આ યુવાન માટે કાર જ છે જીવનનો સાર

22 March, 2021 01:40 PM IST  |  Mumbai | Ruchita Shah

ગાડીઓનો ગાંડો શોખ ધરાવતા દિશાર્થ પોન્દાને માર્કેટમાં આવતી કોઈ પણ નવી ગાડી વિશે પૂછો તો એનાં ઝીણાંમાં ઝીણાં સ્પેસિફિકેશન તે કડકડાટ કહી સંભળાવશે

આ યુવાન માટે કાર જ છે જીવનનો સાર

છોકરાઓને ગૅજેટ્સ અને ઑટોમોબાઇલમાં વિશેષ રસ હોય છે એ તો આપણે જાણીએ છીએ, પરંતુ કારના એન્સાઇક્લોપીડિયાને મળવું હોય તો કાંદિવલીમાં રહેતા દિશાર્થ પોન્દાને મળવું પડે. દિશાર્થ કૅનેડામાં માર્કેટિંગ મૅનેજમેન્ટનો અભ્યાસ કરે છે. કોરોનામાં ઑનલાઇન સ્ટડી શરૂ થયો એટલે પાછો મુંબઈ આવી ગયો છે. દુનિયાભરમાં કારની દુનિયામાં શું ચાલે છે એની બીજા કોઈને ખબર હોય કે ન હોય, પણ દિશાર્થને ખબર જ હોય. જ્યાંથી શક્ય હોય ત્યાં-ત્યાંથી નિયમિત ધોરણે દિશાર્થ કારને લગતી માહિતી ભેગી કરતો રહે છે. દિશાર્થ કહે છે, ‘કારનું ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફીલ્ડ છે. દરેક કંપનીની કારની જુદી વિશેષતા હોય છે. દરેક કારનું હૅન્ડલિંગ જુદું-જુદું હોય છે. મને ખાસ પસંદ છે જર્મન ટેક્નૉલૉજીથી બનતી ગાડીઓ.’
દિશાર્થના સર્કલમાં કોઈને કાર વિશે કોઈ જાણકારી જોઈતી હોય તો પહેલો સંપર્ક તેનો જ કરવામાં આવે. દિશાર્થ કહે છે, ‘કોઈને પણ કાર જોઈતી હોય તો મારા ત્રણ સવાલ હોય; તમે પર્ફોર્મન્સ જોઈ રહ્યા છો, ઍવરેજ વધુ આપે એવી ગાડી જોઈએ છે કે સેફ્ટી તમારો પ્રેફરન્સ છે? દરેક ગાડીમાં આ ત્રણેય ફીચર હોય પરંતુ એની અગ્રતા કંપની પ્રમાણે બદલાતી હોય છે. જેમ કે મેં હૉન્ડા સિટી લીધી તો એ પર્ફોર્મન્સમાં સુપર્બ કાર છે, પરંતુ હાઈ મેઇન્ટેનન્સ માગી લે છે.’
દિશાર્થ પોતાના કારના શોખને મૉનેટાઇઝ કરવાના વિચારો ધરાવે છે. તે કહે છે, ‘આજે વિશ્વમાં ફ્રીમાં કાર ટેસ્ટ-ડ્રાઇવ કરીને રિવ્યુ આપનારાઓની બોલબાલા વધી છે. હું પોતે પણ રિવ્યુ જોતો હોઉં છું. કારનાં એવાં ફેમસ મૅગેઝિન્સ પણ છે જેમાં નવી-નવી કારની ટેસ્ટ-ડ્રાઇવની ઑપોર્ચ્યુનિટી જૉબ દરમ્યાન મળતી હોય છે. ફૉરેન કન્ટ્રીઝમાં તો આવું બધું બહુ જ ચાલે છે. મારે પણ રિવ્યુઅર બનવું છે. નાનપણથી કાર માટેનું આકર્ષણ એવું હતું કે ત્યારે પણ હું એ સમયની બધી ગાડીઓની શું ખાસિયત છે એના પર ધ્યાન રાખતો.’

કોઈને કાર જોઈતી હોય તો મારા ત્રણ સવાલ હોય; તમે પર્ફોર્મન્સ જોઈ રહ્યા છો, ઍવરેજ વધુ જોઈએ છે કે સેફ્ટી? દરેકમાં આ ત્રણેય ફીચર હોય પરંતુ એની અગ્રતા કંપની પ્રમાણે બદલાતી હોય છે.
- દિશાર્થ પોન્દા, ઑટોમોબાઇલ લવર

ruchita shah columnists technology news tech news