અચાનક બીપી ૧૯૦-૧૩૦ થવાનું શું કારણ?

05 September, 2022 04:10 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

આટલું બીપી વધી જાય તો માણસને હાર્ટ-અટૅક કે સ્ટ્રોક તરત જ આવી શકે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારા પતિ ૪૦ વર્ષના છે. હાલમાં જ મારાં સાસુના દેહાંત પછી તે ઘણા ડિસ્ટર્બ રહે છે. કશું ખાતા-પીતા નહોતા. બે દિવસ પહેલાં તેમને છાતીમાં ખૂબ જ ભાર લાગતો હતો. તેમને છેલ્લાં પાંચ વર્ષથી બીપી છે એટલે અમે બીપી ચેક કર્યું તો તેમનું બીપી ૧૯૦-૧૩૦ હતું. અમે ગભરાઈને હૉસ્પિટલમાં ભાગ્યા. ત્યાં તેમનો ઈસીજી કરાવ્યો, પણ એ નૉર્મલ આવ્યો. આખી રાત તેમનું બીપી નીચે ઊતર્યું જ નહીં. સવારે નૉર્મલ થયું ત્યારે અમે હૉસ્પિટલથી રજા લઈને ઘરે આવ્યા. ડૉક્ટરે અમને એ શરતે ઘરે જવા દીધા કે એક લાંબુંલચક લિસ્ટ આપ્યું છે એ બધી ટેસ્ટ અમે કરાવી જ લઈએ અને પછી તેમને મળીએ. શું ખરેખર તેમને એટલી ટેસ્ટની જરૂર છે? બીજું એ કે આવું થવાનું શું કારણ હશે? 

જવાબ : તમે જે આંકડો કહ્યો છે એ ઘણો વધારે છે. આટલું બીપી વધી જવું એ કંઈ નાની-સૂની વાત નથી. પાંચ-દસ પૉઇન્ટ બીપી વધે તો હજી ઠીક છે. એ નૉર્મલ ગણાય. આ તો એટલું વધારે છે કે એ શરીરમાં કંઈક મોટું ડૅમેજ કરી શકે છે. આટલું બીપી વધી જાય તો માણસને હાર્ટ-અટૅક કે સ્ટ્રોક તરત જ આવી શકે છે. એ તો સારું છે કે તેમને દેખીતી રીતે હજી કશું થયું નથી. એનું કારણ એ પણ હોઈ શકે કે તેમની ઉંમર હજી નાની છે. આટલું બીપી વધવાનું એક મુખ્ય કારણ એ હોઈ શકે કે તેમણે ડોઝ મિસ કર્યા હોય. ઘણા વખતથી તમે બીપીની દવા લેતા હો અને એકદમ બંધ કરો તો શરીરને એની આદત ન હોય અને બીપી એકદમ જ શૂટ-અપ થાય. આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. એટલે જ અમે દરેક દરદીને કહીએ છીએ કે બીપીની દવામાં અનિયમિત ન બનવું. એ દરરોજ ખાવાની જ રહે છે. બને કે તમારા પતિ તેમની મમ્મીના દેહાંતને લીધે માનસિક રીતે ડિપ્રેશનમાં હોય અને એને કારણે તેમણે ડોઝ સ્કિપ કર્યા હોય. આવી પરિસ્થિતિમાં તમે તેમને સીધા હૉસ્પિટલમાં લઈ ગયા એ બેસ્ટ કામ કર્યું. 

હવે તેમનું ફુલ બૉડી ચેક-અપ અત્યંત જરૂરી છે. તમને ભલે એ લિસ્ટ મોટું લાગે, પણ એ ખૂબ જરૂરી છે. બીપી એકદમ વધવાને લીધે લોહીની નસોમાં જો કોઈ પણ પ્રકારનું ડૅમેજ થયું હશે તો તરત ખબર પડવી જરૂરી છે. ખાસ કરીને હાર્ટની પરિસ્થિતિ પહેલાં ચેક થશે. હાલમાં તેમને જે હેવી મેડિસિન બીપીની ચાલુ હશે એ ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલુ રાખજો. સ્મોકિંગ સદંતર બંધ કરવું ખૂબ જ જરૂરી છે. બિલકુલ ગફલતમાં ન રહેતા.

columnists health tips life and style