ડાયાબિટીઝ પછી વેઇટલૉસ થતું જ નથી

23 November, 2022 09:51 AM IST  |  Mumbai | Dr. Meeta Shah

ડાયાબિટીઝને કારણે યુરિનમાંથી જે શુગર વહી જાય છે એ અવસ્થાને કૅટાબોલિક ફેઇઝ કહે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૬૧ વર્ષ છે અને પાંચ મહિનાથી ડાયાબિટીઝનું નિદાન થયું છે. મારું વજન ૨૦ કિલો જેટલું વધુ છે એટલે ડૉક્ટરે વજન ઉતારવા કહ્યું છે. હું એક્સરસાઇઝ પણ કરું છું અને ડાયટ પણ. મને ભયંકર ભૂખ લાગે છે એટલે કંટ્રોલ રહેતો નથી. એને કારણે વજન ઊતર્યું પણ ફક્ત ૧ કિલોગ્રામ. મને સમજાતું નથી કે મારું વજન કેમ ઊતરતું નથી. ઘણા કહે છે કે ડાયાબિટીઝની દવાઓને લીધે વજન નથી ઊતરતું.

આ દરેક ડાયાબિટીઝના દરદીના મનની મૂંઝવણ છે. દરદીઓ ખુદ એ જાણે છે કે તેમના માટે વજન ઉતારવું એ એક ચૅલેન્જ છે, કારણ કે ડાયાબિટીઝને કારણે વજન વધે છે અને એનું કારણ ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખવા માટે વપરાતી દવાઓ છે. ઇન્સ્યુલિન હૉર્મોન વજન વધારનારું હૉર્મોન છે. ડાયાબિટીઝને કારણે યુરિનમાંથી જે શુગર વહી જાય છે એ અવસ્થાને કૅટાબોલિક ફેઇઝ કહે છે. ડાયાબિટીઝમાં લેવામાં આવતી દવાઓ કે ઇન્જેક્શન બન્ને શરીરના આ કૅટાબોલિક ફેઇઝને અટકાવે છે જેને લીધે યુરિનમાં વહી જતી શુગર અટકે છે અને એને કારણે થતી મસલ લૉસ કે ફૅટ લૉસ પણ અટકે છે અને એથી જ ડાયાબિટીઝ થયા પછી વજન ઘટાડવું મુશ્કેલ છે.

ઊલટું ઘણા દરદીઓમાં હોય એના કરતાં વજન વધતું જણાય છે. લાંબા સમયથી દવાઓ લેતા દરદીમાં આ તકલીફ વધુ જોવા મળે છે. તમને હમણાં એ નહીં થાય, પાછળથી થઈ શકે. મુખ્ય વાત એ છે કે જો તમે એવી દવાઓ લેતા હો જે શરીરમાં ઇન્સ્યુલિનનું નિર્માણ કરે તો એ દવાઓ વજન વધારનારી છે. આ દવાઓને લીધે ભૂખ પણ વધે છે, પરંતુ આ દવાઓની જગ્યાએ હાલમાં અત્યાધુનિક દવાઓ આવે છે જેમાં શુગર યુરિન વાટે નીકળીને કન્ટ્રોલમાં રહે છે, જેને લીધે વજન વધતું નથી. ઊલટું વેઇટ લૉસ કરવામાં મદદ મળે છે. તમે તમારા ડૉક્ટરને મળો અને તમારા વજન વિશે વાત કરો. તમારી દવા જો યોગ્ય નહીં હોય તો એ બદલીને બીજી શરૂ કરો. બાકી દરેક ડાયાબિટીઝના દરદીએ ફરજિયાત વૉકિંગ, જૉગિંગ કે કસરતો તથા યોગ્ય ડાયટ લેવાનું ચાલુ રાખવું એ ખૂબ જરૂરી છે. સામાન્ય વ્યક્તિ કરતાં ડાયાબિટીઝના દરદીને વજન ઉતારવાની જરૂરત પણ વધુ હોય છે અને એ પણ હકીકત છે કે એમ કરતાં એક ડાયાબેટિકે વધુ મહેનતની જરૂર પણ પડવાની જ છે, પણ હિંમત ન હારો. ડૉકટરની સલાહ મુજબ દવાઓ બદલી જુઓ. રિઝલ્ટ ચોક્કસ મળશે.

columnists health tips life and style diabetes