ચૅટજીપીટીને ટક્કર આપવા આવી ગયું ગૂગલ બાર્ડ

12 May, 2023 04:04 PM IST  |  Mumbai | Harsh Desai

ગૂગલ બાર્ડ એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ચૅટ બોટ છે જે દરેક સવાલના જવાબ આપશે : ભવિષ્યમાં એમાં વિઝ્યુઅલ્સનો પણ સમાવેશ કરવામાં આવશે જે ફોટોને જોઈને કેવી કૅપ્શન આપવી એ પણ કહેશે

ચૅટજીપીટીને ટક્કર આપવા આવી ગયું ગૂગલ બાર્ડ

ગૂગલ હવે વધુ ઍડ્વાન્સ બનવા જઈ રહ્યું છે. ઓપનએઆઇનું ચૅટજીપીટી હાલમાં ખૂબ જ પૉપ્યુલર છે. હવે એને કારણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધુપડતો થઈ રહ્યો છે. કંઈ પણ સર્ચ કરવા માટે કે પછી કોઈ પણ વસ્તુની ડીટેલમાં માહિતી અથવા તો વ્યક્તિની જેમ વાત કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિન્જન્સની ડિમાન્ડ દિવસે-દિવસે વધી રહી છે. કેટલીક કંપનીઓ કહી રહી છે કે એ માનવજાત માટે ખૂબ જ ડેન્જરસ છે, પરંતુ એમ છતાં એનો ઉપયોગ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. ઘણી કંપનીઓ હવે એની પાછળ ઘેલી થઈ છે. બહુ જલદી વૉઇસ અસિસ્ટન્ટની જેમ આર્ટિફિશ્યલ ઇન્ટેલિન્જન્સનો સમાવેશ મોબાઇલમાં પણ ઇનબિલ્ટ કરવામાં આવશે. આ દિશામાં ગૂગલે પણ હવે એના ચૅટ બોટ બાર્ડને લૉન્ચ કર્યું છે. બાર્ડ પહેલાં યુકે અને અમેરિકામાં હતું અને એ પણ લિમિટેડ. જોકે આ બાર્ડ ચૅટ બોટને હવે ૧૮૦ દેશમાં લૉન્ચ કરવામાં આવ્યું છે અને એમાં ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે. તો ગૂગલના આ ચૅટ બોટ વિશે જાણીએ.
 
શું છે આ ગૂગલ બાર્ડ? | ગૂગલ બાર્ડ એક ચૅટ બોટ છે. આ ફીચરની મદદથી યુઝર દરેક વસ્તુને ડીટેલમાં જાણી શકે છે. તેમ જ ખૂબ જ ઓછા સમયમાં તમામ માહિતી મેળવી શકે છે અને એ પણ વધુ મહેનત કર્યા વગર. આ માટે ગૂગલ બાર્ડને ફક્ત કમાન્ડ આપવાનો રહેશે. આ કમાન્ડ તો ગૂગલ સર્ચમાં પણ આપવાનો હોય છે, પરંતુ બાર્ડનો ઉપયોગ કરવો હોય તો એ થોડું અલગ છે. બાર્ડ ચૅટ બોટ યુઝરની સાથે એક વ્યક્તિની જેમ વાત કરશે અને એનો જવાબ ડીટેલમાં આપશે.
 
ગૂગલ સર્ચથી કેવી રીતે અલગ છે? |  ગૂગલ સર્ચ અને ગૂગલ બાર્ડમાં જમીન-આસમાનનો ફરક છે. ગૂગલમાં સર્ચને પૂછી શકાય છે કે મે મહિનામાં ફરવા માટે કઈ-કઈ જગ્યાએ જઈ શકાય છે. જોકે ગૂગલ બાર્ડને પૂછી શકાય છે કે મારે મે મહિનામાં ગોવા અથવા તો લદાખ જવું હોય તો કેવા પ્રકારનાં કપડાં પહેરવાં જોઈએ. બન્ને વસ્તુમાં અંતર છે. આથી કેવા પ્રકારનાં કપડાં પહેરવાં જોઈએ એની ડીટેલ ગૂગલ બાર્ડ યુઝર્સ આપશે.
 
ગૂગલ બાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો? | આ માટે સૌથી પહેલાં ગૂગલ નહીં, પરંતુ https://bard.google.com નો ઉપયોગ કરવો. આ સાઇટ પર ગયા બાદ ગૂગલ અકાઉન્ટને લૉગ ઇન કરવાનું રહેશે. લૉગ ઇન કર્યા બાદ ગૂગલની દરેક પૉલિસીને ઍગ્રી કર્યા બાદ ટ્રાઇ બાર્ડ પર ક્લિક કરતાં એ ગૂગલ બાર્ડના પેજ પર લઈ જશે. આ પેજ પર યુઝર હવે કોઈ પણ પ્રકારના વેઇટિંગ લિસ્ટ વગર પહોંચી શકે છે.

શું નવું આવશે ગૂગલ બાર્ડમાં? | ગૂગલ બાર્ડમાં હવે નવી અપડેટ આવવાની છે. આ અપડેટમાં તેઓ એને વિઝ્યુઅલથી ભરપૂર બનાવવાના છે. એટલે કે અત્યાર સુધી ચૅટજીપીટી અને અન્ય પ્લૅટફૉર્મ પર ફક્ત ટેક્સ્ટમાં જ માહિતી મળતી હતી. જોકે ગૂગલ બાર્ડમાં હવે વિઝ્યુઅલ જોવા મળશે. એટલે કે યુઝર્સ હવે જે-તે જગ્યાની ડીટેલ્સ ફોટો સાથે જોઈ શકશે. આ સાથે જ યુઝર્સ તેના ફોટોને અપલોડ કરીને એ માટેની કૅપ્શન અને હૅશટૅગ પણ સોશ્યલ મીડિયા માટે મેળવી શકશે. આ માટે ગૂગલ એના ગૂગલ લેન્સ અને ગૂગલ બાર્ડનો ઉપયોગ કરશે. આ સાથે જ ગૂગલ નવી-નવી કેટલીક ભાષાનો પણ એમાં સમાવેશ કરશે. હાલમાં એ અંગ્રેજીમાં છે, પરંતુ બહુ જલદી કોરિયન અને જૅપનીઝનો પણ એમાં સમાવેશ કરશે. ત્યાર બાદ ધીમે-ધીમે ગૂગલ વધુ ભાષાનો સમાવેશ કરશે.

180
આ સર્વિસ અંગ્રેજીમાં આટલા દેશોમાં અવેલેબલ છે.

30 મિલ્યન
માર્ચ ૨૦૨૩માં લગભગ આટલા લોકોએ ગૂગલ બાર્ડનો ઉપયોગ કર્યો હતો.

columnists technology news tech news harsh desai google