પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં કઈ-કઈ ટેસ્ટ કરાવવાની?

06 December, 2022 04:39 PM IST  |  Mumbai | Dr. Suruchi Desai

હકીકત એ છે કે પ્રેગ્નન્સી દરમ્યાન દાંતની કોઈ તકલીફ તમને આવે નહીં એનું ધ્યાન રાખવું.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

હું ૩૦ વર્ષની છુ. મારાં લગ્નને ૩ વર્ષ થઈ ગયાં અને હવે અમે બાળક માટે સજ્જ થયાં છીએ, પરંતુ પ્રેગ્નન્સી પહેલાં શું એક વાર ગાયનેકને મળવું જરૂરી છે? કોઈ એવી ટેસ્ટ ખરી કે જે કરાવીને પછી જ પ્રેગ્નન્સી પ્લાન કરી શકાય? વડીલો કહે છે કે એમાં ડૉક્ટરને શું બતાવવાનું? પણ મને થોડું કન્ફ્યુઝન છે. 
 
વડીલો એટલા માટે એવું માને છે કે તેમના સમયમાં તેઓ પહેલાં ડૉક્ટર પાસે નહોતાં જતાં. ઘણાં તો પ્રેગ્નન્સી પછી પણ ડૉક્ટર પાસે નહોતાં જતાં. એ વાત સાચી છે કે પ્રેગ્નન્સી એક નૅચરલ પ્રોસેસ છે, પણ એ નૅચરલી હેલ્ધી રીતે જ થાય એ માટે ડૉક્ટરનું માર્ગદર્શન જરૂરી છે. આમ, પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં એક વાર ડૉક્ટરને મળો એ જરૂરી છે. તમારા પિરિયડ્સ રેગ્યુલર છે કે નહીં, બાકી કોઈ ઇન્ફેક્શન કે તકલીફ તો નથી એવી બેઝિક તપાસ જરૂરી છે. આ સિવાય જો ટેસ્ટની વાત કરીએ તો તમારે અને તમારા પતિ બંનેએ થૅલેસેમિયા ચેક કરાવવું જરૂરી છે. જો તમે બંને થૅલેસેમિયા માઇનર હશો તો બાળક મેજર થવાની સંભાવના રહે છે. આ સિવાય બંનેનું બ્લડ-ગ્રુપ પણ જાણવું જરૂરી છે. થાઇરૉઇડ લેવલ ચકાસવાં જરૂરી છે. આ સિવાય તમારું બ્લડશુગર ચેક કરવું પણ ખૂબ જરૂરી છે. કોવિડ પછી ઘણા લોકોમાં શુગરની તકલીફ વધી છે. માટે આ બાબતે ગફલતમાં રહેવું પોસાય નહી. બાકી હીમોગ્લોબિન, વિટામિન B12 અને વિટામિન Dનું લેવલ પણ તમારા શરીરમાં યોગ્ય હોવું જરૂરી છે. જો ન હોય તો એનાં સપ્લિમેન્ટ લેવાં જરૂરી છે. ફોલિક ઍસિડ કે કૅલ્શિયમની ટીકડીઓ તમારા ડૉક્ટરની સલાહ મુજબ તમે અત્યારથી શરૂ કરી દેશો તો પણ તમને લાભકારી જ છે.

આ પણ વાંચો : એક સંતાનને ઑટિઝમ હોય તો બીજાને થઈ શકે?

આપણા દેશમાં ડેન્ટલ હેલ્થ ચેક-અપ અને ડેન્ટલ હાઇજિન માટે પણ ઘણી ઉદાસીનતા પ્રવર્તે છે. હકીકત એ છે કે પ્રેગ્નન્સી દરમ્યાન દાંતની કોઈ તકલીફ તમને આવે નહીં એનું ધ્યાન રાખવું. એ માટે પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં જ ચેક-અપ કરાવી લો. જો તકલીફ લાગે તો ટ્રીટમેન્ટ કરાવી પછી પ્રેગ્નન્સી પ્લાન કરી શકો છો. આમ, તો સેકન્ડ ટ્રાયમિસ્ટર એટલે કે ૧૪ અઠવાડિયાંથી લઈને ૨૬ અઠવાડિયાં સુધીમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવી શકાય. એ એટલા માટે જરૂરી છે કે જો પ્રેગ્નન્સી દરમ્યાન પેઢા પર સોજો આવે કે ઇન્ફેક્શન થાય તો પ્રી-ટર્મ લેબરની શક્યતા રહે છે. માટે જરૂરી છે કે તમે ડેન્ટલ ચેકઅપ પણ કરાવો. આ ટેસ્ટ પછી પ્રયત્નો શરૂ કરો.

columnists health tips life and style