ક્રોમના વધુ ઉપયોગથી બચવું જરૂરી છે, જાણો કેમ?

01 July, 2022 08:20 PM IST  |  Mumbai | Harsh Desai

દુનિયાભરમાં સૌથી વધુ એનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી એ બેસ્ટ છે એવું નથી : રૅમનો સૌથી વધુ ઉપયોગ કરનારું ક્રોમ એની ટ્રેકિંગ અને પ્રાઇવસીને લઈને પણ હંમેશાં ચર્ચામાં રહે છે

ક્રોમના વધુ ઉપયોગથી બચવું જરૂરી છે, જાણો કેમ?

ગૂગલનાં ઘણાં સૉફ્ટવેર છે જેનો ઉપયોગ દુનિયાભરમાં સૌથી વધુ થાય છે. એ તમામ પ્રોડક્ટમાં એક છે ગૂગલ ક્રોમ. ક્રોમ એક ઇન્ટરનેટ બ્રાઉઝર છે અને એનો ઉપયોગ દુનિયામાં ખૂબ જ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. જોકે આજે આપણે ગૂગલ ક્રોમનો ઉપયોગ કેમ ન કરવો જોઈએ એ વિશે જોઈશું.
પર્ફોર્મન્સ અને સ્ટેબિલિટી | દુનિયાભરમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ વધુ થાય છે, પરંતુ એનો એ મતલબ નથી કે એ બેસ્ટ છે. ગૂગલ ક્રોમનો ઉપયોગ એટલા માટે વધુ થાય છે, કારણ કે એ યુઝર્સને વારંવાર ફોર્સ કરે છે. તેમ જ ગમે એટલી વાર સર્ચ માટે ગૂગલ ઓપન કરવામાં આવે ત્યારે એ ડિફૉલ્ટ બ્રાઉઝર બનાવવા માટે પૂછ-પૂછ કરે છે. ભલે એનો ઉપયોગ વધુ થતો હોય, પરંતુ એ પર્ફોર્મન્સમાં ઘણું પાછળ છે. ગૂગલ ક્રોમ સૌથી વધુ રૅમનો ઉપયોગ કરવા માટે જાણીતું છે. તેમ જ તે એટલી બધી જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કરે છે કે બ્રાઉઝર તો ધીમું ચાલતું થઈ જ જાય છે, પરંતુ એ રૅમ અને પ્રોસેસર પર પણ લોડ પાડે છે. પરિણામે કમ્પ્યુટર ગરમ થવા માંડે છે અને એ બંધ થઈ જાય છે. જો કમ્પ્યુટર લેટેસ્ટ હોય તો બની શકે કે એ ગરમ ન થાય, પરંતુ ગૂગલ ક્રોમની વિન્ડો ક્રૅશ થવા માંડે છે. એની સરખામણીમાં પર્ફોર્મન્સમાં ઘણાં બ્રાઉઝર સારાં છે.
એક્સટેન્શન સિક્યૉરિટી | ગૂગલ ક્રોમને વધુ યુઝફુલ અને સરળ બનાવવા માટે તેમણે ગૂગલ એક્સટેન્શનનો વિકલ્પ આપ્યો છે. આ એક્સટેન્શન થર્ડ પાર્ટી પણ હોઈ શકે છે. ગૂગલ એના ઓપન સોર્સ માટે જાણીતું છે. ગૂગલે પ્લે સ્ટોર પર જેટલી છૂટછાટ આપી છે એના કરતાં ગૂગલ ક્રોમના એક્સટેન્શન સ્ટોર પર વધુ છૂટછાટ આપી છે. સિક્યૉરિટીના દરવાજા ગૂગલે ખુલ્લા મૂકી દીધા છે એમ કહેવું પણ ખોટું નથી. એક્સટેન્શન પર ગૂગલ દેખરેખ ન રાખતું હોવાથી કેટલીક કંપનીઓ અથવા તો હૅકર્સ એ દ્વારા યુઝર્સના ડેટા ચોરી કરી લે છે. તેમ જ આ દ્વારા કમ્પ્યુટરમાં વાઇરસ પણ આવી જાય છે જે એને પ્રૉપર કામ કરતાં અટકાવે છે. એક્સટેન્શન કામને વધુ સરળ બનાવવા માટે હોય છે, જે રિયલમાં થતું નથી. જોકે એ જ રીતે ક્રોમ પણ જોઈએ એટલું સરળ નથી. ક્રોમના કન્ટ્રોલ્સ અને સેટિંગ્સ ખૂબ જ કૉમ્પ્લેક્સ છે. એક પછી એક પેજ ઓપન થાય છે અને જે-તે ફંક્શન શોધવામાં પણ સર્ચની જરૂર પડે છે.
ફીચર્સ મોડાં આવવાં | ગૂગલ ક્રોમ મહિનામાં એક વાર અપડેટ આપવા માટે જાણીતું છે. તેમ જ એમાં મોટા ભાગે સિક્યૉરિટી અપડેટ હોય છે. માઇક્રોસૉફ્ટ એજ, ઑપેરા બ્રાઉઝર અને મોઝિલા ફાયરફૉક્સની સરખામણીમાં ક્રોમમાં ખૂબ ઓછાં ફીચર્સ છે. તેમ જ જે ફીચર્સ છે એ પણ ખૂબ જ મોડેથી આપવામાં આવે છે.
ટ્રેકિંગ અને પ્રાઇવસી | ઇલૉન મસ્ક દ્વારા હાલમાં જ કહેવામાં આવ્યું છે કે યુટ્યુબ પર આવતી ઍડ્સ તેમનાં બાળકોને ખૂબ જ હેરાન કરે છે. દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ પાસે પણ યુટ્યુબનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન નથી. તેનું માનવું છે કે જે વસ્તુ ફ્રીમાં હોવી જોઈએ એ ફ્રીમાં જ હોવી જોઈએ. જોકે આ ફક્ત યુટ્યુબ માટે નથી લાગુ પડતું. ગૂગલની અન્ય સર્વિસ ક્રોમ માટે પણ એ લાગુ પડે છે. ગૂગલ ભલે કહેતું હોય કે તેઓ થર્ડ-પાર્ટી ટ્રેકિંગ કુકીઝનો અંત આણવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ગૂગલની મોટા ભાગની કમાણી ઍડ્વર્ટાઇઝિંગમાંથી થાય છે. આ ઍડ માટે ટ્રેકિંગ જરૂરી છે. આથી ટ્રેકિંગ અને પ્રાઇવસીની જ્યારે પણ વાત આવે ત્યારે ગૂગલ એમાં સંડોવાઈ જાય છે. ઍડ વગર ગૂગલની કમાણી શક્ય નથી અને તેઓ ક્રોમનો ઉપયોગ ઇન્કમના એક સોર્સ તરીકે કરે છે. આથી યુઝરના તમામ સર્ચ પર તેમની નજર હોય છે.
મોનોપૉલી | મોનોપૉલી જ્યારે આવે છે ત્યારે વિકાસ અટકી જાય છે. યુઝર બાય ડિફૉલ્ટ ક્રોમનો ઉપયોગ કરે છે અને એનાથી તેમને કોઈ ફરક પણ નથી પડતો હોતો. માર્કેટમાં એના કરતાં સારાં બ્રાઉઝર હોય એમ છતાં યુઝર્સ ક્રોમનો ઉપયોગ કરે છે અને એ બ્રાઉઝરની સાથે વેબની દુનિયા માટે પણ ખતરનાક છે. ગૂગલની કોઈ કૉમ્પિટિનશન ન મળે તો તેઓ સતત ડેવલપ કરવાનું ટાળશે અને યુઝર્સ નવાં ફીચર્સથી દૂર રહેશે. તેમ જ ગૂગલની મોનોપૉલીને કારણે તેઓ દુનિયાભરની વેબસાઇટને ચોક્કસ રૂપે વર્તવા માટે ફોર્સ કરે છે. ઉદાહરણ તરીકે ગૂગલે HTTPS અને મોબાઇલ વર્ઝન માટે વેબસાઇટને ફોર્સ કર્યું હતું. ગૂગલ તેની પોતાની ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવા માટે વેબસાઇટને કહે છે નહીંતર ક્રોમ પર તેમની વેબસાઇટ બ્લૉક થઈ જશે. આથી વેબસાઇટે નમતું મૂકવું પડે છે.

technology news tech news columnists harsh desai