વેબસાઇટના સર્ફિંગ દરમ્યાન યુઝર્સના ડેટા સિક્યૉર છે ખરા?

21 October, 2022 01:32 PM IST  |  Mumbai | Harsh Desai

ડેટા લીક ન થાય અથવા તો વેબસાઇટ દ્વારા એને ટ્રૅક કરવામાં ન આવે એ માટે આ પગલાં લેવાં જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

ગૂગલ ક્રોમમાં બે રીતે આ ટ્રેકિંગને બંધ કરી શકાય છે. ગૂગલ ક્રોમમાં રાઇટ સાઇડ ઉપર આવતાં ત્રણ ડૉટ પર ક્લિક કરીને સેટિંગ્સમાં ગયા બાદ પ્રાઇવસી અને સિક્યૉરિટી ટૅબમાં સિલેક્ટ કરવું.

ઇન્ડિયાનાં કેટલાંક શહેરોમાં 5G શરૂ કરવામાં આવ્યું છે. ઇન્ટરનેટ વગર દુનિયામાં આજે કોઈ પણ કામ કરવું ઘણું મુશ્કેલ થઈ જાય છે. કોવિડ બાદ તો ઇન્ટરનેટનો ઉપયોગ પણ ખૂબ જ વધ્યો છે. સ્કૂલથી લઈને ઑફિસ કે એન્ટરટેઇનમેન્ટ કે પછી બિઝનેસ કે કમ્યુનિકેશન દરેક વસ્તુ માટે ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ થાય છે. જોકે ઇન્ટરનેટનો ઉપયોગ જેટલો વધી રહ્યો છે એટલો જ એનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. આજે ઇન્ટરનેટની મદદથી ઘણી છેતરપિંડી થઈ રહી છે. જોકે ઘણી છેતરપિંડી એટલા માટે પણ થાય છે કે ઇન્ટરનેટની મદદથી યુઝર્સના ઘણા ડેટા લીક થઈ જતા હોય છે. ગૂગલ ઘણી વાર યુઝર્સના ડેટા કલેક્ટ કરવા માટે ચર્ચામાં આવ્યું છે. જોકે ગૂગલ એકલું નથી જે ડેટા કલેક્ટ કરે છે. ઘણી વેબસાઇટ એવી હોય છે જે યુઝર્સના ડેટા તેમને જણાવ્યા વગર કલેક્ટ કરે છે. આ માટે મોબાઇલ અને કમ્પ્યુટર પર બન્ને જગ્યાએ ચેતેલા રહેવું ખૂબ જ જરૂરી છે. તો આ વેબ-બ્રાઉઝર પર વેબસાઇટ જે ડેટા કલેક્ટ કરે છે એને કેવી રીતે અટકાવવું એ વિશે જોઈએ.

કમ્પ્યુટર

વેબ બ્રાઉઝર માટે સૌથી વધુ ઉપયોગ ગૂગલ ક્રોમ અને ઍપલ સફારીનો થાય છે. ગૂગલ ક્રોમમાં બે રીતે આ ટ્રેકિંગને બંધ કરી શકાય છે. સૌથી પહેલાં ઇન્કૉગ્નિટો મોડ ઑન કરવો. આ મોડ ઓન કરવાથી કંઈ વેબસાઇટનો ઉપયોગ શું કામ કરી રહ્યા છો જેવી કોઈ પણ વિગત ગૂગલ કલેક્ટ નહીં કરી શકે. બીજું છે ગૂગલ ક્રોમમાં રાઇટ સાઇડ ઉપર આવતાં ત્રણ ડૉટ પર ક્લિક કરીને સેટિંગ્સમાં ગયા બાદ પ્રાઇવસી અને સિક્યૉરિટી ટૅબમાં સિલેક્ટ કરવું. આ ટૅબમાં ‘ડૂ નૉટ ટ્રૅક’ રિક્વેસ્ટ ઑન કરી દેવી. આ ઑન કરતાંની સાથે જ વેબસાઇટ ડેટા કલેક્ટ કરતી અટકી જશે. ગૂગલમાં બાયડિફૉલ્ટ આ ફીચર ઑન નથી. જોકે બીજી તરફ એપલમાં ડેટા કલેક્ટ ન કરી શકે એ માટે પહેલેથી જ દરેક ઍપ્લિકેશનને યુઝર્સની પરવાનગી લેવા માટે ફોર્સ કરવામાં આવે છે. યુઝર્સ કોઈ પણ ઍપ્લિકેશનને પરવાનગી ન આપે તો એ ઍપ્સ ડેટા કલેક્ટ નહીં કરી શકે. આ સાથે જ સફારીમાં પણ પ્રાઇવેટ મોડ આપવામાં આવ્યો છે. જો આ મોડને પસંદ કરવામાં આવે તો ઍપલ કોઈ પણ વેબસાઇટને સર્ફ કરવામાં આવે એ નથી જાણી શકતું. તેમ જ  વેબસાઇટ પણ ડેટા ટ્રૅક કરતી હોય તો એને અટકાવે છે અને એ માટે જરૂરી પરવાનગી માટે પણ રિક્વેસ્ટ કરે છે.

મોબાઇલ

ઍન્ડ્રૉઇડ મોબાઇલ અને ઍપલ આઇફોનમાં પણ કમ્પ્યુટરની જેમ જ સેફ ફીચર આપવામાં આવ્યાં છે. ઍન્ડ્રૉઇડ ફોનમાં ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ એમાં પણ ત્રણ ડૉટ પર ક્લિક કરીને એમાં સેટિંગ્સ પસંદ કરવું. એ સેટિંગ્સમાં બેઝિક ટૅબમાં પ્રાઇવસી અને સિક્યૉરિટી બટનનો સમાવેશ કરવામાં આવ્યો હશે. એમાં પણ ડૂ નૉટ ટ્રૅકનો ઑપ્શન પસંદ કરવો. ઍપલના સફારીમાં પણ પ્રાઇવેટ બ્રાઉઝર ટૅબનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ જ એમાં પણ દરેક ઍપ દ્વારા પહેલાં પરવાનગી લેવામાં આવે છે. જોકે ઍપલમાં વધુ એક ફીચર છે જેનું નામ છે પ્રાઇવેટ રિલે. આ ફીચર ઍપલ આઇક્લાઉડ પ્લસ સાથે જ આવે છે. આ માટે પૈસા ચૂકવવા પડે છે. આ ફીચરની મદદથી યુઝરનું આઇપી ઍડ્રેસ પરથી એ નથી જાણી શકાતું કે તે ચોક્કસ કઈ જગ્યાનો છે. તે ઇન્ડિયાનો અથવા તો મુંબઈનો છે એ જાણી શકાય છે, પરંતુ કોઈ ચોક્કસ પર્ટિક્યુલર એરિયાનો નથી હોતો. આથી યુઝર્સને ટાર્ગેટેડ ઍડ્સ જે આવે છે એનાથી બચી શકાય છે.

આ ફીચર સિક્યૉર છે ખરું?

ક્રોમ દ્વારા એ જણાવવામાં નથી આવતું કે કઈ વેબસાઇટ દ્વારા કયા ડેટા પસંદ કરવામાં આવ્યા છે. આથી એ કહેવું મુશ્કેલ છે કે આ ખરેખર સિક્યૉર છે કે નહીં. ગૂગલ ક્રોમ દ્વારા વેબસાઇટને ડેટા ટ્રેક ન કરવા માટે કહેવામાં તો આવે છે, પરંતુ વેબસાઇટ દ્વારા સતત એ માટે પરમિશન માગવામાં આવતાં યુઝર કંટાળીને એ આપી દે છે. આથી આ ફીચર આપવા છતાં પણ યુઝર્સના ડેટા સિક્યૉર છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે.

columnists harsh desai technology news tech news google cyber crime