કમ્પ્યુટરમાં વૉટ્સઍપ વાપરવા મોબાઇલમાં ઇન્ટરનેટની જરૂર નહીં પડે

17 March, 2021 12:22 PM IST  |  Mumbai | Pratik Ghogare

વૉટ્સઍપ દ્વારા હાલમાં જ એક બીટાવર્ઝન રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ઑડિયો અને વિડિયો કૉલ્સના ફીચરની સાથે વિડિયોને શૅર કરવા પહેલાં એને મ્યુટ કરવાનું પણ ફીચર આપ્યું છે.

કમ્પ્યુટરમાં વૉટ્સઍપ વાપરવા મોબાઇલમાં ઇન્ટરનેટની જરૂર નહીં પડે

ટેક્નૉલૉજીમાં એટલી બૂમ આવી છે કે હવે યુઝર્સને કોઈ તકલીફ પડે કે તરત જ એનો િનવેડો અપડેટ દ્વારા આપી દેવામાં આવે છે. આવા જ એક ફીચરની વૉટ્સઍપ વેબમાં જરૂર હતી. પેરન્ટ કંપની ફેસબુકની ઍપ્લિકેશન વૉટ્સઍપ મોબાઇલની સાથે કમ્પ્યુટર પર પણ વાપરી શકાય છે. લૉકડાઉન દરમ્યાન વૉટ્સઍપનો ઉપયોગ ઑફિસના કામ માટે વધી ગયો હતો. જોકે આ દરમ્યાન લોકોને એક સમસ્યા પણ પડી રહી હતી અને એ હતી કે વૉટ્સઍપ કૉલ્સની. એનો ઉકેલ વૉટ્સઍપ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. વૉટ્સઍપ દ્વારા હાલમાં જ એક બીટાવર્ઝન રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ઑડિયો અને વિડિયો કૉલ્સના ફીચરની સાથે વિડિયોને શૅર કરવા પહેલાં એને મ્યુટ કરવાનું પણ ફીચર આપ્યું છે.
ડેસ્કટૉપ પર વૉટ્સઍપ
ડેસ્કટૉપ એટલે કે કમ્પ્યુટરની ઍપ્લિકેશનમાં ઑડિયો અને વિડિયો કૉલ્સની ફૅસિલિટી આપવામાં આવી છે જે અત્યાર સુધી મોબાઇલમાં જ ઉપલબ્ધ હતી. જોકે ડેસ્ક-ટૉપ ઍપનો ઉપયોગ કરનારા પણ હવે આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. હાલપૂરતું યુઝર્સ એક જ વ્યક્તિને ઑડિયો અથવા તો વિડિયો કૉલ કરી શકશે.
ઇન્ટરનેટની જરૂર નહીં પડે
વૉટ્સઍપ વેબ અથવા તો વૉટ્સઍપ ડેસ્કટૉપ ઍપનો ઉપયોગ કરવો હોય તો હાલમાં તમારા મોબાઇલમાં ઇન્ટરનેટ હોવું જરૂરી છે. તમે ભલે કમ્પ્યુટર પર વૉટ્સઍપનો ઉપયોગ કરતા હો, પરંતુ ઇન્ટરનેટનો ડેટા તો તમારા મોબાઇલનો જ ઉપયોગ થાય છે. આથી જ વૉટ્સઍપ દ્વારા એના પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર દ્વારા તમે કમ્પ્યુટરના ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો એટલે કે તમારા મોબાઇલ ડેટાને બચાવી શકશો. આમ કરવાથી ડેટા અને બૅટરી બચવાની સાથે કમ્પ્યુટરના હાઈ-સ્પીડ ડેટાનો ઉપયોગ કરી રહ્યા હોવાથી ઑડિયો અને વિડિયો કૉલ્સની ક્વૉલિટીમાં પણ સુધારો થશે. તેમ જ નેટવર્કની તકલીફ હોવાથી
કૉલ્સ કનેક્ટિંગ આવતું એનાથી છુટકારો મળશે.
મોબાઇલ માટે નવાં ફીચર્સ
વૉટ્સઍપ દ્વારા હાલમાં મોબાઇલ માટે પણ ઘણાં ફીચર આપવામાં આવશે જેમાંથી એક છે વૉઇસ મેસેજ રીડ રિસીટને ડિસેબલ કરવી. મેસેજ કોઈ વાંચે છે એ માટે જે બ્લુ ટિક-માર્ક આવતી એને ટેક્સ્ટ મેસેજ માટે બંધ કરી શકાય છે, પરંતુ ઑડિયો માટે એ ઑપ્શન નહોતો ઑડિયો રેકૉર્ડ સેન્ડ કરવામાં આવે ત્યારે એ બ્લુ ટિક-માર્ક દરેક વ્યક્તિ જોઈ શકે છે. જોકે હવે એને બંધ કરવાનું ફીચર આવી રહ્યું છે અને એ સૌથી પહેલાં આઇફોન યુઝર્સને મળે એવું લાગી રહ્યું છે. આ સાથે એક નવું ફીચર આવી રહ્યું છે જે વિડિયોને ચૅટમાં અથવા તો સ્ટેટસમાં શૅર કરવા પહેલાં મ્યુટ કરવાનું છે. એ હાલમાં ઍન્ડ્રૉઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે, આઇફોન યુઝર્સ માટે નહીં.

યે ભી ઠીક હૈ

વૉટ્સઍપને લઈને હાલમાં ઘણો વિવાદ શરૂ થયો હતો કે તેઓ ડેટા શૅર કરે છે. પ્રાઇવસીને લઈને થયેલી બબાલને કારણે જો એનો ઉપયોગ કરવા ન માગતા હોય તો અન્ય ઑપ્શન્સ પણ છે.
સિગ્નલ
વૉટ્સઍપના કો-ફાઉન્ડર બ્રાયન ઍક્શન આ કંપનીના એક્ઝિક્યુટિવ ચૅરમૅન છે. સિગ્નલ એક ઓપન સોર્સ મેસેજિંગ ઍપ્લિકેશન છે અને એના પર રજિસ્ટર કરવા માટે મોબાઇલ-નંબરની જરૂર પડે છે. સિગ્નલ ઍપ સિગ્નલ ફાઉન્ડેશનની માલિકી હેઠળ છે જે ડોનેશનથી ચાલે છે. વૉટ્સઍપના કો-ફાઉન્ડર હોવાથી મોટા ભાગનાં ફીચર વૉટ્સઍપ જેવાં જ છે. બસ, એમાં પ્રાઇવસીની ગૅરન્ટી છે.
ટેલિગ્રામ
ટેલિગ્રામ ઍપ્લિકેશનનો ઉપયોગ ચૅટિંગ અને ગ્રુપ ડિસ્કશન અને પોલ રિઝલ્ટ્ની સાથે ક્વિઝ માટે પણ કરવામાં આવે છે. આ ક્લાઉડ-બેઝ્ડ ઍપ્લિકેશન સ્પીડ અને સિક્યૉરિટી પર વધુ ફોકસ કરે છે. આ ઍપ્લિકેશનમાં તમે ત્રણ જાતના પોલ કરી શકો છો અને કોણે-કોણે વોટ કર્યા છે અને એનું સંપૂર્ણ રિઝલ્ટ પણ જોઈ શકાય છે. આ સાથે જ એક ગ્રુપમાં બે લાખ મેમ્બર્સનો સમાવેશ કરી શકાય છે. ગ્રુપ ડિસ્કશન પણ કરી શકાય છે તેમ જ એમાં ચોક્કસ ટૉપિકને લઈને ગ્રુપ છે. આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને એક્સપર્ટની સલાહ મળી શકે છે. આ ઍપનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં ફાઇલની સાઇઝને લઈને કોઈ લિમિટ નથી.

tech news technology news harsh desai columnists