બેડ અથવા ઑક્સિજન ઉપલબ્ધ છે કે નહીં એની માહિતી જલદી મળશે ગૂગલ મૅપ્સ દ્વારા

14 May, 2021 03:00 PM IST  |  Mumbai | Harsh Desai

આ ઇન્ફર્મેશન જે-તે યુઝર્સ દ્વારા આપવામાં આવશે એટલે ત્યાં જવા પહેલાં ઍપ્લિકેશનમાં લોકેશન સાથે આપવામાં આવેલા નંબર પર એક વાર ફોન કરીને વેરિફાય કરવું આવશ્યક રહેશે

બેડ અથવા ઑક્સિજન ઉપલબ્ધ છે કે નહીં એની માહિતી જલદી મળશે ગૂગલ મૅપ્સ દ્વારા

ગૂગલ એની સર્વિસને વધુ સરળ અને ઇફેક્ટિવ બનાવવાની સાથે હવે લોકોને જરૂરી માહિતી પૂરી પાડવા પર પણ ફોકસ કરી રહ્યું છે. કોરોનાના બીજા ફેઝમાં સૌથી વધુ મુશ્કેલી હૉસ્પિટલમાં બેડ અને ઑૅક્સિજનની પડી રહી છે. આથી ગૂગલે આ દિશામાં રિસર્ચ કરવાનું શરૂ કરી દીધું છે. 
શું છે આ ફીચર?
આજે સોશ્યલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ લોકોને મદદ કરવા માટે થાય છે. કોઈને પ્લાઝમાની જરૂર છે, કોઈને બેડ અથવા તો ઑૅક્સિજન જોઈએ છે. આથી ગૂગલ એની ઍપ્લિકેશન ગૂગલ મૅપ્સમાં એક ફીચર ઍડ કરવાનું વિચારી રહ્યું છે. આ ઍપ્લિકેશનમાં એક ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે જેનાથી કઈ જગ્યાએ બેડ અને ઑૅક્સિજન ઉપલબ્ધ છે એ જાણી શકાશે. ગૂગલ મૅપ્સનો ઉપયોગ કોઈ જગ્યાને શોધવા માટે થાય છે અને હવે એની સાથે એ જગ્યાએ સેવા ઉપલબ્ધ છે કે નહીં એ પણ જણાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે હૉસ્પિટલનો રસ્તો શોધવાની સાથે એ જગ્યાએ બેડ અથવા તો ઑૅક્સિજન ઉપલબ્ધ છે કે નહીં એની પણ માહિતી મળશે.
કેવી રીતે કામ કરશે?
ગૂગલ આ માટે એક Q&A ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. સવાલ અને જવાબના આ ફીચરની મદદથી જે-તે વ્યક્તિ જે-તે જગ્યાએ બેડ અથવા તો ઑક્સિજન ઉપલબ્ધ છે કે નહીં એની માહિતી માટે સવાલ કરશે તેમ જ બીજો યુઝર જે હૉસ્પિટલમાં હોય અથવા તો એની આસપાસ હોય તો તે જવાબ આપશે. આ ફીચરનો ઉપયોગ જે-તે યુઝરના હાથમાં છે. આ માટે હૉસ્પિટલ કે કોઈ પણ સંસ્થા જવાબ નહીં આપે. ગૂગલ જે રીતે યુઝર્સ પાસે જે-તે જગ્યાનો રિવ્યુ પૂછે છે એ જ રીતે જવાબ આપવા માટે પણ યુઝર્સના લોકેશનનો ઉપયોગ કરીને તેમની પાસે જવાબ માગી શકે છે.
વેરિફાય કરવું જરૂરી?
સવાલનો જવાબ મળ્યો તો ત્યાર બાદ એ સમાચારને વેરિફાય કરવું જરૂરી છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિએ કહ્યું કે ત્યાં બેડ ઉપલબ્ધ છે. તો બની શકે કે તમે ત્યાં પહોંચો ત્યાં સુધીમાં બેડ કોઈને આપી પણ દેવામાં આવ્યો હોય અથવા તો જે-તે વ્યક્તિને ખબર ન હોય કે બેડ અન્ય કોઈ વ્યક્તિને આપી દેવામાં આવ્યો છે. આથી એક વાર જે-તે હૉસ્પિટલનો નંબર એ મૅપ્સ ઍપ્લિકેશનમાં ઉપલબ્ધ હશે એના પર ફોન કરીને વેરિફાય કરી લેવું જેથી ખોટો ધક્કો ન પડે.
જાગરૂકતા માટે શરૂ કરી પહેલ
લોકોને મદદ પૂરી પાડવાની સાથે ગૂગલે લોકોને જાગરૂક કરવા માટે ચોક્કસ અને સાચી માહિતી આપવાનું પણ શરૂ કર્યું છે. વૅક્સિન વિશેની માહિતી હવે વૅક્સિન સેન્ટર સર્ચ કરવાની સાથે પણ આપવામાં આવે છે. આ માટે તેઓ હેલ્થ સેન્ટર અથવા તો સરકાર દ્વારા શૅર કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ લિન્ક દ્વારા કરે છે. આ લિન્ક પર ક્લિક કરવાથી યુઝર્સને સીધી રીડાયરેક્ટ કરવામાં આવે છે. આ સાથે જ વૅક્સિન સેન્ટર સર્ચ કરતાં યુઝર્સને રજિસ્ટ્રેશન કરવા માટેની લિન્ક પણ ત્યાં જ શૅર કરવામાં આવે છે, જેથી કોઈ તકલીફ ન પડે. આ સાથે ગૂગલ એના હોમપેજ, ડૂડલ્સ અને એની વિવિધ ઍપ્લિકેશન્સ અને સર્વિસ દ્વારા લોકોને સુરક્ષિત રહેવા માટેનાં જરૂરી સ્ટેપ લેવા માટે પણ સમય-સમયે માહિતી આપતું રહે છે.

ઇન્ડિયામાં ગૂગલ મૅપ્સ પર 23000 વૅક્સિનેશન સેન્ટર જોવા મળી રહ્યાં છે 

technology news tech news google harsh desai columnists