ચોખામાં મોબાઇલ રાખશો તો થઈ શકે છે ડૅમેજ

23 February, 2024 07:59 AM IST  |  Mumbai | Harsh Desai

મોબાઇલમાં વેટ અલર્ટ આવે ત્યારે ઘરેલુ નુસખાથી દૂર રહેવું અને બની શકે તો વાયરલેસ ચાર્જિંગનો ઉપયોગ કરવો

પ્રતીકાત્મક તસવીર

 મોટા ભાગના મોબાઇલ ફોન આજે એટલા સ્માર્ટ બની ગયા છે કે એ પાણીમાં પણ કામ કરે છે. જોકે આ સ્માર્ટનેસ ફક્ત જે-તે કંપનીના ફ્લૅગશિપ ફોન પૂરતી જ મર્યાદિત છે. દરેક કંપની તેમના દરેક ફોનને વૉટર રેઝિસ્ટન્ટ નથી બનાવતી. ઍપલના દરેક ફોનની કિંમત એટલી છે કે એ દરેક મૉડલ ફ્લૅગશિપમાં આવે છે અને એથી જ એના અત્યારના દરેક મૉડલ વૉટર રેઝિસ્ટન્ટ છે. જોકે વૉટર રેઝિસ્ટન્ટ હોવાનો મતલબ એ નથી કે એને હંમેશાં પાણીમાં રાખી શકાય. દરેક ડિવાઇસની એક મર્યાદા હોય છે. તેમ જ આ મોબાઇલ પણ ડૅમેજ થઈ શકે છે અને એમાં પણ વૉટર અલર્ટ આવતું હોય છે. ફોન પાણીમાં પડ્યો હોય કે પછી એના પર પાણી પડ્યું હોય ત્યારે ઘણા ઘરેલુ નુસખાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે કંપનીઓ આ નુસખાનો ઉપયોગ કરવા માટે ના પાડે છે.

ચોખાનો ઉપયોગ ક્યારેય ન કરવો
ઍપલ દ્વારા હાલમાં જ એક એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે કે ક્યારેય પણ ચોખાની બૅગમાં મોબાઇલને ન રાખવો. છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયા પર ઘણી પોસ્ટ અને રીલ્સ વાઇરલ થઈ છે જેમાં એવું કહેવામાં આવે છે કે ચોખાની એક બૅગમાં મોબાઇલ રાખવાથી પાણી તરત દૂર થઈ જાય છે. જોકે કંપનીનું કહેવું કંઈક અલગ છે. ઍપલે અત્યાર સુધી આ વિશે કમેન્ટ કરવાનું ટાળ્યું હતું, પરંતુ હમણાં પહેલી વાર આ વિશે ઍડ્વાઇઝરી બહાર પાડી છે. બની શકે કે ચોખાને કારણે મોબાઇલ વધુ ડૅમેજ થઈ રહ્યા હોય અને એ ધ્યાનમાં આવતાં તેમણે આ ઍડ્વાઇઝરી બહાર પાડી છે. ચોખાનો ઉપયોગ ક્યારેય ન કરવા માટે કંપની આગ્રહ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે ચોખા એક એવી વસ્તુ છે જે તૂટી શકે છે. આથી ચોખાના નાના ટુકડા મોબાઇલની અંદર જતાં એ ડૅમેજ થઈ શકે છે. ચોખામાં મૂકવાનું તો દૂરની વાત પરંતુ મોબાઇલને પૂજા થઈ રહી હોય ત્યારે પણ સાચવીને રાખવો, કારણ કે ચોખા જો ચાર્જિંગ કનેક્ટરમાં અથવા તો સ્પીકરમાં ઘૂસી ગયા તો એ ડૅમેજ કરી શકે છે. એક નાનકડા ચોખાના ટુકડા માટે મોબાઇલ ખોલવો પડી શકે છે અને એ માટે મોટી રકમ ચૂકવવી પડી શકે છે. તેમ જ પાર્ટ ડૅમેજ થયો હોય તો એના ચાર્જ અલગ. આથી ક્યારેય ચોખામાં ફોન ન રાખવો.

રૂ અથવા તો ટિશ્યુનો ઉપયોગ ન કરવો
મોબાઇલમાં વેટ અલર્ટનો મેસેજ આવતો હોય તો ત્યારે રૂ અથવા તો ટિશ્યુનો ઉપયોગ કયારેય ન કરવો. રૂ અથવા તો ટિશ્યુ પેપર બન્ને એવી વસ્તુ છે જે ભીની થવાથી એના ઓરિજિનલ ફૉર્મથી અલગ થઈને એ મોબાઇલ પર ચીપકી શકે છે. ઉદાહરણ તરીકે ચાર્જિંગ સૉકેટમાં પાણી ગયું હોય અને એ જગ્યાએ એવું વિચારવામાં આવે કે રૂ તમામ પાણી શોષી લેશે અથવા તો ટિશ્યુ પાણીનું શોષી લેશે એથી એનો ઉપયોગ કરીએ, પરંતુ આ સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. રૂ અને ટિશ્યુ બન્નેના ટુકડા ચાર્જિંગ સૉકેટમાં ફસાઈ શકે છે. આ નાના ટુકડા ફસાવવાથી એ સૉકેટને ખરાબ કરી શકે છે અને પરિણામે ખર્ચો ન આવવાનો હોય તો પણ આવી શકે છે.

હેરડ્રાયર અથવા બ્લોઅરથી દૂર રહેવું
મોબાઇલને સૂકવવા માટે એક્સ્ટર્નલ હીટનો ઉપયોગ ક્યારેય નહીં કરવો. મોબાઇલની અંદર મધર બોર્ડ પર ઘણું સોલ્ડિરંગ કરેલું હોય છે. આથી જ્યારે પણ આ એક્સટર્નલ હીટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એ સોલ્ડરિંગ ડૅમેજ થઈ શકે છે અને પરિણામે મોબાઇલના હાર્ડવેરમાં પ્રોબ્લેમ આવી શકે છે. આ સાથે જ કૅમેરા પર અથવા તો સ્પીકર પર વધુપડતી હીટ જતાં એ પણ ડૅમેજ થવાના ચાન્સ વધી શકે છે. ચાર્જિંગ સૉકેટમાં પણ સેમ ઇશ્યુ આવી શકે છે. કેટલા ટેમ્પરેચરની હીટનો ઉપયોગ કરવો અને કેટલી સેકન્ડ સુધી એ એક્સપર્ટનું કામ હોય છે. આથી બને ત્યાં સુધી એક્સટર્નલ હીટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

વેટ અલર્ટ દરમ્યાન શું કરવું?
મોટા ભાગના વૉટર રેઝિસ્ટન્ટ મોબાઇલમાં વેટ અલર્ટનું ફંક્શન આપવામાં આવ્યું હોય છે. આથી જ્યારે પણ આવું અલર્ટ આવે ત્યારે સૌથી પહેલાં મોબાઇલને બની શકે તો બંધ કરી દેવો. આ સમયે ચાર્જિંગમાં મોબાઇલને ન મૂકવો. પાણી કેટલા પ્રમાણમાં લાગ્યું છે એના પર વધુ ડિપેન્ડ હોય છે. જો નજીવા પ્રમાણમાં પાણી લાગ્યું હોય તો ૩૦ મિનિટની અંદર એ સુકાઈ જાય છે. આ માટે મોબાઇલને ઍર સર્ક્યુલેશન થતું હોય એવી જગ્યાએ રાખવો. એ સમયે ચાર્જ ન કરવો. જો ૩૦ મિનિટ સુધી પણ એ ન થાય તો આ અલર્ટ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી મોબાઇલને ચાર્જિંગથી દૂર રાખવો. ઇમર્જન્સીમાં મોબાઇલને ચાર્જ કરવા માટે આ અલર્ટને ઓવરરાઇડ કરી શકાય છે. જોકે ઇમર્જન્સીમાં મોબાઇલને ચાર્જ કરવો હોય તો ફિઝિકલ ચાર્જર કરતાં વાયરલેસ ચાર્જરનો ઉપયોગ કરવો જેથી ચાર્જિંગ સૉકેટનો ઉપયોગ ન થાય.

columnists technology news life and style harsh desai