મિડલ એજમાં જવાની ફૂટી છે?

16 November, 2022 05:05 PM IST  |  Mumbai | Jigisha Jain

મતલબ કે ઍડલ્ટ થયા પછી ચહેરા પર ખીલ થયા છે? તો એવું માનવાની જરૂર નથી કે આ જુવાની ફૂટી નીકળી છે બલકે સમજવાનું એ છે કે તમારે તમારાં હૉર્મોન્સને ઠીક કરવાની જરૂર છે, કારણ કે એની ઊથલપાથલને કારણે જ તમે ઍડલ્ટ ઍક્નેના શિકાર છો

પ્રતીકાત્મક તસવીર

કેસ-૧ ૩૮ વર્ષની નેહા પરેશાન છે કે તેને છેલ્લા ૬ મહિનાથી ચહેરા પર પિમ્પલ ફૂટી રહ્યા છે. ખાસ કરીને ગાલ, કપાળ પર ફૂટતા આ પિમ્પલ્સ નાના-નાના નથી, મોટા છે. નેહાની તકલીફ જ એ છે કે તેને કોઈ દિવસ ટીન એજમાં પણ પિમ્પલ્સ નથી થયા અને અચાનક ૩૮ વર્ષે શું નવું ચાલુ થયું? તેના ફ્રેન્ડ્સ મસ્તીમાં તેને કહે છે કે નેહા, તને ૩૮ વર્ષે જવાની ફૂટી છે.
કેસ-૨ ૪૨ વર્ષની કિંજલને ટીન એજમાં ખૂબ પિમ્પલ્સ થતા ત્યારે ઘરગથ્થુ ઉપચાર કરીને માંડ સ્કિન ઠીક કરી હતી. ટીન એજ પતી ત્યારે કિંજલને એ વાતની સૌથી વધુ ખુશી હતી કે ચાલો, હવે પિમ્પલ્સથી પીછો છૂટ્યો. પરંતુ ૪૨ વર્ષની ઉંમરે એ પાછો આવશે એની તેને સ્વપ્ને પણ કલ્પના નહોતી. ટીન એજ પિમ્પલ્સના ડાઘ માંડ-માંડ ચહેરા પરથી ગયેલા અને હવે ફરીથી એ જ સાઇકલ શરૂ થઈ ગઈ એ વાતનું સૌથી વધુ સ્ટ્રેસ તેને થઈ ગયેલું. 

ટીન એજમાં પિમ્પલ્સ થાય એમાં કોઈને નવાઈ લાગતી નથી, પરંતુ ઍડલ્ટ બન્યા પછી તમારી ત્રીસી-ચાલીસીમાં મોઢા પર પિમ્પલ્સ જોઈને કોઈ પણ અચરજ પામે છે કે આ મિડલ એજમાં કયા પિમ્પલ્સ ચાલુ થઈ ગયા. પરંતુ ઍક્ને એક એવી તકલીફ છે કે જે ટીન એજમાં ભલે કૉમન હોય પરંતુ મિડલ એજમાં પણ થાય એમાં નવાઈ નથી. ઘણીબધી સ્ત્રીઓ અને કેટલાક પુરુષોને પણ મિડલ એજમાં ઍક્નેની સમસ્યા થાય છે. એ બાબતે આજે સમજીએ કે એની પાછળનાં કારણો શું અને એ બાબતે શું કરવું. 

ડૉ. બતુલ પટેલ અને ડૉ. નીરજા નેલોગી

થાય છે શું? 

ઍક્ને એક એવી સમસ્યા છે જે સ્ત્રી અને પુરુષ બંનેને થાય છે, પરંતુ સ્ત્રીઓમાં એ વધુ જોવા મળે છે. ઍક્નેમાં ફિઝિકલી શું થતું હોય છે એ સ્પષ્ટ કરતાં ધ બૉમ્બે સ્કિન ક્લિનિક, બાંદરાના ડર્મેટોલૉજિસ્ટ ડૉ. બતુલ પટેલ કહે છે, ‘ઍક્નેમાં આપણા ચહેરા પર સબેશ્યસ ગ્લૅન્ડ હોય છે એ ઍક્ટિવેટ થઈ જાય છે અને એમાંથી ઑઇલ છૂટું પડે છે, જેને કારણે મોટા ભાગે વ્યક્તિનું કપાળ અને નાકનો જે ભાગ છે એ વધુ ઑઇલી બને છે. મોઢા પર આમ પણ બૅક્ટેરિયા હોય જ છે. આ સિવાય ધૂળ, માટી કે પૉલ્યુશનના એક્સપોઝરને કારણે આ બૅક્ટેરિયલ ગ્રોથ વધે છે અને મોઢા પર પિમ્પલ ફૂટી નીકળે છે. જ્યાં સુધી સબેશ્યસ ગ્લૅન્ડ નૉર્મલ કન્ડિશનમાં ન આવે ત્યાં સુધી ઑઇલ સીક્રીટ થયા જ કરશે અને પિમ્પલ્સ ફૂટ્યા કરશે.’ 

કારણ શું?

આમ તો સ્કિનની કાળજી ન રાખીએ, સ્ટ્રેસ લઈએ, વજન જો એકદમ વધી જાય, ઊંઘ પૂરી ન કરીએ, લાઇફસ્ટાઇલ ખોટી રાખીએ તો ઍક્ને આવી શકે છે. એવું પણ થતું હોય છે કે જે વ્યક્તિને ટીન એજમાં ઍક્ને થયા હોય અને તેણે એનો ઇલાજ બરાબર ન કરાવ્યો હોય તો મિડલ એજમાં ઍક્ને પાછા ફરે છે. આ કારણો સિવાય મિડલ એજમાં ઍક્ને થવાનું મુખ્ય કારણ શું? આ પ્રશ્નનો જવાબ આપતાં અંધેરીના ડર્મેટોલૉજિસ્ટ ડૉ. નીરજા નેલોગી કહે છે, ‘ઍક્ને થવા પાછળ નાનાં-મોટાં કારણોને બાજુમાં રાખીએ તો મુખ્ય એક જ કારણ છે, એ છે હૉર્મોન્સની ઊથલપાથલ. ૯૦ ટકા કેસમાં હૉર્મોન્સનું બૅલૅન્સ બગડે એ કારણે જ ઍક્ને શરૂ થાય છે. જે સ્ત્રીઓને પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ છે, થાઇરૉઇડ છે કે કોઈ પણ કારણોસર તેમના પિરિયડ્સ અનિયમિત થઈ ગયા છે તો તેમને ઍક્ને થઈ શકે છે. એવી પણ સ્ત્રીઓ છે જે અમને કહે છે કે તેમના પિરિયડ્સ તો રેગ્યુલર છે પણ છતાં તેમને ઍક્ને થયા છે તો એમ કહી શકાય કે પિરિયડ્સ હૉર્મોન્સની વધુ ઊથલપાથલ થાય ત્યારે અનિયમિત બને છે, જ્યારે ઍક્ને તો નાનકડા ઇમ્બૅલૅન્સનું પણ પરિણામ હોઈ શકે છે. મિડલ એજમાં આમ પણ શરીરમાં અમુક પ્રકારના બદલાવ આવતા હોય છે, એના પરિણામ સ્વરૂપે આવું થતું હોય છે.’

હૉર્મોન્સ 

જે વ્યક્તિને ઍક્ને થાય તેણે પહેલાં રૂટીન ચેકઅપ કરાવીને જાણવું જરૂરી છે કે તેને PCOS કે થાઇરૉઇડ તો નથી. જો તેનાં હૉર્મોન્સનું ઇમ્બૅલૅન્સ વધુ હશે તો તેના પિરિયડ્સ અનિયમિત પણ હશે. તો ફક્ત ઍક્નેનો ઇલાજ કાફી નથી, તેમણે પહેલાં તેમનાં હૉર્મોન્સને ઠીક કરવા માટે એન્ડોક્રાઇનોલૉજિસ્ટ પાસે જવું જરૂરી છે. જો બીજું કંઈ ન હોય અને પિરિયડ્સનો જ પ્રૉબ્લેમ હોય તો ગાયનેકોલૉજિસ્ટ પાસે જવું જરૂરી છે. આમ હૉર્મોન્સ પહેલાં ઠીક કરો. લાઇફ્સ્ટાઇલ સુધારો. વજન વધી ગયું હોય તો એ ઉતારો. આ દરેક બાબતનો ઍક્ને સાથે સંબંધ છે, જેની અસર ધીમી હશે પણ કાયમી રહેશે એ સમજવું જરૂરી છે. જોકે ફક્ત આ જ કરો અને ઍક્નેનો ઇલાજ નહીં કરો તો પણ રિઝલ્ટ નહીં મળે. બંને એકસાથે કરવું જરૂરી છે. 

ઇલાજ 

ઍક્નેનો ઇલાજ બે રીતનો છે, જે વિશે વાત કરતાં ડૉ. નીરજા નેલોગી કહે છે, ‘ઍડલ્ટ ઍક્ને માટે પહેલાં તો સ્કિન પરથી ઑઇલ દૂર કરવું જરૂરી છે. એ માટે સ્કિનને સાફ રાખવી જરૂરી છે. સૅલિસિલિક ઍસિડયુક્ત ક્રીમ બિનજરૂરી ઑઇલને સ્કિન પર આવતાં રોકે છે અને સ્કિનને ઑઇલ ફ્રી રાખવામાં મદદ કરે છે. ડે અને નાઇટ સ્કિન રેજીમ જાળવવાથી ઍક્નેની સંખ્યામાં વધારો થતો નથી. પરંતુ સમજવાનું એ છે કે ભલે ઍક્ને સ્કિનની ઉપર દેખાય છે, એ થવાનું કારણ સ્કિનની અંદરની ગ્લૅન્ડ છે. એટલે આ તકલીફને અંદરથી પણ ટ્રીટ કરવી જરૂરી છે. ઍક્ને માટે અમે જે મેડિસિન આપીએ છીએ એમાં વિટામિન A રહેલું હોય છે. આ મેડિસિન અંદરથી સબેશ્યસ ગ્લૅન્ડના ઑઇલને સૂકવી નાખે છે, જેના કારણે સ્કિન પર બિનજરૂરી ઑઇલ આવતું નથી. આ મેડિસિન દરેક વ્યક્તિએ પોતાના ડૉક્ટરને પૂછીને જ લેવી. આજકાલ પાર્લરવાળા કે મેકઅપ આર્ટિસ્ટ પણ પોતાની રીતે મેડિસિન આપતા થઈ ગયા છે, પરંતુ એ લેવી હિતાવહ નથી.’ 

સ્કાર રહી જાય 

ઍક્ને સાથે તકલીફ એ છે કે એ લાંબો સમય ચાલતી વસ્તુ છે. એક વખત ઍક્ને થયા, તમે દવા લીધી અને એક મહિનામાં રિઝલ્ટ મળવા લાગ્યા પછી તમે દવા છોડી દો કે ઇલાજ અધૂરો મૂકો તો એ ફરી આવી જાય છે. એટલે એની સતત કાળજી અનિવાર્ય છે. ઘણી વખત એવું પણ બને કે આ ઍક્નેની તકલીફ ૬ મહિનામાં સૉલ્વ થઈ જાય તો ઘણી વાર ૧-૨ વર્ષ સુધી તમારે સતત ઇલાજ ચાલુ રાખવો પડે. બીજું એ કે ઍક્નેને હાથ લગાવો, એને ફોડો કે એમાંથી પસ કાઢો તો એના ડાઘ મોઢા પર રહી જવાના; જે જવામાં ખૂબ સમય લાગે છે અને ઘણા ડાઘ તો જતા જ નથી. ઍક્ને અને એના ડાઘ માટેનો પોતાનો ઇલાજ સમજાવતાં ડૉ. બતુલ પટેલ કહે છે, ‘સૌપ્રથમ વિટામિન C અને વિટામિન A વડે ઍક્નેને સાફ કરીને આપવામાં આવતી વૉટર માઇક્રોડર્માબ્રેશન ટ્રીટમેન્ટ, ફોટો ફેશ્યલ લેઝર પિલ બંને ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ઍક્ને અને પિમ્પલને જડથી કાઢીને એની ગ્લૅન્ડને સાફ કરવામાં આવે છે. લેઝર ટ્રીટમેન્ટથી ઍક્નેને કારણે સ્કિનમાં આવેલું ઇન્ફ્લમેશન અને રેડનેસ દૂર કરી શકાય છે. મહત્ત્વનું એ છે કે પિમ્પલ્સ હેલ્ધી સ્કિનની નિશાની નથી અને લોકો હવે ખુદ સમજતા થયા છે કે ઘરગથ્થુ ઉપચારોથી એ દૂર ન થયા એટલે એનો ઇલાજ કરાવવો જરૂરી છે.’

ઉપાય 

સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે હાલમાં ઍડલ્ટ ઍક્ને પર સોશ્યલ મીડિયા પર એક લાઇવ સેશન કરેલું, જે ઘણું વાઇરલ થયું હતું. એમાં વ્યક્તિને ઍડલ્ટ ઍક્ને થાય તો એનો ઉપાય આ મુજબ સૂચવ્યો હતો. 

તમારા સ્ટ્રેસને મૅનેજ કરતાં શીખો. સ્ટ્રેસ ક્યારેય ઘટવાનું નથી પણ જે છે એને તમે મૅનેજ કરશો તો એ તમારા શરીર માટે યોગ્ય રહેશે. 

તમે જે સમયે અત્યારે સૂઈ રહ્યા છો એનાથી થોડા વહેલા સૂઓ. તમને ઍક્ને થઈ રહ્યા છે એનો એક અર્થ એ પણ છે કે તમારી ઊંઘ પૂરી નથી થઈ રહી. તો રાત્રિ જાગરણ બંધ કરો અને વહેલા સૂવાનું શરૂ કરો. 

તમારી એક્સરસાઇઝ શેડ્યુલમાં અઠવાડિયામાં એક વાર સ્ટ્રેંગ્થ ટ્રેઇનિંગ ચોક્કસ કરો. 

દરરોજ એક નાનકડો ટુકડો સૂકા નારિયેળનો ચાવી-ચાવીને ખાઓ. 

કેળાનું ફૂલ શાકમાં કે વડી તરીકે બનાવીને અઠવાડિયામાં એક કે બે વાર ખાઓ.

સીઝનલ ફળો ખાઓ. એનો જૂસ કે સ્મુધી બનાવીને નહીં, ફળને ફળની રીતે જ ખાઓ. 

columnists health tips Jigisha Jain life and style