટ સામે હાર માની ઍપલે ‘સેલ્ફ સર્વિસ રિપેર’ પ્રોગ્રામની જાહેરાત કરી છે જે આવતા વર્ષે અમેરિકામાં શરૂ થશે અને ત્યાર બાદ આપણે ત્યાં પણ આવશે

આઇફોનને જાતે રિપેર કરી શકશે યુઝર્સ

ઍપલે હાલમાં જ એક જાહેરાત કરી છે જે એકદમ અનએક્સ્પેક્ટેડ છે. ઍપલ છેલ્લા ઘણા સમયથી એના રૂલ્સ ઍન્ડ રેગ્યુલેશનને લઈને ટીકામાં રહી છે. જોકે હાલમાં તેમણે એમાં હળવાશ મૂકી છે. હવે ઍપલ યુઝર્સ તેમના આઇફોનને જાતે રિપેર કરી શકશે. આઇફોનની શરૂઆત થઈ ત્યારથી જ એની પ્રોડક્ટ્સ અને પાર્ટ્સ ફક્ત ઍપલ સ્ટોરમાં મળતાં હતાં. ઍપલ સ્ટોર્સ જ્યાં ન હોય ત્યાં ઍપલ દ્વારા અપ્રૂવ કરવામાં આવેલા સ્ટોર્સમાં યુઝર્સને કોઈ પણ કામ માટે જવું પડતું હતું. આઇફોનને રિપેર કરવા માટે યુઝર્સને આ પૉલિસીને કારણે ઘણી અગવડ પડતી. સમય જતાં ઍપલે એમના પાર્ટ્સને લોકલ વેન્ડરને પણ વેચવાનું શરૂ કર્યું હતું જેથી યુઝર્સને થોડી સગવડ રહી હતી. જોકે ઍપલ દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે હવે યુઝર્સ જાતે જ આઇફોનને રિપેર કરી શકશે, તેમણે હવે કોઈ પણ શૉપમાં જવાની જરૂર નથી.
કેમ આ પહેલની શરૂઆત કરી?  |  ઍપલ પર રેગ્યુલેટર્સ અને કન્ઝ્યુમરનું ખૂબ જ પ્રેશર હોવાથી તેમણે આ નિર્ણય લેવો પડ્યો છે. દુનિયાભરમાં હાલમાં ‘રાઇટ ટુ રિપેર’નામની મૂવમેન્ટ ચાલી રહી છે. આ મૂવમેન્ટ વેહિકલથી લઈને હૉસ્પિટલથી લઈને દરેક ઇલેક્ટ્રૉનિક્સ કંપની માટે થઈ રહી છે. આ કપંનીઓ તેમની પ્રોડક્ટ્સના પાર્ટ્સને અન્ય લોકો રિપેર ન કરી શકે એ રીતે બનાવે છે. નૉન-રિમૂવેબલ બૅટરી, કૅમેરા મૉડ્યુલ અને મેમરીઝને બદલવા માટે ઍપલ દ્વારા અપ્રૂવ્ડ સ્ટોર્સમાં જવું પડે છે. આ કારણસર ઇન્ડિપેન્ડન્ટ રિપેર શૉપ્સને નુકસાન થાય છે. તેમ જ કંપનીઓ ડિવાઇસને સીલ કરવા માટે સ્પેશ્યલ ગ્લુનો ઉપયોગ કરે છે. આ ગ્લુ ઇન્ડ‌િપેન્ડન્ટ રિપેર શૉપને ન મળતો હોવાથી આઇફોન પહેલાં જેવો સીલ નથી થતો. આ માટે તેમની ટીકા કરવામાં આવી રહી છે. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને જુલાઈમાં એક કાયદો પસાર કર્યો છે. આ કાયદા મુજબ કંપનીઓએ તેમના યુઝર્સને ઘરે પોતાની રીતે પ્રોડક્ટને રિપેર કરવા માટે મંજૂરી આપવી જોઈએ. અમેરિકા બાદ યુનાઇટેડ કિંગડમ અને યુરોપ પણ આવો કાયદો પસાર કરી રહ્યા છે. આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને ઍપલે ‘સેલ્ફ સર્વિસ રિપેર’ પ્રોગ્રામની શરૂઆત કરી છે જેની મદદથી યુઝર્સ ઘરમાં બેસીને આઇફોન રિપેર કરી શકશે.
કિંમત અને પાર્ટ્સ | ઍપલ દ્વારા ડિસ્પ્લે, બૅટરી અને કૅમેરા મૉડ્યુલની સાથે ટોટલ ૨૦૦ પાર્ટ્સ અને ટૂલ્સને લૉન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રોગ્રામ ફક્ત આઇફોન 12 અને આઇફોન 13 યુઝર્સ માટે જ ઉપલબ્ધ હશે. ત્યાર બાદ ઍપલ તેમના મૅક કમ્પ્યુટર્સ માટે એ પ્રોગ્રામ શરૂ કરશે. M1 ચિપ ધરાવતા કમ્પ્યુટર્સને યુઝર્સ ઘરે રિપેર કરી શકશે. આ તમામ પાર્ટ્સની પ્રાઇસ કંપની આવતા વર્ષે જ્યારે આ પ્રોગ્રામને લૉન્ચ કરશે ત્યારે જ જાહેર કરશે. જોકે ઍપલ દ્વારા એ કહેવામાં આવ્યું હતું કે તેઓ ઇન્ડિપેન્ડન્ટ રિપેર પ્રોવાઇડર્સ પાસે જે ચાર્જ કરે છે એ જ ચાર્જ તેઓ યુઝર્સ પાસે પણ લેશે. અત્યારે ૨૦૦ દેશોના ૨૮૦૦ ઇન્ડિપેન્ડન્ટ રિપેર પ્રોવાઇડર્સ આ પાર્ટ્સને ઍક્સેસ કરી શકે છે. જોકે હવે તમામ વ્યક્તિને એ પાર્ટ્સ મળી શકશે. આ પ્રોગ્રામ સૌથી પહેલાં અમેરિકામાં શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ તેઓ ધીમે-ધીમે અન્ય દેશોમાં આ પ્રોગ્રામ શરૂ કરશે.

 ઍપલ દ્વારા તેમના પાર્ટ્સની સાથે ટૂલ્સ અને મૅન્યુઅલને પણ તેમની વેબસાઇટ પર મૂકવામાં આવશે. આ મૅન્યુઅલની મદદથી યુઝર્સ તેમના આઇફોનને જાતે રિપેર કરી શકશે.                   

technology news tech news columnists harsh desai