શિયાળામાં ઇલે​​ક્ટ્રિક વે​હિકલની કાળજી કેવી રીતે લેશો?

19 January, 2024 08:22 AM IST  |  Mumbai | Harsh Desai

શિયાળામાં વેહિકલની બૅટરી સો ટકા કામ ન કરી શકે એ બની શકે છે. ઠંડીને કારણે વે​હિકલના પર્ફોર્મન્સ પર અસર પડે છે. આથી શિયાળો આવતાંની સાથે જ કેટલીક બાબતો પર ધ્યાન રાખવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

તાતા મોટર્સ દ્વારા બુધવારે એની પંચ કારનું ઇલે​​ક્ટ્રિક વર્ઝન લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ કારનાં ઘણાં વર્ઝન બહાર પાડવામાં આવ્યાં છે, પરંતુ એ ફીચર્સના આધારે છે. જોકે બે મેજર વર્ઝન છે જેમાંનું એક નૉર્મલ રેન્જ અને એક લૉન્ગ રેન્જ છે. ઇલે​​ક્ટ્રિક કાર્સ અને બાઇકમાં સૌથી મોટો પ્રશ્ન એની રેન્જ અને ચાર્જિંગ કૅપેસિટીને લઈને છે. આ વે​​હિકલ પૈસા અને પૉલ્યુશન બન્નેનો બચાવ કરે છે, પરંતુ એના કેટલાક માઇનસ પૉઇન્ટ્સ પણ છે. આ માઇન્સ પૉઇન્ટ્સ સૌથી વધુ વિન્ટરમાં જોવા મળે છે. શિયાળામાં વેહિકલની બૅટરી સો ટકા કામ ન કરી શકે એ બની શકે છે. ઠંડીને કારણે વે​હિકલના પર્ફોર્મન્સ પર અસર પડે છે. આથી શિયાળો આવતાંની સાથે જ કેટલીક બાબતો પર ધ્યાન રાખવું જોઈએ.

બૅટરી હેલ્થ
મોબાઇલમાં બૅટરી હેલ્થ ફીચર આવે છે એવું જ ફીચર વે​હિકલમાં પણ આવે છે. બની શકે કે નાની-નાની કંપનીઓ આ ફીચર ન આપતી હોય. આ સમયે બૅટરીની હેલ્થને ચેક કરી લેવી. ઠંડીમાં બૅટરી એની ફુલ કૅપેસિટીને યુટિલાઇઝ નથી કરી શકતી. આથી હંમેશાં બૅટરીની હેલ્થને ચેક કરી લેવી. મોટા ભાગની અત્યારની બૅટરીમાં ​લિ​​ક્વિડ નથી આવતું, પરંતુ જો બૅટરી એ રીતની હોય તો એમાં ​લિ​​ક્વિડ પણ ચેક કરી લેવું અને એના ટર્મિનલને બરાબર સાફ કરી દેવું. એના પર વૅસલિન અથવા તો ગ્રીસ લગાવી દેવું જેથી ક્ષાર બનવાના ચાન્સ ઓછા રહે છે.

વે​હિકલ હીટિંગ
પેટ્રોલ અથવા ડીઝલ અથવા ગૅસથી ચાલતા વે​હિકલનો ઉપયોગ શિયાળામાં કરતાં પહેલાં એને ગરમ કરવામાં આવે છે. પર્વતોમાં ફરવા ગયા હો તો ઘણી વાર જોયું હશે કે બાઇક ટ્રિપ કરનારા લોકો તેમનો સામાન બાધતાં પહેલાં બાઇકને ચાલુ કરી રાખે છે તેમ જ કારને પણ થોડી મિનિટો સુધી ચાલુ કરી રાખવામાં આવે છે જેને કોલ્ડ સ્ટાર્ટ કહેવાય છે. ઠંડીમાં બાઇક અથવા તો કાર નૉર્મલ પર્ફોર્મન્સ આપે એ માટે એને નૉર્મલ ટેમ્પરેચરમાં લાવવી જરૂરી છે. આ જ રીતે શિયાળામાં ઇલે​​ક્ટ્રિક વે​હિકલને પણ નૉર્મલ ટેમ્પરેચરમાં લાવવું જરૂરી છે. આ માટે ઘણા વિકલ્પો છે. સૌથી પહેલાં તો વે​હિકલનો ઉપયોગ ન કરતા હો ત્યારે એને સતત ચાર્જમાં મૂકી રાખવું જેથી એની બૅટરી સો ટકા રહે. સતત ચાર્જિંગમાં રાખતાં બૅટરી પણ વૉર્મ રહે છે, એના પર ઠંડીની અસર નથી પડતી અને એ ફુલ કૅપેસિટીમાં કામ કરી શકે છે. ઘણાં વે​હિકલમાં પ્રી-હી​ટિંગ મોડ પણ હોય છે. આથી વે​હિકલનો ઉપયોગ કરતાં પહેલાં અને એ ચાર્જિંગમાં હોય ત્યારે પ્રી-હીટિંગ મોડ ઑન રાખવો. એ વે​હિકલને પણ વૉર્મ રાખે છે અને એથી પર્ફોર્મન્સ સાથે કોઈ ઍડ્જસ્ટ કરવાની જરૂર નથી પડતી. 

ચાર્જિંગ
ખાસ કરીને શિયાળામાં દૂર સુધી ​ટ્રિપ પર જતા હો ત્યારે ચાર્જિંગ લોકેશનને ખૂબ જ સમજદારીથી પસંદ કરવાં, કારણ કે બની શકે કે ડ્રાઇવરની ધારણા મુજબ એટલી રેન્જમાં વે​હિકલ ન પણ ચાલે. સો કિલોમીટર ચાલનારું વે​હિકલ ફક્ત ૮૦ કિલોમીટર ચાલે એ બની શકે છે. આથી બે ચાર્જિંગ પૉઇન્ટ પસંદ કર્યાં હોય તો એની જગ્યાએ સેફર સાઇડ માટે ત્રણ પસંદ કરવાં. આ સાથે જ ટ્રિપને એવી રીતે પ્લાન કરવી કે તમારી પાસે પૂરતો સમય હોય. શિયાળામાં ચાર્જ કરતી વખતે નૉર્મલ સમય કરતાં વધુ સમય લાગી શકે છે. બે કલાકમાં ફુલ ચાર્જ થતા વે​હિકલને અઢી કલાક લાગી શકે છે. પર્વતોવાળા એરિયામાં જ્યાં ટેમ્પરેટર માઇનસ અથવા તો ઝીરોથી દસની વચ્ચે હોય ત્યાં અઢી કલાકથી પણ વધુનો સમય લાગી શકે છે. મોટા ભાગનાં વે​હિકલ્સમાં રીજનરેટિવ બ્રેકિંગ હોય છે. આ ટેક્નૉલૉજીની મદદથી કાર ચાલતી હોય ત્યારે પણ થોડીઘણી એનર્જી ઉત્પન થાય છે અને કાર ચાર્જ થાય છે. જોકે શિયાળામાં એ પણ જોઈએ એટલો સારો પર્ફોર્મન્સ નથી આપતું. આથી હંમેશાં શિયાળામાં વે​હિકલને ચલાવતી વખતે ધ્યાન રાખવું. ઇકૉનૉમી મોડનો ઉપયોગ કરવો જેમાં પાવર ઓછો મળશે, પરંતુ રેન્જ વધશે. આ સાથે જ ડ્રાઇવિંગ સ્ટાઇલ પણ ચેન્જ કરવી. વે​હિકલને એકદમ ઍક્સેલરેટ કરવા કરતાં ધીમે-ધીમે સ્પીડ પકડે એ રીતે ચલાવવું.

સૉફ્ટવેર અપડેટ
ઇલેક્ટ્રિક વે​હિકલ ભલે બૅટરી પર ચાલતું હોય, પરંતુ એનો પર્ફોર્મન્સ સૉફ્ટવેર પર આધારિત હોય છે. મોટી કંપનીઓ ખાસ કરીને શિયાળામાં સૉફ્ટવેર અપડેટ આપતી હોય છે. આ અપડેટમાં તેમના દ્વારા વે​હિકલના પર્ફોર્મન્સ પર ફોકસ કરવામાં આવ્યું હોય છે અને એ રીતે સેન્સર અને અન્ય ટેક્નૉલૉજી કામ કરતી હોય છે. આથી શિયાળામાં ખાસ સૉફ્ટવેર અપડેટ ચેક કરતા રહેવું અને એ આવતાંની સાથે જ એને ઇન્સ્ટૉલ કરી દેવું.

life and style technology news harsh desai columnists