રાત્રે સૂઈ જાઉં ત્યારે ખૂબ ખાંસી આવે છે. શું કરું?

19 September, 2022 04:38 PM IST  |  Mumbai | Dr. Hetal Marfatia

એના માટે એમ કહી શકાય કે તમને ઍસિડિટી ખૂબ છે. બને કે તમને એનો અહેસાસ પણ ન હોય

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૩૮ વર્ષનો છું અને મને આજકાલ ગળું એકદમ સુક્કું થઈ જાય છે. ખાસ રાત્રે સૂઈ જાઉં ત્યારે અને સવારે ઊઠું ત્યારે ખૂબ ખાંસી આવે છે અને એ પણ સુક્કી ખાંસી. આખો દિવસ વધારે તકલીફ નથી હોતી. ખાલી ગળું ખંખેર્યા કરવું પડે છે. હું ઊંઘી જ નથી શકતો. ખરું કહું તો ખાંસી હંમેશાં છાતીમાંથી નીકળે. મને ગળામાંથી ખાંસી આવી રહી છે. મેં ખાંસીની ખૂબ દવાઓ લીધી, પણ ઠીક થતું જ નથી. મને એમ કે વાઇરલ ઇન્ફેક્શન હશે, પણ એ દવાઓ પણ કામ ન લાગી. મને શાંતિથી ઊંઘ જ નથી આવતી, જેની અસર હેલ્થ પર પડે છે. 

હંમેશાં ઇન્ફેક્શન હોય તો જ ખાંસી થાય કે ઉધરસ આવે એવું નથી. ખાસ કરીને તમે જે વાત કરો છો કે રાત્રે વધુ આવે છે અને દિવસે ઓછી. એના માટે એમ કહી શકાય કે તમને ઍસિડિટી ખૂબ છે. બને કે તમને એનો અહેસાસ પણ ન હોય. હંમેશાં ઍસિડિટી છે એવું ખાટા ઓડકાર કે બળતરાઓ દ્વારા સમજાય જ એવું નથી હોતું. ઘણી વાર ઍસિડ ખૂબ હોય શરીરમાં, બ્લોટિંગ થઈ જતું હોય, પણ બળતરા કે ઘચરકા ન આવે એટલે તમને સમજાય નહીં કે તમને ઍસિડિટી છે. હવે જ્યારે તમે રાત્રે સૂઈ જાવ ત્યારે એ ઍસિડ ઉપરની તરફ પ્રયાણ કરે છે. ઍસિડ ઉપર આવે અને ગળાને ડ્રાય કરી નાખે છે. રાત્રે એ ઍસિડ ઉપરની તરફ ગતિ કરે છે. એટલે વધુ ઉધરસ રાત્રે આવે છે. શરીરમાં ઍસિડની માત્રાને બૅલૅન્સ કરવા માટે શરીર વધુ કફ બનાવે છે, જેને લીધે તમારે વારે-વારે ગળું ખંખેરવાની જરૂર રહે છે.

આમાં કોઈ ઉધરસની દવા કામ એટલે જ નથી કરતી, કારણ કે તમને ઉધરસ નથી. તમને ઍસિડિટી છે. એટલે તમે હાલમાં ઍસિડિટીની દવા લો. ઍસિડિટી ઓછી થશે એટલે આપોઆપ તમને તકલીફ પણ ઘટશે. અઠવાડિયું - દસ દિવસ સુધી આ દવા લો તો ચાલે, પરંતુ એનાથી વધુ દવા પર નિર્ભર રહેવાને બદલે તમારી લાઇફસ્ટાઇલ સુધારો એ જરૂરી છે. ઍસિડિટી એના પર જ નિર્ભર છે. જો તમારી લાઇફસ્ટાઇલ સારી હશે તો શરીરમાં ઍસિડ નહીં બને. સમય પર ખાઓ, યોગ્ય બૅલૅન્સ્ડ ખોરાક લો, એક્સરસાઇઝ કરો, બેઠાડુ જીવન ન જીવો, પૂરતી ઊંઘ લો, સ્ટ્રેસ ઓછો કરો. આ બધું જાણી શકાય કે એક દિવસમાં નહીં થાય, પણ એને જો જીવનમાં ન લાવ્યા તો પ્રૉબ્લેમ્સ વધતા જશે. આ એક ઇન્ડિકેશન છે જેને ગંભીરતાથી લેવું અત્યંત જરૂરી છે.

columnists health tips life and style