દીકરો માંદગી પછી કશું જ ખાતો નથી

18 November, 2022 04:13 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

કોઈ પણ પ્રકારનું વાઇરલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થાય એ દરમિયાન શરીરનું એ મેકૅનિઝમ છે કે એ ખોરાકની માગ ઓછી કરી નાખે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારો દીકરો ચાર વર્ષનો છે. હમણાં તેને વાઇરલ ઇન્ફેક્શન થયું હતું. એ દરમિયાન તો તે કંઈ જ ખાઈ શકતો નહોતો. દવાઓ લીધા પછી તો સારું છે, પણ એ પછીયે તે હજી ખાતો નથી. તેની ભૂખ સાવ મરી ગઈ છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કંઈ પણ ખાધા તે વગર બસ રમ્યા કરે છે. તેને રમતાં રોકી શકાય એમ નથી અને તે કશું ખાતો જ નથી. એવી પરિસ્થિતિમાં મને ખૂબ ચિંતા થાય છે કે તે ક્યાંક ફરી માંદો ન પાડી જાય. તેનું વજન પણ એક કિલો જેવું ઊતરી ગયું છે અને ગાલ સાવ બેસી ગયા છે. હું શું કરું? તેને કોઈ ટૉનિક આપી શકાય જેનાથી તેની ભૂખ ઊઘડે? 

કોઈ પણ પ્રકારનું વાઇરલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થાય એ દરમિયાન શરીરનું એ મેકૅનિઝમ છે કે એ ખોરાકની માગ ઓછી કરી નાખે છે, કારણ કે શરીર પર લોડ ઓછો પડે તો શરીર ઇન્ફેક્શન સામે લડવા પર ફોકસ કરી શકે. એટલે જ એ સમય દરમિયાન બાળકો ખાઈ ન શકે તો ચિંતા કરવી નહીં. ઊલટું એ સારું છે. તેને ઓછું ખવડાવવું. વળી બાળકો જ્યારે માંદાં પડે ત્યારે તેમનું થોડું વજન ઊતરી જવું પણ એક નૉર્મલ ચિહન છે. એક કિલો જે વજન ઊતરી ગયું છે એ આપોઆપ નૉર્મલ લાઇફમાં વધી પણ જશે એટલે ચિંતા ન કરવી. ઘણી વાર એવું થાય છે કે બાળક જમતું નથી ત્યારે તેને ફોર્સ કરીને જમાડશો તો તેનું જમવા પરથી મન ઊઠી જતું હોય છે. તે ડરી જાય કે ફોર્સને લીધે છણકી જાય એવું પણ બની શકે છે. બાળક જ્યારે ખાતું ન હોય ત્યારે તેને ફોર્સથી ખવડાવવામાં ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે.

રહી વાત સારું થઈ ગયા પછી પણ ન ખાવાની તો ઘણી વાર ઇન્ફેક્શનમાં લીધેલી દવાઓને કારણે ભૂખ ઘટી જાય છે. ઘણી વાર એવું પણ થાય કે શરીર હજી રિકવરી મોડમાં હોય તો પણ ભૂખ ખૂલી ન હોય. એ એકદમ નૉર્મલ છે. એનું પ્રમાણ એ છે કે તે રમે છે અને ઍક્ટિવ છે. તેને સમય આપવો જરૂરી છે. બાળકને ભૂખ લાગે અને તે માગે ત્યારે જ તેને જમવાનું આપવું એ યાદ રાખો. બાળકને ભૂખ લગાડવા માટે ટૉનિક આપવાની જરૂર નથી. આમ પણ બાળકને નૅચરલી ભૂખ લાગે એ જરૂરી છે જે માટે થોડી ધીરજ રાખો. બીમારી પછી એકાદ અઠવાડિયું આવું થાય છે. તે ન ખાય એમાં ચિંતા કરવી નહી.

columnists health tips life and style