પિરિયડ સમયે રડવાનું બહુ મન થાય છે, પહેલાં એવું સહેજ પણ નહોતું થતું

29 July, 2025 07:00 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

પિરિયડ્સ પૂરા થાય એ પછી બધું રાબેતા મુજબ થઈ જાય. પોતાની આ તકલીફથી તે પર્સનલી વધારે અપસેટ રહેવા માંડ્યાં એટલે તેમણે મારો કૉન્ટૅક્ટ કર્યો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આજે ફરી વખત એક એવા ટૉપિક પર વાત કરવાની છે જેની ચર્ચા અગાઉ થઈ છે, પણ આજની વાતનો ઍન્ગલ જુદો છે. કાંદિવલીમાં રહેતાં એક બહેન હમણાં મળ્યાં. ઉંમર અંદાજે ૪પ વર્ષની. મૅરેજને બે દશકા થઈ ગયા હતા. સ્વભાવે ઓપન-માઇન્ડેડ. છેલ્લા એકાદ વર્ષથી તેમને પિરિયડ્સ સમયે તકલીફો શરૂ થઈ. ફિઝિકલ તકલીફની વાત કરું તો તેમને ચેસ્ટના ભાગમાં દુખાવો થાય. પેટ ભારે અને ફૂલી ગયું હોય એવું લાગે. મેન્ટલી પણ અપસેટનેસ વધવા માંડી હતી. વાત-વાતમાં ખિજાઈ જાય અને આ પિરિયડમાં તે નાની-નાની વાતમાં રડી પડે. પિરિયડ્સ પૂરા થાય એ પછી બધું રાબેતા મુજબ થઈ જાય. પોતાની આ તકલીફથી તે પર્સનલી વધારે અપસેટ રહેવા માંડ્યાં એટલે તેમણે મારો કૉન્ટૅક્ટ કર્યો. ભણેલી વ્યક્તિ એટલે તેમની દલીલ હતી કે પહેલાં તો તેમને આ પ્રકારનાં કોઈ પ્રી-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રૉમ્સ દેખાતાં નહોતાં તો હવે મેનોપૉઝની નજીક પહોંચ્યા પછી શું કામ એવું થવા માંડ્યું અને મારે તેમને એ જ વાતમાં ક્લિયર કરવાનાં હતાં.

છેલ્લાં થોડાં વર્ષોથી મોટા ભાગની વર્કિંગ વુમનમાં આ સમસ્યા કૉમન સ્તર પર જોવા મળે છે, જેનું મેઇન કારણ સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ વચ્ચે મિડલ-એજ દરમ્યાન આવતા હૉર્મોન્સના અસંતુલનની અસર ગણી શકાય. ઘર અને ઑફિસ બન્નેનું કામ કરતી સ્ત્રીઓએ જાત માટે સમય કાઢવો જરૂરી છે. યોગ્ય આહાર, ઊંઘ અને કસરત એ ત્રણ ચીજોનું સંતુલન જાળવવું અગત્યનું છે તો ખાસ કરીને પિરિયડ્સના આગલા દિવસોમાં જો રિફાઇન્ડ ફ્લોર અને શુગર લેવાનું બંધ કરીને ફળ અને શાકભાજીયુક્ત ખોરાક લેવાનું શરૂ કરે તો આ પ્રકારની તકલીફોમાં ઘણા અંશે રાહત મળશે.

એમ છતાં જો રોજિંદા જીવનમાં તકલીફો વધારે પડતી હોય તો સારા ગાયનેક હોવાની સાથે હૉર્મોનના પણ જાણકાર હોય એવા ડૉક્ટરને મળીને તપાસ કરાવીને યોગ્ય સારવાર લેવી જોઈએ. મેનોપૉઝ નજીકમાં હોય ત્યારે પણ આ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે. પિરિયડની ડેટ્સ પહેલાંના વીક દરમ્યાન સેક્સ-લાઇફ ઍક્ટિવ રહે તો પણ PMS સમયે મૂડસ્વગ્સિની માત્રામાં ઘટાડો થતો જોવા મળ્યો છે એટલે એ પણ ટ્રાય કરી શકાય છે.

PMS આજે જ છે એવું નહોતું, પણ હવે એની સાઇકોલૉજિકલ અસર વધી છે જેનું કારણ એ છે કે હવે છોકરીઓ વધારે એક્સપ્રેસિવ બની છે. તેઓ પોતાના મૂડનું ધ્યાન પણ રાખી શકે છે અને પોતાના મૂડને બગાડવાનું કામ પણ કરી શકે છે. આવા સમયે જો ઘર કે ફૅમિલીમાં હેલ્ધી વાતાવરણ હોય તો છોકરીઓએ પોતે જ PMS વિશે ફૅમિલીમાં વાત કરવી જોઈએ અને સાથોસાથ PMS વખતની પીડા વિશે પણ કહેવું જોઈએ, જેથી ખોટી ગેરસમજ ઊભી ન થાય અને સંબંધોની ઉષ્મા અકબંધ રહે.  

health tips life and style columnists gujarati mid day mumbai Education