ભરાવદાર છાતીના ભાગને ઓછો કરાવવાનું ચલણ કેમ વધી રહ્યું છે?

26 April, 2024 11:49 AM IST  |  Mumbai | Laxmi Vanita

શું ૨૦૨૪નું વર્ષ બ્રેસ્ટ-રિડક્શનનું વર્ષ છે?

પ્રતીકાત્મક તસવીર

ટીનેજરથી માંડીને વયોવૃદ્ધ મહિલાઓ અને પુરુષોમાં બ્રેસ્ટ-રિડક્શન સર્જરીનું પ્રમાણ દસ-વીસ ટકા નહીં પણ ૧૦૦ ટકા વધ્યું છે. એક સમય હતો જ્યારે બ્રેસ્ટ-એન્લાર્જમેન્ટનો જબરો ક્રેઝ હતો અને પોતાને વધુ આકર્ષક દેખાડવા માટે છાતીનો ભાગ ભરાવદાર બનાવવા માટે મહિલાઓમાં હોડ લાગતી. આજે આ ઊલટો પ્રવાહ કેવી રીતે થયો? દરેક જેન્ડરના લોકો છાતીના ભાગની સર્જરી કરાવતા થયા છે એ પાછળનાં કારણો શું છે એ જાણવાનું રસપ્રદ રહેશે

વર્તમાનમાં આવેલો બદલાવ ભલે જુદો પ્રવાહ શરૂ થયાની દિશા દેખાડે પણ ઇતિહાસ ગવાહ છે કે ભરાવદાર છાતીનો ભાગ મહિલાઓ માટે બ્યુટી-સ્ટેટમેન્ટ રહ્યો છે. કદાચ એટલે જ તમને જાણીને નવાઈ નહીં લાગે કે આજકાલ મહિલાઓમાં પૉપ્યુલર બનેલા બ્રેસ્ટ-રિડક્શનની શરૂઆત પુરુષોથી થઈ હતી. અમેરિકાની નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનની વેબસાઇટ મુજબ આ સર્જરીનો સૌથી પહેલો ઉલ્લેખ સાતમી સદીમાં થયો. ત્યાર બાદ ૧૯મી સદીમાં પહેલી વાર મહિલાના બ્રેસ્ટ-રિડક્શનની સર્જરી હેલ્થ-કૉમ્પ્લીકેશન્સને નિવારવા માટે થઈ હતી. એ પછી વીસમી સદીની શરૂઆતમાં એસ્થેટિકલ કારણોસર બ્રેસ્ટ-રિડક્શન કરવામાં આવ્યું અને ત્યારથી લઈને આજ સુધી માત્ર સ્તન સુડોળ બનાવવા માટે આ સર્જરીનું મહત્ત્વ રહ્યું છે. જોકે ૨૦૨૪ની શરૂઆતથી આંતરરાષ્ટ્રીય પબ્લિકેશનની હેડલાઇન બનેલા એક સમાચાર જાણી લો. કહેવાઈ રહ્યું છે કે ૨૦૨૪નું વર્ષ બ્રેસ્ટ-રિડક્શન સર્જરીનું વર્ષ રહેશે. સપ્ટેમ્બર ૨૦૨૪માં થનારી લંડન બ્રેસ્ટ મીટિંગમાં વિશ્વભરના સર્જ્યન ભાગ લેશે જેમાં બ્રેસ્ટ-કૅન્સર, હેલ્થના કારણોસર તેમ જ એસ્થેટિક અને રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી પર ચર્ચાઓ થશે. 

ગયા વર્ષે ભારતના એક જાણીતા અખબારે બ્રેસ્ટ-રિડક્શનનો એક કેસ-સ્ટડી પ્રકાશિત કર્યો હતો. દિલ્હીમાં એક ટીનેજ યુવતીને તેના સ્તનના કદને કારણે હલકી કમેન્ટ્સ સાંભળવી પડતી હતી, પુરુષોની ખરાબ નજરને કંઈ બોલ્યા વગર ચૂપચાપ સહન કરવી પડતી હતી. તે યુવતી તેની ગરદનમાં થતા દુખાવાને કારણે ઑર્થોપેડિક સર્જ્યન પાસે ગઈ ત્યારે ખબર પડી કે ગરદનના દુખાવા પાછળનું કારણ છે તેનાં વધુપડતાં ભરાવદાર સ્તનયુગ્મ. બસ એ પછી ડૉક્ટરની સલાહ મુજબ તેણે બ્રેસ્ટ-રિડક્શન કરાવ્યું. તેના આત્મવિશ્વાસમાં તો ફરક આવ્યો જ અને સાથે તેની ઓવરઑલ હેલ્થ પણ સુધરી. આવા ઢગલાબંધ કેસ-સ્ટડીઝ ભારતના અને વિદેશોના કૉસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જ્યનની વેબસાઇટ પર વાંચવા મળી જશે.

અવેરનેસ વધી છે
છેલ્લાં ૨૦ કરતાં વધારે વર્ષથી પ્રૅક્ટિસ કરતા મુંબઈના જાણીતા કૉસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જ્યન ડૉ. વિરલ દેસાઈ કહે છે, ‘લોકોમાં સૌથી વધારે જાણીતી પ્રોસીજરમાં હેર-ટ્રાન્સપ્લાન્ટ, ગાયનેકોમાસ્ટીઆ, રાઇનોપ્લાસ્ટી, લિપોસક્શન અને મૅમોપ્લાસ્ટી છે. આજે ભારતમાં બ્રેસ્ટ-રિડક્શન સર્જરીનું સ્ત્રી અને પુરુષો એમ બન્નેમાં ૧૦૦ ટકા પ્રમાણ વધ્યું છે. એનું કારણ છે માહિતી અને ટેક્નૉલૉજીનો ઍક્સેસ. ભારતીય મહિલાનો શારીરિક ઢાંચો સુડોળ હોય છે. અત્યારે જ કેમ મહિલાઓની સર્જરીના આંકડા વધ્યા, શું પહેલાં મહિલાઓને તેમનાં મોટાં સ્તનથી સમસ્યા નહોતી? ત્યારે પણ સમસ્યા તો હતી જ, વાત એમ છે કે હવે તેઓ જાગૃત બની છે. આજે ટીનેજર્સ કે કોઈ પણ મહિલાને પરિવારમાંથી સપોર્ટ મળી રહે છે, જે પહેલાં ક્યારેય વાત પણ નહોતી કરી શકાતી. આ સર્જરીમાં ટીનેજથી પચીસ વર્ષનો અને બીજો વર્ગ ચાલીસથી મોટી ઉંમરનો આવે છે. ડિલિવરી પછી મહિલાઓના બ્રેસ્ટનો આકાર અને કદ બદલાઈ જાય છે. જ્યારે તેમનાં બ્રેસ્ટ પેટને અડકે ત્યારે નીચેના ભાગમાં જે પરસેવો થાય એના કારણે ફંગલ ઇન્ફેક્શનની શક્યતા વધી જાય છે. બીજાં કારણોમાં મોટાં સ્તનને કારણે બ્રાના પટ્ટાઓ શોલ્ડર અને ગરદનને ઝુકાવી દે છે અને અન્ય શારીરિક સમસ્યાઓ પેદા થાય છે. એટલે આ બહુ જ જરૂરી સર્જરી છે. કૅનેડા અને અમેરિકા જેવા દેશોમાં બ્રેસ્ટ-રિડક્શન સર્જરી માટે ઇન્શ્યૉરન્સ મળે છે, કારણ કે તેઓ આને બહુ સહજ હેલ્થ પ્રૉબ્લેમ માને છે. અમારી પાસે આવતા પેશન્ટ ગરદન કે કમરના દુખાવાને કારણે ઑર્થોપેડિક કાં તો જનરલ સર્જ્યન પાસે જાય છે. એ ડૉક્ટર્સ તેમનું નિદાન કરીને બ્રેસ્ટ-રિડક્શન સર્જરીની સલાહ આપે છે ત્યારે તેઓ આ સ્ટેજ સુધી પહોંચે છે.’

ઍડ્વાન્સ્ડ ટેક્નૉલૉજી
પુરુષોમાં ગાયનેકોપ્લાસ્ટી અને મહિલાઓમાં મૅમોપ્લાસ્ટી સર્જરી વધુ થઈ રહી છે. આ સંદર્ભે ટેક્નૉલૉજીમાં આવેલા ઍડ્વાન્સમેન્ટની વાત કરતાં ડૉ. વિરલ કહે છે, ‘ટીનેજર્સમાં આ સર્જરીનું પ્રમાણ વધવાનું કારણ ટેક્નૉલૉજી છે. હું બાવીસ વર્ષ પહેલાં જ્યારે આ સર્જરી શીખ્યો ત્યારે એમાં બ્રેસ્ટની બધી જ મિલ્ક ડક્ટ એટલે કે સ્તનમાં આવેલી એકદમ પાતળી ટ્યુબ જે મિલ્કને નિપલ સુધી પહોંચાડે છે એને દૂર કરી દેવામાં આવતી. આથી યંગ વુમનને એ સર્જરીની સલાહ ન આપવામાં આવે અને કોઈ પણ સર્જરીની નાની-મોટી સાઇડ-ઇફેક્ટ તો થાય જ. મૉડર્ન ટેક્નૉલૉજીના કારણે હવે મિલ્ક ડક્ટ દૂર કરવાની જરૂર જ નથી અને અત્યારે જેમને પણ પ્રૉબ્લેમ હોય તેઓ પોતે રિસર્ચ કરે અને માહિતી વાંચીને નિર્ણય લે. પહેલાંની સરખામણીએ સર્જરીમાં અત્યારે કૉમ્પ્લીકેશન બહુ જ ઓછાંથી લગભગ નહીંવત્ થઈ ગયાં છે. એક કે બે ટકાની સર્જરીમાં કદાચ જ કોઈ પ્રૉબ્લેમ આવે તો આવે.’

અમેરિકાની નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનની વેબસાઇટની માહિતી મૅમોપ્લાસ્ટી અને બ્રેસ્ટ-કૅન્સર વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડે છે. એ મુજબ મૅમોપ્લાસ્ટીના પેશન્ટમાં બ્રેસ્ટ-કૅન્સરની સંભાવનામાં વધારો થતો નથી, પરંતુ એનાથી વિપરીત મૅમોપ્લાસ્ટીના પેશન્ટમાં બ્રેસ્ટ-કૅન્સરની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. આજના યંગસ્ટર્સને સારા પણ દેખાવું છે અને હેલ્ધી પણ રહેવું છે. કેટલાય ડૉક્ટર્સના મત મુજબ આપણે વેસ્ટર્ન સ્ટાઇલનું ડ્રેસિંગ શરૂ કર્યું, ત્યાર બાદ શરીરના બાહ્ય દેખાવ પર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું. ભારતીય મહિલાઓ સાડી પહેરતી ત્યારે તેનાં શરીરનાં અંગો ઢંકાઈ જતાં. આજે જ્યારે ટી-શર્ટ અને ડ્રેસિસ પહેરે ત્યારે તેઓ પોતાની છાતી ખરાબ ન દેખાય એનું ખાસ ધ્યાન રાખવા લાગી છે.

સેલિબ્રિટીઝ પણ સ્વીકારશે ક્યારેક
આપણી સેલિબ્રિટીઝ રાઇનોપ્લાસ્ટી (નાકની પ્લાસ્ટિક સર્જરી), લિપ ઑગ્મેન્ટેશન (હોઠને મોટા બનાવવાની સર્જરી) અને લિપોસક્શન સર્જરી વિશે વાત કરે છે; કારણ કે એમાં સંકુચિતતા નથી. તાજેતરમાં જ રાજકુમાર રાવ જેવા નૅશનલ અવૉર્ડ વિનરે ચિનમાં (દાઢીમાં) ફિલર કરાવ્યું (એટલે કે એવી પ્રોસીજર જેમાં જૉ લાઇન શાર્પ દેખાય) ત્યારે લોકોને વિશ્વાસ જ ન થયો. પણ આ ઍક્ટરે એ વાતનો સ્વીકાર કરી પોતાના લુક માટે ખુશી વ્યક્ત કરી. શ્રીદેવી અને શિલ્પા શેટ્ટી તેમની નાકની સર્જરી માટે જાણીતાં છે. અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા, કૅટરિના કૈફ જેવી સેલિબ્રિટીના ચહેરા પર ફુલર લિપ સર્જરી દેખાઈ આવે અને એ લોકો છુપાવવાની કોશિશ પણ નથી કરતા. પરંતુ બ્રેસ્ટ-રિડક્શન સર્જરી પર કોઈ મેલ કે ફીમેલ સેલિબ્રિટી વાત કરે એ માટે કદાચ હજી દાયકાઓ લાગી જશે. જ્યારે હૉલીવુડ સેલિબ્રિટીઝ પોતાની હેલ્થ અને બ્રેસ્ટ-સાઇઝ પર જાગૃતિ લાવવાનું કામ કરી રહી છે. હૉલીવુડ ઍક્ટ્રેસ ડ્રુ બૅરિમૂરે તેની ટીનેજમાં બ્રેસ્ટ-રિડક્શન સર્જરી કરાવી હતી. તેની જેમ જ અમેરિકન સિરીઝ ‘મૉડર્ન ફૅમિલી’ દ્વારા જાણીતી થયેલી ૨૬ વર્ષની ઍક્ટ્રેસ એરિયલ વિન્ટરે ૧૭ વર્ષની ઉંમરે બ્રેસ્ટ- રિડક્શન સર્જરી કરાવવી પડી એ વાત તે લોકોને જાહેરમાં કહે છે. હૉલીવુડની સેલિબ્રિટીઝ બ્રેસ્ટ- રિડક્શન સર્જરીની અપડેટ ઇન્સ્ટા અને સોશ્યલ મીડિયા પર શૅર કરે છે. વધુમાં પશ્ચિમી દેશોમાં આ સર્જરીના આંકડાઓ અને રિસર્ચ પેપર મળી રહે છે, જ્યારે આપણી પાસે એ નંબરનું ડૉક્યુમેન્ટેશન કરતી કોઈ સિસ્ટમ નથી.  

બ્રેસ્ટને લગતી સર્જરી વિશે ટૂંકમાં સમજો
પુરુષોમાં ગાયનેકોમાસ્ટીઆ અને મહિલાઓમાં મૅમોપ્લાસ્ટી નામની સર્જરી હોય છે. આ બન્ને સર્જરીમાં ભારે છાતીમાંથી વધારાની ફૅટ કે બિનજરૂરી ટિશ્યુ દૂર કરી દેવામાં આવે છે. મહિલાઓમાં મૅમોપ્લાસ્ટી બે-ત્રણ પ્રકારે થાય છે. બ્રેસ્ટ-ઑગ્મેન્ટેશન અને બ્રેસ્ટ-રિડક્શન. બ્રેસ્ટ-ઑગ્મેન્ટેશનમાં મહિલાનાં સ્તનને સુંદર બનાવવા માટે એમાં સિલિકૉન જેવા મટીરિયલનો ઉપયોગ કરીને સુડોળ બનાવવામાં આવે છે, જ્યારે રિડક્શનમાં મોટાં સ્તનને શરીરના કદ અનુસાર યોગ્ય શેપમાં લાવવામાં આવે છે. એમાં બ્રેસ્ટ-લિફ્ટમાં સ્તન જો ઢળી ગયાં હોય તો એમાંથી બિનજરૂરી ટિશ્યુ દૂર કરીને સમસ્યા દૂર કરવામાં આવે છે.

columnists life and style health tips