ઍપલમાં શું છે નવાં અપડેટ અને નવાં ફીચર્સ?

14 October, 2022 03:18 PM IST  |  Mumbai | Harsh Desai

ઍપલ એની નવી આઇઓએસ 16.1 દ્વારા ઘણાં નવાં ફીચર્સની સાથે જૂનાં ફીચર્સને રીડિઝાઇન કરી રહ્યું છે : આ મહિનાના અંતમાં અથવા તો નવેમ્બરની શરૂઆતમાં આ ફીચર્સને લૉન્ચ કરવામાં આવશે

IOS 16.1 ના નવાં અપડેટ અને નવાં ફીચર્સ

ઍપલની કેટલીક સર્વિસ વિન્ડોઝ કમ્પ્યુટર માટે પણ લૉન્ચ થઈ રહી છે. ઍપલ મ્યુઝિક અને આઇક્લાઉડ સિન્ક જેવાં ફીચર્સ ઍપલના ડિવાઇસમાં જ ઉપલબ્ધ હતાં, પરંતુ હવે એને વિન્ડોઝ 11 માટે અને એક્સબૉક્સ માટે પણ લૉન્ચ કરવામાં આવી રહ્યાં છે. ઍપલનાં પોતાનાં મ્યુઝિક સ્ટ્રીમ સર્વિસ અને વિડિયો સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ છે. આ પ્લૅટફૉર્મનો ઍપલ યુઝર્સની સાથે અન્ય યુઝર્સ પણ લાભ લઈ શકે એ માટે અન્ય ઑપરેટિંગ સિસ્ટમ માટે એ લૉન્ચ કરવામાં આવ્યું છે. જોકે ઍપલ એની દરેક સર્વિસને અપ-ટુ-ડેટ રાખવાની કોશિશ કરે છે. ઍપલે એના નવા આઇફોન સાથે નવી ઑપરેટિંગ સિસ્ટમને પણ લૉન્ચ કરી હતી. આઇઓએસ 16માં ઘણાં નવાં ફીચર્સ આપવામાં આવ્યાં હતાં, પરંતુ આ ઓએસના નવા અપડેટ 16.1માં ઍપલ નવાં ફીચર ઍડ કરવાની સાથે જૂનાં ફીચર્સને રીડિઝાઇન કરી રહ્યું છે. આ ફીચર્સ એટલે કે નવાં અપડેટ આ મહિનાના અંતમાં અથવા તો નવેમ્બરની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવશે. તો આ નવાં ફીચર્સ વિશે જોઈએ :

લાઇવ ઍક્ટિવિટી

ઍપલ દ્વારા લાઇવ ઍક્ટિવિટીને 16.1 દ્વારા લૉન્ચ કરવામાં આવી રહ્યાં છે. આ લાઇવ ઍક્ટિવિટી એક રીતે જોવા જઈએ તો રિયલ-ટાઇમ ઇન્ફર્મેશન અથવા તો ઇન્ટરઍક્ટિવ નોટિફિકેશન પણ કહી શકાય છે. આ ફીચર્સને આઇફોન 14 પ્રોમાં આવતા ડાયનૅમિક આઇલૅન્ડ અને લૉકસ્ક્રીન માટે લૉન્ચ કરી રહ્યું છે. આ ફીચરનો ઉપયોગ ઍપ્લિકેશનની અંદર આવી રહેલા લાઇવ ડેટાને જોવા માટે કરી શકાય છે. ઉદાહરણ તરીકે કોઈ ઍપ્લિકેશન પરથી ફૂડ ઑર્ડર કરવામાં આવ્યું તો એ ક્યાં પહોંચ્યું અને કેટલી વારમાં યુઝર્સ સુધી પહોંચશે એના લાઇવ ટ્રૅકિંગ ડેટા લૉકસ્ક્રીન પર જોવા મળશે. તેમ જ ક્રિકેટ મૅચ ચાલતી હોય તો ઍપ્લિકેશન ચાલુ રાખાની જગ્યાએ લૉકસ્ક્રીન પર લાઇવ સ્કોર જોઈ શકાશે જેથી બૅટરી અને ડેટા બન્ને બચાવી શકાય. આ માટે હજી દરેક ઍપ્લિકેશન તૈયાર નથી, પરંતુ એક વાર આ ફીચર લૉન્ચ થઈ ગયા બાદ દરેક ઍપ્લિકેશન એ અનુસાર નવું અપડેટ આપશે એ નક્કી છે.

બૅટરી પર્સન્ટેજ

ઍપલ દ્વારા આઇઓએસ 15માં જ્યારે નોટિફિકેશન બાર ઓપન કરવામાં આવે ત્યારે જ બૅટરી પર્સન્ટેજ દેખાતા હતા. જોકે આઇઓએસ 16માં તેમણે એ બૅટરી પર્સન્ટેજ મેન્યુ મોડમાં પણ જોઈ શકાય એની તકેદારી રાખી હતી. આ બૅટરી પર્સન્ટેજ કેટલા છે એ દેખાડવામાં આવતું હતું, પરંતુ બૅટરી કેટલી છે એ ઇન્ડિકેટર ઓછું નહોતું થઈ રહ્યું. આથી ઘણા યુઝર્સને તકલીફ પડી રહી હતી, કારણ કે વારંવાર તેમને પર્સન્ટેજને ધ્યાનથી જોવાનો ટાઇમ નહોતો મળી રહ્યો. આથી ઍપલે 16.1માં આ ઇન્ડિકેટરને રીડિઝાઇન કર્યું છે. બૅટરીના પર્સન્ટેજ જેમ-જેમ ઓછા થશે એમ-એમ બૅટરી ઇન્ડિકેટર પણ ઓછું થતું જશે.

ક્લીન એનર્જી ચાર્જિંગ

ઍપલ દ્વારા ક્લીન એનર્જી ચાર્જિંગ ઑપ્શન આપવામાં આવ્યો છે. આ માટે સેટિંગમા જઈને બૅટરી ઑપ્શનમાં જઈને ક્લીન એનર્જી ચાર્જિંગ ઑપ્શન ઑન કરવાનો રહેશે. આ ફીચર ઍપલ યુઝર્સને તેમની કાર્બન ફુટ-પ્રિન્ટ ઓછી કરવામાં મદદ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી જ્યારે ગ્રીન એનર્જી ઉપલબ્ધ હશે અથવા તો લોઅર કાર્બન ઇમિશનવાળી ઇલેક્ટ્રિસિટી હશે ત્યારે એ આઇફોનને વધુ ચાર્જ કરી લેશે અને જ્યારે વધુ કાર્બન ઇમિશનવાળી એનર્જી હશે ત્યારે એ આઇફોનને ચાર્જ કરતો અટકાવી દેશે. જોકે યુઝર્સના રૂટીન અને ચાર્જિંગ સ્ટાઇલ પ્રમાણે સમયસર બૅટરી ફુલ ચાર્જ થાય એની પણ ઍપલ દ્વારા તકેદારી રાખવામાં આવી છે. જોકે ઇન્ડિયામાં ઍપલને ક્લીન એનર્જી ડેટા મળે કે નહીં એ મોટો સવાલ છે.

પ્રી-લોડ ઇન-ઍપ્લિકેશન ડેટા

ઍપલ યુઝર્સને વધુ સરળ રહે એ માટે પ્રી-લોડ ઇન-ઍપ્લિકેશન ડેટાની સુવિધા આપી રહ્યું છે. ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કર્યા બાદ એની અંદર જઈને યુઝર્સ દ્વારા ફરી ડેટા ડાઉનલોડ કરવા પડતા હતા. જોકે હવે એ ડેટા પણ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થાય એની સાથે જ ડાઉનલોડ થઈ જાય એવી સુવિધા આપવામાં આવી રહી છે. આ માટે યુઝર્સે સેટિંગમાં જઈને ઍપ સ્ટોરમાં જઈ એ ઑપ્શન ઑન કરવાનો રહેશે. ઉદાહરણ તરીકે બૅટલ ગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ ડાઉનલોડ કરવાની સાથે જ એમાં સિટી મોડ અને અન્ય ગ્રાફિક્સને અલગથી ડાઉનલોડ કરવા પડે છે. જોકે હવે આ ફીચરની મદદથી ઍપ્લિકેશન ડાઉનલોડ કરતાંની સાથે જ દરેક ડેટા ડાઉનલોડ થઈ ગયા હશે અને એથી યુઝર તરત જ ગેમ રમી શકશે.
આ સાથે જ આઇવૉચ વગર પણ ફિટનેસ પ્લસ કન્ટેન્ટનો ઉપયોગ કરી શકાશેની સાથે વૉલપેપર સેક્શનને પણ સેટિંગમાં આપવામાં આવી રહ્યું છે અને કૉપી અને પેસ્ટ માટે સતત પૂછવામાં આવતાં નોટિફિકેશનને પણ ફિક્સ કરવામાં આવ્યું છે. નાનાં-મોટાં અન્ય પણ ઘણાં ફીચર્સને ઍડ કરવામાં આવ્યાં છે જેમ કે વૉલેટ ઍપનો ઉપયોગ ન કરતા હો તો એને ડિલીટ કરી શકાશે.

columnists harsh desai technology news tech news ios iphone