દારૂથી બગડેલું લિવર ટ્રાન્સપ્લાન્ટ પછી બરાબર કામ કરશે?

22 March, 2021 02:28 PM IST  |  Mumbai | Dr. Samir Shah

હું પણ હવે તેમના માટે જીવવા ઇચ્છું છું પણ મને ચિંતા સતાવે છે કે ટ્રાન્સપ્લાન્ટ પછી મારું લિવર બરાબર ચાલશે કે નહીં.

પ્રતીકાત્મક તસવીર

હું ૪૮ વર્ષનો છું અને દારૂની ખરાબ લતને કારણે મારું લિવર ડૅમેજ થતું ચાલ્યું હતું. છેલ્લાં પાંચ વર્ષથી હું દવાઓ પર છું. પ્રયત્ન કર્યો પરંતુ દારૂ છૂટતો નથી. એટલે જ દવાઓ કામ ન લાગી. મારા ડૉક્ટર કહે છે કે મારું લિવર હવે સાવ ખરાબ થઈ ગયું છે. હવે મને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. ટ્રાન્સપ્લાન્ટની વાત આવી તો મારાં માતા, પિતા, ભાઈ, બહેન અને પત્ની બધા જ લોકો મને લિવર ડોનેટ કરવા તૈયાર છે. મેં મારા જીવનની કદર ન કરી પણ તેઓ મને બચાવવા ઇચ્છે છે. હું પણ હવે તેમના માટે જીવવા ઇચ્છું છું પણ મને ચિંતા સતાવે છે કે ટ્રાન્સપ્લાન્ટ પછી મારું લિવર બરાબર ચાલશે કે નહીં.

સારું છે કે તમને અત્યારે તો સમજાયું કે તમે દારૂના માર્ગે ચડી તમારા શરીરને બગાડ્યું. જ્યારે લિવર બગડવાની શરૂઆત જ થઈ હતી ત્યારે જ જો તમે સંભાળી લીધું હોત, દારૂ છોડી દીધો હોત તો ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચવાની તમને જરૂર જ ન પડત. સારું છે કે તમારા ફૅમિલી મેમ્બર્સ તમને લિવર દાનમાં આપવા ઇચ્છે છે. પરંતુ એ દાનમાં દીધેલા લિવરની જો તમે ખરેખર કિંમત આંકતા હો તો તમારે દારૂ છોડવો જ પડશે. તમને જીવવા માટે લિવરની જરૂર છે અને કોઈ વ્યક્તિ તમને તેનું અંગ આપી જિવાડી રહી છે પરંતુ એક ડૉક્ટર તરીકે હું તમને આ બાબતે એ સ્પષ્ટ કહી શકું છું કે જો તમે દારૂ નહીં છોડો તો તેના આ દાનનો કોઈ અર્થ નહીં સરે. ફરીથી તમારું નવું દાનમાં મળેલું લિવર પણ ખરાબ થઈ જશે. મારી સલાહ એ છે કે પહેલાં તમે મન મક્કમ કરો અને નિર્ણય લો કે દારૂ સંપૂર્ણપણે છોડી દેશો તો જ તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવો. દારૂની આદત છોડવા માટે ફક્ત મક્કમતા પણ કામ નહીં લાગે, એના માટે તમારે પ્રોફેશનલ હેલ્પ લેવી જોઈએ. પ્રોફેશનલ હેલ્પથી જ્યારે તમારી આ આદત છૂટી જશે તો તમને દાનમાં મળેલું લિવર બરાબર કામ કરી શકશે અને તમે એક નૉર્મલ જીવન જીવી શકશો. કોઈની પાસેથી તેનું અંગ દાનમાં લઈને પછી પણ જો તમે દારૂ ન છોડો તો એ વ્યક્તિના બલિદાનનો નિરાદર થશે. એટલે જો દારૂ છોડવાની તૈયારી હોય તો જ ટ્રાન્સપ્લાન્ટ વિશે વિચારજો, નહીંતર નહીં.

dr. samir shah columnists health tips life and style