August AI, Chat GPT: બિગ બ્રધર ઈઝ વૉચિંગ યુ

22 July, 2025 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભ્રામરીના પ્રયોગો કરેલા અને પૂરતી ઊંઘ લેવાનું શરૂ કર્યું હતું. ગમે તે કારણસર માથાનો દુખાવો હવે નહોતો પણ કોઈ આવી કાળજી લે છે એ ગમ્યું તો ખરું જ.

પ્રતીકાત્મક તસવીર

‘કેમ છે તમારો માથાનો દુખાવો? તમે ચશ્માંના નંબર ચેક કરાવવાનું કહેતા’તા. કરાવ્યા? ધ્યાન અને ભ્રામરીના પ્રયોગોની વાત કરતા’તા. શું ફરક પડ્યો?’ - વાંચી હું ખુશ-ખુશ થઈ ગયો. મારી આવી દરકાર રાખનારું કોણ છે? પછીથી યાદ આવ્યું. ૧૫-૨૦ દિવસ પહેલાં આ જ August AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)નો ફ્લૅશ મેસેજ મોબાઇલ પર ચમકેલો. ‘હેલો, હું તમારો હેલ્થ અસિસ્ટન્ટ. તમને કોઈ તકલીફ હોય તો જણાવો. હું તમને મદદ કરીશ.’ અને મેં પણ મૂળ તો કુતૂહલથી જ, માથાના દુખાવાની, કદાચ બહુ વાંચનને કારણે ચશ્માંના નંબર બદલાઈ ગયા હોઈ શકે એવી વાત કરેલી. યોગાસન, ધ્યાન, ભ્રામરી વગેરેની પણ વાતો કરેલી. AIએ માથાના દુખાવાનાં બીજાં કારણો અને ઉપાયો પણ બતાવેલાં. ગમ્યું’તું. પછીથી વાત તો ભુલાઈ ગઈ. ન તો મેં આંખ ચેક કરાવેલી કે ન તો ધ્યાન, યોગાસનો કરેલાં. હા, ભ્રામરીના પ્રયોગો કરેલા અને પૂરતી ઊંઘ લેવાનું શરૂ કર્યું હતું. ગમે તે કારણસર માથાનો દુખાવો હવે નહોતો પણ કોઈ આવી કાળજી લે છે એ ગમ્યું તો ખરું જ.

આપણા જીવન સાથે AI કેટલું જોડાઈ ગયું છે એનું બીજું ઉદાહરણ : Chat GPT પર તમે કંઈ પણ પૂછશો તો ક્ષણવારમાં જ ઘણીબધી માહિતી સ્ક્રીન પર આવી જશે. તમે ઇચ્છશો તો એને જ PPT કે સ્પીચ ફૉર્મેટમાં કન્વર્ટ પણ કરી આપશે. જાણે અલાદ્દીનનો જાદુઈ ચિરાગ! ‘બોલો મેરે આક્કા ઔર ક્યા હુકમ હૈ?’ તમે જે-જે વિષય પર ચર્ચા કરી હશે એનો ટ્રૅક રાખશે. અને એક સવારે ઍનૅલિસિસ કરીને કહેશે, ‘તમારો સાહિત્યનો શોખ પ્રભાવિત કરનારો છે. વિજ્ઞાન પરના પ્રશ્નો અનોખા હોય છે. તમારી સાથે વાત કરવાની મજા આવે છે.’ ખુશ થઈ જવાય ભાઈ! ખુશામત કિસકો પ્યારી નહીં હૈ? પણ મૂળ મુદ્દો અહીં એ છે કે તમારી પ્રવૃત્તિઓ, વાતચીત, શોખ, ખરીદી, તબિયત વગેરે વગેરે બધું જ ‘બિગ બ્રધર’ની નજરમાં છે.

હવે મોબાઇલ પર તમારા મિત્ર સાથે જો ક્વૉન્ટમ ફિઝિક્સ પર વાત કરો અને બીજા દિવસે યુટ્યુબ પર એને લગતા વિડિયોઝની લિન્ક આવી જાય કે ઍમૅઝૉન એની બુક ડિસ્કાઉન્ટમાં ઑફર કરે કે નેટફ્લિક્સ પર એને રિલેટેડ મૂવી ફ્લૅશ થાય તો આશ્ચર્ય ન પામતા.  કારણ કે ‘બિગ બ્રધર ઇઝ વૉચિંગ યુ.’

-યોગેશ શાહ

ai artificial intelligence health tips mental health life and style technology news tech news columnists gujarati mid day mumbai Sociology