બાળકોની રાતે આચરકૂચર ખાવાની આદત દૂર કરવા શું?

03 December, 2021 08:09 PM IST  |  Mumbai | Yogita Goradia

ડિનર હંમેશાં સમયસર અને વ્યવસ્થિત ખાઓ. જો ડિનરમાં ભેળ-પાણીપૂરી ખાધી હશે તો ૧૨ વાગ્યા સુધીમાં ભૂખ લાગવાની જ છે. માટે સાંજે ૭ વાગ્યે તેમને ભરપેટ ડિનરની આદત પાડો. 

પ્રતીકાત્મક તસવીર

મારે બે બાળક છે. એક ૧૦ વર્ષનો અને બીજી ૧૩ વર્ષની. બંને આજકાલ ખૂબ મોડા સૂએ છે. આજકાલ તેઓ બાર-સાડા બારે રસોડામાં ડબ્બા ફંફોસતા જોવા મળે છે. સૂવાના સમયે તેમને એટલી ભૂખ લાગે છે કે રહેવાય જ નહીં, પછી એ સમયે તેમને જન્ક અને પૅકેટ-ફૂડ જ ખાવું હોય છે. છેલ્લા બે મહિનાથી ચાલે છે. મને ચિંતા થયા છે કે આ મિડ-નાઇટ સ્નૅકિંગની આદત તેમની કઈ રીતે છોડાવું. શું તેમને ભૂખ લાગે તો પણ કઈ ખાવાનું ન આપું? એવું કરી શકાય? 
 
 કોરોના પછી બાળકોની ઊંઘવાની આદતો ઘણી બદલાણી છે. રાત્રે જે લોકો જાગે છે એ લોકોને કાં તો ભૂખ લાગે છે કાં તો ક્રેવિંગ થાય છે એટલે એ લોકો રાત્રે સ્નૅકિંગ કરતા હોય છે. મોડી રાત્રે કોઈ સૂપ-સલાડ તો ખાતા નથી. મોડી રાત્રે લોકો જે વસ્તુ ખાય છે એ હંમેશાં અનહેલ્ધી જ હોવાની. તળેલા નાસ્તા નહીં તો રેડી ટુ ઇટ અને રેડી ટુ મેક પ્રકારની વસ્તુઓ જ મોડી રાત્રે લોકો ખાતા હોય છે જે અનહેલ્ધી છે. બીજું એ કે આમ પણ બાળકો સમયસર સૂતા નથી. મોડું થઈ ગયું છે અને એમાં તમે આ પ્રકારના વધુ કૅલરીયુક્ત ખોરાક તેમને ખાવા આપો એટલે તેમને સારી ઊંઘ આવવાની નથી જ. ઊંઘ બગડે એટલે બીજા દિવસે ફ્રેશ ઊઠો નહીં. ઊંઘને અને માનસિક ક્ષમતાને સીધો સંબંધ છે. એનાથી જ મેમરી, જાગ્રતતા, ફોકસ, શીખવાની આવડત, અલર્ટનેસ બધા પર જ અસર પહોંચે છે.
હકીકત એ છે કે આખો દિવસ વ્યવસ્થિત ન જમનારાં બાળકોને રાત્રે સ્નૅકિંગ કરવામાં આનંદ આવતો હોય છે. રાત્રે સમયસર ખાવું અને સમયસર સૂવું બંને જરૂરી છે, પરંતુ અચાનક લાઇફ-સ્ટાઇલ બદલવી પણ સહેલી નથી. જ્યારે તમારાં બાળકો મોડી રાત્રે જાગતા હો ત્યારે સાવ ભૂખ્યા રહેવાની પણ જરૂર નથી. દૂધ, ડ્રાયફ્રૂટ કે લો કૅલરી વસ્તુઓ જેમ કે સૂપ જેવું કંઈક લઈ શકાય. મહત્ત્વનું એ છે કે તમે તેમને વહેલા સૂવાની આદત પાડો. જો તમે મોડે સુધી જાગતા હો તો ભૂખ્યા રહેવું જોઈએ નહીં. ધીમે-ધીમે એ આદત પાડો. ડિનર હંમેશાં સમયસર અને વ્યવસ્થિત ખાઓ. જો ડિનરમાં ભેળ-પાણીપૂરી ખાધી હશે તો ૧૨ વાગ્યા સુધીમાં ભૂખ લાગવાની જ છે. માટે સાંજે ૭ વાગ્યે તેમને ભરપેટ ડિનરની આદત પાડો. 

Gujarati food indian food mumbai food columnists