કાળા પાણીની મજા

05 October, 2021 01:50 PM IST  |  Mumbai | Ruchita Shah

તાજેતરમાં મલાઇકા અરોરા બ્લૅક કલરના પાણીની બૉટલ સાથે દેખાઈ હતી. એ પહેલાં શ્રુતિ હાસન, ગૌરી ખાન જેવી ઘણી સેલિબ્રિટીઝ બ્લૅક વૉટર પીતી દેખાતાં સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કારણ બની ચૂકી છે ત્યારે જાણીએ કે આખરે છે શું આ બ્લૅક વૉટર

તાજેતરમાં મલાઇકા અરોરા બ્લૅક કલરના પાણીની બૉટલ સાથે દેખાઈ હતી

તાજેતરમાં મલાઇકા અરોરા બ્લૅક કલરના પાણીની બૉટલ સાથે દેખાઈ હતી. એ પહેલાં શ્રુતિ હાસન, ગૌરી ખાન જેવી ઘણી સેલિબ્રિટીઝ બ્લૅક વૉટર પીતી દેખાતાં સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કારણ બની ચૂકી છે ત્યારે જાણીએ કે આખરે છે શું આ બ્લૅક વૉટર, એના શું ફાયદા છે અને ખરેખર એમાં કોઈ સત્ત્વ છે કે માત્ર નવું માર્કેટિંગ ગિમિક છે

પાણી રે પાણી તેરા રંગ કૈસા

જીસ મેં મિલા દો લગે ઉસ જૈસા

બરાબર, આ આપણે જાણીએ છીએ. પાણીની ટ્રાન્સપરન્સીના આધારે આપણે અત્યાર સુધી નક્કી કરતા હતા કે એ કેટલું ક્લીન છે. જોકે બીજા જેવા તેવા રંગ જવા દો, હવે સીધેસીધું કાળા કલરનું પાણી સેલિબ્રિટીઝમાં ઇન થિંગ બન્યું છે. આ પાણી પીવાના અનેક લાભ છે અને હેલ્થને લાંબા ગાળા માટે સ્વસ્થ રાખવા માટે આ કાળું પાણી ગજબ પરિણામ આપે છે એવો દાવો કંપની દ્વારા કરવામાં આવે છે. ઈ-કૉમર્સ પોર્ટલ પર લગભગ બસો રૂપિયે લિટર વેચાતા આ પાણીની બૉટલ સાથે જિમમાં જતી કે આવતી ઘણી સેલિબ્રિટીઝના ફોટો વાઇરલ થયા છે. મલાઇકા અરોરાથી લઈને શ્રુતિ હાસન અને અત્યારે લેટેસ્ટમાં ગૌરી ખાન આ પાણીની બૉટલ સાથે કૅમેરામાં ઝડપાયાં હતાં. શું છે એવું આ પાણીની બૉટલમાં જેણે એના રંગને પારદર્શકમાંથી કાળો કરી નાખ્યો. ખરેખર એના ફાયદાઓ માટે શું દાવા કરવામાં આવ્યા છે અને એમાંથી કેટલા દાવા સાચા છે અને સામાન્ય લોકો માટે આ પાણીની કોઈ ઉપયોગિતા છે કે કેમ એ વિષય પર આજે વાત કરીએ.

બ્લૅક કેવી રીતે?

મૂળ વડોદરાના કપલ આકાશ અને વિશ્વાંગી વાઘેલાએ ૨૦૧૯ના જૂનમાં ભારતની પહેલી બ્લૅક આલ્કલાઇન વૉટર-બૉટલ લૉન્ચ કરી. લગભગ ૭૦ જેટલાં મિનરલ્સ અને ૮ કરતાં વધારે pH વૅલ્યુ ધરાવતું આ આલ્કલાઇન પાણી બૉડીને ડીટોક્સ કરવા, વજન ઘટાડવા, હાડકાનું આયુષ્ય વધારવા, શરીરને હાઇડ્રેટ કરવા, ઍસિડિટી દૂર કરવા, ઇમ્યુનિટી વધારવા અને એજિંગ પ્રોસેસને સ્લો કરવા માટે ઉપયોગી છે એવો દાવો કરવામાં આવે છે. કૅન્સર, હૃદયરોગ, ચામડીને લગતી સમસ્યા, અલ્સર, પાચનની સમસ્યા, ડાયાબિટીઝ જેવા ઘણાબધા રોગો છે જે આ પ્રકારનું પાણી પીવાથી રિવર્સ કરી શકાય છે. છેલ્લાં થોડાંક વર્ષોમાં આલ્કલાઇન વૉટરની ઉપયોગિતા પર વાત કરનારા અને એને લગતી પ્રોડક્ટ્સ બનાવનારાઓની સંખ્યા વધી છે. આજે જ્યારે આપણી અનિયમિત જીવનશૈલી અને ખાણી-પીણીની આદતોએ શરીરમાં ઍસિડનું પ્રમાણ વધાર્યું છે ત્યારે હાઈ pH ધરાવતું આલ્કલાઇન પાણી આ વધારાના ઍસિડને ન્યુટ્રલાઇઝ કરવામાં બહુ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને આ જ વાત આલ્કલાઇન વૉટરના પ્રમોટર્સ લોકોને કરી રહ્યા છે. જે બ્લૅક વૉટરથી આપણે વાતની શરૂઆત કરી એ બ્લૅક વૉટર પણ દરઅસલ તો આલ્કલાઇન વૉટર જ છે. જોકે એમાં સાથે ૭૦ પ્રકારનાં એવાં ધરતીના ખોળામાંથી શોધેલાં મિનરલ્સ છે જેને કારણે એનો રંગ કાળો છે. જોકે એનો સ્વાદ નૉર્મલ પાણી જેવો જ છે. જોકે સ્પોર્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે આ બ્લૅક વૉટર તેમ જ એના જેવું આલ્કલાઇન વૉટર એનર્જી ડ્રિન્ક, સ્પોર્ટ ડ્રિન્ક, ફલવીક ડ્રિન્ક (એક જાતનું ખનિજ જેને કારણે પાણીનો રંગ કાળો છે), હેલ્થ ડ્રિન્ક જેવા નામથી પૉપ્યુલર બની ગયું છે. જોકે ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટની દૃષ્ટિએ આલ્કલાઇન પાણી માટેનો આ ક્રેઝ અનયુઝ્અલ અને બિનજરૂરી છે.

નૅચરલી ન્યુટ્રલ

આટલી વાતો પરથી એક વાત તો આપણને સમજાઈ ગઈ કે આલ્કલાઇન વૉટર શરીરના વધારાના ઍસિડને ન્યુટ્રલ કરે અને એ વધારાના ઍસિડને કારણે થઈ શકનારા નુકસાન પર પણ ઑટોમેટિકલી કન્ટ્રોલ આવી જાય. જોકે એના માટે આ પાણી પીવાની જરૂર છે? એના જવાબમાં ગ્લોબલ અને હિન્દુજા હૉસ્પિટલ સાથે કામ કરી ચૂકેલાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ દિશા ઝવેરી-શાહ કહે છે, ‘મેડિકલ સાયન્સની દૃષ્ટિએ કહું તો આપણે એક વાત સમજવાની જરૂર છે કે કુદરતે આપણા શરીરનું મેકૅનિઝમ જ એવું બનાવ્યું છે કે ઘણી બાબતો એ પોતાની મેળે જ કરી લે છે. જેમ કે તમે કોઈ પણ પાણી પીઓ, એને જેવું તમે મોઢામાં નાખો અને એ તમારી લાળ સાથે ભળે એટલે તમારા મોઢામાં આપમેળે જ એ આલ્કલાઇન બની જાય. ફરી પાછું એ પાણી પેટમાં જાય ત્યારે તેને ઍબ્સૉર્બ કરવા માટે અને એનું પાચન થાય એ માટે એણે ઍસિડિક બનવું જ પડે. જનરલી આપણા બ્લડની pH વૅલ્યુ ૭.૫થી ૭.૪૫ની વચ્ચે હોય અને એ એટલી જ રહેવી જરૂરી છે. એનાથી જો એની pH વૅલ્યુ વધે તો પણ નુકસાન છે. આપણા શરીરનું નૅચરલ મેકૅનિઝમ એવું છે કે પાણીની, ભોજનની pH વૅલ્યુ એની જરૂરિયાત મુજબ ચેન્જ થઈ જ જતી હોય છે એટલે બહારથી તમે એ પ્રકારનું પાણી આપીને ઊલટાનું બૉડીના નૅચરલ મેકૅનિઝમને એક રીતે ડિસ્ટર્બ જ કરી રહ્યા છો. તમે ભલે pH વૅલ્યુ ૯ હોય એવું પાણી પીઓ, પણ તમારું શરીર ફરી એની pH વૅલ્યુ એની જરૂરિયાત મુજબ બદલશે જ. જ્યાં એને ઍસિડિક કરવાની જરૂર હશે ત્યાં કમ્પલ્સરી તમારું શરીર એને ઍસિડિક કરશે જ. જ્યારે શરીરમાં જ pH વૅલ્યુના ઍડ્જસ્ટમેન્ટનું મેકૅનિઝમ છે તો આ પ્રકારના પાણીનો ખરેખર કોઈ અર્થ સરતો જ નથી. મારી દૃષ્ટિએ એક પ્રકારના માર્કેટિંગ ફન્ડાથી વિશેષ કંઈ જ નથી.’

આલ્કલાઇન વૉટર શરીરના વધારાના ઍસિડને ન્યુટ્રલ કરે છે જેથી વધારાના ઍસિડને કારણે થનારા નુકસાન પર પણ ઑટોમેટિકલી કન્ટ્રોલ આવે

દવાની જેમ આ પાણીનો ઉપયોગ કરો તો વાંધો નથી : ડૉ. મહેશ સંઘવી, આયુર્વેદાચાર્ય

વૈદિક પરંપરાથી લઈને આપણે ત્યાં કેવું, કેટલું અને ક્યાંનું પાણી એ બાબત પર ખૂબ ભાર મુકાયો છે. પહેલાંના સમયમાં કૂવામાંથી જ પાણી પીવાતું અને એ મોટા ભાગે ખડકાળ પ્રદેશ પાસે રહેતા એટલે એમાં નૅચરલી ક્ષારીય પાણી એટલે કે જરૂરી પોષક તત્ત્વોયુક્ત રહેતું એમ જણાવીને જાણીતા આયુર્વેદિક સર્જ્યન ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આલ્કલાઇન પાણી ખરાબ છે અથવા તો તદ્દન બિનઉપયોગી છે એવું હું નહીં કહું. બેશક, એના પણ લાભ છે, પરંતુ એની ઉપયોગિતા ન આવડી તો લાભને બદલે નુકસાન પણ થઈ શકે છે. એ વાત તદ્દન સાચી છે કે આપણા શરીરમાં રહેલા પ્રવાહી તત્ત્વની pH વૅલ્યુ સ્વયંસંચાલિત છે. આપણે ત્યાં પાણીને ચાવી-ચાવીને પીવાનું કહ્યું છે, કારણ કે જેટલો સમય પાણી મોઢામાં રહે એટલા સમયમાં મોઢાની લાળ પાણી સાથે ભળતાં એના pH વૅલ્યુને વધારી દે. જોકે એ એટલા જ પ્રમાણમાં વધારે કે એ પાણી પેટમાં જતાં પેટના ઍસિડને ડિસ્ટર્બ ન કરે. જો તમે ચોવીસ કલાક આલ્કલાઇન પાણી પીઓ તો તમારી પાચનશક્તિ મંદ પડી શકે છે. આયુર્વેદમાં કહ્યું છે કે ‘સર્વેરોગાપી મંદાગ્નિ જાયતે’ - એટલે કે સર્વરોગોનું મૂળ મંદાગ્નિ છે. જો તમે સમય જોયા વિના, સમજ્યા વિના આલ્કલાઇન પાણી પીઓ તો તમારો જઠરાગ્નિ નબળો પડી શકે છે, કારણ કે એ તમારા પેટના ઍસિડને પણ ન્યુટ્રલાઇઝ્ડ કરી શકે. મારી દૃષ્ટિએ આ પાણીનો દવા તરીકે ઉપયોગ કરો તો એનો લાભ છે. તમારી હેલ્થ કન્ડિશનના આધારે વૈદ્યકીય સલાહ નીચે તમે આ પ્રકારનું પાણી પીઓ તો ચાલે.’

health tips life and style ruchita shah