05 February, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પાછલી ઉંમરે જેમ-જેમ ઉંમર વધે એમ હાઇટ થોડીક ઘટે છે. ઘણાં દાદા-દાદીઓને જોઈને એ સમજાય છે કે યુવાવસ્થામાં તે જેવાં ટટ્ટાર અને લાંબાં લાગતાં હતાં એવાં હવે લાગતાં નથી. ઉંમરને કારણે હાઇટ ઓછી થાય છે, પરંતુ આ સત્ય દરેક વ્યક્તિ માટે નથી. લગભગ ૩૦-૪૦ ટકા લોકોમાં એવું જોવા મળે છે કે ઉંમરને કારણે તેમની હાઇટ થોડી ઘટી હોય. વળી આ ફેરફાર એટલો ઓછો હોય છે કે લોકોને ખાસ સમજમાં નથી આવતો. ખૂબ ધ્યાનથી જોઈએ તો જ ખબર પડે છે. વળી મોટી ઉંમરે થોડી હાઇટ ઓછી થવાથી કોઈ તકલીફ પણ પડતી નથી કારણ કે આ એક ધીમી પ્રોસેસ છે. શરીર આ બદલાવને સરળતાથી સ્વીકારી લે છે.
ઉંમર સાથે મસલ માસ ઘટતો જાય છે એની સાથે ફૅટ પણ ઓછી થતી જાય છે. આ બન્ને પરિબળોને કારણે પણ હાઇટ ઓછી થતી હોય છે. વર્ષો વીતતાં જાય એમ તમારી કરોડરજ્જુના મણકા વચ્ચે રહેલી ડિસ્ક સપાટ થતી જાય છે. મસલ માસ ઓછો થાય અને એને કારણે સાંધાઓ વચ્ચેની જગ્યા ઘટે છે. આ ઘટનાને કારણે વ્યક્તિની હાઇટ ઘટે છે. જો વ્યક્તિને ઉંમરને કારણે આર્થ્રાઇટિસ હોય એમાં પણ ઘૂંટણનો આર્થ્રાઇટિસ હોય તો પણ હાઇટ ઘટે છે કારણ કે એને કારણે પગ બો-શેપ એટલે કે બાણ જેવા આકારના ગોળ બની જતા હોય છે. આ સિવાય ઉંમરને કારણે પગનાં તળિયાંની જે ગોળાઈ છે એ પણ સપાટ બનતી જાય છે, જેને લીધે થોડો ફેરફાર લાગી શકે છે. ઑસ્ટિયો એટલે હાડકાં અને પોરોસિસ એટલે કાણાં. આ કન્ડિશનમાં હાડકાંને ઘસારો લાગે છે; જેને કારણે હાડકાં નબળાં પડે, બરડ બને છે અને એ નબળાઈને કારણે હાઇટ થોડી ઘટી જાય છે. હાઇટ ઘટવી એ કોઈ વડીલ માટે ચિંતાનું કારણ નથી હોતું પરંતુ જો એ ઘટી રહી છે એનો અર્થ એમ કે તમને ઑસ્ટિયોપોરોસિસ હોઈ શકે છે. તમારાં હાડકાં ઘસાઈ રહ્યાં હોય તો ઇલાજની જરૂર રહે છે. ઑસ્ટિયોપોરોસિસનો આજની તારીખે ઘણો સારો ઇલાજ ઉપલબ્ધ છે. ઉંમરને કારણે પણ જો હાડકાં ઘસાતાં હોય તો એને પણ રોકી શકાય છે. આમ હાઇટ ઘટે એનાથી ફરક ન પડે તો કંઈ નહીં પરંતુ હાડકાં ઘસાવાથી તો ફરક પડે જ છે. મેડિકલ સાયન્સ મુજબ આમ તો ઉંમરને કારણે અડધોથી પોણો ઇંચ હાઇટ ઘટે એ નૉર્મલ છે. એ બાબતે ચિંતાની જરૂર નથી પરંતુ જો એનાથી વધુ હાઇટ ઘટે તો એ બાબતે ગંભીર થવું જરૂરી છે. ઘણા કેસમાં બે, ત્રણ કે ચાર ઇંચ જેટલી હાઇટ ઘટી જાય છે, જે સૂચવે છે કે વ્યક્તિને ગંભીર સમસ્યા છે. એ ઉંમરને કારણે નહીં, પરંતુ કોઈ રોગને કારણે છે.
- ડૉ. મિતેન શેઠ
(ડૉ. મિતેન શેઠ અનુભવી ઑર્થોપેડિક સર્જ્યન છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઇલ કરી શકો છો: feedbackgmd@mid-day.com)