હવે ફોટોને ટેક્સ્ટમાં ફેરવી શકાશે અને ઍન્ડ્રૉઇડ પર પણ ફેસટાઇમ થઈ શકશે

24 September, 2021 05:25 PM IST  |  Mumbai | Harsh Desai

હજી ગઈ કાલે જ આવેલા iOS 15ના અપડેટમાં ઘણાં નવાં ફીચર્સ ઍડ કરવામાં આવ્યાં છે અને કેટલાક લોકોના ધ્યાનમાં ન હોય એવાં ફીચર્સ પર નજર કરીએ. આઇફોનને વધુ સ્માર્ટ બનાવતાં ફીચર્સ

હવે ફોટોને ટેક્સ્ટમાં ફેરવી શકાશે અને ઍન્ડ્રૉઇડ પર પણ ફેસટાઇમ થઈ શકશે

કોઈ પણ ડિવાઇસ અથવા તો મોબાઇલને સ્માર્ટ બનાવવા માટે ઑપરેટિંગ સિસ્ટમ એટલે કે ઓએસ સૌથી મહત્ત્વની છે. કોઈ પણ મોબાઇલને ઓએસ વધુ સ્માર્ટ અને યુઝર-ફ્રેન્ડ્લી અને સ્ટાઇલિશ બનાવે છે. ઍપલ દ્વારા હાલમાં જ આઇઓએસ 15 રિલીઝ કરવામાં આવ્યું છે. આ આઇઓએસ 15 માટે યુઝર્સ પાસે આઇફોન 6S અથવા તો ત્યાર બાદનો આઇફોન હોવો જરૂરી છે. આ આઇઓએસ 15માં ઘણાં નવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. કેટલાંક ફીચર્સ યુઝર્સને ખબર છે તો કેટલાંક તેમની જાણ બહાર હોય છે. તો આવાં જ કેટલાંક ફીચર્સ વિશે ચર્ચા કરીએ...
લાઇવ ટેક્સ્ટ
આઇઓએસ 15માં લાઇવ ટેક્સ્ટ નામનું એક નવું ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી ફોટોને ટેક્સ્ટમાં રૂપાંતર કરી શકાય છે. ઉદાહરણ તરીકે તમે કોઈ ઍડ્વર્ટાઇઝમેન્ટનું બોર્ડ જોયું અને એના પર જે નંબર છે એના પર તમારે કૉલ કરવો હોય તો તમારે નંબર યાદ રાખીને ડાયલ કરવું જરૂરી નથી. આને માટે કૅમેરાની ઍપ ઓપન કરવાની રહેશે અને ત્યાં જ નીચે લાઇવ ટેક્સ્ટનું સિમ્બૉલ આવશે એના પર ક્લિક કરી નંબરને ગ્રૅબ કરી શકાશે. આ નંબરને ગ્રૅબ કર્યા બાદ એના પર કૉલ કરી શકાય અથવા તો જે-તે વ્યક્તિને સૅન્ડ કરવો હોય તો એ પણ કરી શકાય છે. આ ફીચર ફક્ત કૅમેરામાં જ ઉપલબ્ધ છે એવું નથી. વૉટ્સઍપમાં ટેક્સ્ટ ટાઇપ કરવાની જગ્યાએ યુઝર્સ કૉપી-પેસ્ટ માટે જે રીતે ટેપ કરી રાખે છે એ રીતે ટેપ કરી રાખતાં ત્યાં લાઇવ ટેક્સ્ટનો ઑપ્શન આવી જશે. આ ઑપ્શન પર ક્લિક કરતાં જ કી-બોર્ડની જગ્યાએ કૅમેરા ઓપન થશે. આ કૅમેરામાં જે-તે વસ્તુ સ્કૅન કરતાં એ ટેક્સ્ટ ફીલ્ડમાં આવી જશે અને યુઝર્સ જે સ્કૅન કરી રહ્યો છે એ જ ટેક્સ્ટ દેખાય અને ફાઇનલ થઈ જાય તો ત્યાર બાદ ઇન્સર્ટ કરતાં એ ટેક્સ્ટને સીધો મેસેજ કરી શકાશે. આ સાથે જ નોટ્સમાં પણ આ જ રીતે કોઈ આર્ટિકલ અથવા તો લેટર્સને સેવ કરવો હોય તો એને ટેક્સ્ટના રૂપમાં સેવ કરી શકાશે. પૂરેપૂરા ન્યુઝપેપરને પણ આ રીતે ટેક્સ્ટમાં રૂપાંતર કરી શકાશે.
દરેક પ્લૅટફૉર્મ માટે ફેસટાઇમ 
અત્યાર સુધી ફેસટાઇમ ઍપલ-ટુ-ઍપલ વચ્ચે જ થતી હતી. જોકે હવે આ ફીચર્સમાં બદલાવ કરીને એને દરેક પ્લૅટફૉર્મ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. યુઝર્સ હવે ફેસટાઇમ દરમ્યાન લિન્ક શૅર કરી શકે છે. આ લિન્ક દ્વારા ઍન્ડ્રૉઇડ અથવા તો વિન્ડોઝ-યુઝર્સ પણ તેમના ફ્રેન્ડ્સ દ્વારા વિડિયો-કૉલ કરી શકે છે. જોકે આ કૉલમાં પણ ઘણાં નવાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિડિયો-કૉલમાં પોર્ટ્રેટ મોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આની મદદથી યુઝર્સ જ ફક્ત દેખાશે. તેની પાછળ બબૅકગ્રાઉન્ડમાં શું ચાલી રહ્યું છે એ સામેની વ્યક્તિને જોવા નહીં મળે તેમ જ વૉઇસ પર પણ ફોકસ કરવા માટેના ઑપ્શન આપ્યા છે. યુઝર્સ કૉલ દરમ્યાન પોતાની મરજી મુજબ આ ફીચર ચાલુ-બંધ કરી શકે છે.
ફોકસ મોડ
ઍપલ દ્વારા એક નવું ફીચર આપવામાં આવ્યું છે જે ફોકસ મોડ છે. આ મોડમાં ડૂ-નૉટ-ડિસ્ટર્બ, સ્લીપ, ડ્રાઇવિંગ, પર્સનલ અને વર્ક ફીચર આપવામાં આવ્યાં છે. ડૂ-નોટ-ડિસ્ટર્બ પહેલેથી જ અવેલેબલ હતું. જોકે સ્લીપ, ડ્રાઇવિંગ, પર્સનલ અને વર્ક જેવા નવા ઑપ્શનમાં યુઝર્સ તેની મરજી મુજબની ઍપ નોટિફિકેશન, ફોનકૉલ્સ અને મેસેજિસની જાણકારી મેળવી શકશે. ઉદાહરણ તરીકે વર્ક મોડમાં યુઝર્સ તેના બૉસ અને અન્ય સાથીના નંબર પણ ઍડ કરી શકશે જેથી ફ્રેન્ડ્સના ફોન આવશે તો પણ એનું નોટિફિકેશન નહીં મળે. પર્સનલ મોડમાં યુઝરે ઘરની અન્ય ફૅમિલીના નંબર ઍડ કર્યા હોય તો તેમના જ ફોન આવશે. ઑફિસના એક પણ કૉલ એ દરમ્યાન નહીં આવે. આ સાથે જ એક પણ મોડ ઑન ન હોય તો મોબાઇલ નૉર્મલ મોડમાં રહેશે એટલે કે દરેક નોટિફિકેશનની જાણ કરશે.

 રિલૅક્સેશન માટે વરસાદ અને દરિયાનો અવાજ સતત આવે એવું ફીચર આપ્યું છે. આ ફીચરને એક્સેસિબિલિટીમાંથી ચાલુ કરી શકાશે. 

technology news tech news harsh desai columnists