ઇન્ટરનેટજી, આપકા નેટવર્ક સ્ટેટસ ક્યા હૈ?

10 March, 2024 07:45 AM IST  |  Mumbai | Aashutosh Desai

સમુદ્રના પેટાળમાં બિછાવાયેલું ૧૫ લાખ કિલોમીટરનું કેબલ નેટવર્ક કેવું છે? એ નેટવર્ક કયા દેશની માલિકીનું છે?

પ્રતીકાત્મક તસવીર

જે ઇન્ટરનેટને કારણે આપણે દુનિયા મુઠ્ઠીમાં કરી લીધાનો આભાસ ઊભો કરી શક્યા છીએ અને વિશ્વના કોઈ પણ ખૂણે શું ચાલી રહ્યું છે એની પંચાત કરી શકીએ છીએ એ ઇન્ટરનેટ વિશ્વના વિવિધ દેશોને કઈ રીતે જોડે છે? સમુદ્રના પેટાળમાં બિછાવાયેલું ૧૫ લાખ કિલોમીટરનું કેબલ નેટવર્ક કેવું છે? એ નેટવર્ક કયા દેશની માલિકીનું છે અને કોઈ આ જાળને કેટલી આસાનીથી ખોરંભે ચડાવી દઈ શકે એવો ખતરો તોળાઈ રહ્યો છે એ બધું જ આજે જાણીએ

સોશ્યલ મીડિયાથી લઈને એન્ટરટેઇનમેન્ટ કે એજ્યુકેશનથી લઈને પ્રોડક્શન સુધીનાં તમામ ક્ષેત્રોમાં રોજેરોજ અત્યંત ઝડપથી બદલાવ આવી રહ્યા છે એ વાત હવે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એ બદલાવમાં જેનો સૌથી મોટો ફાળો છે એ છે ઇન્ટરનેટ, ઇન્ટરનેટ એક એવી સર્વિસ છે જેને કારણે એક તરફ વિશ્વ ખૂબ વિશાળ થઈ ગયું છે અને સાથે જ બીજી તરફ મુઠ્ઠીમાં સમાઈ શકે એટલું નાનું પણ થઈ ગયું છે. તમને લાગશે કે આવા વિરોધાભાસી વાક્યનો અહીં શું અર્થ? પણ તમે જ કહો, માત્ર ઇન્ટરનેટને કારણે આજે હવે અમેરિકા આપણાથી બસ વેંતભર નજીક હોય એવું નથી લાગતું? અને એ જ ઇન્ટરનેટને કારણે અમેરિકામાં થયેલી કોઈ નવી ખોજ કે બાબત વિશે જાણીને એમ નહીં થાય કે બાપ રે, આ વિશ્વ કેટલું વિશાળ છે!

થૅન્ક્સ ટુ ઇન્ટરનેટ. પણ આ ઇન્ટરનેટ ચાલે છે કઈ રીતે? થોડા સમય પહેલાં આપણા બધાના ઘરે પેલા જે કેબલ ટીવીવાળા કેબલિંગ કરવા આવતા એવા એક દેશથી બીજા દેશમાં ઓવરહેડ કેબલ્સ લગાવવામાં આવ્યા હોય એવું તો ક્યાંય દેખાતું નથી તો પછી આ આખી માયાજાળ ફેલાય છે કઈ રીતે અને કામ કઈ રીતે કરે છે? આ પ્રશ્નના આંશિક જવાબ વિશે આપણને ત્યારે ખબર પડી જ્યારે હમણાં રેડ સી એટલે કે રાતા સમુદ્રમાં સર્જાયેલી મુસીબત વિશેના સમાચાર આવ્યા.

ઇન્ટરનેટની માયાજાળ

તો સૌથી પહેલાં એ જાણીએ કે આપણું આખું વિશ્વ ઇન્ટરનેટ દ્વારા એકબીજાથી જોડાયેલું છે. અર્થાત્, એક દેશ બીજા દેશથી અને એક આઇલૅન્ડ બીજા આઇલૅન્ડથી ઇન્ટરનેટ દ્વારા જોડાયેલો છે અને આ જોડાણ હવામાં થતા કોઈ તરંગોને કારણે કે ઓવરહેડ કેબલિંગ મારફત નહીં, આ જોડાણ થયું છે સમુદ્રમાં ફેલાવાયેલી કેબલ્સની અત્યંત વિશાળ અને જટિલ જાળ દ્વારા. જો આપણને કોઈ કહે કે માછલીઓ પણ હવામાં ઊડી શકે છે તો વિશ્વાસ નહીં થાય, ખરુંને? પણ ખરેખર જ માછલીઓની એક પ્રજાતિ એવી છે જે હવામાં ઊડી શકે છે અને જમીન પર ચાલી પણ શકે છે જેને વિશ્વ ‘ગરનાઈ ફિશ’ તરીકે ઓળખે છે. એ જ રીતે જો કોઈ કહે કે ઇન્ટરનેટ તમારા ઘર સુધી સમુદ્રમાર્ગે આવે છે તો માનવામાં નહીં આવે. જોકે વિશ્વના આખા સમુદ્રમાં મોટા-મોટા ઑપ્ટિક ફાઇબર કેબલ્સની એક વિશાળ જ​ટિલ જાળ ફેલાયેલી છે જેના દ્વારા વિશ્વના દેશો એકબીજાથી જોડાયેલા છે. સમુદ્રની હજારો મીટર ઊંડે પાથરવામાં આવેલી ઑપ્ટિક ફાઇબર કેબલ્સની જાળમાં થોડા-થોડા અંતરે ​રિપીટર કે એ​મ્પ્લિફાયર્સ લગાડવામાં આવ્યાં હોય છે જેથી ઇન્ટરનેટ સર્વિસ એકરૂપતાથી કામ કરી શકે.

વિશ્વનું ૯૫થી ૯૯ ટકા નેટવર્ક એટલે કે તમારા બૅન્કિંગ ટ્રાન્ઝૅક્શન્સથી લઈને ફેસબુક, ઇન્સ્ટા અને વૉટ્સઍપ સુધીનું તમામ સમુદ્રના પેટાળમાં બિછાવાયેલા કેબલ નેટવર્કને કારણે ચાલે છે. ઑપ્ટિક ફાઇબરના જાડા મોટા કેબલ્સનું આખું એક નેટવર્ક એક દેશથી બીજા દેશ સુધી પહોંચે છે. આને તમે સબમરીન કેબલિંગ નેટવર્ક પણ કહી શકો. હાલ આખા વિશ્વને જોડનારા આ નેટવર્ક માટે લગભગ ૪૯૬ જેટલી વર્કિંગ-સાઇટ્સ કામ કરી રહી છે અને હજી બીજી બની રહી છે જેને ટે​ક્નિકલ ભાષામાં ઇન્ટરનેટ કેબલ ક્રિસ-ક્રૉસિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ નેટવર્કિંગ એટલું વિશાળ છે કે અઝરબૈજાનથી તુર્કમેનિસ્તાન સુધીનું ૩૦૦ કિલોમીટરનું સમુદ્રી અંતર આ કેબલ્સ દ્વારા જોડાયેલું છે તો બીજી તરફ વર્જિનિયાના સમુદ્ર-બીચથી ૬૬૦૦ કિલોમીટરના સમુદ્રી અંતરે આવેલા ઉત્તર સ્પેનનું મારેયા પણ આવા જ એક ઑપ્ટિક ફાઇબર કેબલ દ્વારા જોડાયેલું છે.

કોઈ ધારણા મૂકી શકો કે આ કેબલ્સનું સ્વરૂપ કેવું અને કઈ રીતનું હશે? આપણે જે વર્જિનિયાથી મારેયાના ૬૬૦૦ કિલોમીટરના જોડાણની વાત કરી એ જ ઉદાહરણથી સમજીએ તો આ ૬૬૦૦ કિલોમીટરનું જે કેબલિંગ થયું એનું વજન ૨૪ વિશાળ બ્લુ વ્હેલનું જેટલું વજન થાય એટલું હતું. જબરદસ્ત મજબૂત આવરણો સાથે તૈયાર થયેલા આ કેબલ્સ ઑપ્ટિક ફાઇબરના હોય છે. સમુદ્રમાં જ આજીવન રહેવાના હોવાને કારણે એ વૉટરપ્રૂફ તો હોવાના જ એમાં કોઈ શંકા નથી, પણ સમુદ્ર એક અજાયબ દુનિયા છે. અહીં વ્હેલ માછલીના અતિ તીક્ષ્ણ દાંતનો પણ હુમલો થઈ શકે તો ક્યારેક કોઈ મહાકાય જહાજ તૂટી પાડવાનો કે એના કાટમાળનો પણ સામનો કરવો પડે એવું બને. તો વળી ભૂકંપ કે ભૂસ્ખલન જેવી કસોટી તો ખરી જ ખરી. એક અંદાજ અનુસાર ૧૫ લાખ કિલોમીટર સુધી વિસ્તરેલું આ આખું નેટવર્ક બનાવવા માટે જે ઑપ્ટિક ફાઇબર કેબલ્સ વપરાય છે એ અંદાજે ૪૦૦થી ૫૦૦ મિલ્યન ડૉલરના હશે એમ કહેવાય છે.

કેવા કેબલ્સનું નેટવર્કિંગ?

સામાન્ય રીતે આપણા બાગમાં પાણી છાંટવા માટે જે સૌથી મોટી સાઇઝનો પાઇપ વપરાય છે એ પાઇપ જેટલી પણ આ કેબલની પહોળાઈ હોતી નથી, પણ એની સુરક્ષા માટે જે લેયર્સ બનાવવાં પડે છે એ જબરદસ્ત હોય છે અને એ લેયર્સ જ આ કેબલ્સની ગોળાઈ વધારી મૂકતાં હોય છે. સમજી લો કે એવો કૉપર વાયર છે જેની ગોળાઈ અંદાજે બે ​મિલીમીટર જેટલી હશે, પણ આ કૉપર વાયરની કૅપેસિટી એટલી જબરદસ્ત છે કે એ દેશભરમાં ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડી શકે. હવે આ પ્રકારના વાયરે આજીવન સમુદ્રના ખારા પાણીમાં રહેવાનું છે. આથી એ કૉપર વાયરને સુરક્ષિત કરતા ફાઇબર લેયરની ઉપર એક થિકસોટ્રૉપિક જેલીનું આવરણ લગાવવામાં આવે છે. ત્યાર બાદ એને પ્લા​સ્ટિકના લેયર સાથે ફરી એક વાર સુરક્ષા લેયર લગાવવામાં આવે છે. આવા મજબૂત ઑપ્ટિક ફાઇબર કેબલ્સ એક સેકન્ડમાં ૧૦૦ ગીગાબાઇટ્સ જેટલો ડેટા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. આટલું ઓછું હોય એમ હવે તો એવા કેબલ્સ અને એનું કેબલિંગ નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે કે જે ૪૦૦ ગીગાબાઇટ્સ પર સેકન્ડ સુધીનો ડેટા ટ્રાન્સફરિંગ અને ટ્રાન્સમિશન કરી શકે.

કામ કઈ રીતે કરે છે?

આટલી જબરદસ્ત ફેલાયેલી માયાજાળ જાણ્યા પછી થાય કે ખરેખર એ કામ કઈ રીતે કરે છે? તો આ કેબલ નેટવર્ક ડેટા રૉન્ગલિંગ ટેક્નિક દ્વારા કામ કરે છે જેને ‘ડેન્સ વેવ ડિવિઝન મલ્ટિપ્લે​ક્સિન્ગ’ કહેવામાં આવે છે. અર્થાત્ સરળ ભાષામાં કંઈક એવું સમજી શકાય કે તમે કોઈકને એક ફાઇલ ઇન્ટરનેટ દ્વારા મોકલો તો એ ફાઇલને આ ટેક્નિક એક અત્યંત માઇક્રો સ્વરૂપમાં કન્વર્ટ કરી નાખી એને ઇલેક્ટ્રૉનિક વેવ સ્વરૂપમાં લાવી દે છે. ત્યાર બાદ એ વેવ કૉપરના આ કેબલમાં ​ઝિલાય છે અને એ એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાવેલ કરે છે. આ સિસ્ટમ કંઈક મહદંશે વાયર દ્વારા વીજળી આપણા સુધી પહોંચે એવી જ છે.

હવે આવા ઑપ્ટિક ફાઇબર કેબલ્સના નેટવર્કમાં દર ૭૦થી ૧૦૦ કિલોમીટરના અંતરે કેબલને પંક્ચર કરવામાં આવે છે અને ત્યાં રિપીટર બેસાડવામાં આવે છે જે આ કેબલ્સ માટે ઍમ્પ્લિફાયરનું કામ કરે છે. આ ઍમ્પ્લિફાયર વાયર માટે સિગ્નલ્સ જાળવી રાખવાનું કામ કરે છે. આવા વાયરોનું સમુદ્રના પેટાળમાં નેટવર્કિંગ બેસાડવા માટે વર્ષોનું પ્લાનિંગ અને અભ્યાસ કામે લાગે છે. એ માટે અત્યંત મહત્ત્વનો એવો આખો એક મૅપ બનાવવામાં આવે છે જેમાં નક્કી થાય છે કે વાયર ક્યાંથી શરૂ થઈને ક્યાં સુધી અને કઈ રીતે જશે, કારણ કે આ વાયર નેટવર્ક બેસાડવામાં વૉલ્કેનિક પરિસ્થિતિ એટલે કે દરિયામાં લાવારસ ફાટી નીકળે કે રેલાય એ વિશેની કાળજીથી લઈને ભૂકંપ અને ભૂસ્ખલન સુધીની પરિસ્થિતિઓનો પણ વિચાર કરવાનો હોય છે.

માલિકી કોની?

તો હવે આવા જટિલ અને સંવેદનશીલ નેટવર્કની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે નક્કી એ કરવું પડે કે આ નેટવર્કની માલિકી કોની રહેશે? કોણ એનો ખર્ચ ઉઠાવશે? કારણ કે આ કેબલ નેટવર્ક ઉપયોગી તો છે, પણ સાથે જ એ મોંઘું પણ છે. આથી જ નક્કી એવું કરવામાં આવ્યું કે જે-તે દેશનો ટેલિકૉમ ડિપાર્ટમેન્ટ આ બર્ડન ઉઠાવશે અને તે પોતાનો આ બોજ દેશની ટેલિકૉમ કંપનીઓને ટ્રાન્સફર કરશે એટલે કે એમની પાસેથી વસૂલ કરશે. ત્યાર બાદ એમાં એક બીજો સુધારો એ પણ થયો કે આ ઑપ્ટિક ફાઇબર કેબલિંગ જે-તે ટેલિકૉમ કંપનીએ કરાવવું હોય તો એ પણ પોતાની માલિકીથી કરાવી શકે. હાલના તબક્કે વિશ્વની સૌથી મોટી કેબલજાળની માલિકી અમેરિકાની AT&T કંપની પાસે છે. એની પાસે ૨,૩૦,૦૦૦ કિલોમીટરના કેબલ નેટવર્કનો હિસ્સો પોતાની માલિકીનો છે. બીજી સૌથી મોટો હિસ્સો ધરાવતી કંપની ચીનની ચાઇના ટેલિકૉમ છે.

વિકાસ એટલા પડકાર

જબરદસ્ત બુદ્ધિપ્રતિભા સાથે આપણે આટલો આધુનિક અને જબરદસ્ત વિકાસ તો કર્યો, પરંતુ એની સામે આવતી કસોટીઓ અને ચૅલે​ન્જિસ પણ એટલી જ છે. કોઈક મહાકાય જહાજ લાંગરે ત્યારે એનું ઍન્કર સમુદ્રના તળિયે લેન્ડ કરવામાં જો ધ્યાન રાખવામાં ન આવે તો આ કેબલ્સને નુકસાન થઈ શકે એ તો ખૂબ સામાન્ય સમજની વાત થઈ, પરંતુ એથીયે મોટી ચૅલેન્જ છે આંતર-દેશોની દુશ્મની અને સ્ટ્રૅટેજિક વૉર વિશેની. અમેરિકાથી લઈને ભારત અને રશિયા, ચાઇના જેવા મોટા દેશોએ આ વિશે ભીતિનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે કૉન્ફ્લિક્ટની પરિસ્થિતિમાં આ કેબલ્સને નુકસાન પહોંચાડી કે કાપી નાખીને કોઈ પણ વ્યક્તિ કોઈ દેશને હોસ્ટાઇલ પરિસ્થિતિમાં લાવી શકે છે જે એક ચિંતાનો વિષય છે.

અને એની કેટલીક અસર દેખાવા પણ માંડી છે. જેમ કે ઑસ્ટ્રેલિયા સરકારે ચીનની કંપની હ્યુવેઇને એમના સમુદ્રની હદમાં કેબલ નેટવર્કિંગ કરતાં રોકી હતી, કારણ કે ઑસ્ટ્રેલિયાને શંકા હતી કે આ કેબલ નેટવર્કિંગ દ્વારા ઑસ્ટ્રેલિયાની ડિપેન્ડન્સી ચાઇના પર વધી જશે. વળી ઑસ્ટ્રેલિયાને એ પણ શક હતો કે ચાઇના આ નેટવર્કનો ઉપયોગ ઑસ્ટ્રેલિયાની ઇન્ટરનલ સંવેદનશીલ માહિતીઓ જાણવા કે હસ્તગત કરવા પણ કરી શકે.

જિસકા ડર થા વહી હુઆ

વિચાર કરો કે એક એવું કેબલ નેટવર્ક છે જેના પર તમારી રોજેરોજની કામગીરી, ઑફિસવર્ક, મહત્ત્વની ફાઇલ્સથી લઈને વૉટ્સઍપ ચૅટ સુધીનું બધું જ નિર્ભર હોય અને કોઈક સવારે એ કેબલ જ કોઈક કાપી નાખે તો શું હાલ થાય?

વિશ્વની જેમ જ ભારત પણ આ કેબલ્સ દ્વારા બીજા દેશો સાથે જોડાયેલું છે અને ભારતને અનેક દેશો સાથે જોડતું આ કેબલ નેટવર્ક રેડ સી એટલે કે રાતા સમુદ્રમાંથી પસાર થાય છે. આ આખી ચૅનલ દ્વારા યુરોપના દેશોથી લઈને આફ્રિકા અને મિડલ ઈસ્ટ સુધીની આખી શૃંખલા જોડાયેલી છે. હવે બન્યું કંઈક એવું કે હમણાં એકાદ અઠવાડિયા પહેલાં જ યમનની સરકારે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે હાઉતી વિદ્રોહીઓ રાતા સમુદ્રમાં હુમલો કરે એવું બને અને તેમની ઉપદ્રવી પ્રવૃત્તિ દ્વારા તે લોકો સમુદ્રમાં પથરાયેલા ઑપ્ટિક ફાઇબરના નેટવર્ક પર હુમલો કરે એવી સંભાવના છે. જો એમ બનશે તો યુરોપ સહિત આફ્રિકા, મિડલ ઈસ્ટ અને એશિયાના અનેક દેશોમાં ઇન્ટરનેટ ખોરવાઈ જશે. યમનની આ ચેતવણીને કારણે યુરોપ અને ભારત સ​હિત બીજા દેશોમાં પણ ઇન્ટરનેટ રૂટ બાબતે હાઈ અલર્ટ પર રહેવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આધુનિક યુગમાં સમુદ્ર પણ એક યુદ્ધમેદાન બની ચૂક્યું છે ત્યારે રેડ સીમાં છેલ્લા થોડા સમયથી ચાલી રહેલો ટેન્શનનો માહોલ આ રીતે હવે સપાટી પર આવી ગયો હોવાનું માલૂમ પડે છે. અને યમને ઉચ્ચારેલી વાત આખરે સાચી ઠરી રહી છે. ભારતને યુરોપ અને બીજા દેશો સાથે જોડતા ઑપ્ટિક ફાઇબર કેબલ્સના નેટવર્કને ગયા અઠવાડિયામાં કોઈકે કાપી નાખ્યા હોવાના સમાચાર આવ્યા હતા. ભારત સ​હિત બીજા દેશોની ચાર ટેલિકૉમ નેટવર્ક કંપનીઓએ આ સમાચારને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે આ કારણથી ભારત સ​હિત હૉન્ગકૉન્ગ અને યુરોપના તથા આફ્રિકાના કેટલાક દેશોમાં ઇન્ટરનેટ ટ્રાફિકને મોટી અસર થઈ છે અને હવે પછી પણ થઈ શકે.

મનુષ્ય જેમ-જેમ વિકાસ કરતો જાય છે તેમ-તેમ એને નુકસાન પહોંચાડવું અને નમાલો બનાવી દેવો પણ સરળ થતું જાય છે એવું લાગવા માંડ્યું છે. હાલ આપણા જ જીવનની પરિસ્થિતિ આપણે જોઈશું તો સમજાશે કે કોઈ વ્યક્તિને ગુસ્સે-નિરાશ કે આક્રમક કરી મૂકવો હોય તો એ હવે ખૂબ સરળ થઈ ગયું છે. બસ, તેનો માત્ર મોબાઇલ તેની પાસે છીનવી લો તો તે વ્યક્તિ અજંપ અને વ્યાકુળ થઈ ઊઠશે. એ જ રીતે એક ન્યુક્લિયર બૉમ્બ કે એક ઑપ્ટિક ફાઇબર નેટવર્ક માત્ર પૂરતું છે કોઈક આખેઆખા દેશને ઘૂંટણિયે લાવી દેવા માટે એવું નથી લાગતું?

હુમલા પછીનું સમારકામ તડામાર ધોરણે ચાલે છે

રાતા સમુદ્રમાં પથરાયેલા સબમરીન કેબલ્સ પર હુમલો કોણે કર્યો અને કઈ રીતે એ વિશે તો હજી સત્તાવાર કોઈ માહિતી આવી નથી, પરંતુ એટલું જરૂર થયું છે કે કુલ ડેટા ટ્રાફિકના ૨૫ ટકા જેટલા ટ્રાફિકને આ કારણથી મોટી અસર થઈ છે. ભારત, ચાઇના અને હૉન્ગકૉન્ગની કંપનીઓએ આ આંકડાઓની પુષ્ટિ કરીને એ પણ જણાવ્યું હતું કે હવે એ લોકો ટ્રા​ફિક રી-રૂટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આથી જ હૉન્ગકૉન્ગની ટેલિકૉમ કંપની HGC ગ્લોબલ કમ્યુનિકેશન, સીકૉમ અને ભારતની તાતા કમ્યુનિકેશન કંપની પણ યુદ્ધના ધોરણે રી-ઇન્સ્ટૉલેશન અને કેબલ રી-રૂટના કામે વળગી ગઈ છે. આ કંપનીઓને ક્યાં, કેટલું અને કઈ રીતનું નુકસાન થયું છે એ અંગે પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે યમનની હદમાં આવતા રાતા સમુદ્રના દક્ષિણ છોર પર મહત્તમ કેબલ્સ કાપી નાખવામાં આવ્યા છે અને જ્યાં નથી કપાયા ત્યાં એ કેબલ્સને મોટું નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થયો છે. સરવાળે આ મોટું નુકસાન છે અને એ માટે હવે સત્વર પગલાં લેવાં પડશે. જોકે ક્ષતિગ્રસ્ત કેબલ્સને ઠીક કરવાનું અને રી-ઇન્સ્ટૉલેશનનું કામ હમણાં બધી કંપનીઓ સાથે મળી યુદ્ધના ધોરણે કરી રહી છે. છતાં એક્સપર્ટ્સ કહે છે કે ​રિપેરિંગ અને ઇન્સ્ટૉલેશનનું આ કામ સંપૂર્ણ રીતે પૂરું થતાં અંદાજે એક મહિના જેટલો સમય લાગી જશે.

technology news tech news social media social networking site life and style columnists