ગળું સતત ખોંખારવું પડે છે. એનું શું કારણ હોઈ શકે?

26 July, 2022 02:40 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

તમને ગળાનો જે પ્રૉબ્લેમ છે એ ઍસિડિટીને કારણે થયો હોય એમ બને

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૩૮ વર્ષ છે અને છેલ્લા ચાર મહિનાથી મને ગળામાં સતત ઇરિટેશન રહે છે. ગળું સતત ખંખેર્યાં જ કરવું પડે એમ લાગે. ક્યારેક કફ જમા થઈ જતો હોય એમ પણ લાગે છે. ડૉક્ટરને આ થવાનું કોઈ કારણ જ સમજાતું નથી. ENT સર્જ્યન પાસે ગઈ તો તેઓ કહે છે કે મારા ગળામાં કોઈ જ તકલીફ નથી, પરંતુ મને તકલીફ છે. મેં દવાઓ પણ ખાધી. કંઠીલ ચગળી લઉં તો ઠીક લાગે, પણ એ કાયમી ઉપાય નથી. થોડા સમયથી ઑફિસમાં કામ ખૂબ રહે છે. બહારનું ખાવાનું માફક ન આવતાં તરત ઍસિડિટી થઈ જાય છે. ઍન્ટૅસિડ સિવાય હું બીજી કોઈ દવા લેતી નથી. મીટિંગમાં પ્રેઝન્ટેશન વખતે ગળું ખંખેર્યા કરવાનું ખૂબ ખરાબ લાગે છે. 

તમારો પ્રૉબ્લેમ ઘણો જ સામાન્ય છે. આજકાલ જુદા પ્રકારની લાઇફસ્ટાઇલને લીધે ઍસિડિટી એક સામાન્ય સમસ્યા છે. ખોટું ખાનપાન, અપૂરતી ઊંઘ અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓને કારણે શહેરી જીવન જીવતા આપણે બધા સામાન્ય ઍસિડિટીનો ભોગ બનીએ છીએ. ઘણી વાર એવું પણ થાય છે કે ઍસિડિટી એટલી નૉર્મલ થઈ જાય છે કે વ્યક્તિને રિયલાઇઝ પણ થતું નથી કે તેને ઍસિડિટી છે. તમને ગળાનો જે પ્રૉબ્લેમ છે એ ઍસિડિટીને કારણે થયો હોય એમ બને. જ્યારે વ્યક્તિને ઍસિડ બનતું હોય ત્યારે એ અન્નનળી મારફત ઉપરની તરફ આવે છે, જેને ઍસિડ રિફ્લક્સ કહેવાય છે. સામાન્ય રીતે ખાટા ઓડકાર કે ઘચરકા આવતા હોય તો ગળામાં જે ખરાબ લાગે એ જ ઍસિડ રિફ્લક્સ છે. પેટના અને અન્નનળીના આ ઍસિડને કારણે ગળાના ટિશ્યુની લાઇનિંગમાં ઇરિટેશન થાય છે, જેને એસોફેગાઇટિસ કહેવાય છે. આ સિવાય વારંવાર ગળાને ખંખેરવાની જરૂર પડવાની સમસ્યા પણ મોટા ભાગે ગૅસ્ટ્રોઇસોફેગલ રિફ્લક્સ ડિસીઝ જેને હોય એના માટે સામાન્ય લક્ષણ છે. ભલે દેખાવમાં ગળાની તકલીફ લાગે છે, પણ છે પેટની તકલીફ એટલે કે પાચનની તકલીફ. શરૂઆતમાં દસેક દિવસનો ઍન્ટૅસિડનો કોર્સ કરીને જુઓ. એનાથી આરામ ચોક્કસ થશે, પરંતુ એ કાયમી સૉલ્યુશન નથી. ઍસિડિટી એક એવી તકલીફ છે જેનું નિવારણ જડથી થવું જોઈએ. કોશિશ કરો કે ઍસિડિટી પાછળનાં કારણોને દૂર કરો અને પાચનને સ્ટ્રૉન્ગ બનાવો જેથી ગળાની તકલીફ વધે નહીં, કારણ કે જ્યારે-જ્યારે તમને ઍસિડિટી રહેશે ત્યારે એ ગળાની તકલીફ પાછી આવવાની સંભાવના રહેશે.

life and style columnists health tips